9 જૂન 2013ની ઘટના છે. ગોવામાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકનો છેલ્લો દિવસ હતો. તે સમયના પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહ ભાષણ આપવા માટે સૌથી છેલ્લે આવ્યા હતા. 25 મિનિટ સુધી રાજનાથે સામાન્ય ચૂંટણીઓ વિશે વાત કરી અને પાર્ટીના નેતાઓ માટે દિલથી વખાણ કર્યા.
ભાષણના અંતમાં રાજનાથ સિંહે કહ્યું કે, મેં નિર્ણય કર્યો છે કે, કેન્દ્રીય સ્તરે પણ સેન્ટ્રલ કેમ્પેઈન કમિટી બનાવવામાં આવશે અને હું નરેન્દ્ર મોદીને તે સેન્ટ્રલ કેમ્પેઈન કમિટીના ચેરમેન જાહેર કરું છું.
હકીકતમાં, આ નિર્ણયનો ગણગણાટ હતો, પરંતુ આ બેઠકમાં આવી કોઈ જાહેરાતની અપેક્ષા નહોતી. પાર્ટીના ઘણા નેતાઓ આ નિર્ણય સાથે સહમત ન હતા. સ્ટેજ પર મોદીને આપવા માટે ગુલદસ્તો પણ નહોતો. આવી સ્થિતિમાં રાજનાથ સિંહે કોઈ બીજાને આપેલો ગુલદસ્તો ઉપાડીને મોદીને આપ્યો.
9 જૂનની તસવીર જ્યારે રાજનાથ સિંહે નરેન્દ્ર મોદીને 2014ની લોકસભા ચૂંટણી માટે ભાજપ ચૂંટણી સમિતિના અધ્યક્ષ તરીકે જાહેર કર્યા.
આ જાહેરાત સાથે જ મોદી 2014ની લોકસભા ચૂંટણીના કર્તાહર્તા બની ગયા. રાજનાથ સિંહની આ જાહેરાત નરેન્દ્ર મોદીના ભારતના વડાપ્રધાન બનવાની દિશામાં એક મોટું પગલું હતું. જો કે, નરેન્દ્ર મોદીએ તેની તૈયારીઓ ઘણા સમય પહેલાંથી જ શરૂ કરી દીધી હતી.
'મૈં ભારત કા પીએમ' શ્રેણીના 14મા અને અંતિમ એપિસોડમાં નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બનવાની કહાની અને તેમની સાથે જોડાયેલા કિસ્સા...
ગુજરાતમાંથી નરેન્દ્ર મોદીનો રાજકીય વનવાસ
ભાજપની રાજનીતિમાં નરેન્દ્ર મોદીની સીધી દખલગીરી ત્યારે શરૂ થઈ જ્યારે સંઘે તેમને 1987માં ગુજરાતના સંગઠન સચિવ બનાવ્યા. તે સમયે ગુજરાત ભાજપમાં શંકરસિંહ વાઘેલા અને કેશુભાઈ પટેલનું વર્ચસ્વ હતું.
1995ની ચૂંટણીમાં ભાજપને મોટી જીત મળી અને કેશુભાઈ સીએમ બન્યા. તેમણે પોતાની કેબિનેટમાં વાઘેલા કેમ્પના એકપણ ધારાસભ્યને સ્થાન આપ્યું નહીં. અહીં વાઘેલા પણ વળતો પ્રહાર કરવાની યોગ્ય તક શોધી રહ્યા હતા.
મોદીએ સંગઠનની આંતરિક બાબતોમાં કેશુભાઈને સાથ આપવાનું શરૂ કર્યું. તેઓ તેમને પોતાના રાજકીય ગુરુ પણ માનતા હતા. આ તસવીરમાં ડાબેથી જમણે કેશુભાઈ પટેલ, નરેન્દ્ર મોદી અને શંકરસિંહ વાઘેલા દેખાય છે.
મોદીએ સંગઠનની આંતરિક બાબતોમાં કેશુભાઈને સાથ આપવાનું શરૂ કર્યું. તેઓ તેમને પોતાના રાજકીય ગુરુ પણ માનતા હતા. આ તસવીરમાં ડાબેથી જમણે કેશુભાઈ પટેલ, નરેન્દ્ર મોદી અને શંકરસિંહ વાઘેલા દેખાય છે.
