Pages

Monday, 26 August 2024

દ્વારકાનું હાલનું મંદિર કોણે બંધાવ્યું હતું?


ગુજરાતની પશ્ચિમે આવેલું દ્વારકા નગરની હિંદુ શ્રદ્ધાળુઓ વિશેષ મહત્ત્વ ધરાવે છે અને 'જન્માષ્ટમી'ના તહેવાર દરમિયાન અહીં વિશેષ ભીડ જોવા મળે છે. નગરના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર અહીંનું જગત મંદિર છે.

ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું દ્વારકા શહેર એ હિંદુઓનાં ચાર સૌથી પવિત્ર યાત્રાધામમાંથી એક છે તથા તેનો સમાવેશ 'સપ્ત પુરી'માં થાય છે.

હિંદુઓની માન્યતા પ્રમાણે, આ નગરનું નિર્માણ કૃષ્ણે કરાવ્યું હતું. તેમના દેહાવસાન પછી જળપ્રલય થયો તથા આ નગર પાણીમાં ડૂબી ગયું. તેમના પ્રપૌત્ર વજ્રનાભે દ્વારકામાં તેમના પ્રપિતામહનું પ્રથમ મંદિર બનાવ્યું હોવાની અનુશ્રુતિ છે.

પુરાતત્ત્વવિદોને દ્વારકાના દરિયામાં સંશોધન કરતા ત્યાં બંદર ધમધમતું હોવાના તથા વસાહત હોવાના પુરાવા મળ્યા હતા.

કૃષ્ણ: દ્વારકાધીશથી દેહોત્સર્ગ
હિંદુઓમાં પ્રચલિત માન્યતા પ્રમાણે, મામા કંસને હઠાવીને કૃષ્ણે મથુરામાં યાદવોનું શાસન પ્રસ્થાપિત કર્યું હતું અને તેઓ યાદવકુળના 'સર્વોચ્ચ નેતા' હતા.

કંસના સસરા જરાસંઘ તથા શિશુપાલના વારંવારના હુમલાથી પ્રજાને બચાવવા માટે તેમણે હાલના સૌરાષ્ટ્રમાં અરબી સમુદ્ર પાસે દ્વારકાના નામે નવું શહેર સ્થાપ્યું હતું.

નવું શહેર વસાવ્યું હોવાને કારણે 'દ્વારિકાધીશ' તરીકે ઓળખાયેલા કૃષ્ણે અહીં ધર્મરાજ્યની સ્થાપના કરી હોવાનો હિંદુ શાસ્ત્રોનો મત છે.

હિંદુઓના ધર્મગ્રંથ 'શ્રીમદ્ ભાગવત્ પુરાણ'ના 10મા સ્કંધના (પુરાણનો પેટા ખંડ)ના અલગ-અલગ અધ્યાયમાં નારદ મુનિ તથા કૃષ્ણના બાળમિત્ર સુદામાની નજરે શહેરનું વર્ણન કરવામાં આવ્યું છે.

નવા નગર માટે દરિયાદેવે જગ્યા કરી આપી હતી અને સ્થાપત્યના દેવતા વિશ્વકર્મા દ્વારા તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેના મહેલ સોનાથી મઢેલા હતા અને એમાં 'યદુવંશી' રહેતા હતા.

ઉપરોક્ત ધર્મગ્રંથના વિવરણ પ્રમાણે, કૃષ્ણને અંતરિક્ષમાંથી અમંગળના આગમનનો અણસાર મળી ગયો હતો, એટલે તેમણે મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને શંખોદ્વાર મોકલી દીધાં, જ્યારે તેઓ યાદવ પુરુષો પ્રભાસક્ષેત્રમાં ગયા. જ્યાં તેમણે ધર્મકાર્ય અને દાન-પુણ્ય કર્યાં.

