Pages

Showing posts with label Business News. Show all posts
Showing posts with label Business News. Show all posts

Thursday, 21 November 2024

દોઢ વર્ષમાં ત્રીજો હુમલો :- અદાણી ગ્રુપ પર USમાં મોટો આરોપ, લાંચ ભારતમાં ઓફર કરી તો કેસ અમેરિકામાં કેમ થયો..?, જાણો એ કેસ, જેણે આખું શેર માર્કેટ હચમચાવ્યું.


વિશ્વના ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર અમેરિકાથી ત્રીજો હુમલો થયો છે. પહેલા બે વખત હિંડનબર્ગ અને હવે SECએ આક્ષેપો કર્યા છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ અને છેતરપિંડીનો પ્લાન બનાવવાનો આરોપ છે. 20 નવેમ્બરના રોજ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ (DOJ)એ આ કથિત છેતરપિંડીમાં અદાણીની ભૂમિકા પર પ્રશ્નો ઉઠાવ્યા છે. DOJના અધિકારીઓએ કહ્યું હતું કે ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી અને અન્ય 7 બિઝનેસ એક્ઝિક્યુટિવ પણ આમાં સામેલ છે. એવો આરોપ છે કે આ લોકોએ સૌર ઊર્જા સંબંધિત સપ્લાય કોન્ટ્રેક્ટ મેળવવા માટે ભારત સરકારના અધિકારીઓને 265 મિલિયન ડોલર (21 અબજ રૂપિયા)થી વધુની લાંચ આપવાનું વચન આપ્યું હતું. ન્યૂયોર્કમાં આ મામલામાં આ લોકો સામે આરોપો ઘડવામાં આવ્યા છે.

નમસ્કાર,

ગૌતમ અદાણી ફરી એકવાર ચર્ચામાં છે. એવો આરોપ છે કે તેમણે ભારતમાં સૌર ઊર્જા પ્રોજેક્ટ્સ માટે કોન્ટ્રેક્ટ લેવા ભારતીય અધિકારીઓને આશરે 2,200 કરોડ (265 મિલિયન ડોલર)ની લાંચની ઓફર કરી હતી. એ પછી અદાણી જૂથે આ પ્રોજેક્ટ્સ માટે અમેરિકન ઈન્વેસ્ટર્સ પાસેથી ફંડ ભેગું કર્યું. એવો પણ આરોપ છે કે અદાણી ગ્રુપે ઈન્વેસ્ટરોને લાંચ અને ભ્રષ્ટાચાર વિશે માહિતી આપી નહોતી. આ પ્રોજેક્ટથી 20 વર્ષમાં અદાણી ગ્રુપને અંદાજે 2 બિલિયન ડોલરનો નફો થવાની અપેક્ષા હતી, જોકે અદાણી જૂથે આ તમામ આરોપો પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે.

આખો બનાવ શું છે?
અમેરિકામાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સહિત 8 લોકો પર અબજો રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે. યુનાઇટેડ સ્ટેટ્સ - ન્યૂયોર્કની એટર્ની ઓફિસનું કહેવું છે કે ભારતમાં સૌર ઊર્જા સંબંધિત કોન્ટ્રેક્ટ મેળવવા માટે અદાણીએ ભારતીય અધિકારીઓને 265 મિલિયન (લગભગ 2200 કરોડ રૂપિયા)ની લાંચ ચૂકવી અથવા ચૂકવવાનો પ્લાન બનાવ્યો હતો. આ સમગ્ર મામલો અદાણી ગ્રુપની કંપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ અને એઝ્યોર પાવર સાથે સંકળાયેલો છે. આ કેસ 24 ઓક્ટોબર 2024ના રોજ ન્યૂયોર્કની ફેડરલ કોર્ટમાં નોંધવામાં આવ્યો હતો. 20 નવેમ્બર 2024એ બુધવારે એની સુનાવણીમાં ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી, વિનીત જૈન, રણજિત ગુપ્તા, સિરિલ કેબનેસ, સૌરભ અગ્રવાલ, દીપક મલ્હોત્રા અને રૂપેશ અગ્રવાલને આરોપી બનાવવામાં આવ્યા છે.

ગૌતમ અદાણી અને સાગર વિરુદ્ધ ધરપકડ વોરંટ પણ જારી કરવામાં આવ્યાં છે. સાગર અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે.

લાંચ ભારતમાં ઓફર કરી તો કેસ અમેરિકામાં કેમ થયો?
SECનો આરોપ છે કે અદાણીએ સૌર ઊર્જા માટે ઈલેક્ટ્રિક સપ્લાય મેળવવા સરકારી અધિકારીઓને જંગી લાંચની ઓફર કરી હતી. જે અધિકારીઓને ઓફર થઈ તેમાં સૌથી વધારે આંધ્રપ્રદેશના અધિકારીઓ હતા. સૌર ઊર્જા પ્રોજેક્ટ ભારતમાં, અદાણી પણ ભારતના, સરકારી અધિકારીઓ પણ ભારતના તો પછી અમેરિકાએ કેમ બાંય ચડાવી? તો એનો જવાબ એ છે કે અદાણીએ સોલર પ્રોજેક્ટ શરૂ કર્યો એમાં અમેરિકન ઈન્વેસ્ટર્સ પાસેથી મોટું ફંડ લીધું. બીજું, મોટું ફંડ લીધા પછી જ્યારે અધિકારીઓને લાંચની ઓફર થઈ ત્યારે આ વાત અદાણીએ ખોટી રીતે રજૂ કર્યાનો આરોપ છે. અદાણી પર લાંચની આ રકમ વસૂલવા માટે અમેરિકન રોકાણકારો અને બેંકો સાથે ખોટું બોલવાનો આરોપ છે. આ કેસ અમેરિકામાં નોંધવામાં આવ્યો હતો, કારણ કે અમેરિકન રોકાણકારોનાં નાણાં પ્રોજેક્ટમાં રોકવામાં આવ્યાં હતાં અને અમેરિકન કાયદા હેઠળ એ પૈસા લાંચ તરીકે આપવા ગુનો છે.

યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશને શું આરોપ મૂક્યો?
યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (US SEC)એ ગૌતમ અદાણી અને સાગર અદાણી અને સિરિલ કેબનેસ પર મોટેપાયે લાંચ આપવાનો પ્લાન ઘડ્યાનો આરોપ મૂક્યો હતો. SECએ ન્યૂયોર્કના પૂર્વીય જિલ્લા માટે યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બે ફરિયાદ દાખલ કરી. SECએ ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી, અદાણી ગ્રીનના બોર્ડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પર આરોપ મૂક્યો. SECની ફરિયાદ મુજબ, ગૌતમ અને સાગર અદાણીએ લાંચની યોજના ઘડી હતી, જેમાં અદાણી ગ્રીન અને એઝ્યોર પાવરને મોટો લાભ થાય.