સપ્ટેમ્બર 1995માં સીએમ કેશુભાઈ અમેરિકાના પ્રવાસે ગયા અને અહીં વાઘેલાએ 55 ધારાસભ્યો સાથે સરકારને તોડી પાડવાનું કાવતરું ઘડ્યું. આ મુદ્દાના ઉકેલ માટે અટલ બિહારી વાજપેયીને અમદાવાદ જવું પડ્યું.
બે દિવસ સુધી વાટાઘાટો ચાલુ રહી. કેન્દ્રીય નેતૃત્વએ શંકરસિંહ વાઘેલાની 3 શરતો સ્વીકારવી પડી. સૌથી મોટી શરત મુજબ કેશુભાઈને મુખ્યમંત્રી પદેથી હટાવવા પડ્યા, વાઘેલા તરફી ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા અને નરેન્દ્ર મોદીને રાજ્યના રાજકારણમાંથી હટાવીને દિલ્હીમાં રાષ્ટ્રીય સચિવ બનાવાયા.
1995થી 1997 સુધી ગુજરાતમાં રાજકીય ઊથલપાથલ ચાલુ રહી. આ સમયગાળા દરમિયાન ત્રણ મુખ્યમંત્રી બન્યા, પરંતુ કોઈ પણ લાંબા સમય સુધી સરકાર ચલાવી શક્યું નહીં. આખરે 1998ની ચૂંટણીમાં ભાજપે ગુજરાત વિધાનસભા જીતી. 4 માર્ચ, 1998ના રોજ કેશુભાઈ પટેલ બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી બન્યા.
કેશુભાઈના કાર્યકાળ દરમિયાન ગુજરાતમાં ભૂકંપ અને દુષ્કાળે ભારે તબાહી મચાવી હતી. તેમનો વહીવટ આપત્તિ વ્યવસ્થાપનમાં ખરાબ રીતે નિષ્ફળ ગયો હતો. કેશુભાઈના કામથી સંઘ ખુશ ન હતું. વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ સાથે પણ તેમના સંબંધો સારા નહોતા. જ્યારે નરેન્દ્ર મોદી દિલ્હીમાં રહીને ગુજરાત આવવાની યોજના બનાવી રહ્યા હતા. તેઓ અવારનવાર સંઘના મુખ્યાલય 'કેશવ કુંજ' ખાતે જોવા મળતા હતા.
એવું કહેવાય છે કે તે સમયે નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં કેશુભાઈ પટેલ વિરુદ્ધ વાતાવરણ બનાવવાનું શરૂ કર્યું. તેમણે દિલ્હીના કેટલાક તંત્રીઓને કેશુભાઈ વિરુદ્ધ નકારાત્મક સમાચાર લખવા પણ કહ્યું હતું. આઉટલુકના તંત્રી વિનોદ મહેતાએ તેમનાં સંસ્મરણોમાં આવી જ એક બેઠકનો ઉલ્લેખ કર્યો છે. મહેતાના કહેવા પ્રમાણે, ' હું પાર્ટીની દિલ્હી ઓફિસમાં કામ કરી રહ્યો હતો ત્યારે નરેન્દ્ર મોદી મારી ઓફિસમાં આવ્યા. તેઓ કેટલાક કાગળો લાવ્યા હતા જેનાથી સાબિત થતું હતું કે ગુજરાતના સીએમ કેશુભાઈ કંઈક ખોટું કરી રહ્યા છે.
મોદીના આ પ્રયાસો ફળ્યા અને પાર્ટી નેતૃત્વએ કેશુભાઈને મુખ્યમંત્રી પદેથી હટાવવાનો નિર્ણય કર્યો. હવે સવાલ એ હતો કે નવા સીએમ કોને બનાવવામાં આવે. આમાં મોદીના આરએસએસ, અટલ અને અડવાણી સાથેના સંબંધો કામમાં આવ્યા.
અટલ બોલ્યા- પંજાબી ફૂડ ખાઈને જાડા થઈ ગયા છો, દિલ્હી છોડીને ગુજરાત જાઓ.
6 વર્ષ પછી 2001માં નરેન્દ્ર મોદી ગુજરાત પરત ફર્યા. કેશુભાઈ પટેલને હટાવીને તેમને સીએમ બનાવાયા. આની કહાની પણ રસપ્રદ છે.