એ પછી શરાબનું સેવન કરવાને કારણે તેમના વચ્ચે હિંસા થઈ અને કૃષ્ણ, બલરામ (કે બલભદ્ર) તથા યાદવપુરુષો મૃત્યુ પામ્યા. સારથિ દારુકે દ્વારકા જઈને કૃષ્ણ-બલરામના પિતા વાસુદેવ તથા રાજા ઉગ્રસેનને યાદવ યૌદ્ધા તથા બંને ભાઈઓનાં મૃત્યુના સમાચાર આપ્યા. જેને સાંભળીને વાસુદેવ, તેમનાં પત્ની દેવકી અને રોહિણી અવસાન પામ્યાં. વિધવાઓ તેમના પતિની ચિતામાં સતી થઈ.

ભારતીય સમાજમાં સદીઓ સુધી પ્રચલિત સતી થવાની આ અમાનુષી પ્રથા પર બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના કાળ દરમિયાન સમાજસુધારક રાજા રામમોહન રૉયના પ્રયાસોથી લૉર્ડ વિલિયમ બૅન્ટિકે ઈ.સ. 1829માં પ્રતિબંધ લાદ્યો હતો.

જોકે, દ્વારકાની માન્યતા પર પાછા ફરીએ તો એ પછી અર્જુને જેનું કોઈ ન હતું, તેવા યાદવોનું પિંડદાન કર્યું તથા બાકીના યદુવંશી સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધોને પોતાની સાથે ઇન્દ્રપ્રસ્થ લઈ ગયા અને ત્યાં તેમને વસાવ્યાં. તેમણે કૃષ્ણના પ્રપૌત્ર (પ્રદ્યુમ્ન તથા તેમના પુત્ર અનિરુદ્ધના પુત્ર) વજ્રનો રાજ્યાભિષેક કરાવ્યો. આગળ જતાં વજ્રનાભે દ્વારકામાં પોતાના વડદાદા કૃષ્ણનું મંદિર બંધાવ્યું હોવાની અનુશ્રુતિ છે.

100ની નોટ પરની રાણકી વાવમાં એક ડોકિયું
સ્વતંત્રતા પછી દેશના હડપ્પા સંસ્કૃતિનાં મોટા ભાગનાં સંશોધનસ્થળ નવગઠિત પાકિસ્તાનને ફાળે ગયાં હતાં એટલે આર્કિયૉલૉજિકલ સરવે ઑફ ઇન્ડિયાએ દેશનાં પ્રાચીનસ્થળોને નવીન નજરથી જોવાનું શરૂ કર્યું. પ્રાચિન લખાણ, ખંડેર, અનુશ્રુતિ તથા ઇમારતોના આધારે નવેસરથી સંશોધન હાથ ધરવામાં આવ્યાં.

જ્યારે પ્રાચીન દ્વારકા વિશે ચર્ચા થઈ, ત્યારે વર્તમાન સમયના દ્વારકા, બેટ દ્વારકા, પ્રભાસ-પાટણ નજીક મૂળ દ્વારકા અને પોરબંદર તથા મિયાણીની વચ્ચે પણ મૂળ દ્વારકા પણ ઊંડાણપૂર્વક સંશોધન માટેનાં દાવેદારસ્થળોમાં સામેલ હતાં.

પૌરાણિક વિવરણો મુજબ દ્વારકાની આજુબાજુ રૈવતક પર્વત આવેલો હતો. હાલની દ્વારકાની આજુબાજુમાં પર્વત આવેલો ન હોવાથી કેટલાક ઇતિહાસકારો અને સંશોધકોમાં વર્તમાન સમયનું દ્વારકા શહેર જ પ્રાચીન નગર હોવા અંગે વાદ રહ્યો હતો.

મૂળ કર્ણાટકના પરંતુ ગુજરાતના પ્રાચીનસ્થળો અને તેમાં પણ દ્વારકા વિશે ઊંડાણપૂર્વક સંશોધન કરનાર શિકારીપુરા આર. રાવ તેમના પુસ્તક 'મરીન આર્કિયૉલૉજી' (પેજ 49-51) ઉપર લખે છે, 'આઠમી કે નવમી સદીથી મહાન સંતો જામનગર (હાલનો દેવભૂમિ દ્વારકા) જિલ્લામાં આવેલી દ્વારકાને જ દ્વારકા માને છે.'