એવી માર્કેટ પ્રાઇસ મુજબ ઊર્જા ખરીદવાનો પ્લાન બનાવ્યો. આ માટે પોતાની સેફ્ટી રાખવા ભારતીય સરકારી અધિકારીઓને કરોડો ડોલરની લાંચ આપવાનું કથિત રીતે વચન આપવામાં આવ્યું હતું. યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (US SEC)એ એઝ્યોર પાવરના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના ભૂતપૂર્વ સભ્ય સિરિલ કેબનેસ પર કથિત લાંચ યોજનામાં તેમની ભૂમિકા બદલ ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટ (FCPA)ના ઉલ્લંઘનનો આરોપ મૂક્યો હતો. SECની ફરિયાદ મુજબ, કેબનેસે કથિત રીતે યુનાઇટેડ સ્ટેટ્સ અને વિદેશમાં આ પ્રોજેક્ટને આગળ વધારવા માટે લાંચમાં સપોર્ટ કરવાની વાત કરી હતી.

જેની જેની સામે ફરિયાદ થઈ તે કોણ કોણ છે?
👨🏻‍💼 ગૌતમ અદાણી, જે અદાણી ગ્રુપના ચેરમેન છે.
👨🏻‍💼 સાગર અદાણી, ગૌતમ અદાણીના ભત્રીજા અને ગ્રીન એનર્જી લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે.
👨🏻‍💼 વિનીત જૈન, જે અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના CEO છે.
👨🏻‍💼 રણજિત ગુપ્તા, જે એઝ્યોર પાવર ગ્લોબલ લિમિટેડના CEO હતા.
👨🏻‍💼 રૂપેશ અગ્રવાલ, જેણે એક સમયે એઝ્યોર પાવર માટે કામ કર્યું હતું.
👨🏻‍💼 સિરિલ કેબનેસ, જે ઓસ્ટ્રેલિયા અને ફ્રાન્સના નાગરિક છે.
👨🏻‍💼 સૌરભ અગ્રવાલ કેનેડિયન ઇન્વેસ્ટર કંપનીના પૂર્વ કર્મચારી છે.
👨🏻‍💼 દીપક મલ્હોત્રા કેનેડિયન ઇન્વેસ્ટર કંપનીના પૂર્વ કર્મચારી છે.
આ પ્રોજેક્ટથી અદાણીને કેટલો નફો થાત?
આ અંગે અમેરિકન વકીલે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી, વિનીત જૈન અને કંપનીના અન્ય 6 અધિકારીને જવાબદાર ઠેરવ્યા છે. ફરિયાદીઓનું કહેવું છે કે અદાણી જૂથે કથિત રીતે રાજ્યોમાં પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ સાથે સોલર પાવર કોન્ટ્રેક્ટ મેળવવા માટે ભારતીય સરકારી અધિકારીઓને 2,200 કરોડ (265 મિલિયન ડોલર)ની લાંચ આપવાનો સોદો કર્યો હતો. આ લાંચ કથિત રીતે 2020 અને 2024 વચ્ચે આપવામાં આવી હતી. આ હકીકત અમેરિકન બેંકો અને રોકાણકારોથી છુપાવવામાં આવી હતી અને સોલર એનર્જી પ્રોજેક્ટ માટે અબજો ડોલરનું ફંડ ભેગું કરવામાં આવ્યું હતું. અદાણી ગ્રુપે એનર્જી કોન્ટ્રેક્ટ મેળવીને 2 બિલિયન ડોલરનો નફો મેળવવાની આશા રાખી હતી.

અદાણી પર આક્ષેપો થયા એ પ્રોજેક્ટ શું છે?
અમેરિકાના આરોપ મુજબ, ભારતીય ઊર્જા કંપનીના સ્થાપક અને ચેરમેન ગૌતમ અદાણી છે. જ્યારે અદાણી એનર્જી કંપની (અદાણી ગ્રીન એનર્જી)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સાગર અદાણી છે. આ ઉપરાંત એઝ્યોર પાવરના ભૂતપૂર્વ CEO રણજિત ગુપ્તા, એઝ્યોર પાવરના કન્સલ્ટન્ટ રૂપેશ અગ્રવાલ અમેરિકન ઇસ્યુઅર છે.

ભારતીય ઊર્જા કંપની અને અમેરિકન ઇસ્યુઅરે સરકારી માલિકીની સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SECI)ને 12 ગીગાવોટ સોલર પાવર આપવાનો કોન્ટ્રેક્ટ મેળવ્યો હતો, જોકે SECI ભારતમાં સૌર ઊર્જા ખરીદવા માટે ખરીદદારો શોધી શક્યું નહીં. આવી સ્થિતિમાં ખરીદદારો વગર સોદો આગળ વધી શક્યો નહોતો, એટલે બંને કંપનીને ભારે નુકસાનનું જોખમ હતું. દરમિયાન અદાણી ગ્રુપ અને એઝ્યોર પાવરે ભારત સરકારના અધિકારીઓને લાંચ આપવાનો પ્લાન બનાવ્યો હોવાનો આરોપ છે.

અમેરિકન કાયદો શું કહે છે?
લાંચના આરોપોમાં ભારતીય અધિકારીઓનો સમાવેશ થાય છે, એટલે અમેરિકાનો કાયદો એવું કહે છે કે જો ભ્રષ્ટાચારના કેસમાં યુએસ રોકાણકારો અથવા બજારનાં હિતોની ચિંતા હોય તો આવા કેસ કોર્ટમાં ચાલી શકે છે. જે સમયગાળામાં લાંચનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે એ જ સમયગાળા દરમિયાન 2023માં યુએસ સ્થિત શોર્ટસેલર હિંડનબર્ગ રિસર્ચે પણ અદાણી ગ્રુપને લઈને વિવાદાસ્પદ રિપોર્ટ બહાર પાડ્યો હતો. આ રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર સ્ટોક મેનિપ્યુલેશન અને એકાઉન્ટિંગ ફ્રોડનો આરોપ મૂકવામાં આવ્યો હતો, જેના કારણે અદાણી ગ્રુપની માર્કેટ વેલ્યુમાં 150 અબજ ડોલરનું નુકસાન થયું હતું.

લાંચનો મોટો હિસ્સો કયા રાજ્યના અધિકારીઓને મળ્યો?
રાજ્યની વીજ વિતરણ કંપનીઓને સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SECI) સાથે વીજપુરવઠાનો કરાર કરવા માટે તૈયાર કરવાની જવાબદારી સરકારી અધિકારીઓની રહેશે એવું નક્કી કરવામાં આવ્યું હતું. આરોપ છે કે તેણે ભારતીય અધિકારીઓને લગભગ 265 મિલિયન ડોલરની લાંચ આપવાનું વચન આપ્યું હતું, જેનો મોટો ભાગ આંધ્રપ્રદેશના અધિકારીઓને આપવામાં આવ્યો હતો.

