Pages

Showing posts with label मैं भारत का PM. Show all posts
Showing posts with label मैं भारत का PM. Show all posts

Monday, 3 June 2024

मैं भारत का PM (Episode - 12) | ગુુજરાલને ઊંઘમાંથી ઉઠાડીને વડાપ્રધાન બનાવાયા: સંજય ગાંધીને કહ્યું- નમ્રતાથી વાત કરો, તમારો નહીં, તમારી માતાનો મંત્રી છું.


1997ની વાત છે. કોંગ્રેસે એચડી દેવગૌડા સરકારમાંથી સમર્થન પાછું ખેંચવાની ધમકી આપવાનું શરૂ કર્યું હતું. ત્યારે પ્રાદેશિક પક્ષોનું ગઠબંધન યુનાઈટેડ ફ્રન્ટ ધર્મસંકટમાં પડ્યું. એક વર્ષમાં બીજી વખત વડાપ્રધાનના નામ માટે સંઘર્ષ શરૂ થયો હતો. તમામ ચર્ચા-વિચારણા બાદ ઈન્દર કુમાર ગુજરાલ નામ પર સર્વસંમતિ સધાઈ હતી.

આ નિર્ણયથી અજાણ ગુજરાલ પોતાના ઘરે હતા. ગઠબંધનના નેતાઓ તેમના ઘરે પહોંચ્યા. ખબર પડી કે સાહેબ સૂતા હતા.

પરિવારની પરવાનગી લઈને કેટલાક મોટા નેતાઓ તેમના રૂમમાં ગયા. ગુજરાલને ઊંઘમાંથી જગાડી કહ્યું- ઊઠો, તમારે ભારતના વડાપ્રધાન બનવાનું છે.

'મૈં ભારત કા પીએમ' શ્રેણીના 12મા એપિસોડમાં આઈ કે ગુજરાલના વડાપ્રધાન બનવાની કહાની અને તેની સાથે જોડાયેલા કિસ્સાઓ...

13 દિવસ વાજપેયી, 10 મહિના દેવગૌડા, આગામી પીએમ કોણ?
1996માં કેન્દ્રમાં ગઠબંધન સરકારનો સમયગાળો હતો. ભારતીય જનતા પાર્ટી લોકસભા ચૂંટણીમાં 161 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી બની. અટલ બિહારી વાજપેયી દેશના વડાપ્રધાન બન્યા. માત્ર 13 દિવસ પછી જ વાજપેયીની સરકાર પડી ગઈ.

1 જૂન, 1996ના રોજ જનતા દળના એચડી દેવગૌડા વડાપ્રધાન બન્યા. તેમનો કિસ્સો અગાઉના એપિસોડમાં જણાવી ચૂક્યા છીએ. દેવગૌડાને કોંગ્રેસનું સમર્થન હતું, પરંતુ વડાપ્રધાન બન્યાના 10 મહિનામાં જ કોંગ્રેસે સમર્થન પાછું ખેંચી લીધું અને સરકાર પડી ગઈ. આ પછી, વડાપ્રધાન માટે ઘણાં નામો પર ચર્ચા શરૂ થઈ.

દાવેદારો ઘણા હતા. ઉદાહરણ તરીકે- સીતારામ કેસરી, મુલાયમ સિંહ યાદવ, જીકે મૂપનાર, લાલુપ્રસાદ યાદવ… પરંતુ કોઈ એક નામ પર સર્વસંમતિ બની શકી નહીં.

રશીદ કિદવાઈ તેમના પુસ્તક ભારતના વડાપ્રધાનમાં લખે છે કે ઈન્દર કુમાર ગુજરાલ વડાપ્રધાન તરીકે આક્સ્મિક રીતે મળ્યા હતા.

હકીકતમાં, ગુજરાલને બધા નેતાઓ સાથે સારા સંબંધો હતા. દરેક પાર્ટીમાં તેમની મિત્રતા હતી. મોટાભાગના લોકોને લાગ્યું કે આ એકમાત્ર નામ છે જેના પર કોઈ પણ પક્ષ ચોક્કસપણે એકવાર વિચાર કરશે. જોકે, મુલાયમ આ નામ સામે અડગ હતા. તેમને જ્યોતિ બસુએ સમજાવતા તેઓ સહમત થયા. બીજી તરફ સીતારામ કેસરી પણ ગુજરાલને પોતાના મિત્ર માનતા હતા તેથી તેઓ પણ મૌન રહ્યા હતા.

આ રીતે 21 એપ્રિલ 1997ના રોજ ગુજરાલે વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. તેઓ 19 માર્ચ 1998 સુધી આ પદ પર રહ્યા.

ગુજરાલનું માનવું હતું કે પડોશીઓ સાથેના સંબંધો સુધારવાથી જ વિશ્વમાં પ્રભુત્વ પ્રાપ્ત થશે.

આઇ કે ગુજરાલે ભારતીય વિદેશ નીતિને કેટલાક મહત્ત્વપૂર્ણ સિદ્ધાંતો આપ્યા હતા. તેને 'ગુજરાલ સિદ્ધાંત' નામ આપવામાં આવ્યું. વિદેશ પ્રધાન તરીકે 1996માં ભારતને વ્યાપક પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિ એટલે કે CTBT પર હસ્તાક્ષર કરવાની મંજૂરી આપી નહીં. આ જ કારણ છે કે આજે ભારત પોતાને પરમાણુ શક્તિ જાહેર કરવામાં સફળ રહ્યું છે.

ગુજરાલનો એક સિદ્ધાંત કહે છે કે જો કોઈ દેશ આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રભુત્વ મેળવવા માંગતો હોય તો તેણે તેના પડોશી દેશો સાથે સામાન્ય સંબંધો બનાવવા પડશે.

વરિષ્ઠ પત્રકાર રશિદ કિદવાઈના જણાવ્યા અનુસાર, 'પહેલા વિદેશ મંત્રી અને પછી વડાપ્રધાન તરીકે ગુજરાલ ઇચ્છતા હતા કે ભારત તેના પાડોશી દેશો જેમ કે માલદીવ, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા અને ભૂટાન સાથે વિશ્વાસ કેળવે. તેમની સાથે જે પણ વિવાદ હોય તેને વાતચીતથી ઉકેલે. જો તમે કોઈ પાડોશી દેશને મદદ કરી છે તો તરત જ તેની પાસેથી કોઈ અપેક્ષા ન રાખો.

આ વિચારધારા સાથે જોડાયેલી એક ઘટના પત્રકાર સૈકત દત્તા પણ જણાવે છે. 'ગુજરાલ નવા વડાપ્રધાન બન્યા હતા. તેમણે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ એટલે કે RAWના ખાસ વરિષ્ઠ અધિકારીઓને પોતાની ઓફિસમાં બોલાવ્યા. તે અધિકારીઓને સૂચના આપી કે પાકિસ્તાનમાં તેમની ગતિવિધિઓ બંધ કરી દો. એવું માનવામાં આવે છે કે ત્યારબાદથી જ પાકિસ્તાનમાં કામ કરવા અંગે RAW પાસે કોઈ સ્પષ્ટ આદેશ નથી.

ગુજરાલના પાકિસ્તાન પ્રત્યેના નરમ વર્તન પર લોકોએ ઘણી વખત સવાલ ઉઠાવ્યા. એકવાર ગુજરાલ 'ધ ટેલિગ્રાફ' અખબારને ઈન્ટરવ્યૂ આપી રહ્યા હતા. પત્રકાર કેપી નાયરે તેમને કહ્યું- ભારતીય કૂટનીતિ વિશે એવી ધારણા છે કે પાકિસ્તાન પ્રત્યે નરમ વલણ અપનાવવામાં આવી રહ્યું છે. તમે નરમ વલણ રાખીને પાકિસ્તાન સાથે કામ નહીં કરી શકો.
આ સાંભળીને ગુજરાલ ગુસ્સે થઈ ગયા. ગુસ્સામાં તેમણે કહ્યું- શું તમને લાગે છે કે હું પાકિસ્તાનને કંઈક આપી દઇશ? હું એટલો જ દેશભક્ત છું જેટલો અન્ય કોઈ હોઈ શકે.

સીતારામ કેસરીના PM બનવાના સપનાએ ગુજરાલ સરકાર પાડી.
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પોતાના પુસ્તક 'ધ કોલિશન ઇયર્સ 1996-2012'માં લખ્યું છે કે, 'સીતારામ કેસરીએ તે સમયે વડાપ્રધાન બનવાના સપના જોવા માંડ્યા હતા. અસ્થિર અને લઘુમતી સરકારોના યુગમાં તેમને લાગ્યું કે કદાચ તેઓ તેમની રાજકીય મહત્ત્વાકાંક્ષાઓ પૂરી કરી શકશે.

સીતારામ કેસરી એક બહાનાની રાહમાં હતા, ત્યાં રાજીવ ગાંધીની હત્યા સંબંધિત જૈન પંચનો વચગાળાનો અહેવાલ આવ્યો.

પ્રણવ મુખર્જી લખે છે, 'જૈન પંચના વચગાળાના અહેવાલમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ડીએમકે અને તેના નેતા એલટીટીઈના વડા પ્રભાકરનને પ્રોત્સાહન આપી રહ્યા હતા. જોકે, રાજીવ ગાંધીની હત્યામાં ડીએમકેના કોઈપણ નેતા કે પક્ષનું નામ સીધું જોડાયેલું નહોતું. તે સમયે ગુજરાલની સંયુક્ત મોરચાની સરકારમાં ડીએમકે પણ સામેલ હતી. જ્યારે કોંગ્રેસ બહારથી સમર્થન આપી રહી હતી.

આવી સ્થિતિમાં ગુજરાલે વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કરવા માટે ડિનરનું આયોજન કર્યું હતું. પ્રણવ મુખર્જી લખે છે, 'ત્યારે ગુજરાલે કહ્યું કે જો આવા સમયે ડીએમકે વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તો તેનાથી ખોટો સંદેશ જશે. તેઓ ઇચ્છતા ન હતા કે સરકારની વિશ્વસનીયતા પર અસર પડે.''

બીજી તરફ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી. મોટાભાગના સભ્યો ગુજરાલ સરકાર પાસેથી સમર્થન પાછું ખેંચવા માંગતા ન હતા. પ્રણવ લખે છે, 'તે સમયે સીતારામ કેસરી કોંગ્રેસમાં મજબૂત સ્થિતિમાં હતા. પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને કેસરીએ ટેકો પાછો ખેંચવાનો ઠરાવ પસાર કરાવ્યો. આ રીતે 28 નવેમ્બર 1997ના રોજ ઈન્દર કુમાર ગુજરાલની સરકાર પડી ગઈ.

સંજય ગાંધીને કહ્યું- તમારી માતાનો પ્રધાન છું, તમારો નહીં
ઈન્દિરા ગાંધીની સરકાર હતી. દેશમાં ઈમર્જન્સી લાદવામાં આવી હતી. ઈન્દિરાના નાના પુત્ર સંજય ગાંધી પર ઈમર્જન્સી દરમિયાન અત્યાચાર કરવાનો આરોપ હતો. આ મામલાની તપાસ માટે શાહ કમિશનની રચના કરવામાં આવી હતી. જગ્ગા કપૂરે આ કમિશન વિશે એક પુસ્તક લખ્યું છે, 'વ્હોટ પ્રાઇસ ફોર્જરી - ફેક્ટ્સ ઑફ ધ શાહ કમિશન'.

આ પુસ્તકમાં આઈકે ગુજરાલ અને સંજય ગાંધી સાથે જોડાયેલી એક ઘટના છે. તે સમયે ગુજરાલ કોંગ્રેસ સરકારમાં માહિતી અને પ્રસારણ મંત્રી હતા. તેમને સંજય ગાંધીએ આદેશ આપ્યો- ઓલ ઈન્ડિયા રેડિયોમાં વાંચવામાં આવતા સમાચારને સેન્સર કરવામાં આવે. ઓલ ઈન્ડિયા રેડિયોના તમામ ન્યૂઝ બુલેટિન ટેલિકાસ્ટ કરતા પહેલાં મને બતાવવામાં આવે.

ગુજરાલે તેમની વાત સાંભળી અને પછી નિરાંતે બોલ્યા– માહિતી અને પ્રસારણ મંત્રી હું છું. શું સાચું, શું ખોટું હું જોઇ લઇશ.

આ જવાબ પછી બંને વચ્ચે દલીલ શરૂ થઈ ગઈ. ઈન્દિરા ગાંધી ત્યાં હાજર હતાં. તેમણે પોતાના પુત્રને ચૂપ કરાવી દીધો. ગુજરાલ ત્યાંથી ચાલ્યા જાય છે.

આ ઘટનાના થોડા દિવસો પછી ગુજરાલને વડાપ્રધાનના નિવાસસ્થાનેથી ફોન આવે છે. ફોનની બીજી બાજુની વ્યક્તિ કહે છે - મેડમ તમને મળવા માંગે છે. ગુજરાલ ઈન્દિરાને મળવા પહોંચે છે.

વીર સંઘવીને આપેલા એક ઈન્ટરવ્યૂમાં ગુજરાલે કહ્યું હતું કે, 'મને પીએમ હાઉસમાંથી ફોન આવ્યો હતો કે તમે પીએમને મળવા આવો. સાડા દસ કે અગિયાર વાગ્યાની આસપાસ હું ત્યાં પહોંચ્યો. ત્યાં સુધીમાં વડાપ્રધાન તેમના કાર્યાલય માટે રવાના થઈ ગયા હતા.

હું જ્યારે બહાર આવવા લાગ્યો ત્યારે સંજય ગાંધી આવી પહોંચ્યા. તે દિવસે તેઓ ખૂબ જ ખરાબ મૂડમાં હતા કારણ કે ઓલ ઈન્ડિયા રેડિયો ચેનલે ઈન્દિરા ગાંધીનું ભાષણ ટેલિકાસ્ટ કર્યું ન હતું.

સંજયે ગુસ્સામાં કહ્યું, 'જુઓ, આ નહીં ચાલે.'
ગુજરાલે જવાબ આપ્યો, 'જુઓ, જ્યાં સુધી હું છું, ત્યાં સુધી આવું જ ચાલશે.'

સંજય ગાંધી બૂમો પાડવા લાગ્યા. તેના પર ગુજરાલે કહ્યું- વાત કરવી હોય તો થોડો શિષ્ટાચાર શીખો. તમને વડીલો સાથે કેવી રીતે વાત કરવી તે પણ આવડતું નથી. તમારા પ્રત્યે મારી કોઈ જવાબદારી નથી. હું તમારી માતાનો પ્રધાન છું, તમારો નહીં.’
આ પછી જ ગુજરાલના હાથમાંથી માહિતી અને પ્રસારણ મંત્રાલય છીનવાઈ ગયું.

ઈન્દિરા કહેતાં રહ્યાં પણ ગુજરાલે પોતાની ઘડિયાળ ના આપી.