હિંદુ ધર્મના આદિ શંકરાચાર્યે આઠમી સદી દરમિયાન ઉત્તરમાં બદરિકાશ્રમ જ્યોર્તિપીઠ (બદરીનાથ, ઉત્તરાખંડ), પશ્ચિમમાં શારદાપીઠ (દ્વારકા, ગુજરાત), પૂર્વમાં ગોવર્ધનપીઠ (પુરી, ઓડિશા) અને દક્ષિણમાં શ્રૃંગેરી શારદાપીઠમ્ (ચિકમંગલૂર, કર્ણાટક) સ્થાપી.

આ પછી દ્વારકાના ધાર્મિક મહત્ત્વમાં વધારો થયો હતો. તેમણે જ દ્વારકાના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હોવાનું માનવામાં આવે છે, જે પછી અહીં માનવવસાહત સ્થપાઈ હશે.

ડૉ. હસમુખ સાંકળિયાના (ઍક્સ્કેવૅશન ઍટ દ્વારકા, પેજ 29-40, ઝેડ ડી. અંસારી, એમ. ડી. મૅટ) નેતૃત્વમાં દ્વારકાના મંદિરની પાસે એક જગ્યાએ ડેક્કન કૉલેજ દ્વારા ખોદકામ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પૉલિક્રૉમ કરેલી કાચની બંગડીઓ તથા ગ્લૅઝ કરેલાં વાસણ મળી આવ્યાં હતાં, જેને ઇસ્લામિક યુગ સાથે જોડીને જોવામાં આવે છે.

સંશોધકોનું માનવું છે કે 10મી સદી આસપાસ ઓખામંડળના લોકોનો ભૂમધ્ય સમુદ્રના દેશો સાથે દરિયાઈ વેપાર કરતા, જેના કારણે આ ચીજવસ્તુઓ અહીં સુલભ બની હશે.

મધ્યકાળમાં મંદિર
ઈ.સ. 1775થી 1800 આસપાસ બનાવવામાં આવેલાં શ્રીકૃષ્ણના વારિદૂર્ગનું કલ્પના ચિત્ર

ગુજરાતમાં ઇસ્લામિક યુગની શરૂઆત થઈ તે પછી મહમદ બેગડાના સમયમાં દ્વારકા ખંડિત થયું હોવાના લખાણ મળે છે. કૅપ્ટન એચ. વિલ્બરફૉર્સ-બેલ 'ધ હિસ્ટ્રી ઑફ કાઠિયાવાડ'માં (પેજ 83-86) લખે છે કે રા' માંડલિકના પરાજય પછી મહમદ બેગડાનું જૂનાગઢ અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો ઉપર પ્રભુત્વ સ્થપાઈ ગયું હતું. છતાં ઓખામંડળના અમુકવિસ્તાર તેને અધીન હતા.

એવામાં મુલ્લા મહમદ સમરકંદી દરિયાઈ પ્રવાસ ખેડીને સમરકંદ જઈ રહ્યા હતા, ત્યારે ચાંચિયાઓએ તેમનું જહાજ, સામાન અને મહિલાઓને લૂંટી લીધાં તથા બે નાનકડા છોકરા સાથે મુલ્લા સમરકંદીને ઉતારી મૂક્યા.

એ સમયે મહમદ બેગડા સિંધમાં હતા. ભારે મુશ્કેલીઓ વેઠીને મુલ્લા તથા તેમના બે દીકરા ત્યાં પહોંચ્યા અને પોતાની આપવીતી વર્ણવી. આ સાંભળીને બેગડાએ દ્વારકા વિસ્તારમાં ચઢાઈ કરવાનો નિર્ધાર કર્યો.