આ પછી કેટલાંક રાજ્યોની વીજ કંપનીઓ સંમત થઈ અને બંને કંપની પાસેથી સૌર ઊર્જા ખરીદવા માટે SECI સાથે કરાર કર્યો. આરોપ છે કે ભારતીય ઊર્જા કંપની અને અમેરિકન ઇસ્યુઅરે સંયુક્ત રીતે લાંચ આપી હતી. એટલું જ નહીં, તેમની સંડોવણી છુપાવવા માટે કોડ નેમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઉદાહરણ તરીકે, ગૌતમ અદાણીને 'ન્યૂમેરો યુનો' અથવા 'ધ બિગ મેન' કહેવામાં આવતા હતા. બધું કોમ્યુનિકેશન એન્ક્રિપ્ટેડ મેસેજિંગ દ્વારા કરવામાં આવ્યું. આ બે કંપનીએ અમેરિકન બેંકો અને રોકાણકારો પાસેથી 175 મિલિયન ડોલરથી વધુ ભેગા કર્યા હોવાના અહેવાલ છે.

શું અદાણી પોતે સરકારી અધિકારીઓને મળ્યા હતા?
ફરિયાદમાં જેના નામ છે તે રણજિત ગુપ્તા 2019-2022 સુધી એઝ્યોર પાવરના CEO હતા. રૂપેશ અગ્રવાલે 2022-2023 દરમિયાન ચાર્જ સંભાળ્યો હતો. પ્રોજેક્ટ સાથે સંકળાયેલા કેટલાક અધિકારીઓને રાજીનામાં આપવા માટે કહેવામાં આવ્યું હતું. લાંચ કેવી રીતે ચૂકવવામાં આવશે એ નક્કી કરવા માટે ઘણી મિટિંગ થઈ હતી, જેથી કોઈને ખબર ન પડે. ઓપ્શન તરીકે પ્રોજેક્ટના કેટલાક ભાગોની ટ્રાન્સફર અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. એવું પણ કહેવાય છે કે ગૌતમ અદાણી કથિત રીતે આ મામલે સરકારી અધિકારીઓને વ્યક્તિગત રીતે મળ્યા હતા.

હાલમાં યુએસ સત્તાવાળાઓ તપાસ કરી રહ્યા છે કે શું અદાણી ગ્રુપે તેના પોતાના ફાયદા માટે લાંચ આપવાનો પ્રયાસ કર્યો હતો? અને શું તેણે ઊર્જા કરાર મેળવવા માટે ભારત સરકારના અધિકારીઓને ખોટી રીતે ચુકવણી કરી હતી? એક રિપોર્ટ અનુસાર, આ પ્રકરણમાં યુએસ કોર્ટમાં સુનાવણી બાદ ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યા છે.

અદાણી ગ્રુપે શું સ્પષ્ટતા કરી?
આ વિવાદ થયા પછી અદાણી ગ્રુપે સ્ટેટમેન્ટ બહાર પાડ્યું છે. એમાં અદાણી ગ્રુપે કહ્યું છે કે આ આરોપો પાયાવિહોણા છે, જોકે આ માત્ર આરોપો છે. જ્યાં સુધી આરોપી દોષિત સાબિત ન થાય ત્યાં સુધી તેને નિર્દોષ ગણવામાં આવે છે. આ કેસમાં તમામ સંભવિત કાયદાકીય પગલાં લેવામાં આવશે. અદાણી ગ્રુપે હંમેશાં તમામ ક્ષેત્રોમાં પારદર્શિતા અને નિયમનકારી નિયમોનું પાલન જાળવી રાખ્યું છે અને એ ચાલુ રાખશે. અમારા ગ્રુપની કંપનીઓમાં કામ કરતા અમારા શેરધારકો, ભાગીદારો અને કર્મચારીઓને ખાતરી આપીએ છીએ કે અમે કાયદાનું પાલન કરતી સંસ્થા છીએ.

અદાણી જૂથે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને એસઇસીએ અમારા બોર્ડના સભ્યો ગૌતમ અદાણી અને સાગર અદાણી વિરુદ્ધ ન્યૂયોર્કના પૂર્વી જિલ્લાની યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આરોપો દાખલ કર્યા છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે અમારા બોર્ડ મેમ્બર વિનીત જૈનનો પણ સમાવેશ કર્યો છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને અમારી પેટાકંપનીઓએ એ સમય માટે સૂચિત યુએસડી ડિનોમિનેટેડ બોન્ડ ઓફરિંગ સાથે આગળ ન વધવાનું નક્કી કર્યું છે. બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર, અમેરિકાના આરોપો બાદ અદાણી ગ્રુપની કંપનીઓએ 600 મિલિયન ડોલરનાં બોન્ડ્સ રદ કર્યાં છે.

અદાણી આ પહેલાં બે વિવાદમાં ફસાઈ ચૂક્યા છે.
1️⃣ પહેલો વિવાદ: જાન્યુઆરી 2023ની વાત છે. ગૌતમ અદાણીની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝે 20,000 કરોડની ફોલો-ઓન જાહેર ઓફરની જાહેરાત કરી હતી. આ ઓફર 27 જાન્યુઆરી, 2023ના રોજ ખૂલવાની હતી, પરંતુ એ પહેલાં જ 24 જાન્યુઆરી, 2023ના રોજ હિંડનબર્ગ રિસર્ચે એક રિપોર્ટ બહાર પાડ્યો હતો, જેમાં અદાણી ગ્રુપ પર મની લોન્ડરિંગ અને શેરની હેરાફેરીનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
2️⃣ બીજો વિવાદ: ઓગસ્ટ 2024એ હિંડનબર્ગનો બીજો રિપોર્ટ આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે સેબીનાં ચેરપર્સન માધવી પુરી બૂચની ઓફશોર કંપનીઓમાં ભાગીદારી હતી, જે કંપનીઓનો ઉપયોગ અદાણી ગ્રુપની કથિત નાણાકીય ગેરરીતિમાં થયો હતો. તેમ છતાં સેબીએ અદાણીની શેરહોલ્ડર કંપનીઓ પર કોઈ કાર્યવાહી કરી નથી.

હવે વાત કરીએ ભારતના રાજકારણની….
અદાણી ગ્રુપ પર અમેરિકાની SECએ કરેલા આક્ષેપો પછી ભારતનું રાજકારણ ગરમાયું છે અને વિપક્ષોએ ભાજપને શિંગડાં ભરાવવાનું શરૂ કર્યું છે.

