Pages

Monday, 26 August 2024

આવો આજે “જગતના નાથનું જીવન” જાણીએ

આવો, આજે કૃષ્ણાયન કરીએ.

જે વાંસળી પણ વગાડી જાણે અને આંગળીએ સુદર્શન ચક્ર પણ ફેરવી જાણે, જે રણમેદાન વચ્ચે જગતની પહેલવહેલી મોટિવેશનલ સ્પીચ આપી શકે એ મલ્ટિપર્સનાલિટીના ધણી શ્રીકૃષ્ણ 'ચરૈવેતિ ચરૈવેતિ'ની જેમ ફરતા રહ્યા છે. વિરાટ ફલક પર પથરાયેલા બહુવિધ રંગી શ્રીકૃષ્ણના જીવનને જાણવાનો પ્રયાસ કરીએ.

કૃષ્ણ એટલે પળે પળે દૈવત્વ પ્રગટાવતું સર્વકાલિન બહુઆયામી વ્યક્તિત્વ. સતત પાંચ હજાર કરતા વધું વર્ષોથી હિન્દુ સંસ્કૃતિ અને ભારતીય ઉપખંડ ઉપર અભિનવ આભાને અવિરત પ્રગટાવતી વિરાટ છબી એટલે કૃષ્ણ. અરે ! ભારતીય સંસ્કૃતિ જ નહીં, વિશ્વ આખાને અચંબિત કરનાર “ભગવદ્‌ ગીતા”ના ઉદ્‌ઘોષક એટલે ભગવાન શ્રી કૃષ્ણ. સમયાંતરે વિશ્વના અનેક વિદ્વજનોએ ભગવાન કૃષ્ણને પોતપોતાની રીતે નાણવાનો અને માણવાનો પ્રયત્ન કર્યો છે. વિશ્વના વિદ્વાનો દ્વારા જયારે-જ્યારે કૃષ્ણના ચરિત્રને સમજવાનો પ્રયત્ન થયો છે, ત્યારે-ત્યારે કૃષ્ણ એક નવા જ સ્વરૂપે આપણી સામે આવ્યા છે. એટલે જ કહેવું હોઈ તો કહી શકાય કે કૃષ્ણ સમસ્ત માનવ જગતના મહાનાયક હતા, છે અને રહેશે.

કૃષ્ણ એટલે સર્વોપરિતા. કૃષ્ણ એટલે ખંડ નહીં, અખંડ. કૃષ્ણ એટલે પૂર્ણયોગી-મહાયોગી. પૃથ્વીલોકના જીવનના સમગ્ર સ્વીકારનું પ્રતીક એટલે કૃષ્ણ. સહજ શૂન્યતા અને સ્વધર્મનિષ્ઠાનું આત્યાંતિક પ્રતીક એટલે કૃષ્ણ. કૃષ્ણ એટલે ગુરુ, સખા. કૃષ્ણ એટલે “यदा यदा हि धर्मस्य...”

કૃષ્ણની એકરૂપતા અનેકરૂપી છે. કૃષ્ણને આપણે વિશ્વના મહાન સંગીતકાર કહી શકીએ. વાંસળીના સૂર થકી જીવનમાંગલ્યને રેલાવી સ્વને સહજ રીતે પામવાની અનોખી રીત એટલે કૃષ્ણ. સૂર અને લય જીવનનું આગવું લક્ષણ હોવું જોઈએ એ આપણને કૃષ્ણ પાસેથી શીખવા મળે છે. જન્માષ્ટમીના પાવન પર્વે મધરાતે 'કૃષ્ણજન્મોત્સવ' ઉજવી એની વિભાવનાને સીમિત કરવી આપણને પરવડે એમ નથી. ચંદ્રની ઈચ્છાની આપૂર્તિ માટે મધરાતે પ્રગટવાનું પસંદ કરનાર કૃષ્ણની વિભિન્ન લીલાઓમાંથી આપણા દ્વારા જીવનનું દર્શન કરી શકાય તો જ સાચો કૃષ્ણ જન્મોત્સવ ઉજવ્યો ગણાય.