જ્યારે સુલતાનના આગમન વિશે સ્થાનિકોને માહિતી મળી, ત્યારે તેઓ શંખોદ્વારના કિલ્લામાં ભરાઈ ગયા. દ્વારકાનું સુરક્ષા કરનારું કોઈ ન હતું અને ત્યાંના મંદિરોમાં લૂંટ ચલાવવામાં આવી અને મૂર્તિઓ ખંડિત થઈ.

સુલતાને કિલ્લામાંથી રાજા ભીમરાજને પકડ્યા અને તેમને અમદાવાદ લઈ જવાયા. તેમના શરીરના કટકા કરીને અમદાવાદના અલગ-અલગ દરવાજા ઉપર લટકાવવામાં આવ્યા હોવાનું કૅપ્ટન વિલ્બરફૉર્સ-બેલ તેમના પુસ્તકમાં નોંધે છે.

'ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ'માં (ખંડ-5, સં. રસિકલાલ પરીખ, હરિપ્રસાદ શાસ્ત્રી, 92-93) લખાયું છે કે મુલ્લા સમરકંદીનું જહાજ દખ્ખણથી સમરકંદ જઈ રહ્યું હતું, ત્યારે તેમનું વહાણ તોફાનને કારણે કિનારે તણાઈ આવ્યું હતું અને ચાંચિયાઓએ તેને લૂંટી લીધું. તે સમયે સુલતાન સિંધથી પરત ફરી રહ્યા હતા અને જૂનાગઢમાં હતા. જ્યાં મુલ્લા સમરકંદીએ સુલતાન સમક્ષ રજૂઆત કરી.

મહમદ બેગડાએ શંખોદ્વાર દ્વારકાના કિલ્લાને સર કર્યો અને સમરકંદીના પરિવારજનો તથા અન્ય કેદીઓને મુક્ત કરાવ્યા. ઈ.સ. 1473માં આ વિસ્તાર ઉપર શાસન કરવા માટે મલેક તુગાનની નિમણૂક કરી. દ્વારકાનું નામ 'મુસ્તફાનગર' રાખવામાં આવ્યું.

ફરી નિર્માણ, ફરી ખંડન
અહિલ્યાબાઈ હોલકરે દ્વારકા મંદિરના નિભાવની વ્યવસ્થા કરી હતી.

મધ્યકાલીન યુગમાં અકબરના સમયમાં ફરી એક વખત મંદિર નિર્માણ પામ્યું. એન.એ. આચાર્ય તેમના પુસ્તક 'ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ'માં (પેજ 85) લખે છે કે 'સલ્તનતકાળ દરમિયાન ગુજરાતમાં શૈવની સાથે વૈષ્ણવ સંપ્રદાય પણ પ્રચલિત હતો. દ્વારકા મહત્ત્વનું વૈષ્ણવ તીર્થ મનાતું. સલ્તનતકાળ દરમિયાન ધાર્મિક સંઘર્ષ ચાલતો હોવા છતાં વૈષ્ણવ સંપ્રદાય જીવંત રહ્યો હતો.'

હાલનું દ્વારકાધીશનું જગત મંદિર ગોમતી નદીના કિનારે આવેલું છે. જે નગરનો સૌથી ઊંચાણવાળો વિસ્તાર છે અને થોડા અંતરે જ ગોમતી નદી સાગરને મળે છે.

એ જ પુસ્તકમાં આચાર્ય લખે છે, 'હાલનું મંદિર અકબરના સમયમાં બંધાયું હોવાનું મનાય છે અને તેની ઊભણી (પ્લિન્થ) 12મી સદી આસપાસની છે. આ મંદિરની મુખ્ય પ્રતિમા 12મી સદીમાં ડાકોર તથા 15મી સદીમાં માંગરોળમાં ખસેડાઈ હોવાની અનુશ્રુતિ છે. વલ્લભાચાર્યે લાડવા ગામેથી મેળવવામાં આવેલી દ્વારકાધીશની મૂર્તિને ઈ.સ. 1504માં અહીં પધરાવવામાં આવી હતી. ત્યાર પછી લગભગ એ જ સેવાક્રમ જળવાયેલો રહ્યો છે.'