1976ની વાત છે. તે સમયે આઈકે ગુજરાલ મોસ્કોમાં ભારતના રાજદૂત હતા. વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સોવિયેત સંઘના પ્રવાસે પહોંચ્યાં હતાં. તેમના સ્વાગત માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાલ પણ ત્યાં ઈન્દિરા સાથે હાજર હતા. તેમના હાથમાં હંમેશા એચએમટીની ઘડિયાળ રહેતી. તે સમયે માત્ર શ્રીમંત અને પ્રભાવશાળી લોકો જ એચએમટીની ઘડિયાળો પહેરતા હતા. સોવિયેત યુનિયનના વડા બ્રેઝનેવને ગુજરાલની ઘડિયાળ ખૂબ પસંદ આવી. તેમણે ગુજરાલને ઘડિયાળને લગતા ઘણા પ્રશ્નો કાર્યક્રમમાં બેઠા-બેઠા દુભાષિયાના માધ્યમથી જ પૂછી લીધા.

ઈન્દિરા દુભાષિયાને સાંભળી રહ્યાં હતાં. તેમણે ગુજરાલને હિન્દીમાં કહ્યું- 'તમારી ઘડિયાળ ઉતારી તેમને આપી દો ને.'
ગુજરાલે આવું ન કર્યું. ઇન્દિરાએ ફરી કહ્યું- આપતા કેમ નથી? આપી દો ઘડિયાળ.

તેમણે ઈન્દિરા અને દુભાષિયા દ્વારા બ્રેઝનેવને કહ્યું– હું આ સમયે રાજદ્વારી શિષ્ટાચારથી બંધાયેલો છું. હું ઈચ્છું તો પણ મારી ઘડિયાળ ખોલીને તમને ગિફ્ટ કરી શકતો નથી. હું ચોક્કસ વચન આપું છું કે હું તમને આવી એક ઘડિયાળ મોકલીશ.'

પાછળથી તેમણે પોતાનું વચન પૂરું પણ કર્યું અને આવી ઘણી ઘડિયાળો બ્રેઝનેવને મોકલી.

આ ઘટનાનો ઉલ્લેખ વર્ષો પછી ગુજરાલે પત્રકાર વીર સંઘવીને આપેલી મુલાકાતમાં કર્યો હતો. સંઘવીએ તેમના પુસ્તક 'મેન્ડેટઃ વિલ ઓફ ધ પીપલ'માં ગુજરાલને ટાંકીને સમગ્ર કિસ્સો સંભળાવ્યો.

સદ્દામ હુસૈન ગુજરાલને ભેટી પડ્યા.
ગુજરાલની આત્મકથા 'મેટર્સ ઑફ ડિસ્ક્રિશન'માં લખ્યું છે, 'હું તે દિવસોમાં વિદેશ પ્રધાન હતો. ઈરાક અને કુવૈત વચ્ચેના સંબંધો સારા ન હતા. જ્યારે હું સદ્દામ હુસૈનને મળ્યો ત્યારે તે ખાખી યુનિફોર્મમાં હતા. તેમની કમર પર પિસ્તોલ લટકેલી હતી. મને જોતા જ તેમણે મને ગળે લગાવી લીધો.

ત્યાં ફોટોગ્રાફર્સ હાજર હતા. અમારી મિટિંગનો ફોટો દેશ અને દુનિયાનાં અખબારોમાં પ્રકાશિત થયો. આનાથી અમારી સ્થિતિ વધુ ખરાબ થઈ ગઇ. આનાથી સમગ્ર વિશ્વમાં સંદેશો ગયો કે જે સદ્દામ હુસૈનની વિશ્વભરમાં નિંદા થઈ રહી છે તેમને ભારતના વિદેશ મંત્રી ગળે લગાવી રહ્યા છે.

ગલ્ફ દેશના પૂર્વ સંયુક્ત સચિવ અને રાજદૂત કેપી ફેબિયનએ 'ફોરેન અફેર્સ જનરલ'ને આપેલા ઈન્ટરવ્યૂમાં ગુજરાલનો બચાવ કરતા કહ્યું હતું કે જો કોઈપણ દેશના રાજ્યના વડા તમને ગળે લગાવવા માગે છે, તો તમે 'ડક' તો નહીં કરી શકો. એટલે કે તમે તેમને ના નહીં પાડી શકો.

જો કે, આ મુલાકાતનો ફાયદો એટલો થયો કે કુવૈતમાં ફસાયેલા 1 લાખ 70 હજાર ભારતીયોને વિમાન દ્વારા સુરક્ષિત રીતે દેશમાં પાછા લાવવામાં ગુજરાલ સફળ થયા. આ પ્રકારનું તેને વિશ્વનું સૌથી મોટું ઓપરેશન માનવામાં આવે છે. એક સમયે આટલા લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લાવવાનો આ વર્લ્ડ રેકોર્ડ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયો હતો.

मैं भारत का PM (Episode - 13) | રાહુલે ગુસ્સામાં કહેલું- મમ્મી તમે પીએમ નહીં બનો: મનમોહન સિંહ કેવી રીતે વડાપ્રધાન બન્યા, જેમને રાજીવે ક્યારેક 'જોકર' કહેલા.


मैं भारत का PM (Episode - 13)
રાહુલે ગુસ્સામાં કહેલું- મમ્મી તમે પીએમ નહીં બનો: મનમોહન સિંહ કેવી રીતે વડાપ્રધાન બન્યા, જેમને રાજીવે ક્યારેક 'જોકર' કહેલા.

રાજીવ ગાંધી વડાપ્રધાન હતા ત્યારનો કિસ્સો છે. 1985થી 1990ની પંચવર્ષીય યોજના માટે એક મિટિંગ રાખવામાં આવી. તે સમયે યોજના આયોગના ઉપાધ્યક્ષ મનમોહન સિંહે એક પ્રેઝન્ટેશન આપ્યું. તેમનું ફોકસ ગામ અને ગરીબ પર હતું. જ્યારે રાજીવ ગાંધીનું વિઝન શહેરી ડેવલપમેન્ટ પર હતું. તે મોટા-મોટા મોલ્સ, હાઇવે, હોસ્પિટલ ઈચ્છતા હતા.

પ્રેઝન્ટેશન પછી રાજીવ ગાંધી ભડકી ઊઠ્યા. તેમણે બધાની વચ્ચે મનમોહન સિંહને ઠપકો આપ્યો. બીજા દિવસે પત્રકારોએ જ્યારે રાજીવ ગાંધીને યોજના આયોગ વિશે પૂછ્યું તો રાજીવ ગાંધીએ કહ્યું કે 'જોકરોનો સમૂહ' છે.

પૂર્વ કેન્દ્રીય ગૃહ સચિવ સી.જી. સોમૈયા તે સમયે યોજના આયોગના સભ્ય હતા. તે પોતાની બાયોગ્રાફી 'ધ ઓનેસ્ટ ઓલવેઝ સ્ટેન્ડ અલોન'માં લખે છે, 'હું મનમોહન સાથે બેઠો હતો. અપમાન બાદ તેમણે યોજના આયોગના ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપવાનું મન બનાવી લીધું હતું. મેં કહ્યું કે તમે ઉતાવળે રાજીનામું આપશો તો દેશને નુકસાન થશે. અપમાન સહન કર્યા પછી પણ મનમોહન પદ પર રહ્યા.

લગભગ બે દાયકા પછી જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પીએમની શોધમાં હતાં ત્યારે તેમણે એ જ મનમોહન સિંહને પસંદ કર્યાં હતાં.

‘मैं भारत का PM' સિરીઝના 13મા એપિસોડમાં મનમોહન સિંહના વડાપ્રધાન બનવાની કહાની અને તેમની સાથે જોડાયેલી વાર્તાઓ…

સુષ્મા સ્વરાજે કહ્યું- સોનિયા PM બનશે તો હું મુંડન કરાવીશ.
2004માં અટલ બિહારી સરકાર 'શાઈનિંગ ઈન્ડિયા'ના નારા સાથે ચૂંટણીમાં ઊતરી હતી. જ્યારે 13 મે 2004ના રોજ પરિણામો આવ્યાં ત્યારે મતદારોએ તેમને નકારી દીધા. સત્તાની ચાવી કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએના હાથમાં ગઈ. તે સમયે સોનિયા ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ હતા. એવું માનવામાં આવતું હતું કે તે વડાપ્રધાન બનશે.

બીજેપીના ફાયર બ્રાન્ડ લીડર સુષ્મા સ્વરાજે જાહેરાત કરી હતી કે જો સોનિયા પીએમ બનશે, તો તેઓ મુંડન કરાવશે અને સાંસદ પદ પરથી રાજીનામું આપશે. આ બધાની વચ્ચે 15 મેના રોજ સોનિયાને સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યાં હતાં. પરંતુ વડાપ્રધાનના નામ પર ચિત્ર સ્પષ્ટ નહોતું.

દેશના પીએમ કોણ હશે તેની અનિશ્ચિતતાને કારણે 17 મે 2004ના રોજ શેરબજારમાં 4,283 પોઈન્ટનો જંગી ઘટાડો નોંધાયો હતો. વિપક્ષ સતત એ મુદ્દો ઉઠાવી રહ્યો હતો કે 100 કરોડની વસતિવાળા દેશમાં એક વિદેશી મહિલા વડાપ્રધાન બનવા જઈ રહી છે.

રાહુલ ગાંધી એ વાત પર અડગ હતા કે સોનિયા વડાપ્રધાન નહીં બને.
યુપીએ સરકારમાં વિદેશ મંત્રી રહી ચૂકેલા નટવર સિંહ તેમના પુસ્તક 'અ લાઈફ ઈઝ નોટ ઈનફ'માં લખે છે, 'તે સમયે ગાંધી પરિવાર મૂંઝવણમાં હતો. રાહુલે તેમની માતાને કહ્યું કે તે પીએમ નહીં બને. રાહુલ તેમની માતાને રોકવા માટે કંઈ પણ કરવા તૈયાર હતા. માતા-પુત્ર વચ્ચે મોટા અવાજમાં વાતચીત થઈ. રાહુલને ડર હતો કે જો તેમની માતા પીએમ બનશે તો તેમને પણ તેમનાં દાદી અને પિતાની જેમ મારી નાખવામાં આવશે.

નટવર લખે છે, 'રાહુલ ખૂબ જ ગુસ્સામાં હતા. તે સમયે હું, મનમોહન સિંહ અને પ્રિયંકા ત્યાં હતાં. મામલો ત્યારે વધી ગયો જ્યારે રાહુલે કહ્યું કે માતા હું તમને 24 કલાકનો સમય આપું છું. શું કરવું તે તમે નક્કી કરો છો? સોનિયા માટે રાહુલના શબ્દોની અવગણના કરવી અશક્ય હતી. બહુ ઓછા લોકો જાણે છે કે રાહુલના દબાણમાં સોનિયાએ પીએમ પદ છોડી દીધું હતું.

રાજીવની સમાધિ પર પહોંચ્યાં સોનિયા અને નિર્ણય લીધો
ઊથલ-પાથલ વચ્ચે, સોનિયા ગાંધી 18 મે 2004ના રોજ વહેલી સવારે જાગી ગયાં. તે ચૂપચાપ રાહુલ અને પ્રિયંકા સાથે ઘરની બહાર નીકળી ગયાં. સોનિયાની કાર રાજીવ ગાંધીની સમાધિ પર પહોંચી. ત્રણેય થોડીવાર સમાધિની સામે બેસી રહ્યાં.

તે જ દિવસે સાંજે 7 વાગ્યે સંસદના સેન્ટ્રલ હોલમાં કોંગ્રેસના સાંસદોની બેઠક યોજાઈ હતી. સોનિયા ગાંધીએ રાહુલ અને પ્રિયંકા તરફ જોયું અને કહ્યું- મારું લક્ષ્ય ક્યારેય વડાપ્રધાન બનવાનું નથી. હું હંમેશાં વિચારતી હતી કે જો હું ક્યારેય આવી પરિસ્થિતિમાં આવીશ, તો હું મારા અંતરાત્માનું સાંભળીશ. આજે તે અવાજ કહે છે કે વિનમ્રતા સાથે આ પદ ન સ્વીકારવું જોઈએ.

સોનિયા ગાંધીના નામનો પત્ર તૈયાર હતો, છેલ્લી ઘડીએ મનમોહનનું નામ આવ્યું.

સોનિયા ગાંધીના પીએમ નહીં બનવાનો નિર્ણય સાંભળતા જ સાંસદોમાં હોબાળો મચી ગયો હતો. મણિશંકર અય્યરે લગભગ ચીસો પાડીને કહ્યું કે લોકોનો અંતરાત્મા કહે છે કે તમારે પીએમ બનવું જોઈએ. બે કલાક સુધી ચૂંટાયેલા સાંસદોએ સોનિયા ગાંધીને પીએમ બનવા માટે મનાવવાનો પ્રયાસ કર્યો.

યુપીના એક સાંસદે કહ્યું કે મેડમ, તમે એક દાખલો બેસાડ્યો છે, જેવો મહાત્મા ગાંધીએ અગાઉ બેસાડ્યો હતો. આઝાદી પછી દેશમાં પહેલીવાર સરકાર બની ત્યારે ગાંધીજીએ પણ સરકારમાં જોડાવાની ના પાડી દીધી હતી. ત્યારે ગાંધીજી પાસે નહેરુ હતા. હવે નહેરુ ક્યાં છે.

આ સાંસદો જાણતા ન હતા કે સોનિયા પાસે નહેરુ ભલે ન હોય, પરંતુ તેમની પાસે ચોક્કસપણે ટ્રમ્પ કાર્ડ છે. જેનો સોનિયાએ હજુ સુધી ઉલ્લેખ કર્યો ન હતો. આ સમગ્ર ઘટના દરમિયાન મનમોહન સિંહ હંમેશાં સોનિયા ગાંધીની આસપાસ હતા. આખરે કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન પદ માટે મનમોહન સિંહના નામની જાહેરાત કરવામાં આવી હતી.

પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે તેમનાં સંસ્મરણોના પુસ્તક 'ટર્નિંગ પોઈન્ટ્સઃ અ જર્ની થ્રુ ચેલેન્જિસ'માં લખ્યું છે કે યુપીએની જીત બાદ રાષ્ટ્રપતિ ભવને સોનિયા ગાંધીને વડાપ્રધાન બનાવવા અંગેનો પત્ર પણ તૈયાર કર્યો હતો, પરંતુ જ્યારે સોનિયા ગાંધી તેમને મળ્યાં અને જ્યારે ડૉ. મનમોહન સિંહનું નામ સામે આવ્યું, તેઓ ચોંકી ગયા. બાદમાં ફરીથી પત્ર તૈયાર કરવો પડ્યો.

મનમોહન સરકારમાં સોનિયા ગાંધીની મોટી દખલગીરી
એમ.કે. નારાયણન અને પૃથ્વીરાજ ચૌહાણ જેવા વરિષ્ઠ અધિકારીઓને વડાપ્રધાન મનમોહન સિંહના કાર્યાલયમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા, જેમની વફાદારી મનમોહન કરતાં સોનિયા ગાંધી પ્રત્યે વધુ હતી.