પ્રસિદ્ધ વાસ્તવવાદી સંત અને આધુનિક આદર્શ સ્વામી સચ્ચિદાનંદજી મહારાજે કૃષ્ણના જીવનદર્શન સંદર્ભે પોતાના સુંદર વિચારો એમના પુસ્તકમાં પ્રગટ કરેલા છે. ભગવાન કૃષ્ણએ બકાસુર નામના રાક્ષસને સંહાર્યાની વાર્તા આપણે સૌ અબાલવૃદ્ધોએ સાંભળી છે. ભગવાને જ્યારે વિરાટકાય બકાસુરને માર્યો હતો, એ પ્રસંગનું વર્ણન, કથાકાર જ્યારે શ્રોતાજનોને સંભળાવે છે, ત્યારે સૌ અહોભાવપૂર્વક શ્રીકૃષ્ણને મનોમન વંદન કરે છે. સ્વામી સચ્ચિદાનંદજી ખૂબ સરસ રીતે આ પ્રસંગને આપણી સન્મુખ મૂકી આપે છે. બક એટલે બગલો. બકાસુર એટલે આપણામાં રહેલો બકવૃત્તિરૂપી રાક્ષસ. બગલો પાણીમાં એક પગે ઊભો રહીને આકાશ સામે એકીટસે જોવાનો ઢોંગ કરતો હોય છે. હકીકતમાં એની નજર પાણીમાની માછલીમાં હોય છે. જેવી માછલી દેખાય કે ધ્યાન ધરીને ઊભો લાગતો બગલો તરાપ મારી માછલીને પકડી લે છે. મનુષ્યજાતિમાં પણ આવી બકવૃત્તિ પડેલી હોય છે. લાગ મળ્યે શિકાર કરવા અને બીજાને ગુમરાહ કરવા આપણે ધ્યાનસ્ત હોવાનો ઢોંગ કરીએ છીએ. આ વૃત્તિ એટલે બકવૃત્તિ. ભગવાન કૃષ્ણએ આવી બકવૃત્તિ પર કાબુ મેળવ્યો હતો. બકવૃત્તિ પરનો વિજય એટલે જ બકાસુર વધ; જે કૃષ્ણએ સહેલાઈથી કર્યો હતો. આપણે પણ આપણી અંદર રહેલી આવી વૃત્તિઓનો સંહાર કરવો પડશે. જો આમ કરી શકાય તો દરેકની અંદર કૃષ્ણનો જન્મ થશે. અને આ કૃષ્ણજન્મ જ સાચો 'કૃષ્ણોત્સવ' કે 'કૃષ્ણ જન્મોત્સવ' બની રહેશે.

કૃષ્ણએ કાળીનાગને નાથ્યાનો પ્રસંગ સાંભળતા જ આપણે રોમાંચિત થઈ જઈએ છીએ. કૃષ્ણની ફેણધારી અને વિષધારી મહાકાય નાગને નાથી એની ફેણ પર નર્તન કરવાની કથા પણ પ્રતીકાત્મક રીતે અને રૂપે આપણે સમજવાનો પ્રયત્ન કરવો રહ્યો. આપણું મન મર્કટ જેવું હોય છે. આપણા આવેગો ઈંદ્રિયગત હોય છે. ઈન્દ્રિયોનો આવેગ જ્યારે પ્રબળ બને છે ત્યારે વધુ વિષેલો બની જાય છે. પછી મન ઈન્દ્રિયોનું ગુલામ બની જાય છે. કૃષ્ણએ આવેગોરૂપી ઝેરીલા ઈન્દ્રિયગત ફણીધર નાગને નાથી સમતા સાથે મનની સ્થિરતા પ્રાપ્ત કરી હતી. ઈન્દ્રિયોના ગુલામ બનવા કરતા ઈન્દ્રિયોને ગુલામ બનાવવી કપરું કાર્ય છે. આ કપરું કાર્ય પાર પાડવું એટલે કાળીનાગનું દમન કરવું.આપણે પણ આપણી અંદર રહેલા બેકાબુ ફણીધરને નાથીને સ્થિરતા સાથેની સુરક્ષાને પામવાની છે. કૃષ્ણના જીવનના એક એક પ્રસંગમાંથી આપણે જીવનનું વિસ્તૃત દર્શન પામવું રહ્યું. આ 'જન્માષ્ટમી'ના પાવન પર્વે જો આપણે આટલું કરી શકીશું તો આપણે સાચો 'કૃષ્ણ જન્મોત્સવ' મનાવ્યો ગણાશે. 