મંદિરમાં પૂજા તથા યાત્રિકો પાસેથી મળતી આવક અંગે બ્રાહ્મણોના બે સમૂહમાં વિવાદ હતો, જેનું વલ્લભાચાર્યના પુત્રે સમાધાન કરાવ્યું હતું. તેમણે બેટ દ્વારકા ખાતે બેટ દ્વારકાના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.

કલ્યાણરાય જોશીએ 'દ્વારકા' નામથી પુસ્તક (પેજ 13-21) લખ્યું છે. જેમાં તેઓ ઔરંગઝેબના સમયમાં તેના પ્રતિનિધિ નૌરંગખાનના માણસોએ ખંડિત કર્યું હતું, જેની મરામત વૈષ્ણવભક્તોએ કરી હોવાનું નોંધે છે.

તેઓ લખે છે કે મંદિર ક્યારે તથા કોણે બાંધ્યું તેનો કોઈ શિલાલેખ નથી, પરંતુ બીજા માળના શિલાલેખોમાં તળાજા તથા વિસલનગરના સલાટોએ જીર્ણોદ્ધાર કર્યો હોવાનાં લખાણ છે. એક લેખમાં ઈ.સ. 1730માં જીર્ણોદ્ધારનું કામ પૂર્ણ થયું હોવાનું લખાણ છે.

અહિલ્યાબાઈ હોલકરે દેશનાં અન્ય મંદીરોની સાથે દ્વારકાના મંદિરને નિભાવખર્ચ મળી રહે તે માટે પણ વ્યવસ્થા કરી હતી.

'ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ'માં (ખંડ-8, સં. રસિકલાલ પરીખ, હરિપ્રસાદ શાસ્ત્રી, પેજ 81-82) લખે છે: 'આમ તો દ્વારકા તથા ઓખામંડળના વાઘેરો તથા કંપની સરકાર વચ્ચે વર્ષ 1820થી સંઘર્ષ ચાલુ હતો. 1857માં દેશભરમાં ફાટી નીકળેલો જુવાળ ઓખા સુધી પહોંચ્યો હતો. જોધા માણેક તથા તેમના ભત્રીજા મૂળુએ આ ચળવળનું નેતૃત્વનું લીધું હતું.'

'તેમણે ઓખામંડળ વિસ્તારમાંથી ગાયકવાડ તથા અંગ્રેજ શાસનને નાબૂદ કરી દીધું. ઑક્ટોબર-1859માં કર્નલ ડોનોવાનના નેતૃત્વ હેઠળ બ્રિટિશ તથા ગાયકવાડી સેનાએ બેટ દ્વારકા ઉપર જમીન તથા દરિયાઈમાર્ગે આક્રમણ કર્યું. વિગ્રહકારોએ બેટનો કિલ્લો ખાલી કરી દીધો અને દ્વારકા જતા રહ્યા.'

'કર્નલ ડોનોવાનના આદેશ બાદ બેટ દ્વારકાના કિલ્લાને ધ્વસ્ત કરી દેવાયો. બેટનાં મંદિરોને તોડી પડાયાં અને લગભગ ચાર લાખ રૂપિયાનું ઝવેરાત લૂંટી લેવાયું. પછી સંયુક્ત સેનાએ દ્વારકા ઉપર હલ્લો કર્યો. ત્યાંથી પરાજિત થતાં વિગ્રહકારો ગીર તથા બરડાના જંગલમાં ઊતરી ગયા. ડોનોવાનના આદેશથી અંગ્રેજદળોએ દ્વારકામાં પણ મંદિરો તોડી પાડ્યાં અને ત્યાંનું ઝવેરાત લૂંટી લીધું.'