પીએમ મનમોહન સિંહના મીડિયા સલાહકાર રહી ચૂકેલા સંજય બારુ તેમના પુસ્તક 'ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર'માં લખે છે કે મનમોહન સિંહે પોતે સ્વીકાર્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષ પાસે સત્તાનું કેન્દ્ર છે અને તેમની સરકાર પક્ષને જવાબદાર છે.

સંજય બારુનું કહેવું છે કે સોનિયાના વડાપ્રધાન ન બનવું એ રાજકીય વ્યૂહરચના હતી. તેમણે મનમોહન સિંહને વડાપ્રધાન બનાવ્યા, પરંતુ વાસ્તવિક સત્તા તેમને સોંપી ન હતી.

સોનિયાની આગેવાની હેઠળની રાષ્ટ્રીય સલાહકાર પરિષદ અને વડાપ્રધાન કાર્યાલય યુપીએ-1ના સામાજિક વિકાસ કાર્યક્રમોનો શ્રેય લેવા માટે સ્પર્ધા કરતા હતા. મનમોહન સિંહના તમામ નિર્ણયોમાં સોનિયા ગાંધી દખલ કરતાં હતાં.

સંજય બારુ લખે છે કે 2009માં સત્તામાં પાછા આવ્યા પછી, તેમણે મનમોહન સિંહને પૂછ્યા વિના પ્રણવ મુખર્જીને નાણામંત્રી પદની ઑફર કરી હતી, જ્યારે તેઓ સીવી રંગરાજનને નાણામંત્રી બનાવવા માગતા હતા. એ જ રીતે એ રાજા અને ટીઆર બાલુ જેવા નેતાઓને મનમોહન સિંહની ઈચ્છા વિરુદ્ધ કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા હતા. જેમના પર પાછળથી ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો હતો.

મનમોહન સોનિયાની ઈચ્છા વિરુદ્ધ મોન્ટેક સિંહ આહલુવાલિયાને લઈ આવ્યા.
મનમોહન અને સોનિયા વચ્ચે મધ્યમ ખેંચતાણ ચાલી રહી હતી. ઉદાહરણ તરીકે- મનમોહન સિંહ મોન્ટેક સિંહ આહલુવાલિયાને નાણામંત્રી બનાવવા માગતા હતા. તેમણે મોન્ટેકનું નામ સોનિયા ગાંધીને મોકલ્યું. સોનિયાની ઓફિસમાંથી મોન્ટેકનું નામ રિજેક્ટ કરવામાં આવ્યું હતું. સોનિયાએ અહલુવાલિયાને બદલે પી. ચિદમ્બરમની પસંદગી કરી.

મનમોહન કોઈક રીતે મોન્ટેકને લાવવા માગતા હતા. તેથી તેમને આયોજન પંચના ઉપાધ્યક્ષ બનાવવાની યોજના ઘડવામાં આવી હતી. અહીં મોટી સમસ્યા ડાબેરી પક્ષોની હતી, જેમના સમર્થનથી યુપીએ સરકાર ચાલી રહી હતી.

વરિષ્ઠ પત્રકાર નીરજા ચૌધરી તેમના પુસ્તક 'હાઉ પ્રાઇમ મિનિસ્ટર્સ ડિસાઈડ'માં લખે છે કે મોન્ટેકને લાવવામાં વરિષ્ઠ ડાબેરી નેતા હરકિશન સુરજિતે તેમની મદદ કરી હતી. જ્યારે મોન્ટેકને આયોજન પંચના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા ત્યારે મનમોહને તેમને કેબિનેટ મંત્રીનો દરજ્જો આપ્યો. આનો અર્થ એ થયો કે તેઓ કેબિનેટની બેઠકમાં પણ હાજરી આપી શકશે.

પદ સંભાળતા પહેલાં મોન્ટેક સિંહ આહલુવાલિયા સીધા મનમોહન સિંહ પાસે ગયા હતા. તેમણે પૂછ્યું કે મારે પહેલા કોને મળવું જોઈએ. ત્યારે મનમોહને કહ્યું કે પહેલા જઈને 80 વર્ષના કામરેડ સુરજિતને મળો. તે સમયે કોંગ્રેસના ઘણા નેતાઓ મનમોહન, સુરજિત અને મોન્ટેક સિંહ એમ ત્રણેય સરદારો વચ્ચેની સાંઠગાંઠની મજાક ઉડાવતા હતા.

'મારે ક્રેડિટ નથી જોઈતી, મારે મારું કામ કરવું છે'
26 સપ્ટેમ્બર 2007ની વાત છે. રાહુલ ગાંધી કોંગ્રેસના મહાસચિવ બન્યા હતા. તેઓ કોંગ્રેસના મહાસચિવોના પ્રતિનિધિ મંડળ સાથે મનમોહન સિંહને જન્મદિવસની શુભેચ્છા આપવા પહોંચ્યા હતા. રાહુલે PMને મનરેગાનો વ્યાપ 500 ગામો સુધી વધારવા માટે મેમોરેન્ડમ આપ્યું હતું.

બીજા દિવસે મીડિયાએ પ્રકાશિત કર્યું કે રાહુલે પીએમને મનરેગા વધારવા માટે કહ્યું.
સંજય બારુ તેમના પુસ્તકમાં લખે છે કે મેં મારા એક નજીકના પત્રકારને મજાકમાં એસએમએસ કર્યો હતો કે આ જાહેરાત પીએમ તરફથી જન્મદિવસની ભેટ છે. જ્યારે આ સંદેશ કોંગ્રેસની ટોચની નેતાગીરી સુધી પહોંચ્યો તો મામલો વધુ વણસી ગયો.

સંજય બારુ લખે છે, 'મનમોહને મને પૂછ્યું - તમે મેસેજ કેમ મોકલ્યો. મેં કહ્યું- સર, મનરેગાના વિસ્તરણનો શ્રેય તમને જાય છે. મનમોહને ગુસ્સામાં કહ્યું, હું કોઈ શ્રેય લેવા માગતો નથી. હું માત્ર મારું કામ કરી રહ્યો છું. હું કોઈપણ પ્રકારનું મીડિયા પ્રોજેક્શન ઈચ્છતો નથી.

જ્યારે મનમોહન સિંહ પરમાણુ કરાર પર અડગ હતા
2006ની વાત છે. મનમોહન સિંહ વોશિંગ્ટનમાં અમેરિકી રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બુશને મળ્યા. બંનેએ પરમાણુ કરાર પર હસ્તાક્ષર કર્યા. તેને ઈન્ડો-યુએસ સિવિલ ન્યુક્લિયર એગ્રીમેન્ટ કહેવામાં આવતું હતું. આ ડીલ દ્વારા પરમાણુ વેપારને લઈને ભારતનો 30 વર્ષનો વનવાસ સમાપ્ત થઈ રહ્યો હતો. 1974માં ભારતના પરમાણુ પરીક્ષણ બાદ અમેરિકાએ અનેક આર્થિક પ્રતિબંધો લગાવ્યા હતા.

ડાબેરી પક્ષોએ કહ્યું કે આ કરાર દેશની સ્વતંત્ર વિદેશ નીતિને અસર કરશે. ડાબેરી પક્ષોના મતે આ અમેરિકાએ ફેંકેલી જાળ છે. તે સમયે ડાબેરીઓ પાસે લગભગ 60 સાંસદો હતા. તેમણે ટેકો પાછો ખેંચી લીધો.

સીપીઆઈ નેતા એબી વર્ધન ડાબેરીઓ વતી સરકારને ડરાવવાનું કામ કરી રહ્યા હતા. એકવાર પત્રકારોએ તેમને પૂછ્યું કે સરકાર ક્યાં સુધી સુરક્ષિત રહેશે. તેમણે કહ્યું કે તે સાંજે 5 વાગ્યા સુધી સુરક્ષિત છે. આનાથી આગળ મને ખબર નથી.

સોનિયા ગાંધીએ પણ શરૂઆતમાં તેનું સમર્થન કર્યું, જ્યારે ડાબેરીઓએ ટેકો લેવાની વાત કરી તો તેમણે પણ ડીલ પાછી ખેંચવાની વાત શરૂ કરી.

સરકારે ગૃહમાં વિશ્વાસ મતમાંથી પસાર થવું પડ્યું. મનમોહને અટલ બિહારી વાજપેયીને રાજનીતિના ભીષ્મ કહ્યા અને અંતરાત્માના આધારે સમર્થન માગ્યું. વાજપેયી કંઈ બોલ્યા નહીં, પણ હસ્યા. જોકે, મનમોહન સિંહની સરકારે સપા નેતા અમર સિંહની મદદથી 19 મતોથી વિશ્વાસ મત જીત્યો હતો.

બરાક ઓબામાએ મનમોહન સિંહ વિશે શું લખ્યું?
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાં પોતાની રાજનીતિની સફર પર લખેલા પુસ્તક 'અ પ્રોમિસ્ડ લેન્ડ'માં નવેમ્બર 2010ની ભારત યાત્રા વિશે લગભગ 1400 શબ્દોમાં લખે છે. તે સમયે મનમોહન સિંહ ભારતના વડાપ્રધાન હતા.

ઓબામાએ લખ્યું, 'ડો. મનમોહન સિંહ પીએમ તરીકે ચૂંટાયા તે દેશની પ્રગતિની દિશામાં થયેલો પ્રયાસ છે, પરંતુ સત્ય એ છે કે તે પોતાની લોકપ્રિયતાના કારણે વડાપ્રધાન નથી બન્યા, પરંતુ તેમને સોનિયા ગાંધીએ વડાપ્રઘાન બનાવ્યા છે.'

ઓબામા લખે છે કે, 'મનમોહન સિંહ એક એવા વડીલ શીખ નેતા હતા, જેનો કોઈ રાષ્ટ્રીય રાજકીય આધાર નહતો. આવા નેતાથી તેમના 40 વર્ષીય પુત્ર રાહુલને કોઈ રાજકીય જોખમ નહોતું, કારણ કે ત્યારે સોનિયા તેને મોટી ભૂમિકા માટે તૈયાર કરી રહ્યાં હતાં.'

ઓબામા લખે છે કે, 'નવેમ્બરની એ રાતે મનમોહન સિંહનું ઘર છોડતી વખતે વિચારી રહ્યો હતો કે 78 વર્ષના વડાપ્રધાન જ્યારે પોતાની જવાબદારીથી અલગ થશે તો શું થશે? શું મશાલ સફળતાપૂર્વક રાહુલ ગાંધી સુધી પહોંચશે? શું માતાએ નક્કી કરેલી નિયતિ પૂરી થશે?

'मैं भारत का PM' સિરીઝના 14મા એપિસોડમાં વાંચો નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બનવાની કહાની...


मैं भारत का PM (Episode - 14) | મોદીની ઉમેદવારી વખતે અડવાણીએ કહેલું- 'ભાજપ દિશા ભટક્યું': નરેન્દ્ર મોદીને PM બનાવવા માટે RSSએ કેવી રીતે રસ્તા ખોલ્યા.


9 જૂન 2013ની ઘટના છે. ગોવામાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકનો છેલ્લો દિવસ હતો. તે સમયના પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહ ભાષણ આપવા માટે સૌથી છેલ્લે આવ્યા હતા. 25 મિનિટ સુધી રાજનાથે સામાન્ય ચૂંટણીઓ વિશે વાત કરી અને પાર્ટીના નેતાઓ માટે દિલથી વખાણ કર્યા.

ભાષણના અંતમાં રાજનાથ સિંહે કહ્યું કે, મેં નિર્ણય કર્યો છે કે, કેન્દ્રીય સ્તરે પણ સેન્ટ્રલ કેમ્પેઈન કમિટી બનાવવામાં આવશે અને હું નરેન્દ્ર મોદીને તે સેન્ટ્રલ કેમ્પેઈન કમિટીના ચેરમેન જાહેર કરું છું.

હકીકતમાં, આ નિર્ણયનો ગણગણાટ હતો, પરંતુ આ બેઠકમાં આવી કોઈ જાહેરાતની અપેક્ષા નહોતી. પાર્ટીના ઘણા નેતાઓ આ નિર્ણય સાથે સહમત ન હતા. સ્ટેજ પર મોદીને આપવા માટે ગુલદસ્તો પણ નહોતો. આવી સ્થિતિમાં રાજનાથ સિંહે કોઈ બીજાને આપેલો ગુલદસ્તો ઉપાડીને મોદીને આપ્યો.

9 જૂનની તસવીર જ્યારે રાજનાથ સિંહે નરેન્દ્ર મોદીને 2014ની લોકસભા ચૂંટણી માટે ભાજપ ચૂંટણી સમિતિના અધ્યક્ષ તરીકે જાહેર કર્યા.

આ જાહેરાત સાથે જ મોદી 2014ની લોકસભા ચૂંટણીના કર્તાહર્તા બની ગયા. રાજનાથ સિંહની આ જાહેરાત નરેન્દ્ર મોદીના ભારતના વડાપ્રધાન બનવાની દિશામાં એક મોટું પગલું હતું. જો કે, નરેન્દ્ર મોદીએ તેની તૈયારીઓ ઘણા સમય પહેલાંથી જ શરૂ કરી દીધી હતી.

'મૈં ભારત કા પીએમ' શ્રેણીના 14મા અને અંતિમ એપિસોડમાં નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બનવાની કહાની અને તેમની સાથે જોડાયેલા કિસ્સા...

ગુજરાતમાંથી નરેન્દ્ર મોદીનો રાજકીય વનવાસ
ભાજપની રાજનીતિમાં નરેન્દ્ર મોદીની સીધી દખલગીરી ત્યારે શરૂ થઈ જ્યારે સંઘે તેમને 1987માં ગુજરાતના સંગઠન સચિવ બનાવ્યા. તે સમયે ગુજરાત ભાજપમાં શંકરસિંહ વાઘેલા અને કેશુભાઈ પટેલનું વર્ચસ્વ હતું.

1995ની ચૂંટણીમાં ભાજપને મોટી જીત મળી અને કેશુભાઈ સીએમ બન્યા. તેમણે પોતાની કેબિનેટમાં વાઘેલા કેમ્પના એકપણ ધારાસભ્યને સ્થાન આપ્યું નહીં. અહીં વાઘેલા પણ વળતો પ્રહાર કરવાની યોગ્ય તક શોધી રહ્યા હતા.

મોદીએ સંગઠનની આંતરિક બાબતોમાં કેશુભાઈને સાથ આપવાનું શરૂ કર્યું. તેઓ તેમને પોતાના રાજકીય ગુરુ પણ માનતા હતા. આ તસવીરમાં ડાબેથી જમણે કેશુભાઈ પટેલ, નરેન્દ્ર મોદી અને શંકરસિંહ વાઘેલા દેખાય છે.