👨‍💼 રાહુલ ગાંધી: અદાણીને કંઈ થવાનું નથી. વડાપ્રધાન કંઈ કરી શકતા નથી, કારણ કે પીએમ મોદી તેમના દબાણમાં છે. જો મોદી કાંઈપણ કરશે તો (મોદી) પણ જશે. અદાણીએ દેશને હાઇજેક કર્યો છે. અદાણી ભાજપને ફંડ આપે છે.

👨‍💼 જયરામ રમેશ, કોંગ્રેસ નેતાઃ SEC તરફથી ગૌતમ અદાણી અને અન્યો પર આરોપ લાગ્યો છે, તે સાબિત કરે છે કે કોંગ્રેસે જાન્યુઆરી 2023થી અલગ અલગ ગોટાળાની તપાસની માગણી કરી હતી એ યોગ્ય હતી.

👨‍💼 સંજય સિંહ, AAP નેતાઃ અદાણી ગ્રુપે ભારતને બદનામ કર્યું છે. આ બહુ ગંભીર બાબત છે. ભારતના પ્રધાનમંત્રીએ આનો જવાબ આપવો જોઈએ.

છેલ્લે,
માત્ર તમારી જાણ માટે, ગૌતમ અદાણી સામે 2200 કરોડ રૂપિયાની લાંચ આપવાનો આરોપો થયો છે, એ દિવસે એટલે કે એક જ દિવસમાં ગૌતમ અદાણીની 88,700 કરોડની સંપત્તિનું ધોવાણ થઈ ગયું.


🗞️ Related Articles:-





©️ Vats Asodariya


ગૌતમ અદાણીએ વિશ્વમાં પોતાનું સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું?


ફોર્બ્સના ડેટા અનુસાર અદાણી ગ્રૂપના ચૅરમૅન ગૌતમ અદાણી એલવીએમએચ મોટ હૅનેસીના ચૅરમૅન અને સહસંસ્થાપક બર્નાર્ડ આર્નૉલ્ટને પાછળ કરીને દુનિયાની બીજી સૌથી ધનવાન વ્યક્તિ બના ગયા છે.

ફોર્બ્સના રિયલ ટાઇમ બિલિયનર્સ લિસ્ટ અનુસાર શુક્રવારે અદાણી અને તેમના પરિવારની સંપત્તિ 155.4 અબજ ડૉલર જેટલી હતી જ્યારે આર્નૉલ્ટની સંપત્તિ 155.2 અબજ ડૉલર હતી.

ડેટા અનુસાર સ્પેસ એક્સ અને ટેસ્લાના સીઈઓ એલન મસ્કની સંપત્તિ 273.5 અબજ ડૉલર હતી. તેઓ દુનિયામાં સૌથી ધનવાન છે. તેમના પછી ગૌતમ અદાણી અને ઍમેઝોનના સંસ્થાપક જેફ બેઝોઝ આવે છે.

હાલમાં જ બ્લૂમબર્ગ બિલિયૉનર ઇન્ડેક્સ મુજબ મૂળ ગુજરાતના બિઝનેસમૅન ગૌતમ અદાણી સંપત્તિ મામલે જેફ બેઝોસ અને બિલ ગેટ્સને પાછળ છોડીને વિશ્વના ત્રીજા ક્રમના સૌથી વધુ ધનિક બન્યા હતા.

બ્લૂમબર્ગ બિલિયૉનર ઇન્ડેક્સ મુજબ તેમની સંપત્તિ 137 અબજ 40 કરોડ જેટલી અંદાજવામાં આવી હતી.

આજે આપણે ગૌતમ અદાણીની બિઝનેસ સફર વિશે વાત કરીશું. જેમાં જાણીશું કે કેવી રીતે તેમણે નાના પાયે શરૂ કરેલા વેપાર થકી વિશ્વમાં સફળતાની નવી ગાથા લખી.

ઈ.સ. 1978ની વાત છે. કૉલેજનો એક નવયુવક ભણવાની સાથે એક સપનું જોઈ રહ્યો હતો. એક દિવસ એણે અચાનક જ કૉલેજનો અભ્યાસ અધવચ્ચેથી છોડી દીધો.

એ નવયુવકની ગણતરી હાલ એશિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાં થવા લાગી છે.

ગૌતમ અદાણીની આ કહાણી છે.

ઘરના કરિયાણાથી માંડીને કોલસાની ખાણ સુધી, રેલવે, ઍરપૉર્ટ, બંદરોથી માંડીને વીજળી ઉત્પન્ન કરવા સુધીના સંખ્યાબંધ કારોબાર એવા છે. જેમાં ગૌતમ અદાણીની મોટી હાજરી છે. ગૌતમ અદાણીની આ સફળતાનું રહસ્ય શું છે? એમની જિંદગી અને વેપારની પ્રવાસયાત્રા કેવી છે?

ગૌતમ અદાણીએ 1978માં પોતાનું કૉલેજ શિક્ષણ અધૂરું મૂકીને મુંબઈના હીરાબજારમાં હાથ અજમાવ્યો હતો.

મીડિયામાં પ્રકાશિત રિપૉર્ટ્સ અનુસાર, ગૌતમ અદાણીએ 1978માં પોતાનું કૉલેજ શિક્ષણ અધૂરું મૂકીને મુંબઈના હીરાબજારમાં હાથ અજમાવ્યો હતો.

પરંતુ, એમની કિસ્મત ચમકવાની શરૂઆત થઈ 1981થી, જ્યારે તેમના મોટાભાઈએ તેમને અમદાવાદ બોલાવ્યા. તેમના ભાઈએ સામાન પૅક કરવા માટેની પ્લાસ્ટિકની એક કંપની ખરીદી હતી, પરંતુ એ બરાબર ચાલતી નહોતી. એ કંપનીને જે કાચો માલ જોઈતો હતો એ પૂરો નહોતો પડતો. જેને એક અવસરમાં પલટતાં અદાણીએ કંડલા પૉર્ટ પર પ્લાસ્ટિક ગ્રૅન્યુઅલ્સની આયાત શરૂ કરી અને 1988માં અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ બની, જેણે ધાતુ, કૃષિ ઉત્પાદનો અને કપડાં જેવી વસ્તુઓનું કૉમોડિટી ટ્રેડિંગ શરૂ કર્યું.

થોડાંક જ વર્ષોમાં એ કંપની અને અદાણી આ ઉદ્યોગનું એક મોટું નામ બની ગયાં.

અદાણી એન્ટરપ્રાઇઝ અનુસાર ઈ.સ. 1994માં બીએસઇ અને એનએસઇમાં કંપનીના શૅર લિસ્ટ થયા હતા. તે વખતે તેમના એક શૅરનો ભાવ 150 રૂપિયા હતો. પરંતુ આ તો માત્ર શરૂઆત હતી.

મુંદ્રા પૉર્ટ
ઈ.સ. 1995માં અદાણી જૂથે મુંદ્રા પૉર્ટનું સંચાલન શરૂ કર્યું.