'આથી લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો. કચ્છના રાવ, જામનગરના જામ તથા પોરબંદરના રાણાએ કાઠિયાવાડના પૉલિટિકલ ઍજન્ટ સમક્ષ રજૂઆતો કરી અને વિરોધ કરતા પત્રો લખ્યા. કચ્છ-કાઠિયાવાડના વેપારી અગ્રણીઓએ પણ તેમની નારાજગી વ્યક્ત કરી.'

'22 સપ્ટેમ્બર, 1859ના મુંબઈ સરકારના સચિવે કચ્છના ઉપ-પોલિટિકલ ઍજન્ટને પત્ર લખી સરકાર વતી રાજાઓ તથા મહાજનો સમક્ષ દીલગીરી વ્યક્ત કરવા, મંદિરોને તાત્કાલિક ફરી બાંધવાં તથા ઝવેરાત પરત કરવા આદેશ આપ્યા.'

લગભગ 1867 સુધી અમુક વિપ્લવકારો લડતા રહ્યા, છેવટે જમીન પરત આપીને મોટા ભાગનાઓને મનાવી લેવામાં આવ્યા. ગાયકવાડ સરકાર દ્વારા મંદિરનો નિભાવ તથા વ્યવસ્થાપન થતાં રહ્યાં.

ડૉ. જયંતીલાલ ઠાકર નામના દ્વારકાના સ્થાનિક ઇતિહાસઉત્સાહીના અભ્યાસના આધારે પુણેની ડેક્કન કૉલેજના હસમુખ સાંકળિયા દ્વારા દ્વારકાધીશ મંદિરની પાસે એક જગ્યાએ ખોદકામ કરવામાં આવ્યું હતું, જેમાં મંદિરના ખંડિત અવશેષ મળી આવ્યા હતા. જે સંભવતઃ અહીંના પ્રાચીન મંદિર અથવા તો પરિસરમાં આવેલાં અન્ય કોઈ મંદિરના હશે એવું સંશોધકોનું માનવું છે. (ઍક્સ્કેવૅશન ઍટ દ્વારકા, ઝેડ ડી. અંસારી, એમ. ડી. મૅટ, પેજ 8-40)

ઉપરોક્ત પુસ્તકમાં સાંકળિયા તામ્રપત્રો, અભિલેખો તથા પ્રાચીન સંદર્ભોના આધારે વર્તમાન દ્વારકાની આસપાસ જ પ્રાચીન સમયની દ્વારકા હોવાનું અનુમાન રજૂ કરે છે.

એ પછી એસ. આર. રાવ દ્વારા મંદિરથી થોડે દૂર દરિયામાં સંશોધનકાર્ય હાથ ધરવામાં આવ્યું. સંશોધકોને (મરીન આર્કિયૉલૉજી, એસ.આર. રાવ. પેજ 164-166) ઈસુ પૂર્વે 15મી સદીમાં માનવવસતીના પુરાવા મળ્યા છે.

હિંદુઓનું માનવું છે કે કૌરવો સામની લડાઈ દરમિયાન અર્જુનને યુદ્ધ માટે પ્રેરિત કરવા માટે કુરુક્ષેત્રના રણમેદાનમાં કૃષ્ણે તેમને ઉપદેશ આપ્યો હતો. જે 'શ્રીમદ્દ ભગવત્ ગીતા' તરીકે ઓળખાય છે. દરવર્ષે તેની જયંતી ઉજવવામાં આવે છે. ડિસેમ્બર-2023માં તેની પાંચ હજાર 160મી જયંતી ઉજવાઈ હતી.

જો તેને યથાભૂત તરીકે સ્વીકારવામાં આવે તો પણ મહાભારત કાળ તથા દ્વારકામાં વિજ્ઞાનીઓને મળેલાં પુરાવાની વચ્ચે લગભગ એક હજાર છસ્સો વર્ષનો તફાવત રહે.

No comments:

Post a Comment