મોદીએ સંગઠનની આંતરિક બાબતોમાં કેશુભાઈને સાથ આપવાનું શરૂ કર્યું. તેઓ તેમને પોતાના રાજકીય ગુરુ પણ માનતા હતા. આ તસવીરમાં ડાબેથી જમણે કેશુભાઈ પટેલ, નરેન્દ્ર મોદી અને શંકરસિંહ વાઘેલા દેખાય છે.

સપ્ટેમ્બર 1995માં સીએમ કેશુભાઈ અમેરિકાના પ્રવાસે ગયા અને અહીં વાઘેલાએ 55 ધારાસભ્યો સાથે સરકારને તોડી પાડવાનું કાવતરું ઘડ્યું. આ મુદ્દાના ઉકેલ માટે અટલ બિહારી વાજપેયીને અમદાવાદ જવું પડ્યું.

બે દિવસ સુધી વાટાઘાટો ચાલુ રહી. કેન્દ્રીય નેતૃત્વએ શંકરસિંહ વાઘેલાની 3 શરતો સ્વીકારવી પડી. સૌથી મોટી શરત મુજબ કેશુભાઈને મુખ્યમંત્રી પદેથી હટાવવા પડ્યા, વાઘેલા તરફી ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા અને નરેન્દ્ર મોદીને રાજ્યના રાજકારણમાંથી હટાવીને દિલ્હીમાં રાષ્ટ્રીય સચિવ બનાવાયા.

1995થી 1997 સુધી ગુજરાતમાં રાજકીય ઊથલપાથલ ચાલુ રહી. આ સમયગાળા દરમિયાન ત્રણ મુખ્યમંત્રી બન્યા, પરંતુ કોઈ પણ લાંબા સમય સુધી સરકાર ચલાવી શક્યું નહીં. આખરે 1998ની ચૂંટણીમાં ભાજપે ગુજરાત વિધાનસભા જીતી. 4 માર્ચ, 1998ના રોજ કેશુભાઈ પટેલ બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી બન્યા.

કેશુભાઈના કાર્યકાળ દરમિયાન ગુજરાતમાં ભૂકંપ અને દુષ્કાળે ભારે તબાહી મચાવી હતી. તેમનો વહીવટ આપત્તિ વ્યવસ્થાપનમાં ખરાબ રીતે નિષ્ફળ ગયો હતો. કેશુભાઈના કામથી સંઘ ખુશ ન હતું. વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ સાથે પણ તેમના સંબંધો સારા નહોતા. જ્યારે નરેન્દ્ર મોદી દિલ્હીમાં રહીને ગુજરાત આવવાની યોજના બનાવી રહ્યા હતા. તેઓ અવારનવાર સંઘના મુખ્યાલય 'કેશવ કુંજ' ખાતે જોવા મળતા હતા.

એવું કહેવાય છે કે તે સમયે નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં કેશુભાઈ પટેલ વિરુદ્ધ વાતાવરણ બનાવવાનું શરૂ કર્યું. તેમણે દિલ્હીના કેટલાક તંત્રીઓને કેશુભાઈ વિરુદ્ધ નકારાત્મક સમાચાર લખવા પણ કહ્યું હતું. આઉટલુકના તંત્રી વિનોદ મહેતાએ તેમનાં સંસ્મરણોમાં આવી જ એક બેઠકનો ઉલ્લેખ કર્યો છે. મહેતાના કહેવા પ્રમાણે, ' હું પાર્ટીની દિલ્હી ઓફિસમાં કામ કરી રહ્યો હતો ત્યારે નરેન્દ્ર મોદી મારી ઓફિસમાં આવ્યા. તેઓ કેટલાક કાગળો લાવ્યા હતા જેનાથી સાબિત થતું હતું કે ગુજરાતના સીએમ કેશુભાઈ કંઈક ખોટું કરી રહ્યા છે.

મોદીના આ પ્રયાસો ફળ્યા અને પાર્ટી નેતૃત્વએ કેશુભાઈને મુખ્યમંત્રી પદેથી હટાવવાનો નિર્ણય કર્યો. હવે સવાલ એ હતો કે નવા સીએમ કોને બનાવવામાં આવે. આમાં મોદીના આરએસએસ, અટલ અને અડવાણી સાથેના સંબંધો કામમાં આવ્યા.

અટલ બોલ્યા- પંજાબી ફૂડ ખાઈને જાડા થઈ ગયા છો, દિલ્હી છોડીને ગુજરાત જાઓ.

6 વર્ષ પછી 2001માં નરેન્દ્ર મોદી ગુજરાત પરત ફર્યા. કેશુભાઈ પટેલને હટાવીને તેમને સીએમ બનાવાયા. આની કહાની પણ રસપ્રદ છે.

એક ઈન્ટરવ્યૂમાં નરેન્દ્ર મોદીએ કહ્યું, 'પીએમ વાજપેયીએ મને ફોન કર્યો હતો. તેમણે મને કહ્યું કે પંજાબી ફૂડ ખાઈને તમે જાડા થઈ ગયા છો. તમારે વજન ઘટાડવું જોઈએ. અહીંથી જાઓ, દિલ્હી છોડી દો. મેં પૂછ્યું હું ક્યાં જાઉ? તેમણે કહ્યું- ગુજરાત જાઓ, ત્યાં તમારે કામ કરવાનું છે. મને ખ્યાલ નહોતો કે અટલજી મને મુખ્યમંત્રી બનાવવા માગે છે.

ઓક્ટોબર 2001માં, મોદીએ પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

મોદીને મુખ્યમંત્રી બન્યાને એક વર્ષ પણ નહોતું થયું ને 2002નાં ગુજરાત રમખાણો થયાં. આ પછી સમય પહેલાં કરાવાયેલી વિધાનસભા ચૂંટણીમાં મોદીના નેતૃત્વમાં ભાજપે રેકોર્ડ જીત નોંધાવી હતી. મોદી બીજી વખત સીએમ બન્યા. આ પછી તેઓ 2007માં ત્રીજી વખત અને 2012માં ચોથી વખત ગુજરાતના સીએમ બન્યા હતા.

નરેન્દ્ર મોદીએ પોતાને ગુજરાતની બહાર પણ પ્રોજેક્ટ કરવાનું શરૂ કર્યું.

સીએમ તરીકેના તેમના છેલ્લા કાર્યકાળમાં મોદીએ સમગ્ર ગુજરાતમાં સદભાવના યાત્રા કાઢી હતી. તેમના મહત્ત્વાકાંક્ષી ઇરાદાઓ આ રેલી દ્વારા જ પ્રથમ વખત પ્રકાશમાં આવ્યા હતા. ગુજરાતમાં વેપારને પ્રોત્સાહન આપીને મોદીએ 'ગુજરાત મોડલ'ને લાઇમલાઇટમાં લાવી દીધું હતું. માર્ચ 2012માં ટાઇમ મેગેઝિનના કવર પેજ પર 'મોદી મીન્સ બિઝનેસ' નામની કવર સ્ટોરી છપાઇ હતી.

2009થી 2012 સુધી વડાપ્રધાન મનમોહન સિંહના મીડિયા સલાહકાર રહેલા હરીશ ખરે તેમના પુસ્તક 'હાઉ મોદી વન ઇટ' માં લખે છે, 'મોદીએ ભાજપ બહારના તેમના તમામ સાથીઓને આક્રમક રીતે સક્રિય કરવાનું શરૂ કર્યું. તેમણે સૌપ્રથમ કોર્પોરેટ જગતના લોકોને પોતાની તરફ કર્યા. આ પછી તેમણે બાબા રામદેવ અને શ્રી શ્રી રવિશંકર જેવી ધાર્મિક હસ્તીઓને પોતાના પક્ષમાં કરી લીધા.

શ્રી શ્રી રવિશંકર સાથે નરેન્દ્ર મોદીની તસ્વીર

હરીશ ખરે લખે છે, 'આ તે સમય હતો જ્યારે મોદીએ કેન્દ્રની કોંગ્રેસ સરકાર પર પ્રહાર કરવા માટે ગુજરાતનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું હતું.' નરેન્દ્ર મોદી મનમોહન સિંહ સરકારના ભ્રષ્ટાચાર, મોંઘવારી અને ડોલર સામે રૂપિયાના ઘટતા મૂલ્ય અંગે નિવેદનો આપી રહ્યા હતા.

અડવાણીની નારાજગી છતાં મોદીને 2014માં મોટી જવાબદારી
22 જાન્યુઆરી, 2013ના રોજ મહારાષ્ટ્રમાં પૂર્તિ ગ્રૂપ ઓફ કંપનીઝ પર આવકવેરાના દરોડા પડ્યા હતા. જેમાં નીતિન ગડકરીનું નામ પણ સામે આવ્યું હતું. તેમણે ભાજપના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. રાજનાથ સિંહ નવા અધ્યક્ષ બન્યા.

હરીશ ખરેના કહેવા પ્રમાણે, 'મોદી માટે ગડકરીને બદલે રાજનાથ અધ્યક્ષ બને તે ફાયદાકારક હતું, કારણ કે ગડકરી કરતાં રાજનાથને મેનેજ કરવું તેમના માટે સરળ હતું.

'ઈતિહાસકાર અને લેખક ગૌતમ ચિંતામણી પોતાના પુસ્તક ' રાજનીતિઃ 'અ બાયોગ્રાફી ઑફ રાજનાથ સિંહ'માં લખે છે કે, 'અધ્યક્ષ બન્યાના થોડા જ અઠવાડિયા બાદ રાજનાથ સિંહ સમજી ગયા હતા કે ભાજપનું નેતૃત્વ મોદીને સોંપવાનો વિચાર પાર્ટી કેડરમાં મજબૂત થઈ રહ્યો છે. જો કે, તેઓ પાર્ટીની અંદર મોદીના વિરોધથી પણ વાકેફ હતા.

નરેન્દ્ર મોદીને ચૂંટણી ચહેરો બનાવવા માટે ભાજપની મોટી લોબી એકઠી થઈ ગઈ હતી. બીજી તરફ અડવાણી કેમ્પને ખબર હતી કે જૂન 2013માં યોજાનારી ગોવામાં રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં મોદીને લઈને કોઈ મોટી જાહેરાત થઈ શકે છે. આ કારણે અડવાણી સહિત અનેક નેતાઓએ આ બેઠકમાં આવવાની ના પાડી દીધી હતી.

ગૌતમ ચિંતામણીના પુસ્તક ' રાજનીતિઃ 'અ બાયોગ્રાફી ઑફ રાજનાથ સિંહ' અનુસાર આ દરમિયાન ભાજપ ગઠબંધનની વર્ષો જૂની સહયોગી પાર્ટી JDUના વડા નીતિશ કુમારે રાજનાથને ફોન કરીને મોદીના નામ પર પોતાની અસહમતી વ્યક્ત કરી હતી. રાજનાથ સિંહે કહ્યું હતું કે ભાજપનું સંસદીય બોર્ડ મોદીને કેટલીક વધારાની જવાબદારીઓ સોંપશે. નીતિશ આ માટે પણ સહમત ન હતા.'

ગૌતમ ચિંતામણિ લખે છે કે જો મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવાના નિર્ણય પર બેઠકમાં સર્વસંમતિ ન બની હોત અને બેઠક અનિર્ણિત રહી હોત તો ખોટો સંદેશ ગયો હોત. તેથી જ રાજનાથે પૂરો પ્રયાસ કર્યો હતો. બેઠક માટે મોદી જ્યારે ગોવા પહોંચ્યા ત્યારે તેમનું જોરદાર સ્વાગત થયું. તત્કાલીન મુખ્યમંત્રી મનોહર પર્રિકરે મોદીને સમર્થન આપ્યું. આખરે 9 જૂને રાજનાથે ચૂંટણી સમિતિના અધ્યક્ષ પદ માટે મોદીના નામની જાહેરાત કરી દીધી.

અડવાણીનું ભાવુક રાજીનામું, નીતિશે ગઠબંધન તોડવાની ધમકી આપી
આ જાહેરાત બાદ નીતિશે રાજનાથને ફોન કરીને કહ્યું હતું કે તેમણે ગઠબંધન તોડવાનો નિર્ણય લીધો છે. રાજનાથે કહ્યું હતું કે ચૂંટણી સમિતિની જવાબદારી આપવા સિવાય હજુ સુધી કોઈ મોટી જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ રાજનાથે મોદીને 'નેતા' કહ્યા તે જ ક્ષણે નીતિશ કુમાર માટે બધું સ્પષ્ટ થઈ ગયું.

અહીં અડવાણી પોતાના બ્લોગમાં બાણશૈયા પર સૂતેલા ભીષ્મ પિતામહનો ઉલ્લેખ કરી રહ્યા હતા. તેના બીજા જ દિવસે એટલે કે 10મી જૂને અડવાણીએ પાર્ટીનાં તમામ પદો પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી.

તેમણે રાજનાથ સિંહને લખેલા પત્રમાં કહ્યું હતું કે, 'છેલ્લા કેટલાક સમયથી હું પાર્ટીમાં પોતાને અનુકૂળ નથી અનુભવી રહ્યો. મને નથી લાગતું કે જે પાર્ટી શ્યામા પ્રસાદ મુખર્જી, દીનદયાલ ઉપાધ્યાય અને અટલ બિહાર વાજપેયીએ બનાવી, ઊભી કરી, આ તે જ પાર્ટી છે. ભાજપે દિશા ગુમાવી દીધી છે. આ પત્રને મારું રાજીનામું માનવું જોઈએ.

અડવાણીએ રાજનાથને મોકલેલો પત્ર જેમાં તેમણે રાજીનામાની વાત કરી હતી.

આ પછી ભાજપના મોટા નેતાઓ અડવાણીને મનાવવા માટે લાગી ગયા હતા. રાજનાથે કહ્યું, 'હું આ રાજીનામું નહીં સ્વીકારું. મોદીને ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવવાનો નિર્ણય સૌની સહમતીથી લેવામાં આવ્યો હતો. આ બદલાશે નહીં.'

અડવાણીના ઘરે પહોંચેલા સુષ્મા સ્વરાજે કહ્યું, 'હું તેમના રાજીનામાથી આશ્ચર્યચકિત છું.' જોકે, તેમણે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો કે તે અડવાણીને મનાવી લેશે.

અડવાણીના નજીકના ગણાતા વેંકૈયા નાયડુ, પાર્ટીના તત્કાલીન મહાસચિવ અનંત કુમાર અને પ્રવક્તા મુખ્તાર અબ્બાસ નકવી પણ અડવાણીના ઘરે પહોંચ્યા હતા.

અડવાણીને મનાવવાનો પ્રયાસ સફળ રહ્યો હતો. 11 જૂનના રોજ સંઘના વડા મોહન ભાગવત સાથે ફોન પર વાત કર્યા બાદ અડવાણીએ પોતાનું રાજીનામું પાછું ખેંચી લીધું હતું.

ભાજપની આ ખેંચતાણ પર કોંગ્રેસ કટાક્ષ કરી રહી હતી. કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી હરીશ રાવતે કહ્યું કે જ્યારે રક્તબીજમાંથી બીજા રક્તબીજનો જન્મ થાય છે ત્યારે તે વધુ શક્તિશાળી હોય છે. ભાજપના તમામ નેતાઓ સમજી રહ્યા હતા કે જો આ કુસ્તીબાજ (મોદી) દિલ્હી આવશે તો આપણું શું થશે.