ઈ.સ. 1995માં અદાણી જૂથે મુંદ્રા પૉર્ટનું સંચાલન શરૂ કર્યું. લગભગ 8 હજાર હૅક્ટરમાં વિસ્તરેલું અદાણીનું મુંદ્રા પૉર્ટ આજે ભારતનું સૌથી મોટું ખાનગી બંદર છે.

મુંદ્રા બંદર પરથી ભારતના લગભગ એક ચતુર્થાંશ માલનું આવાગમન થાય છે. ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કેરળ, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ અને ઓડિશા જેવાં સાત સમુદ્રી રાજ્યોમાં 13 સ્થાનિક બંદરમાં અદાણી ગૂપની હાજરી છે.

એમાં કોલસાથી ચાલનારું વિશાળ ઇલેક્ટ્રિક સ્ટેશન અને વિશેષ આર્થિક ક્ષેત્ર પણ છે.

મુંદ્રા બંદર પર દુનિયામાં કોલસાની સૌથી મોટી માલ ઉતારવાની ક્ષમતા છે. આ બંદર સ્પેશિયલ ઇકૉનૉમિક ઝોન અંતર્ગત બનાવાયું છે, જેનો અર્થ એવો થાય કે, તેની પ્રમોટર કંપનીએ કશો ટૅક્સ ભરવાનો નથી હોતો.

આ ઝોનમાં વીજળી પ્લાન્ટ, ખાનગી રેલવે લાઇન અને ખાનગી ઍરપૉર્ટ પણ છે.

કરિયાણાના સામાનનો વેપાર
આજે દેશમાં સૌથી વધારે વેચાતું ફૉર્ચ્યુન ખાદ્ય તેલ અદાણી-વિલ્મર કંપની જ બનાવે છે.

જાન્યુઆરી 1999માં અદાણી ગ્રૂપે વિલ એગ્રી બિઝનેસ ગ્રૂપ વિલ્મર સાથે સમજૂતી કરીને ખાદ્ય તેલના બિઝનેસમાં પદાર્પણ કર્યું. આજે દેશમાં સૌથી વધારે વેચાતું ફૉર્ચ્યુન ખાદ્ય તેલ અદાણી–વિલ્મર કંપની જ બનાવે છે.

ફૉર્ચ્યુન તેલ ઉપરાંત અદાણી ગૂપ વપરાશની વસ્તુઓના ક્ષેત્રમાં લોટ, ચોખા, દાળ, ખાંડ જેવી સંખ્યાબંધ વસ્તુઓ બનાવે છે.

2005માં અદાણી ગૂપે ભારતીય ખાદ્ય નિગમની સાથે મળીને દેશમાં મોટા મોટા સાઇલોઝ બનાવવાની શરૂઆત કરી. સાઇલોઝમાં મોટા પ્રમાણમાં અનાજનો સંગ્રહ કરવામાં આવે છે.

શરૂઆતમાં 20 વર્ષના કૉન્ટ્રેક્ટ સાથે અદાણી ગ્રૂપે દેશમાં જુદાં જુદાં રાજ્યોમાં સાઇલોઝનું નિર્માણ કર્યું. તેની કનેક્ટિવિટી માટે અદાણી ગ્રૂપે ખાનગી રેલવે લાઇનો પણ બનાવી, જેથી સાઇલોઝ યુનિટથી આખા ભારતમાંનાં વિતરણ કેન્દ્રો સુધી અનાજના પરિવહનને સરળ કરી શકાય.

આજની તારીખે અદાણી એગ્રી લૉજિસ્ટિક્સ લિમિટેડ દેશમાં ભારતીય ખાદ્ય નિગમ અને મધ્ય પ્રદેશ સરકારના અનાજને પોતાના સાઇલોઝમાં રાખે છે. એમાં ભારતીય ખાદ્ય નિગમના 5.75 લાખ મૅટ્રિક ટન અને મધ્ય પ્રદેશ સરકારના 3 લાખ મૅટ્રિક ટન અનાજનો સમાવેશ થાય છે.

કોલસાની ખાણો
ફૉર્ચ્યુન ઇન્ડિયા મૅગેઝિન અનુસાર, ઈ.સ. 2010માં અદાણીએ ઑસ્ટ્રેલિયાની લિંક એનર્જી પાસેથી 12,147 કરોડમાં કોલસાની ખાણ ખરીદી હતી.

ફૉર્ચ્યુન ઇન્ડિયા મૅગેઝિન અનુસાર, ઈ.સ. 2010માં અદાણીએ ઑસ્ટ્રેલિયાની લિંક એનર્જી પાસેથી 12,147 કરોડમાં કોલસાની ખાણ ખરીદી હતી. ગેલી બેસ્ટ ક્વિન આયર્લૅન્ડમાંની આ ખાણમાં 7.8 બિલિયન ટનનો ખનિજ ભંડાર છે, જેમાંથી દર વર્ષે 60 મિલિયન ટન કોલસો મેળવી શકાય છે.

ઇન્ડોનેશિયામાં તેલ, ગૅસ અને કોલસા જેવાં પ્રાકૃતિક સંસાધનો ખૂબ જ પ્રમાણમાં છે, પરંતુ આધારભૂત સગવડોના અભાવના લીધે આ સંસાધનોનો પૂરતા પ્રમાણમાં લાભ લેવો અશક્ય હતો.

2010માં અદાણી ગ્રૂપે ઇન્ડોનેશિયાના દક્ષિણી સુમાત્રાથી કોલસાના પરિવહન માટે દોઢ અબજ ડૉલરના મૂડીરોકાણની જાહેરાત કરી હતી. એ માટે દક્ષિણી સુમાત્રામાં બનનારી રેલ પરિયોજના માટે ત્યાંની પ્રાંતીય સરકાર સાથે સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

એ સમયે ઇન્ડોનેશિયા નિવેશ બોર્ડે એની માહિતી આપતાં કહેલું કે, અદાણી જૂથ પાંચ કરોડ ટનની ક્ષમતા ધરાવતા એક કોલ હૅન્ડલિંગ પૉર્ટનું નિર્માણ કરશે અને દક્ષિણી સુમાત્રા દ્વિપની કોલસાની ખાણોમાંથી કોલસો બહાર કાઢવા માટે 250 કિલોમીટરની રેલવે લાઇન પાથરશે.

વેપારનો વિસ્તાર
અદાણી સામ્રાજ્યનો કારોબાર 2002માં 76.5 કરોડ ડૉલર હતો, જે વધીને 2014માં 10 અબજ ડૉલરનો થઈ ગયો હતો.