શ્રીકૃષ્ણ મહાન મિત્ર હતા. અર્જુનની દોસ્તી, માર્ગદર્શક મિત્ર તરીકે શ્રીકૃષ્ણએ જીવનભર નિભાવી હતી. એક તબક્કે કૃષ્ણ અર્જુનના સારથિ બન્યા હતા, તો એક તબક્કે એમણે ૪પ મિનિટમાં સાતસો શ્લોકો દ્વારા અર્જુનને યુદ્ધના મેદાનમાં યુગબોધ આપી આંતરજાગૃત કર્યો હતો. દ્રોપદીના સખા તરીકે અને દીનહીન સુદામાના મિત્ર તરીકેના કૃષ્ણના વિવિધ રૂપો આપણા માટે પ્રેરણાસ્રોત સમાન છે.એને જો આપણે આત્મસાત કરી શકીશું તો સાચુકલો 'કૃષ્ણ જન્મોત્સવ' થયો ગણાશે. 

કૃષ્ણએ જ્યારે-જ્યારે પોતાના ભાગે જે ભૂમિકા આવી છે, બખૂબી નિભાવી છે. સખાભાવે એણે દ્રોપદીને ભરસભામાં રક્ષી છે. મિત્રભાવે એણે સારથિપણું કર્યુ છે. પાંડવો માટે પાંચ ગામ માંગવા દુર્યોધનની સભામાં દૂત બની પાંડવોનો પક્ષ રાખ્યો છે. ગોકુળમાં બાળસખાઓને એણે માખણ અને મસ્તીમાં ઝૂમાવ્યા છે. નંદબાબા અને યશોદાના લાડ-પ્યારને એણે બાળ કનૈયા સ્વરૂપે અનહદ અનહદ મેળવ્યા છે. ગોપીઓ સાથેની નટખરાઈ અને અતૂટ પ્રેમની ગાથાઓ ભારતખંડની આબોહવામાં હજુયે મઘમઘે છે. ટૂંકમાં કૃષ્ણ એટલે ક્ષણેક્ષણ જીવવાનું મહાપ્રતીક. જીવનના મહોત્સવને મનાવવાનું ભવ્ય-દિવ્ય પ્રતીક એટલે કૃષ્ણ.

વિશ્વના સર્વશ્રેષ્ઠ યોદ્ધા એટલે કૃષ્ણ. સુદર્શન નામનું અમોધ શસ્ત્ર એમના ભાથામાં હતું. પવિત્ર તાકાતનું પ્રતીક સુદર્શન ચક્ર કૃષ્ણની આંગળીએ શોભાયમાન થતું ત્યારે જગત કૃષ્ણ સામે દંડવત થઈ જતું. કૃષ્ણ એટલે જીવનના બૃહદ જોડાણનું પ્રતીક.

અર્જુન જ્યારે યુદ્ધના મેદાનમાં નાસીપાસ અવસ્થામાં ભયભીત બની કૃષ્ણને પોતે યુદ્ધ નથી કરવા માંગતો એવું કહે છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એને યુદ્ધના મેદાનમા યુગબોધ આપે છે. જગતના સર્વશ્રેષ્ઠ જ્ઞાનનો ધોધ કૃષ્ણ યુદ્ધના મેદાનમાં વહાવે છે. આ ધોધ એટલે “શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા”જ્ઞાનનો અર્ક એટલે ગીતા. ગીતા કર્મયોગની કામના છે. દિગદિગંત સુધી અવિચળ રહેવા સર્જાયેલ ગીતા શ્રી કૃષ્ણની અમૃતવાણીનું અમૃતફળ છે. એનું આચમન જગતના અનેક યોગીઓ, અનેક તપસ્વીઓ અને અનેક વિદ્વાનોએ કર્યુ છે, અને ધન્યતા અનુભવી છે. સાતસો શ્લોકની અમૃતવાણી-જ્ઞાનવાણીનું એકાદ શ્લોકફળ આપણે આત્મસાત કરીશું તો જન્માષ્ટમીનું આ દુન્યવી પર્વ અલૌકિક આનંદના ઉપવનમાં આપણને અવશ્ય લઈ જશે.