RSS ની જરૂરિયાતે મોદી માટે દિલ્હીનો રસ્તો ખોલ્યો
દિલ્હીના રાજકારણમાં પગ જમાવવામાં મોદીને સંઘનું સમર્થન મળ્યું. આના પોતાનાં કારણો હતાં.

વરિષ્ઠ પત્રકાર પીઆર રમેશના જણાવ્યા અનુસાર 15 માર્ચ, 2013ના રોજ જયપુરમાં આરએસએસની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે નરેન્દ્ર મોદી 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર હશે અને તે ઉત્તર પ્રદેશના એક મત વિસ્તારમાંથી ચૂંટણી લડશે.

રમેશે 31 માર્ચ 2014ના રોજ ઓપન મેગેઝિનમાં આ વિશે વિગતવાર લખ્યું છે. રમેશના કહેવા પ્રમાણે ભાજપમાં આંતરિક વિખવાદ હતો, સંઘને લાગ્યું કે તેનો હસ્તક્ષેપ જરૂરી છે. કોંગ્રેસની હાર સુનિશ્ચિત કરવા માટે નરેન્દ્ર મોદી જેવું ઊર્જાવાન વ્યક્તિત્વ સંઘ પરિવારની પ્રથમ પસંદગી હતી.

હરીશ ખરે કહે છે કે મોદી માટે સંઘનો આ પ્રેમ અચાનક ઊભો થયો નહોતો. 2010થી જ તેનું બેકગ્રાઉન્ડ તૈયાર થઇ ગયું હતું. મોદી અને સંઘ વચ્ચે પરસ્પર હિતોનો સુમેળ હતો. સંઘને ચિંતા હતી કે યુપીએ સરકાર સંઘ સામે પગલાં લેવા માંગે છે. જુલાઇ 2010માં સમાચાર આવવા લાગ્યા કે તપાસ એજન્સીઓ ઘણા મુસ્લિમ ધર્મસ્થાનો પર આતંકવાદી હુમલાઓમાં હિંદુઓની સંડોવણીના પુરાવા એકત્ર કરી રહી છે. 25 ઓગસ્ટ, 2010ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી પી ચિદમ્બરમે પ્રથમ વખત ભગવા આતંકવાદ શબ્દનો ઉપયોગ કર્યો હતો.

હરીશ ખરેના જણાવ્યા અનુસાર, 'જ્યારે ભગવા આતંકવાદ શબ્દ સંઘ સાથે જોડવામાં આવી રહ્યો હતો, તે જ સમયે મોદી ઈશરત જહાં એન્કાઉન્ટર જેવા કેસોમાં આરોપોનો સામનો કરી રહ્યા હતા. તેમના નજીકના અને વફાદાર સાથી અમિત શાહને રાજ્યમાં ગૃહપ્રધાન પદ છોડવું પડ્યું હતું. શાહની 25 જુલાઈ, 2010ના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને થોડા દિવસો સુધી તેમને જેલમાં રહેવું પડ્યું હતું.''

આ બધાની વચ્ચે ભાજપે મોદીના નેતૃત્વમાં 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી. ભાજપે 182માંથી 115 બેઠકો જીતી હતી. આ ચૂંટણીથી સ્પષ્ટ થઈ ગયું કે માત્ર મોદી જ કોંગ્રેસનો સામનો કરી શકે છે.

હરીશ લખે છે, '2014ની ચૂંટણીમાં સંઘનો સીધો હસ્તક્ષેપ દેખાતો હતો. સંઘે મોદીના વડાપ્રધાન પદના ઉમેદવાર બનવાનો રસ્તો તો સાફ કર્યો જ, પરંતુ કાર્યકર્તાઓને ભાજપ માટે સખત મહેનત કરવાની સૂચના પણ આપી. સંઘ પ્રમુખ મોહન ભાગવતે તેમના વિજયા દશમીના ભાષણમાં 100 ટકા મતદાનની અપીલ કરી હતી. કટોકટી પછી આ પ્રથમ વખત હતું જ્યારે સંઘ યુદ્ધના ધોરણે ચૂંટણી પ્રચારમાં જોડાયું હતું.

ગડકરીએ ફોન પર અડવાણીને કહ્યું- મોદી જ પીએમ પદના ઉમેદવાર હશે.

લગભગ ત્રણ મહિના પછી 13 સપ્ટેમ્બર 2013ના રોજ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી. વરિષ્ઠ પત્રકાર પીઆર રમેશના જણાવ્યા અનુસાર અડવાણી બપોરે 3 વાગે બોર્ડ મિટિંગ માટે તેમના નિવાસસ્થાનથી નીકળવાના હતા ત્યારે ગડકરીનો ફોન આવ્યો. તેમણે કહ્યું કે બેઠકમાં નરેન્દ્ર મોદીને પીએમ પદના ઉમેદવાર બનાવવા અંગે નિર્ણય લેવાનો છે.

અડવાણીએ રાજનાથ સિંહને એક પત્રમાં લખ્યું, 'મેં તમને પહેલેથી જ કહ્યું હતું કે હું પરેશાન છું. હવે તે સારું રહેશે કે હું બેઠકમાં હાજરી ન આપું

લાલકૃષ્ણ અડવાણી સિવાય 12 સભ્યોના બોર્ડના દરેક સભ્યોએ બેઠકમાં હાજરી આપી હતી. જેમાં નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા.

ગૌતમ ચિંતામણિના જણાવ્યા અનુસાર, 'સંઘ અને બીજેપીના નેતાઓ ઈચ્છતા હતા કે મોદીના નામની જાહેરાત સમયે અડવાણી બેઠકમાં હાજર રહે, પરંતુ એવું થયું નહીં. અડવાણીનું કહેવું હતું કે, મોદીને ઉમેદવાર બનાવવાથી કોંગ્રેસ સામે મોંઘવારી અને ભ્રષ્ટાચાર જેવા મોટા મુદ્દાઓ સાઇડલાઇન થઇ જશે અને ગુજરાતના વિવાદાસ્પદ મુખ્યમંત્રીનો મુદ્દો ઉઠાવવામાં આવશે.

અડવાણીના શિષ્યા સુષ્મા સ્વરાજે પણ બોર્ડ સમક્ષ તેમના વાંધાઓ રજૂ કર્યા હતા, પરંતુ અરુણ જેટલી અને વેંકૈયા નાયડુ જેવા નેતાઓએ તેમને સમજાવી લીધા. બાદમાં થયેલી પ્રેસ કોન્ફરન્સમાં સુષ્મા એકતા દેખાડતા મોદીની બાજુમાં બેઠેલા જોવા મળ્યાં હતાં.

મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ અને છત્તીસગઢના તેમના સમકક્ષ રમણ સિંહે મોદીની ઉમેદવારીના સમર્થનમાં ટ્વીટ કર્યું હતું. મોદીના નામની જાહેરાત બાદ JDUએ ગઠબંધન તોડી નાખ્યું હતું. અને અન્ય સહયોગી શિવસેના અને અકાલી દળે આ નિર્ણયને આવકાર્યો હતો.

મોદી માટે વારાણસી બેઠક છોડવા માંગતા નહોતા મુરલી મનોહર જોશી

27 ફેબ્રુઆરી 2014ના રોજ ભાજપે લોકસભા બેઠક માટે ઉમેદવારોની જાહેરાત કરવાનું શરૂ કર્યું. ભાજપના નેતાઓએ કહ્યું કે મોદી વારાણસી અને વડોદરા એમ બે બેઠકો પરથી ચૂંટણી લડશે. વારાણસીના વર્તમાન સાંસદ મુરલી મનોહર જોશીને આ અંગે આરએસએસના ભૈયાજી જોશીએ પહેલાંથી જ જાણ કરી દીધી હતી, પરંતુ જોશી મક્કમ હતા કે પાર્ટીએ તેમને આ અંગે અંગત રીતે જાણ કરી ન હતી.

ગૌતમ ચિંતામણિ કહે છે કે જોશી ડ્રામા ક્વીનની ભૂમિકામાં હતા. ભાજપના નેતાઓ તેમને સમજાવતા રહ્યા, પરંતુ તેઓ અડગ રહ્યા. આખરે, 13 માર્ચ, 2014ના રોજ અમિત શાહે જોશીને સ્પષ્ટ કહ્યું કે તેમણે કાનપુરથી ચૂંટણી લડવી પડશે. ઉમેદવારોની આગામી યાદી 15 માર્ચે આવી હતી. જેમાં વારાણસીની કોલમ આગળ લખવામાં આવ્યું હતું- નરેન્દ્ર મોદી.

2014ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે 282 સીટો જીતીને સંપૂર્ણ બહુમતી મેળવી હતી.

26 મે 2014ની સાંજે 6 વાગ્યે રાષ્ટ્રપતિ ભવન કમ્પાઉન્ડ ખાતે નરેન્દ્ર મોદીએ ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા.

છેલ્લે 3 કિસ્સા, જે મોદીને મોદી બનાવે છે…

01. ગુજરાત રમખાણો પછી સવાલો ઊઠ્યા, મોદીને લોકપ્રિયતા અને ક્લીન-ચીટ બંને મળી.
7 ઓક્ટોબર, 2001ના રોજ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. 24 ફેબ્રુઆરી 2002ના રોજ તેઓ રાજકોટ-2 વિધાનસભા બેઠક પરથી તેમના જીવનની પ્રથમ ચૂંટણી લડ્યા અને લગભગ 14 હજાર મતોથી જીત્યા. 27 ફેબ્રુઆરી 2002એ ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના S-6 કોચમાં આગ લાગી અને 59 કારસેવકો મૃત્યુ પામ્યા. આ પછી ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે તોફાનો ફેલાયા હતાં.

ગુજરાત રમખાણોની તપાસ માટે સુપ્રીમ કોર્ટે 5 સભ્યોની વિશેષ તપાસ ટીમની રચના કરી હતી. જે રમખાણો સંબંધિત 9 કેસોની તપાસ કરવાની હતી. સુપ્રીમ કોર્ટે ગુજરાત રમખાણોમાં નરેન્દ્ર મોદીની ભૂમિકાની તપાસની વધારાની જવાબદારી SITને આપી હતી. આ આદેશ કોંગ્રેસના પૂર્વ સાંસદ એહસાન જાફરીની પત્ની ઝાકિયા જાફરીની ફરિયાદ પર આપવામાં આવ્યો હતો.

SITએ 11 માર્ચ 2010ના રોજ મોદીને નોટિસ આપીને આરોપોનો જવાબ આપવા માટે સમન્સ પાઠવ્યું હતું. તપાસ બાદ SITએ ફેબ્રુઆરી 2011માં પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. આ રિપોર્ટમાં મોદીને ક્લીનચીટ આપવામાં આવી હતી. ઝાકિયા જાફરીએ મોદીને ક્લીનચીટ આપવા સામે અરજી દાખલ કરી હતી. 27 ડિસેમ્બર 2013ના રોજ કોર્ટે ઝાકિયાની અરજી ફગાવી દીધી હતી અને SITએ મોદીને ક્લીનચીટ આપતા તેનો ક્લોઝર રિપોર્ટ રજૂ કર્યો હતો.

બીજી તરફ રમખાણો બાદ ડિસેમ્બર 2002માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી અને આ વખતે મોદી રાજકોટ-2ની જગ્યાએ અમદાવાદની મણિનગર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા. આ વખતે જીતનું માર્જીન 75 હજારથી વધુ હતું. ભાજપે પણ જંગી બહુમતી સાથે જીત મેળવી હતી. આ પછી મોદી મણિનગર બેઠક પરથી લગભગ 1 લાખ મતોથી જીતતા રહ્યા.

02. PM અટલે રાજધર્મની યાદ અપાવી, મોદીએ વચ્ચેથી જ અટકાવ્યા.

2002નાં ગુજરાત રમખાણો પછી વડાપ્રધાન અટલ બિહારી ગુજરાતના પ્રવાસે ગયા હતા. જ્યારે પત્રકારોએ અટલને પ્રશ્ન પૂછ્યો ત્યારે તેમણે તેમની પરિચિત શૈલીમાં કહ્યું, 'મારો મુખ્યમંત્રી માટે એક જ સંદેશ છે કે તેઓ રાજધર્મનું પાલન કરે...રાજધર્મ...આ શબ્દ ખૂબ અર્થપૂર્ણ છે. હું તે જ અનુસરું છું. અનુસરવાનો પ્રયાસ કરું છું. રાજા અને શાસક માટે, પ્રજા-પ્રજામાં કોઈ ભેદભાવ ન હોઈ શકે. ન તો જન્મના આધારે, ન જાતિના આધારે, ન સંપ્રદાયના આધારે.’

ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ તેમની બાજુમાં બેઠા હતા. વચ્ચેથી જ નરેન્દ્ર મોદીએ કહ્યું, 'સાહેબ અમે પણ એ જ કરી રહ્યા છીએ.' આ પછી વાજપેયીજીએ આગળ કહ્યું, 'હું માનું છું કે નરેન્દ્રભાઈ એ જ કરી રહ્યા છે.'

પ્રેસ કોન્ફરન્સની તસવીર જેમાં અટલ 'રાજધર્મ' વિશે વાત કરતા હતા.

બીજી ઘટના 12 એપ્રિલ 2002ની છે. ગોવામાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજાવાની હતી. અડવાણીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે તેઓ ગોવાની મુલાકાત દરમિયાન વડાપ્રધાન અટલ સાથે હતા. તેમના સિવાય વિદેશ મંત્રી જસવંત સિંહ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અરુણ શૌરી પણ જહાજમાં બેઠા હતા.

જ્યારે ગુજરાતની ચર્ચા થઈ ત્યારે જસવંત સિંહે અટલને પૂછ્યું કે તેઓ શું ઈચ્છે છે. અટલે કહ્યું કે ઓછામાં ઓછું રાજીનામું તો ઓફર કરતા. (મોદીએ ઓછામાં ઓછું રાજીનામું આપવાની ઓફર તો કરવી જોઈતી હતી)

ગોવા પહોંચ્યા પછી અડવાણીએ મોદીને કહ્યું કે તેમણે રાજીનામું આપવાની ઓફર કરવી જોઈતી હતી. મિટિંગમાં મોદીએ ગોધરા અને ત્યારપછીની ઘટનાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમના ભાષણના અંતે તેમણે કહ્યું, 'તેમ છતાં સરકારના વડા તરીકે, હું મારા રાજ્યમાં જે કંઈ બન્યું છે તેની જવાબદારી લઉં છું. હું મારું રાજીનામું આપવા તૈયાર છું.’

મોદીએ આટલું બોલતાની સાથે જ સભાખંડ ‘રાજીનામું ન આપો-રાજીનામું ન આપો’ના નાદથી ગુંજી ઊઠ્યું હતું. વાજપેયી પરિસ્થિતિને સમજી ગયા અને કહ્યું કે તેઓ આ અંગે પછીથી નિર્ણય લેશે.