.સ. 2015 પછી અદાણી જૂથે સૈન્યને સુરક્ષા સંબંધી સામગ્રીનો પુરવઠો પૂરો પાડવાનું કામ પણ શરૂ કર્યું. થોડા સમય પછી પ્રાકૃતિક ગૅસના ક્ષેત્રમાં બિઝનેસ આગળ ધપાવ્યો. 2017માં સોલાર પીવી પૅનલ બનાવવાનું શરૂ કર્યું.

2019માં અદાણી જૂથે ઍરપૉર્ટના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. અમદાવાદ, લખનઉ, મંગલુરુ, જયપુર, ગુવાહાટી અને તિરુવનંતપુરમ્ એ છ ઍરપૉર્ટના આધુનિકીકરણ અને સંચાલનની જવાબદારી અદાણી જૂથ પાસે છે. અદાણી જૂથ 50 વર્ષ સુધી આ છ ઍરપૉર્ટનું સંચાલન, વહીવટ અને વિકાસનું કામ સંભાળશે.

ગૌતમ અદાણીના નેતૃત્વવાળા અદાણી ગ્રૂપની મુંબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ લિમિટેડમાં 74 ટકા ભાગીદારી છે. મુંબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ દિલ્હી પછી દેશનું સૌથી મોટું એરપૉર્ટ છે.

અદાણી સાથે સંકળાયેલા વિવાદ
ઑસ્ટ્રેલિયામાં અદાણીનો વિરોધ

અદાણી જૂથને ભારતના સૌથી મોટા બંદર મુંદ્રા માટે કોડીઓના ભાવે જમીન આપવાનો ગુજરાત સરકાર પર આરોપ મુકાતો રહ્યો છે.

2010ના ફેબ્રુઆરી મહિનામાં અદાણીના ભાઈ રાજેશ અદાણીની કથિત રીતે કસ્ટમ ડ્યૂટી ચોરીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તેઓ અદાણી ગ્રૂપના વહીવટી નિર્દેશક છે.

2014માં ઑસ્ટ્રેલિયાની ફેરફૅક્સ મીડિયાએ ઇન્વેસ્ટિગેટિવ રિપૉર્ટ તૈયાર કર્યો હતો. ફેરફૅક્સ મીડિયાએ ગુજરાતમાં બની રહેલા લક્ઝુરી હાઉસિંગ પ્રોજેક્ટમાં કામ કરતા 6 હજાર મજૂરોની દયનીય હાલત વિશે રિપૉર્ટ છાપ્યો હતો. રિપૉર્ટમાં મજૂરોની કથિત દયનીય સ્થિતિ માટે અદાણી જૂથને જવાબદાર ઠરાવાયું હતું. એ મજૂરો અદાણી જૂથ માટે કામ કરતા ઠેકેદારોએ રાખ્યા હતા. જોકે, અદાણી ગ્રૂપનું કહેવું હતું કે એમણે કાયદાનો ભંગ નથી કર્યો.

વીજળીના ઉત્પાદન માટે ઉપયોગી ઉપકરણોની આયાતની કિંમતને કથિત રીતે લગભગ 1 અબજ ડૉલર વધારીને રજૂ કરવા સબબ મે 2014માં સરકારી અધિકારીઓએ નોટિસ જારી કરી હતી.

ઉત્તર ઑસ્ટ્રેલિયાના ક્વિન્સલૅન્ડ રાજ્યમાં કાર્માઇકલ કોલસાની ખાણ છે. ત્યાં અદાણીની કંપનીને કોલસાખનનની મંજૂરી મળી છે. એ બાબતે અદાણી ગૂપને ઘણા વિરોધનો સામનો કરવો પડે છે.

મોદી સાથેના સંબંધો
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગૌતમ અદાણીના નજીકના સંબંધો ઈ.સ. 2002થી જ દેખાવા લાગ્યા હતા, જ્યારે તેઓ ગુજરાતના મુખ્ય મંત્રી હતા.

ગુજરાતમાં ત્યારે સાંપ્રદાયિક તોફાનો થયેલાં, એના પછી ઉદ્યોગજગતની સંસ્થા કન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રિઝ (સીઆઇઆઇ) સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓએ એ સમયે પરિસ્થિતિ પર કાબૂ મેળવવામાં ઢીલ કરવા બદલ મોદીની ટીકા પણ કરી હતી.

બીજી તરફ, મોદી રોકાણકારો સમક્ષ ગુજરાતને રોકાણની ઉત્તમ જગ્યારૂપે પ્રસ્તુત કરવાના પ્રયાસો કરતા હતા. એમાં ગૌતમ અદાણીએ ગુજરાતના અન્ય ઉદ્યોગપતિઓને મોદીના પક્ષમાં કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. એમણે સીઆઇઆઇની સમાંતર એક અન્ય સંસ્થા ઊભી કરવાની ચેતવણી પણ આપી હતી.

માર્ચ 2013માં અમેરિકાના વ્હાર્ટન સ્કૂલ ઑફ બિઝનેસના એક કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીને મુખ્ય વક્તા તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું. શિક્ષકો અને વિદ્યાર્થીઓના વિરોધ પછી નરેન્દ્ર મોદીને મુખ્ય વક્તાપદેથી હઠાવી દેવાયા હતા.

ત્યારે આ આયોજનના મુખ્ય પ્રાયોજકોમાંના એક અદાણી ગ્રૂપે આર્થિક સહાય પાછી ખેંચી લીધી હતી.

ગૌતમ અદાણી સામે અમેરિકામાં કેસ, છેતરપિંડી કરવા અને લાંચ આપવાના આરોપ, શું છે સમગ્ર મામલો?

ગૌતમ અદાણી ભારત સહિત એશિયાના ટોચના ધનિકોમાંથી એક.

ભારતીય અબજોપતિ ગૌતમ અદાણીની સામે અમેરિકામાં છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો છે.

તેમના પર આરોપ છે કે તેમણે અમેરિકામાંથી નાણાં ઊભા કરવા માટે 250 મિલિયન ડૉલરની (અંદાજે રૂ. બે હજાર 100 કરોડ) લાંચ આપવાની તૈયારી દાખવી અને તેને છુપાવી.

બુધવારે ન્યૂ યૉર્કની કોર્ટમાં મૂકાયેલો આ આરોપ, ભારતની સૌથી અમીર વ્યક્તિઓમાંથી એક ગૌતમ અદાણી માટે એક મોટા ઝટકા સમાન હતો.

અદાણીના વેપારનું સામ્રાજ્ય પૉર્ટ્સ, ઍરપૉર્ટ અને રિન્યુએબલ ઍનર્જીના ક્ષેત્રમાં વિકસેલું છે.

અમેરિકાની કોર્ટમાં મૂકાયેલા તોહતનામામાં સરકારી પક્ષે આરોપ મૂક્યો છે કે ઉદ્યોગપતિ અને તેમના વરિષ્ઠ અધિકારીઓએ તેમની રિન્યુએબલ ઍનર્જી કંપનીને કૉન્ટ્રેક્ટ અપાવવા માટે ભારતીય અધિકારીઓને લાંચ ચૂકવવા રાજી હતા.