કૃષ્ણ આજન્મ અનાસક્ત રહ્યા હતા. અગિયાર વર્ષે એમણે ગોકુળ છોડ્યું. બાલ્યકાળમાં અનેકોનો પ્રેમ મેળવી અચાનક વિખૂટું પડવું સહેલી વાત નથી. ઝાડ-પાન, પશુપક્ષી, ગોપ-ગોપીકાઓ, ગોકુળની માટીની મહેક વગેરે એમ જ મૂકીને ચાલી નીકળેલ શ્રીકૃષ્ણએ ફરી વખત ગોકુળ જોયું નથી. કંસને મારીને કૃષ્ણએ મથુરાનું સામ્રાજ્ય ઉગ્રસેનને સોંપી દીધું હતું. પોતે રાજ્યની કામના નથી કરી. સુદામાના તાંદુલ અને વિદૂરની ભાજી ખાનાર શ્રીકૃષ્ણએ મહાભારત યુદ્ધ વિજય પછી હસ્તિનાપુરની કામના નથી કરી. એ છેક દ્વારિકા જઈને પોતાની રાજધાની વસાવે છે. સોનાની દ્વારિકા કૃષ્ણની મહેનતનું પરિણામ છે. સોનું એટલે સાત્વિકતા. સોનું એટલે શુદ્ધતા. સોનું એટલે પવિત્રતા. સાત્વિક, શુદ્ધ અને પવિત્ર નગરના રાજા બનવું હોય તો શ્રીકૃષ્ણ બનવું પડે. ટૂંકમાં કૃષ્ણ સ્વસ્થ રાજનીતિના પ્રતીકપુરૂષ હતા. 

વિરાટનું દર્શન અને વૈશ્વિક રાસલીલાના સુખને પામવું હોય તો તમારે યશોદા, ગોપીઓ કે નરસૈયો બનવું પડે. કૃષ્ણના પ્રેમને પામવો હોય તો આપણે રાધા અને મીરા બનવું પડે. સાધના રહિત સિદ્ધિના પરમ સ્વામી એટલે કૃષ્ણ. અકર્મના પૂર્ણ પ્રતીક એટલે કૃષ્ણ. કૃષ્ણ એટલે આત્મસુખ. કૃષ્ણ એટલે અનંત સાગરરૂપી ચેતનાનું પ્રતીક.

જન્માષ્ટમીના પર્વ નિમિત્તેનું આપણું દર્શન સ્થૂળ ન રહેતા સુક્ષ્મ બની રહેવું જોઈએ. સાધના વિના સિદ્ધિનું દર્શન જગતના આજ સુધીના ઈતિહાસમાં જો કોઈએ કરાવ્યું હોય તો એ છે એક માત્ર વ્યક્તિત્વ કૃષ્ણ. આ જન્માષ્ટમીએ આપણે કૃષ્ણાયન કરીએ તો કેમ રહે ? કૃષ્ણના ભાવવિશ્વમાં રમમાણ બની એની લીલાઓની પરમચેતનાને પામવાનો પ્રયાસ કરવો એ જ કૃષ્ણાયન. સમગ્ર સંસારસારરૂપ 'શ્રીમદ્દ ભગવદ્દ ગીતા'ના અધ્યાયોને જીવનાના અધ્યાયોમાં પરિવર્તિત કરવાની આવડત કે મહારત હાંસલ કરવાનો પ્રયાસ એટલે કૃષ્ણાયન. સ્વની ખોજમાં નીકળી પડવું એટલે કૃષ્ણાયન.

આવો, આપણે સૌ આત્મજ્ઞાનના અજવાળે કૃષ્ણાયનમ્‌ કરી જીવનના દર્શનને પામવાનો પ્રયત્ન કરીએ. આવો, સાચુકલા 'કૃષ્ણજન્મોત્સવ'ની ઉજવણી કરીએ.

🔸More Articles:-







No comments:

Post a Comment