આ બંને કિસ્સાઓ દર્શાવે છે કે નરેન્દ્ર મોદી શરૂઆતના દિવસોથી જ પૂરી તાકાત અને નિયંત્રણ સાથે જ સરકાર ચલાવી રહ્યા હતા.

03. મોદી યુગમાં ભાજપનું અભૂતપૂર્વ વિસ્તરણ, વિશ્વની સૌથી મોટી પાર્ટી બની

મોદી યુગમાં ભાજપે સંખ્યાબળ, રાજ્યોમાં સરકાર અને વોટ શેરની દૃષ્ટિએ અભૂતપૂર્વ વૃદ્ધિ હાંસલ કરી છે.

મોદી યુગ પહેલાં ભાજપે 1999ની લોકસભા ચૂંટણીમાં મહત્તમ 182 બેઠકો જીતી હતી. 2014માં નરેન્દ્ર મોદીએ કમાન સંભાળ્યા બાદ 282 બેઠકો સાથે પહેલીવાર એકલા પૂર્ણ બહુમતી મેળવી હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં બેઠકો વધીને 303 થઈ ગઈ.

2014ની લોકસભા ચૂંટણી પછી ભાજપે તમામ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં પણ રેકોર્ડ જીત નોંધાવી. 2018 સુધીમાં ભાજપ 21 રાજ્યોમાં સત્તા પર આવી ગયું હતું. ભાજપે 2014 પછી તેની કેડરમાં પણ વધારો કર્યો હતો. બીજેપી અનુસાર 2015માં પાર્ટીના 11 કરોડ રજિસ્ટર્ડ સભ્યો હતા. 2019માં જ્યારે ભાજપનું સભ્યપદ અભિયાન સમાપ્ત થયું ત્યારે આ સંખ્યા 7 કરોડ વધીને કુલ 18 કરોડ થઈ ગઈ હતી. ભાજપ પોતાને કાર્યકરોની દૃષ્ટિએ વિશ્વની સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો કરે છે.

'मैं भारत का PM' સીરિઝનો આ છેલ્લો એપિસોડ હતો. આ શ્રેણીમાં અમે ભારતના તમામ 14 વડાપ્રધાનોના કિસ્સાઓ રજૂ કર્યા હતા. તમે તેને ખૂબ પસંદ કર્યા. આ શ્રેણી તમારા મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરો.

मैं भारत का PM (Episode - 02) | શાસ્ત્રીના પીએમ બનવાની કહાની: આંખમાં આંસુ સાથે ઇન્દિરા ગાંધીએ શાસ્ત્રીજીને કહ્યું - હવે તમે જ દેશ સંભાળો.



मैं भारत का PM 
શાસ્ત્રીના પીએમ બનવાની કહાની: આંખમાં આંસુ સાથે ઇન્દિરા ગાંધીએ શાસ્ત્રીજીને કહ્યું - હવે તમે જ દેશ સંભાળો.

1965નો સમય હતો. નેહરુનું નિધન થઇ ગયું હતું. નાના કદના લાલ બહાદુર શાસ્ત્રી નવા વડાપ્રધાન બની ગયા હતા. તે જ સમયે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ જનરલ અયુબ ખાનને લાગ્યું કે ભારત પાસેથી કાશ્મીર છીનવી લેવાની આ જ યોગ્ય તક છે. આ ગેરસમજને કારણે પાકિસ્તાને ઓપરેશન જીબ્રાલ્ટર શરૂ કર્યું અને જમ્મુ-કાશ્મીરમાં પોતાની સેના દાખલ કરી દીધી.

ભારતે પણ વળતો જવાબ આપ્યો. એક મહિના પછી 23 સપ્ટેમ્બર 1965એ યુદ્ધ બંધ થયું ત્યારે ભારતીય સેના લાહોર પહોંચી ગઈ હતી. આ પછી વડાપ્રધાન શાસ્ત્રીએ દિલ્હીના રામ લીલા મેદાનમાં રેલી કરી હતી. રાષ્ટ્રને સંબોધતા તેમણે કહ્યું, 'પાકિસ્તાનના રાષ્ટ્રપતિ જનરલ અયુબ ખાન કહેતા હતા કે તેઓ ચાલીને દિલ્હી પહોંચશે. આ ઈરાદો હતો ત્યારે અમે પણ ફરતા ફરતા લાહોર પહોંચી ગયા. મને લાગે છે કે અમે આમાં કંઈ ખોટું તો કર્યું નથી.

ભાસ્કરની સ્પેશિયલ સિરીઝમાં 'મૈં ભારત કા પીએમ'ના બીજા એપિસોડમાં લાલ બહાદુર શાસ્ત્રીના વડાપ્રધાન બનવાની કહાની અને એની સાથે જોડાયેલા કિસ્સા...

નેહરુના નિધનથી સવાલ ઉઠ્યો - હાથમાં કોણ લેશે તેમની મશાલ?
27 મે 1964ના રોજ વડાપ્રધાન જવાહરલાલ નેહરુનું અવસાન થયું હતું. દેશ સમક્ષ સૌથી મોટો પ્રશ્ન એ હતો કે નેહરુ પછી કોણ? અમેરિકન પત્રકાર અને લેખક વેલ્સ હેંગેન તેમના પુસ્તક ' આફ્ટર નેહરુ હૂ'માં લખે છે કે તે સમયે પીએમ પદની રેસમાં મોરારજી દેસાઈ સૌથી આગળ હતા.

આ સિવાય વીકે કૃષ્ણ મેનન, લાલ બહાદુર શાસ્ત્રી, વાયબી ચવ્હાણ, ઈન્દિરા ગાંધી, જયપ્રકાશ નારાયણ, એસ કે પાટીલ અને બ્રજમોહન કૌલના નામ પણ ચર્ચામાં હતા. પીએમ કેવી રીતે પસંદ કરવા- કોંગ્રેસમાં કોઈ પરંપરાગત પદ્ધતિ નહોતી. તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષ કે. કામરાજ ભારતના આગામી વડાપ્રધાનની પસંદગી કરવા માટે સ્ક્રિપ્ટ લખી રહ્યા હતા.

કોંગ્રેસના વામપંથી નેતા ઇચ્છતા હતા કે ગુલઝારીલાલ જ પીએમ રહે.
લાલ બહાદુર શાસ્ત્રી સાથે લાંબા સમય સુધી કામ કરી ચૂકેલા સીપી શ્રીવાસ્તવ પોતાના પુસ્તક 'લાલ બહાદુર શાસ્ત્રીઃ એ લાઇફ ઓફ ટુથ ઇન પોલિટિક્સ'માં લખે છે કે કોંગ્રેસના વામપંથીઓ ઇચ્છતા હતા કે નવા વડાપ્રધાન માટેની ચૂંટણીને થોડા દિવસ માટે ટાળી દેવી જોઈએ, કેમ કે નેહરુના નિધનથી લોકો ખૂબ જ દુઃખી હતા.

તેઓ કાર્યવાહક વડાપ્રધાન ગુલઝારીલાલ નંદાને જ પીએમ રહેવા દેવા ઇચ્છતા હતા. આ સલાહને કોંગ્રેસ-અધ્યક્ષ કામરાજે નકારી હતી. તેમણે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠકો શરૂ કરી દીધી.

28 મે 1964ના રોજ કામરાજે વરિષ્ઠ નેતાઓ અને રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી. 30 મે 1964ના રોજ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક શરૂ થઈ. એમાં નક્કી કરવામાં આવ્યું કે સંસદીય નેતાની પસંદગી કયા દિવસે થશે?

આ દિવસે 18 ઓબીસી અને એસસી સાંસદોએ પીએમ પદ માટે જગજીવન રામનું નામ આગળ કર્યું, પરંતુ વધારે સમર્થન ન મળવાના કારણે એક દિવસમાં જ આ પ્રસ્તાવ હટી ગયો. પીએમ પદ માટે મોરારજી દેસાઈ અને લાલ બહાદુર શાસ્ત્રીનાં નામ જ આગળ રહેતાં હતાં. આ પછી પણ લોકો પડદા પાછળ પોતાની ચેસબોર્ડ બિછાવી રહ્યા હતા.

આંખમાં આંસુ સાથે ઈન્દિરાએ શાસ્ત્રીજીને કહ્યું - હવે તમે દેશ સંભાળો
જ્યારે પત્રકારોએ મોરારજી દેસાઈને પૂછ્યું કે તમે પીએમ બનવા જઈ રહ્યા છો, તો તેમણે કહ્યું કે જો જનતા ઇચ્છે છે તો હું એના માટે ચૂંટણી પણ લડવા તૈયાર છું. જોકે સર્વસંમતિથી પાર્ટીમાં એકમત થાય એવી કોશિશ થાય.

જ્યારે આ જ વાત કોંગ્રેસ-અધ્યક્ષ કામરાજને પત્રકારોએ પૂછ્યું તો તેમણે કહ્યું કે તમે કાલ સુધી રાહ જુઓ. કોંગ્રેસ વર્કિંગ કમિટી જ એનો નિર્ણય કરશે. જ્યારે મોડી સાંજે કામરાજે મોરારજીને ફોન કરીને લાંબી વાત કરી ત્યારે તેમણે કન્ફર્મ થઈ ગયું કે તેઓ જ PM હશે.

'લાલ બહાદુર શાસ્ત્રીઃ એ લાઇફ ઓફ ટુથ ઇન પોલિટિક્સ'માં લખવામાં આવ્યું છે કે પીએમ પદ બપોરે જ નક્કી થઈ ગયું હતું. જ્યારે ઇન્દિરા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રી વચ્ચે મુલાકાત થઈ હતી. પોતાની સ્થિતિ શું છે એ જાણવા માટે શાસ્ત્રીને ઇન્દિરાએ કહ્યું કે તમે કેમ ચૂંટણી નથી લડતા? ઇન્દિરાએ કહ્યું કે હું હાલ પિતાના શોકમાં છું. આ સમયે પીએમ પદની ચૂંટણી વિશે વિચારી પણ શકતી નથી. હવે તમે જ દેશ સંભાળો.

1 જૂન, 1964ના રોજ મળેલી બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષ કામરાજ દ્વારા લેવામાં આવેલા નિર્ણયને બધા સ્વીકારશે. 2 જૂનના રોજ કાર્યકારી PM ગુલઝારીલાલ નંદાએ વડાપ્રધાન પદ માટે શાસ્ત્રીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. હવે મોરારજી દેસાઈ પાસે સંમત થવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. આ રીતે શાસ્ત્રી બિનહરીફ વડાપ્રધાન તરીકે ચૂંટાયા અને 9 જૂન 1964ના રોજ દેશના બીજા વડાપ્રધાન તરીકે શપથ લીધા.

શાસ્ત્રીજીના દીકરાએ સરકારી ગાડી ચલાવી તો તેના રૂપિયા શાસ્ત્રીએ પોતાના ખિસ્સામાંથી ભર્યા

લાલ બહાદુર શાસ્ત્રીના નાના દીકરા સુનીલ શાસ્ત્રી ગાડીનો આ કિસ્સો જણાવે છે...

‘અમે ત્રણ ભાઈ- અનિલ, સુનીલ અને અશોકે જીદ કરી તો બાપુજીએ લોન લઇને ફિયાટ ગાડી ખરીદી હતી. એ અમને વધારે ગમતી નહોતી. એકવાર અમારે કોઈ જગ્યાએ બહાર જવાનું હતું. મેં સલાહ આપી આપણે શેવરલે ઇમ્પાલામાં જઈએ.

મેં બાપુજીના સેક્રેટરી જગન્નાથ સહાયને ફોન કર્યો અને કહ્યું કે તમે શેવરલે ઇમ્પાલા મોકલી આપો. જ્યારે ડ્રાઇવર આવ્યો ત્યારે અમે કહ્યું કે ગાડી છોડીને જતા રહો. ડ્રાઇવરને થયું કે વડાપ્રધાનના દીકરા છે તો કોણ નોકરી જોખમમાં મૂકે એટલે તે ચાવી મૂકીને જતો રહ્યો.

આ પછી અમે ત્રણેય બહાર ગયા. લગભગ રાત્રે 11:30 વાગ્યાની આસપાસ ઘરે પરત ફર્યા હતા. અમે કાર અંદર લીધી અને પાછળના રસોડામાંથી ઘરમાં પ્રવેશ્યા. અમે ઘરમાં આવ્યા ત્યારે બાપુજી જમતા હતા. મેં અમ્માને કહ્યું કે અમે બાપુજીની સરકારી ગાડી લઇ ગયા હતા. તમે બાપુજીને જણાવશો નહીં.

સવારે સાડા6 વાગ્યે કોઈએ દરવાજો ખખડાવ્યો. મને લાગ્યું કે પીએમ હાઉસનો કોઈ નોકર હશે. મેં જોરથી અવાજ કરીને કહ્યું કે કાલે રાતે અમે મોડા સૂતા છીએ. આજે અમારી રજા છે. ચા 8 વાગ્યા પછી લાવજો. થોડીવાર પછી ફરી કોઈએ દરવાજો ખખડાવ્યો. પછી મારી ઊંઘ ખૂલી ગઇ અને મેં દરવાજો ખોલ્યો તો સામે બાપુજી ઊભા હતા.

બાપુજીએ અમારી પાસેથી આખી વાત સાંભળી, પછી ગાડીના ડ્રાઇવર રામદેવને બોલાવ્યા. રામદેવ આવ્યા ત્યારે બાપુજીએ કહ્યું કે સરકારી ગાડી ક્યાં છે. કોઈ લોગબુક વગેરે રાખો છો કે નહીં? રામદેવે કહ્યું- હા, સાહેબ રાખીએ છીએ. ત્યારે તમે હવે એ જણાવો કે ગઈકાલે રાતે સુનીલે કેટલા કિલોમીટર ગાડી ચલાવી.

રામદેવે કહ્યું- સાહેબ, 14 કિલોમીટર. ત્યારે રામદેવને કહ્યું કે લોગબુકમાં લખી દો કે ગાડી અંગત ઉપયોગ માટે 14 કિલોમીટર ફરી છે.

પછી તેમણે અમ્માને કહ્યું કે 14 કિલોમીટરના જેટલા પણ રૂપિયા થતા હોય એ અંગત એકાઉન્ટમાંથી આપવામાં આવે. આ સાંભળીને મને શરમ આવી ગઈ. તેમણે મને એક લાઇન પણ કહી નહીં, પરંતુ તેમના આચરણથી અમને બોધપાઠ મળી ગયો. એ પછી હું મારા રૂમમાં આવીને કલાકો સુધી રડ્યો હતો.

પત્નીને કહ્યું- આજે સાંજે આપણા ઘરે ભોજન નહીં બને તો શું તકલીફ થશે?