કંપનીને અપેક્ષા હતી કે આ કૉન્ટ્રેક્ટથી આગામી 20 વર્ષમાં બે બિલિયન ડૉલરથી વધુનો નફો કંપનીને થશે.

અદાણી જૂથે આ મામલે પ્રતિક્રિયાની વિનંતી છતાં હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી.

અદાણી પરના આરોપનામામાં શું છે?
ગૌતમ અદાણી ઉપરના તાજેતરના આરોપો ઉપર શેરબજાર અને રોકાણકારો કેવી પ્રતિક્રિયા આપે છે, તેની ઉપર નજર રહેશે.

અમેરિકાની એક કંપનીએ 2023માં અદાણી જૂથ પર છેતરપિંડીનો આરોપ મૂકતો અહેવાલ પ્રકાશિત કર્યો હતો ત્યારથી અદાણી જૂથ અમેરિકામાં શંકાના દાયરામાં છે. ગૌતમ અદાણીએ કંપની દ્વારા કરવામાં આવેલા આરોપોને નકારી કાઢ્યા હતા. એ ટૂંકાગાળા દરમિયાન અદાણી જૂથની કંપનીના શૅરોમાં ભારે વેચાવલી થઈ હતી.

આ લાંચની તપાસનો અહેવાલ મહિનાઓ સુધી ફરતો રહ્યો હતો. સરકારી પક્ષનું કહેવું છે કે અમેરિકાએ 2022માં કંપનીની તપાસ કરવાનું શરૂ કર્યું હતું અને તપાસમાં અડચણ જોવા મળી હતી.

તેમની પર આરોપ છે કે કંપનીએ લાંચવિરોધી પદ્ધતિઓ અને પૉલિસીને લઈને ખોટા અને ગેરમાર્ગે દોરનારાં નિવેદનો આપીને લોન અને બૉન્ડ્સ દ્વારા ત્રણ અબજ ડૉલર (રૂ. 253 અબજ લગભગ) એકઠા કર્યા હતા.

આરોપ છે કે કંપનીના અધિકારીઓએ લોન અને બૉન્ડ્સના માધ્યમથી ત્રણ અરબ ડૉલર એકઠા કર્યા. જેમાં અમેરિકાની કંપનીઓએ પણ રોકાણ કર્યું હતું.

અદાણી જૂથ પર આરોપ છે કે કપંનીએ પોતાની લાંચવિરોધી નીતિઓ અને આચરણ વિશે ગેરમાર્ગે દોરનારા ખોટા નિવેદન કરીને આ નાણાં એકઠાં કર્યાં હતાં.

અમેરિકાના ઍટર્ની બ્રિયોન પીસે આરોપ વિશે ચર્ચા કરતા કહ્યું, ‘આરોપ મુજબ, પ્રતિવાદીઓએ અબજો ડૉલરના કૉન્ટ્રેક્ટ મેળવવા માટે ભારતના સરકારી અધિકારીઓને લાંચ આપવાનું કાવતરું ઘડ્યું હતું તથા લાંચ વિશે જૂઠ્ઠું બોલ્યા કારણ કે તે અમેરિકા અને વૈશ્વિક રોકાણકારો પાસેથી રૂપિયા મેળવવાના પ્રયત્નો કરી રહ્યા હતા.’

બ્રિયોન પીસે કહ્યું, ‘મારું કાર્યાલય આંતરરાષ્ટ્રીય બજારમાંથી ભ્રષ્ટાચારને જડમૂળમાંથી ખતમ કરી નાખવા માટે પ્રતિબદ્ધ છે. આ સિવાય રોકાણકારોને એવા લોકોથી બચાવવાનું છે, જે આપણા નાણાકીય બજારોની વિશ્વસનીયતાની કિંમત પર પોતાને અમીર બનાવવા ઇચ્છે છે.’

અધિકારીઓનું કહેવું છે કે ખુદ ગૌતમ અદાણીએ અનેક વખત સરકારી અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી અને લાંચ આપવા વિશે ચર્ચા કરી હતી.

ગૌતમ અદાણીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નજીક માનવામાં આવે છે. વિપક્ષના નેતાઓએ અનેક વખત આરોપ મૂક્યા છે કે ગૌતમ અદાણીને તેમના રાજકીય સંપર્કોથી લાભ થયો છે, જોકે અદાણીએ આવા આરોપોને હંમેશા નકર્યા છે.

અમેરિકામાં રાષ્ટ્રપતિ દ્વારા ઍટર્નીની નિમણૂક કરવામાં આવે છે. ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિપદની ચૂંટણી જીત્યા, તેના ગણતરીના અઠવાડિયાંમાં જ આ ફાઇલિંગ દાખલ થયું છે. ટ્રમ્પે અમેરિકાના ન્યાયતંત્રમાં ધરમૂળથી ફેરફાર લાવવાની વાત કહી છે.

ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયા ઉપર ટ્રમ્પને વિજય બદલ શુભકામનાઓ પાઠવી હતી અને અમેરિકામાં 10 અબજ ડૉલરના (રૂ. 840 અબજ) રોકાણની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.

🗞️ Related Articles:-


Monday, 21 October 2024

દિવાળી મુહૂર્તનો ટ્રેડિંગ 1 નવેમ્બરથી થશે: સાંજે 6 થી 7 વાગ્યા સુધી એક કલાકનું સ્પેશિયલ સેશન હશે, BSE-NSEએ જાહેરાત કરી.


દિવાળીના અવસર પર ભારતીય શેરબજારમાં મુહૂર્ત ટ્રેડિંગની પરંપરા છે. ખરેખર આ દિવસે સ્ટોક એક્સચેન્જમાં રજા હોય છે. પરંતુ રજાના દિવસે પણ તે ખાસ કરીને સાંજે એક કલાક માટે ખોલવામાં આવે છે, જેને મુહૂર્ત ટ્રેડિંગ કહેવામાં આવે છે. સ્ટોક એક્સચેન્જ BSE અને NSE પર શુક્રવાર, નવેમ્બર 1, 2024 ના રોજ સાંજે 6 થી 7 PM સુધી એક કલાકનું વિશેષ મુહૂર્ત ટ્રેડિંગ સત્ર હાથ ધરવામાં આવશે.

BSE-NSEએ 20 ઓક્ટોબર (રવિવાર)ના રોજ અલગ-અલગ પરિપત્રમાં આની જાહેરાત કરી છે. પ્રી-ઓપનિંગ સેશન સાંજે 5.45 થી 6 વાગ્યા સુધી રહેશે. હિંદુ કેલેન્ડર વર્ષ મુજબ આ સત્ર નવા સંવત 2081ની શરૂઆત કરે છે, જે દિવાળીથી શરૂ થાય છે. એવું માનવામાં આવે છે કે 'મુહૂર્ત' અથવા શુભ સમય દરમિયાન વેપાર રોકાણકારો માટે સમૃદ્ધિ લાવે છે.