એક ઈન્ટરવ્યૂમાં નરેન્દ્ર મોદીએ કહ્યું, 'પીએમ વાજપેયીએ મને ફોન કર્યો હતો. તેમણે મને કહ્યું કે પંજાબી ફૂડ ખાઈને તમે જાડા થઈ ગયા છો. તમારે વજન ઘટાડવું જોઈએ. અહીંથી જાઓ, દિલ્હી છોડી દો. મેં પૂછ્યું હું ક્યાં જાઉ? તેમણે કહ્યું- ગુજરાત જાઓ, ત્યાં તમારે કામ કરવાનું છે. મને ખ્યાલ નહોતો કે અટલજી મને મુખ્યમંત્રી બનાવવા માગે છે.
મોદીને મુખ્યમંત્રી બન્યાને એક વર્ષ પણ નહોતું થયું ને 2002નાં ગુજરાત રમખાણો થયાં. આ પછી સમય પહેલાં કરાવાયેલી વિધાનસભા ચૂંટણીમાં મોદીના નેતૃત્વમાં ભાજપે રેકોર્ડ જીત નોંધાવી હતી. મોદી બીજી વખત સીએમ બન્યા. આ પછી તેઓ 2007માં ત્રીજી વખત અને 2012માં ચોથી વખત ગુજરાતના સીએમ બન્યા હતા.
નરેન્દ્ર મોદીએ પોતાને ગુજરાતની બહાર પણ પ્રોજેક્ટ કરવાનું શરૂ કર્યું.
સીએમ તરીકેના તેમના છેલ્લા કાર્યકાળમાં મોદીએ સમગ્ર ગુજરાતમાં સદભાવના યાત્રા કાઢી હતી. તેમના મહત્ત્વાકાંક્ષી ઇરાદાઓ આ રેલી દ્વારા જ પ્રથમ વખત પ્રકાશમાં આવ્યા હતા. ગુજરાતમાં વેપારને પ્રોત્સાહન આપીને મોદીએ 'ગુજરાત મોડલ'ને લાઇમલાઇટમાં લાવી દીધું હતું. માર્ચ 2012માં ટાઇમ મેગેઝિનના કવર પેજ પર 'મોદી મીન્સ બિઝનેસ' નામની કવર સ્ટોરી છપાઇ હતી.
2009થી 2012 સુધી વડાપ્રધાન મનમોહન સિંહના મીડિયા સલાહકાર રહેલા હરીશ ખરે તેમના પુસ્તક 'હાઉ મોદી વન ઇટ' માં લખે છે, 'મોદીએ ભાજપ બહારના તેમના તમામ સાથીઓને આક્રમક રીતે સક્રિય કરવાનું શરૂ કર્યું. તેમણે સૌપ્રથમ કોર્પોરેટ જગતના લોકોને પોતાની તરફ કર્યા. આ પછી તેમણે બાબા રામદેવ અને શ્રી શ્રી રવિશંકર જેવી ધાર્મિક હસ્તીઓને પોતાના પક્ષમાં કરી લીધા.
હરીશ ખરે લખે છે, 'આ તે સમય હતો જ્યારે મોદીએ કેન્દ્રની કોંગ્રેસ સરકાર પર પ્રહાર કરવા માટે ગુજરાતનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું હતું.' નરેન્દ્ર મોદી મનમોહન સિંહ સરકારના ભ્રષ્ટાચાર, મોંઘવારી અને ડોલર સામે રૂપિયાના ઘટતા મૂલ્ય અંગે નિવેદનો આપી રહ્યા હતા.
અડવાણીની નારાજગી છતાં મોદીને 2014માં મોટી જવાબદારી
22 જાન્યુઆરી, 2013ના રોજ મહારાષ્ટ્રમાં પૂર્તિ ગ્રૂપ ઓફ કંપનીઝ પર આવકવેરાના દરોડા પડ્યા હતા. જેમાં નીતિન ગડકરીનું નામ પણ સામે આવ્યું હતું. તેમણે ભાજપના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. રાજનાથ સિંહ નવા અધ્યક્ષ બન્યા.
હરીશ ખરેના કહેવા પ્રમાણે, 'મોદી માટે ગડકરીને બદલે રાજનાથ અધ્યક્ષ બને તે ફાયદાકારક હતું, કારણ કે ગડકરી કરતાં રાજનાથને મેનેજ કરવું તેમના માટે સરળ હતું.