1965ના યુદ્ધમાં જ્યારે પાકિસ્તાનની હાર થવા લાગી ત્યારે તેણે અમેરિકામાં આશરો લીધો હતો. તે સમયે ભારત ઘઉંના ઉત્પાદનમાં આત્મનિર્ભર ન હતું. દુષ્કાળને કારણે આપણે અમેરિકાથી અનાજ આયાત કરવું પડ્યું. અમેરિકી રાષ્ટ્રપતિ લિન્ડન બી. જોન્સને શાસ્ત્રીજીને ઘઉંનો પુરવઠો રોકવાની ધમકી આપી હતી.

લાલ બહાદુર શાસ્ત્રીના મોટા પુત્ર અનિલ શાસ્ત્રી કહે છે, 'શાસ્ત્રીજીને આ ધમકીથી ઘણું ખરાબ લાગ્યું. તેમણે વસ્તુઓની ગણતરી કરી અને આ નિષ્કર્ષ પર પહોંચ્યા કે જો દેશના લોકો અઠવાડિયામાં એક વખત ભોજન નહીં કરે તો અન્નની સમસ્યા સુધરી જશે.

આ નિર્ણય લેતાં પહેલાં તેણે અમ્મા એટલે કે લલિતા શાસ્ત્રીને ફોન કર્યો હતો. તેણે પૂછ્યું કે, જો આજે સાંજે આપણા ઘરમાં ભોજન ન બને તો શું તકલીફ થશે? અમ્માએ કહ્યું, કોઈ તકલીફ નહીં થાય. તેણે કહ્યું કે હું જોવા માંગુ છું કે મારા બાળકો થોડા સમય માટે ઉપવાસ કરીને ભૂખ્યા રહી શકે છે કે નહીં. સાંજે રસોઈ બની નહોતી. અમે બધાએ ઉપવાસ કર્યો.
આ પછી બીજા દિવસે બાબુજીએ દેશવાસીઓને પૂછ્યું કે શું તેઓ દેશના હિતમાં અઠવાડિયામાં એક વખત ઉપવાસ કરી શકે છે? આ પહેલીવાર હતું જ્યારે કોઈ વડાપ્રધાને પોતાના લોકોને ભૂખ્યા રહેવાની અપીલ કરી હતી અને સમગ્ર દેશે તેનો સ્વીકાર કર્યો હતો. આ પછી ઓગસ્ટ 1965માં દશેરાના દિવસે લાલ બહાદુર શાસ્ત્રીએ દિલ્હીના રામલીલા મેદાનમાં પહેલીવાર જય જવાન જય કિસાનનો નારો આપ્યો હતો.

જ્યારે શાસ્ત્રીને સુપર કમ્યુનિસ્ટનું બિરુદ મળ્યું હતું
આ કહાની 1966ની છે. સોવિયત સંઘે આ કરાર માટે ભારતના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી અને પાકિસ્તાનના પ્રમુખ જનરલ અયુબ ખાનને તાશ્કંદ બોલાવ્યા હતા. અનિલ શાસ્ત્રી અને પવન ચૌધરી તેમના પુસ્તક 'લાલ બહાદુર શાસ્ત્રીઃ લેસન ઇન લીડરશિપ'માં લખે છે કે 3 જાન્યુઆરી 1966ના રોજ જ્યારે શાસ્ત્રી અયુબ ખાનને મળવા માટે નીકળ્યા ત્યારે ખૂબ જ ઠંડી હતી.

તાશ્કંદની ઠંડીનો સામનો કરવા માટે તે પોતાનો ખાદીનો વૂલન કોટ પોતાની સાથે લીધો હતો. શાસ્ત્રીને આ કોટમાં જોઈને રશિયાના વડાપ્રધાન એલેક્સી કોસિગિનને લાગ્યું કે આ કોટ તાશ્કંદના શિયાળા માટે પૂરતો નથી. આ કારણથી તેણે શાસ્ત્રી માટે હોટ કોર્ટ મોકલ્યો.

કોસિગિનને આશા હતી કે શાસ્ત્રી તેમના આદર માટે આપેલો કોટ પહેરશે, પરંતુ બીજા દિવસે શાસ્ત્રીએ ફરીથી એ જ ખાદીનો કોટ પહેર્યો. કોસિગિને ખચકાટ સાથે પૂછ્યું - પ્રધાનમંત્રીજી, તમને તે કોટ પસંદ ન આવ્યો?

શાસ્ત્રીએ કહ્યું- મેં તે મારા એક સ્ટાફ મેમ્બરને ઉધાર આપ્યો છે. આવા સખત શિયાળામાં તેની પાસે પહેરવા માટે કોટ નહોતો. ઠંડા દેશોની મારી ભાવિ યાત્રાઓ દરમિયાન હું ચોક્કસપણે તમારી ભેટનો ઉપયોગ કરીશ.

આ પછી કોસિગિને શાસ્ત્રીના સન્માનમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેમણે શાસ્ત્રીના સ્વાગત પ્રવચનમાં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. કોસિગિને કહ્યું હતું કે આપણે માત્ર કમ્યુનિસ્ટ છીએ, પરંતુ વડાપ્રધાન શાસ્ત્રી સુપર કમ્યુનિસ્ટ છે.

પાકિસ્તાન સાથે સમજૂતીની રાત્રે થયું મોત, આજ સુધી રહસ્ય
10 જાન્યુઆરીના રોજ બપોરે તાશ્કંદમાં કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પછી સોવિયત સંઘે હોટલ તાશ્કંદમાં પાર્ટીનું આયોજન કર્યું હતું. શાસ્ત્રીજી થોડો સમય ત્યાં રહ્યા અને પછી લગભગ 10 વાગ્યાની આસપાસ તેમના ત્રણ સહાયકો સાથે તેમના રૂમમાં પાછા ફર્યા.

આ પછી શાસ્ત્રીજીએ રામનાથને ભોજન પીરસવાનું કહ્યું. ભોજનમાં બટાકા, પાલક અને કઢીનો સમાવેશ થતો હતો. આ ભોજન તત્કાલિન રાજદૂત ટીએન કૌલને ત્યાંથી બનીને આવ્યું હતું.

શાસ્ત્રીજી ભોજન કરી રહ્યા હતા ત્યારે ફોન રણક્યો. ફોન પર દિલ્હીથી તેમના અન્ય સહાયક વેંકટરામન હતા. એવું જાણવા મળ્યું હતું કે ઘણા પક્ષોએ પાકિસ્તાન સાથેના તેમના કરારની ટીકા કરી છે. શાસ્ત્રીજી ચિંતિત થઈ ગયા.

તેમના પુત્ર અનિલ શાસ્ત્રી કહે છે, 'તે રાત્રે તેણે ભારતીય અખબારો કાબુલ મોકલ્યા. ત્યાં સુધી તેમની વાણી અને તબિયતમાં કોઈ ફરિયાદ નહોતી. મતલબ કે તે જાણવા માગતા હતા કે દેશમાં તેના નિર્ણયની શું અસર થઈ.

કુલદીપ નય્યર પોતાના પુસ્તકમાં લખે છે કે બીજા દિવસે તેને અફઘાનિસ્તાન જવાનું હતું, જેના માટે પેકિંગ ચાલી રહ્યું હતું. તાશ્કંદના સમય પ્રમાણે રાત્રે 1:30 વાગ્યે જગન્નાથ સહાય દ્વારા શાસ્ત્રીજીને લોબીમાં સ્તબ્ધ થતા જોવા મળ્યા. તે કંઈક કહેવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. બહુ મુશ્કેલીથી કહ્યું, 'ક્યાં છે ડોક્ટર સાહેબ?'

શાસ્ત્રીજીના ડૉક્ટર આરએન ચુગ એ રૂમમાં સૂતા હતા જ્યાં પેકિંગ થઈ રહ્યું હતું. શાસ્ત્રીજીએ તેમના હૃદય પાસે હાથ મૂક્યો અને પછી બેભાન થઈ ગયા. પર્સનલ ડૉક્ટર આર એન ચુગે તેની નાડી તપાસી અને તેના મૃત્યુની પુષ્ટિ કરી. મન રાખવા માટે રશિયાના ડોક્ટરોને પણ બોલાવવામાં આવ્યા હતા. ઈન્જેક્શન આપવામાં આવ્યું છતાં કોઈ હલચલ ન થઈ.

તેમના પુસ્તકમાં, શાસ્ત્રીજીના રૂમ વિશે, કુલદીપ નય્યરે લખ્યું છે કે તેમના સ્લીપરને કાર્પેટેડ ફ્લોર પર સરસ રીતે, પહેર્યા વગર રાખવામાં આવ્યું હતું. ડ્રેસિંગ ટેબલ પર થર્મોસ ઊંધું પડેલું હતું. જાણે તેને ખોલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવું લાગ્યું. સામાન્ય રીતે હોય તેવા રૂમમાં કોઈ એલાર્મ કે બઝર નહોતું. રૂમમાં ત્રણ ફોન હતા, પણ ત્રણેય બેડથી દૂર હતા.

થોડી વાર પછી ત્રિરંગો ધ્વજ આવ્યો અને શાસ્ત્રીજીને ઢાંકી દેવામાં આવ્યા. જે એક બાદ તસવીર લેવામાં આવી હતી. બીજા દિવસે મૃતદેહ ભારત લાવવામાં આવ્યો હતો.

શાસ્ત્રીજીના મૃત્યુની તપાસનો મામલો સામે આવતો રહ્યો. તત્કાલીન સરકારે પોસ્ટમોર્ટમ પણ કરાવ્યું ન હતું. 1977માં જનતા પાર્ટીની સરકાર આવી. તપાસ માટે કમિટી બનાવવામાં આવી હતી. રાજ નારાયણ સમિતિ. સૌથી પહેલા તેમના અંગત ડૉક્ટર આરએન ચુગને પૂછપરછ માટે બોલાવવાના હતા, પરંતુ તેમની કાર એક ટ્રક સાથે અથડાઈ હતી.

આ અકસ્માતમાં ડોક્ટર ચુગનું અવસાન થયું અને તેમની પુત્રી જીવનભર અપંગ બની ગઈ. એમના સહાયક રામનાથ સાથે પણ એવું જ થયું. તે એક માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેની યાદશક્તિ ગુમાવી દીધી હતી. આ કમિટીના રિપોર્ટની હાલત પણ કફોડી થઈ ગઈ છે અને આજદિન સુધી રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો નથી.

मैं भारत का PM સિરીઝના ત્રીજા એપિસોડમાં ઈન્દિરા ગાંધીના વડાપ્રધાન બનવાની કહાની જાણો. પતિ ફિરોઝ ગાંધીએ ઈન્દિરાને ફાસીવાદી કેમ કહ્યાં?

मैं भारत का PM (Episode - 01) | કેવી રીતે વડાપ્રધાન બન્યા નેહરુ: 80% કોંગ્રેસ કમિટીઓની પસંદ હતા પટેલ, છેલ્લી ક્ષણે ગાંધી મક્કમ બન્યા.

मैं भारत का PM (Episode - 01)
કેવી રીતે વડાપ્રધાન બન્યા નેહરુ: 80% કોંગ્રેસ કમિટીઓની પસંદ હતા પટેલ, છેલ્લી ક્ષણે ગાંધી મક્કમ બન્યા.

સ્વતંત્ર ભારતે એવી રાજકીય વ્યવસ્થા પસંદ કરી, જેમાં વડાપ્રધાનનું પદ સૌથી શક્તિશાળી હોય. છેલ્લાં 77 વર્ષમાં ઘણા લોકોએ પીએમની ખુરસી સુધી પહોંચવાનું સપનું જોયું છે, પરંતુ અત્યારસુધી માત્ર 14 લોકોને જ એના પર બેસવાનો મોકો મળ્યો છે. કેટલાકને જનતાનું ભરપૂર સમર્થન મળ્યું, જ્યારે કેટલાકને આ માટે યુક્તિઓનો આશરો લેવો પડ્યો.

પડદા પાછળના આવા કિસ્સાઓને દિવ્ય ભાસ્કર પોતાની ખાસ શ્રેણી 'મેં ભારત કા પીએમ'માં લઈને આવ્યું છે. 14 એપિસોડની આ શ્રેણી શરૂ થઈ ગઈ છે. આજે પ્રથમ એપિસોડમાં ભારતના પ્રથમ વડાપ્રધાન નેહરુની વાત...
શેર

આઝાદી પછી કોંગ્રેસ-અધ્યક્ષનું જ વડાપ્રધાન બનવાનું નક્કી થયું

15 ઓગસ્ટ 1947ના એક વર્ષ પહેલાં જ અંગ્રેજોએ આઝાદીની જાહેરાત કરી હતી. માત્ર ઔપચારિકતા બાકી હતી. આ સમયગાળા દરમિયાન દેશ ચલાવવા માટે વચગાળાની સરકાર પણ રચવાની હતી. વચગાળાની સરકાર કરતાં પણ મહત્ત્વનું એ હતું કે સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ બનશે.

એ નક્કી કરવામાં આવ્યું હતું કે જે કોંગ્રેસનો અધ્યક્ષ હશે તે જ વડાપ્રધાન બનશે. આઝાદી મળતાંની સાથે જ વચગાળાની સરકારની તૈયારીઓ થઈ ગઈ હતી. મૌલાના અબુલ કલામ આઝાદ 1940થી 1946 સુધી 6 વર્ષ કોંગ્રેસ-અધ્યક્ષ રહ્યા હતા. તેઓ ફરીથી ચૂંટાઈ શક્યા હોત, પરંતુ ગાંધીજીએ અબુલ કલામને પદ છોડવા કહ્યું. કલામે પણ એવું જ કર્યું.

આચાર્ય કૃપલાની તેમના પુસ્તક "ગાંધી હિઝ લાઇફ એન્ડ થોટ્સ"માં લખે છે કે 'જવાહરલાલ નેહરુને અધ્યક્ષ બનાવવા માટે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક 11 ડિસેમ્બર 1945ના રોજ હતી, જેને 29 એપ્રિલ 1946 સુધી લંબાવવામાં આવી હતી. આ દિવસે જ કોંગ્રેસ-અધ્યક્ષની ચૂંટણી થવાની હતી.
પટેલની સાથે હતી 80 ટકા કોંગ્રેસ કમિટી, કોઈએ નેહરુનું નામ સુધ્ધાં નહોતું લીધું.

પરંપરા મુજબ રાજ્યની 15 કોંગ્રેસ કમિટી જ અધ્યક્ષની પસંદગી કરતી હતી. 12 કમિટીએ સરદાર વલ્લભભાઈ પટેલના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, બાકીની 3 કમિટીએ પટ્ટાભી સીતારમૈયા અને આચાર્ય જે.બી. કૃપલાનીનાં નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. કોઈ કમિટીએ જવાહરલાલ નેહરુના નામનો પ્રસ્તાવ મૂક્યો નહોતો. એ સમયે આચાર્ય કૃપલાની પાર્ટીના મહાસચિવ હતા.