ઇક્વિટી-કોમોડિટી ડેરિવેટિવ્ઝ જેવા બહુવિધ સેગમેન્ટમાં ટ્રેડિંગ થશે.
દિવાળી પર શેરબજાર નિયમિત ટ્રેડિંગ માટે બંધ રહેશે, પરંતુ ખાસ ટ્રેડિંગ વિન્ડો સાંજે એક કલાક માટે ખુલ્લી રહેશે. આવી સ્થિતિમાં બજારોમાં વધઘટ જોવા મળી રહી છે. એક જ ટાઈમ સ્લોટમાં ઈક્વિટી, કોમોડિટી ડેરિવેટિવ્ઝ, કરન્સી ડેરિવેટિવ્ઝ, ઈક્વિટી ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ અને સિક્યોરિટીઝ લેન્ડિંગ એન્ડ બોરોઈંગ (SLB) જેવા બહુવિધ સેગમેન્ટ્સમાં ટ્રેડિંગ થશે.

👉 મુહૂર્ત ટ્રેડિંગ સેશનને 5 ભાગમાં વહેંચવામાં આવ્યું છે.
💹 બ્લોક ડીલ સત્ર:- બે પક્ષો નિશ્ચિત કિંમતે સિક્યોરિટી ખરીદવા/વેચવા અને સ્ટોક એક્સચેન્જને જાણ કરવા સંમત થાય છે.
💹 પ્રી-ઓપન સત્ર:- આ સત્રમાં સ્ટોક એક્સચેન્જ સંતુલન કિંમત નક્કી કરે છે. આ સામાન્ય રીતે લગભગ આઠ મિનિટ લે છે.
💹 સામાન્ય સત્ર:- મુહૂર્ત ટ્રેડિંગમાં આ સત્ર એક કલાકનું હોય છે. તેને સામાન્ય સત્ર કહેવામાં આવે છે કારણ કે તેમાં મોટાભાગનો વેપાર થાય છે.
💹 હરાજી સત્રને કૉલ કરો:- ઇલિક્વિડ સિક્યોરિટીઝનો વેપાર થાય છે. આ સિક્યોરિટીઝ માટેના માપદંડ એક્સચેન્જ દ્વારા નક્કી કરવામાં આવ્યા છે.
💹 બંધ સત્ર:- આમાં વેપારીઓ/રોકાણકારો બંધ ભાવે બજાર ઓર્ડર આપી શકે છે.

સામાન્ય દિવસોમાં બજાર સોમવારથી શુક્રવાર સુધી સવારે 9:00 થી બપોરે 3:30 વાગ્યા સુધી ખુલે છે. પ્રિ માર્કેટ સેશન 9:00 થી 9:15 સુધી થાય છે. ત્યારબાદ બપોરે 3:30 વાગ્યા સુધી સામાન્ય સત્ર.

મુહૂર્ત વેપારની પરંપરા લગભગ 68 વર્ષ જૂની છે.
શેરબજારમાં દિવાળી પર મુહૂર્ત ટ્રેડિંગની પરંપરા લગભગ 68 વર્ષ જૂની છે. આ વર્ષે હિન્દુ વિક્રમ સંવત 2081 દિવાળીના દિવસથી શરૂ થઈ રહ્યું છે. સમગ્ર ભારતમાં આ તહેવારને સંપત્તિ, સમૃદ્ધિ અને સૌભાગ્યને આવકારવાનો સૌથી શુભ સમય માનવામાં આવે છે. તેવી જ રીતે, આ મુહૂર્તના વેપાર સાથે પણ એક સમાન ખ્યાલ સંકળાયેલો છે. શેરબજારના રોકાણકારો રોકાણ શરૂ કરવા માટે આ દિવસને ખૂબ જ ખાસ માને છે.

મુહૂર્તનો વેપાર શુભ માનવામાં આવે છે.
હિંદુ રિવાજમાં મુહૂર્ત એવો સમય છે જ્યારે ગ્રહોની ગતિને અનુકૂળ માનવામાં આવે છે. શુભ સમય દરમિયાન કોઈપણ કાર્યની શરૂઆત કરવાથી તેના સકારાત્મક પરિણામો મળે છે.

તેથી જ દિવાળીના શુભ મુહૂર્તમાં જ્યારે શેરબજાર એક કલાક માટે ખુલે છે, ત્યારે હિન્દુ ધર્મના ઘણા લોકો તેમના રોકાણની શરૂઆત કરે છે. મોટાભાગના લોકો શેર ખરીદવાનું પસંદ કરે છે કારણ કે તે દેવી લક્ષ્મીનું પ્રતીક છે. માન્યતાઓ અનુસાર, જે લોકો આ એક કલાક દરમિયાન વેપાર કરે છે તેમને આખા વર્ષ દરમિયાન પૈસા કમાવવા અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવાની વધુ સારી તક હોય છે.

પ્રથમ મુહૂર્ત વેપાર 1957માં થયો હતો.
મુહૂર્ત ટ્રેડિંગનો લગભગ છ દાયકાનો ઈતિહાસ છે. આ પરંપરા 1957માં બોમ્બે સ્ટોક એક્સચેન્જથી શરૂ થઈ હતી. બાદમાં તેને 1992માં નેશનલ સ્ટોક એક્સચેન્જમાં અપનાવવામાં આવ્યું હતું. તે સમયે કોઈ ઓનલાઈન ટ્રેડિંગ ન હતું. તેથી, મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન, વેપારીઓ બીએસઈમાં વેપાર કરવા માટે ભેગા થતા હતા. જો કે હવે સમય બદલાયો છે, પરંતુ મુહૂર્તના વેપારનો ઉત્સાહ અકબંધ છે.

ગયા વર્ષે બજાર 354 પોઈન્ટના વધારા સાથે બંધ થયું હતું.
ગયા વર્ષે મુહૂર્ત ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 354.77 પોઈન્ટ (0.55%)ના વધારા સાથે 65,259.45 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 100.20 પોઈન્ટનો વધારો થયો હતો, તે 19,525.55ના સ્તરે બંધ રહ્યો હતો. જો છેલ્લા 5 વર્ષ એટલે કે 2019 થી 2023ની વાત કરીએ તો શેરબજાર દર વખતે લાભ સાથે બંધ થયું છે. સેન્સેક્સ વર્ષ 2022માં 525 પોઈન્ટ 2021માં 295 પોઈન્ટ, 2020માં 195 પોઈન્ટ અને 2019માં 192 પોઈન્ટના વધારા સાથે બંધ થયો હતો.