કૃપલાની તેમના પુસ્તકમાં લખે છે, 'કમિટીના નિર્ણય બાદ મેં ગાંધીજીને સરદાર પટેલના નામનો પ્રસ્તાવ પત્ર રજૂ કર્યો હતો. ગાંધીજીએ જોયું તો નેહરુનું નામ નહોતું. આ પછી તેમણે કશું બોલ્યા વિના મને પ્રસ્તાવ પત્ર પરત કરી દીધો.

કૃપલાનીએ ગાંધીજી સાથે લાંબા સમય સુધી કામ કર્યું હતું. તેઓ ગાંધીની આંખોમાં જોઈને સમજી જતા હતા કે તેઓ શું ઇચ્છે છે. કૃપલાનીએ નવો પ્રસ્તાવ તૈયાર કરાવ્યો, જેમાં પટેલ સિવાય નેહરુને પણ કોંગ્રેસ-અધ્યક્ષ બનાવવાનો પ્રસ્તાવ હતો, જેના પર બધાએ સહી કરી હતી. બધાને ખબર હતી કે ગાંધીજી મનથી નેહરુને જ અધ્યક્ષ અને પીએમ તરીકે જોવા માંગતા હતા, પરંતુ પરંપરા અને આંકડા નેહરુના વિરુદ્ધમાં હતા. હવે સમસ્યા એ હતી કે હજુ પણ મેદાનમાં સરદાર પટેલ હતા. જો પટેલ અને કૃપલાની પોતાનાં નામ પરત ખેંચે તો જ નેહરુની રાહ આસાન થઈ શકતી હતી.

ગાંધીજીનું મન સમજીને પટેલે પોતાનું નામ પાછું ખેંચ્યું હતું
કૃપલાનીનું નામ પણ સામે એટલે આવ્યું હતું કે તેઓ બીજા ઉમેદવાર હતા, જેમને સૌથી વધુ બે મત મળ્યા હતા. કૃપલાનીએ કશું બોલ્યા વિના પોતાનું નામ પાછું ખેંચી લીધું. કૃપલાનીએ ગાંધીજીની ઈચ્છા મુજબનો નામ પરત લેવાનો પત્ર તૈયાર કર્યો. આ પટેલના નામ પરત લેવાની જાહેરાત હતી.

પટેલે નામ પરત લેવાના પત્ર પર સહી કરવાનો ઇનકાર કર્યો હતો. એક રીતે પટેલે નેહરુનો વિરોધ કર્યો હતો. ગાંધીએ એ જ નામ પરત લેવાનો પત્ર પટેલને પાછો આપ્યો. આ વખતે પટેલે સહી કરી દીધી હતી. આ પછી નેહરુ બિનહરીફ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ચૂંટાયા અને આ રીતે સ્વતંત્ર ભારતને જવાહર લાલ નેહરુના રૂપમાં પ્રથમ વડાપ્રધાન મળ્યા.

ગાંધીએ કહ્યું- નેહરુ વિદેશમાં ભણ્યા છે, તેમની પાસે સારી સમજ છે.
એ સમયે હિન્દુસ્તાન ટાઈમ્સ માટે કામ કરતા વરિષ્ઠ પત્રકાર દુર્ગા દાસે તેમના પુસ્તક 'ઈન્ડિયા ફ્રોમ કર્ઝન ટુ નેહરુ એન્ડ આફ્ટર'માં લખ્યું છે કે 'મેં ગાંધીજી સાથે વચગાળાની સરકારના નવા પીએમ તરીકે સરદાર વિશે વાત કરી હતી. ત્યારે ગાંધીજીએ કહ્યું હતું કે નેહરુ ક્યારેય બીજા નંબર પર કામ નહીં કરે. મારા કેમ્પમાં માત્ર નેહરુ જ અંગ્રેજ છે. તેઓ અંગ્રેજી રીતભાત જાણે છે. વિદેશમાં અભ્યાસ કર્યો છે. તેમને વિદેશી બાબતોની સારી સમજ છે. નેહરુ આંતરરાષ્ટ્રીય મામલાઓને સારી રીતે પાર પાડશે. પટેલ દેશ સારી રીતે ચલાવશે. આ બે દેશ ચલાવનારા બળદગાડાના બે બળદ હશે.

દુર્ગા દાસ લખે છે કે 'મેં એકવાર ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સાથે આ અંગે ચર્ચા કરી હતી અને તેમણે કહ્યું હતું કે ગાંધીજીએ ફરી એકવાર ગ્લેમરસ માટે તેમના વિશ્વાસુ લેફ્ટનન્ટનું બલિદાન આપી દીધું.

વરિષ્ઠ પત્રકાર રશીદ કિડવાઈ કહે છે કે નેહરુ એક સ્વપ્નદ્રષ્ટા નેતા હતા. જ્યારે દેશ તેમના હાથમાં આવ્યો ત્યારે બધું નવું હતું. તેમણે જ સંજોગો અને લોકો સાથે કામ કરીને દેશનું નિર્માણ કરવાનું હતું. ગાંધીજી જાણતા હતા કે વલ્લભભાઈ પટેલ વૃદ્ધ થઈ ગયા છે. દેશને નવા યુગના નેતાની જરૂર છે. નેહરુ શિક્ષિત હતા. આઝાદી પછી આપણું એ ભારત હતું, જેના નેતાઓએ આખી દુનિયા સાથે એક મંચ પર બેસીને પોતાની રીતે આગળ વધવાનું હતું. થોડા સમય બાદ જ પટેલનું નિધન થઇ ગયું હતું. આ સાબિત કરે છે કે ગાંધીજીનો નિર્ણય સાચો હતો.

જવાહરલાલ નેહરુએ 14 ઓગસ્ટ 1947ના રોજ મધ્યરાત્રિએ તેમનું પ્રખ્યાત 'ટ્રીસ્ટ વિથ ડેસ્ટિની' ભાષણ આપ્યું હતું. તેઓ 16 વર્ષ અને 286 દિવસ સુધી પીએમ રહ્યા અને પદ પર કાર્યરત હતા ત્યારે તેમનું અવસાન થયું. તેમના કાર્યકાળ અને જીવનની કેટલીક જાણી-અજાણી વાતો...
જ્યારે ગાંધીજીએ નેહરુને લખ્યું- થોડા પૈસાની વ્યવસ્થા કરું?
જવાહર લાલ નેહરુ કાયદાનો અભ્યાસ કરીને કેમ્બ્રિજથી પાછા ફર્યા હતા. તેમણે કેટલાક દિવસો સુધી અલાહાબાદ હાઈકોર્ટમાં વકીલાત કરી, પરંતુ પછી તેમનો વ્યવસાય છોડીને ગાંધીજી સાથે સ્વતંત્રતા સંગ્રામમાં ઝંપલાવ્યું. તેમની પાસે કોઈ આવક ન હતી. પિતા મોતીલાલ નેહરુ તેમને દર મહિને પૈસા આપતા હતા. આ દરમિયાન બંને વચ્ચે કોઈ મુદ્દે મનદુ:ખ થયું હતું. ત્યારે નેહરુને રોજબરોજનો ખર્ચ કરવા માટે પૈસાની તંગી પડી હતી.

એ દિવસોમાં પ્રખ્યાત ઉર્દૂ કવિ ફિરાક ગોરખપુરી જવાહરલાલ સાથે કોંગ્રેસ કાર્યાલય આનંદ ભવનમાં કામ કરતા હતા. ફિરાક ગોરખપુરીએ તેમના એક સંસ્મરણમાં લખ્યું છે કે એકવાર ગાંધીજીએ નેહરુને એક પત્ર લખ્યો હતો, જે મેં ગુપ્ત રીતે વાંચ્યો હતો.

15 સપ્ટેમ્બર 1924નો આ પત્ર જવાહરલાલ નેહરુના પુસ્તક "કુછ પુરાની ચિઠ્ઠીયા" માં પ્રકાશિત થયો હતો. એમાં ગાંધીજીએ જવાહરને લખ્યું હતું કે હું જાણું છું કે તમે આ બાબતોનો બહાદુરીથી સામનો કરશો. અત્યારે પિતા (મોતીલાલ) ચીડાઈ ગયા છે. હું નથી ઈચ્છતો કે એમ કે હું તેમનો ગુસ્સો વધારવા માટે સહેજ પણ તક આપીએ. જો શક્ય હોય તો તેમની સાથે વાત કરો.

શું તમારા માટે થોડા પૈસાની વ્યવસ્થા કરું? તમે કોઈ કમાણીનું કામ હાથમાં લઈ લો. અમુક અખબારોના સંવાદદાતા બનશો કે શિક્ષક બનશો?

નેહરુએ ચર્ચિલને કહ્યું- તમે જાણો છો ને, અમે તમારાથી ડરતા નથી
સુભાષ કશ્યપે તેમના પુસ્તક 'જવાહરલાલ નેહરુઃ હિઝ લાઈફ, વર્ક એન્ડ લેગસી'માં બ્રિટિશ પીએમ સર વિન્સ્ટન ચર્ચિલ અને નેહરુ વચ્ચેની મુલાકાત વિશે લખ્યું છે. આ એ સમય હતો જ્યારે દેશ આઝાદ થઇ ગયો હતો અને નેહરુ પીએમ હતા. વિન્સ્ટન ચર્ચિલ નેહરુની ટીકા કરતા હતા. ટીકાકાર શું તે એક રીતે દુશ્મન હતા.

આ બંને 1950માં પહેલીવાર મળ્યા હતા અને એકબીજા સાથે ખૂલીને વાત કરતા હતા. ચર્ચિલે નેહરુને ગુલામીની યાદ અપાવી અને પૂછ્યું - તમે કેટલા દિવસ બ્રિટિશ જેલમાં સડતા રહ્યા? નેહરુએ કહ્યું- દસ વર્ષ સુધી. ચર્ચિલે કહ્યું તો પછી તમારા હૃદયમાં અમારા માટે ઘણી કડવાશ હોવી જોઇએ. તમારે હૃદયથી અમને નફરત કરવી જોઈએ.

પછી નેહરુએ કહ્યું, કોઈ વાંધો નથી. અમારા નેતા (ગાંધી)એ અમને બે બાબત શીખવી છે- ક્યારેય કોઈને નફરત ન કરો અને ક્યારેય કોઈથી ડરશો નહીં. તમે પણ જાણો છો કે અમે ન તો તમારાથી ડરીએ છીએ અને ન તો તમને નફરત કરીએ છીએ.

જ્યારે નેહરુએ પીએમ પદ પરથી રાજીનામું આપ્યું
લાલ બહાદુર શાસ્ત્રીની બાયોગ્રાફી લખનાર સીપી શ્રીવાસ્તવ પોતાના પુસ્તક "એ લાઇફ ઓફ ટ્રૂથ ઇન પોલિટિક્સ"માં લખે છે કે જ્યારે નેહરુ બીજી વખત વડાપ્રધાન તરીકે ચૂંટાયા ત્યારે તેઓ તેમના કામથી કંટાળી ગયા હતા. તેમણે વિચાર્યું કે હવે કોઈ બીજાને વડાપ્રધાન બનવાની તક આપવી જોઈએ. 29 એપ્રિલ 1958ના રોજ કોંગ્રેસ સંસદીય દળની બેઠક મળી હતી, જેમાં નેહરુએ કહ્યું કે તેઓ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપવા માગે છે.

તેમણે કહ્યું હતું કે મારી જાહેર રાજકીય કારકિર્દીનાં 40 વર્ષ બેજોડ રહ્યાં છે. મારે હવે આ જવાબદારીઓમાંથી મુક્ત થવું છે. હું ઈચ્છું છું કે હવે કોઈ બીજાને વડાપ્રધાન બનવાની તક મળવી જોઈએ. મારે હવે હિમાલય જવું છે. તેમણે આ માટેની ટિકિટ પણ બુક કરાવી દીધી હતી. કોંગ્રેસ નેતાઓને જણાવતાં પહેલાં તેમણે રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદને પોતાનું રાજીનામું પણ મોકલી દીધું હતું. નેહરુએ તેમના રાજીનામા અંગે રાષ્ટ્રપતિને પહેલેથી જ જણાવી દીધું હતું.

કોંગ્રેસના સાંસદ અને લેખક શશિ થરૂરે પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે. એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે નેહરુ છ મહિના માટે તેમના પ્રિય સ્થળ હિમાલયમાં જવાના હતા, પરંતુ કોંગ્રેસ વર્કિંગ કમિટીએ તેમનું રાજીનામું અસ્વીકાર કર્યું હતું. કોંગ્રેસનેતાઓએ કહ્યું હતું કે તમારે જ દેશ ચલાવવો પડશે.

આ પછી નેહરુએ રાજીનામું પાછું ખેંચી લીધું હતું. ત્યાં સુધીમાં રાજીનામાના સમાચાર આખી દુનિયામાં ફેલાઈ ગયા હતા. એ આજનો યુગ નહોતો. બે-ત્રણ દિવસ પછી જ્યારે નેહરુના રાજીનામું પાછું ખેંચવાના સમાચાર અન્ય દેશોમાં પહોંચ્યા ત્યારે હજારો ટેલિગ્રામ આવ્યા હતા. એમાં રાજીનામું પાછું ખેંચવા બદલ નેહરુને અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં.

વસિયતમાં લખ્યું હતું- મારી રાખ ખેતરોમાં ઉડાવી દેજો
નેહરુએ મૃત્યુ પહેલાં જ તેમની વસિયત લખી હતી. તેમણે સ્પષ્ટ લખ્યું હતું કે કોઈપણ ધાર્મિક વિધિ એટલે કે તેરમું વગેરે ન કરવું.

તેમણે લખ્યું હતું કે 'હું સંપૂર્ણ ગંભીરતા સાથે જાહેર કરવા માગું છું કે મારા મૃત્યુ પછી મારા માટે કોઈ ધાર્મિક વિધિ કરવામાં ન આવે. મને આવા સંસ્કારોમાં વિશ્વાસ નથી. હું ઈચ્છું છું કે મારા મૃત્યુ પછી અગ્નિસંસ્કાર કરવામાં આવે. જો હું વિદેશમાં મરી જાઉં તો ત્યાં મારો અગ્નિસંસ્કાર કરવામાં આવે, પણ મારાં અસ્થિઓ અલાહાબાદ લાવવામાં આવે. આમાંથી થોડાં ગંગામાં વહાવવાં. હું ઈચ્છું છું કે બાકીનાને આકાશમાં ઊંચા વિમાનમાં લઈ જવામાં આવે. ત્યાંથી એને ખેતરોમાં ઉડાવી દેવામાં આવે, જ્યાં આપણા ખેડૂતો સખત મહેનત કરે છે.

'મૈં ભારત કા પીએમ' શ્રેણીના બીજા એપિસોડમાં જાણો લાલ બહાદુર શાસ્ત્રીના વડાપ્રધાન બનવાની કહાની. નેહરુના અવસાન પછી પીએમ પદ માટે મોરારજી દેસાઈનું નામ ટોચ પર હતું, પરંતુ કામરાજની યોજનાએ શાસ્ત્રીને કેવી રીતે ખુરસી સુધી પહોંચાડ્યા.