'ઈતિહાસકાર અને લેખક ગૌતમ ચિંતામણી પોતાના પુસ્તક ' રાજનીતિઃ 'અ બાયોગ્રાફી ઑફ રાજનાથ સિંહ'માં લખે છે કે, 'અધ્યક્ષ બન્યાના થોડા જ અઠવાડિયા બાદ રાજનાથ સિંહ સમજી ગયા હતા કે ભાજપનું નેતૃત્વ મોદીને સોંપવાનો વિચાર પાર્ટી કેડરમાં મજબૂત થઈ રહ્યો છે. જો કે, તેઓ પાર્ટીની અંદર મોદીના વિરોધથી પણ વાકેફ હતા.
નરેન્દ્ર મોદીને ચૂંટણી ચહેરો બનાવવા માટે ભાજપની મોટી લોબી એકઠી થઈ ગઈ હતી. બીજી તરફ અડવાણી કેમ્પને ખબર હતી કે જૂન 2013માં યોજાનારી ગોવામાં રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં મોદીને લઈને કોઈ મોટી જાહેરાત થઈ શકે છે. આ કારણે અડવાણી સહિત અનેક નેતાઓએ આ બેઠકમાં આવવાની ના પાડી દીધી હતી.
ગૌતમ ચિંતામણીના પુસ્તક ' રાજનીતિઃ 'અ બાયોગ્રાફી ઑફ રાજનાથ સિંહ' અનુસાર આ દરમિયાન ભાજપ ગઠબંધનની વર્ષો જૂની સહયોગી પાર્ટી JDUના વડા નીતિશ કુમારે રાજનાથને ફોન કરીને મોદીના નામ પર પોતાની અસહમતી વ્યક્ત કરી હતી. રાજનાથ સિંહે કહ્યું હતું કે ભાજપનું સંસદીય બોર્ડ મોદીને કેટલીક વધારાની જવાબદારીઓ સોંપશે. નીતિશ આ માટે પણ સહમત ન હતા.'
ગૌતમ ચિંતામણિ લખે છે કે જો મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવાના નિર્ણય પર બેઠકમાં સર્વસંમતિ ન બની હોત અને બેઠક અનિર્ણિત રહી હોત તો ખોટો સંદેશ ગયો હોત. તેથી જ રાજનાથે પૂરો પ્રયાસ કર્યો હતો. બેઠક માટે મોદી જ્યારે ગોવા પહોંચ્યા ત્યારે તેમનું જોરદાર સ્વાગત થયું. તત્કાલીન મુખ્યમંત્રી મનોહર પર્રિકરે મોદીને સમર્થન આપ્યું. આખરે 9 જૂને રાજનાથે ચૂંટણી સમિતિના અધ્યક્ષ પદ માટે મોદીના નામની જાહેરાત કરી દીધી.
અડવાણીનું ભાવુક રાજીનામું, નીતિશે ગઠબંધન તોડવાની ધમકી આપી
આ જાહેરાત બાદ નીતિશે રાજનાથને ફોન કરીને કહ્યું હતું કે તેમણે ગઠબંધન તોડવાનો નિર્ણય લીધો છે. રાજનાથે કહ્યું હતું કે ચૂંટણી સમિતિની જવાબદારી આપવા સિવાય હજુ સુધી કોઈ મોટી જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ રાજનાથે મોદીને 'નેતા' કહ્યા તે જ ક્ષણે નીતિશ કુમાર માટે બધું સ્પષ્ટ થઈ ગયું.
અહીં અડવાણી પોતાના બ્લોગમાં બાણશૈયા પર સૂતેલા ભીષ્મ પિતામહનો ઉલ્લેખ કરી રહ્યા હતા. તેના બીજા જ દિવસે એટલે કે 10મી જૂને અડવાણીએ પાર્ટીનાં તમામ પદો પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી.
તેમણે રાજનાથ સિંહને લખેલા પત્રમાં કહ્યું હતું કે, 'છેલ્લા કેટલાક સમયથી હું પાર્ટીમાં પોતાને અનુકૂળ નથી અનુભવી રહ્યો. મને નથી લાગતું કે જે પાર્ટી શ્યામા પ્રસાદ મુખર્જી, દીનદયાલ ઉપાધ્યાય અને અટલ બિહાર વાજપેયીએ બનાવી, ઊભી કરી, આ તે જ પાર્ટી છે. ભાજપે દિશા ગુમાવી દીધી છે. આ પત્રને મારું રાજીનામું માનવું જોઈએ.
આ પછી ભાજપના મોટા નેતાઓ અડવાણીને મનાવવા માટે લાગી ગયા હતા. રાજનાથે કહ્યું, 'હું આ રાજીનામું નહીં સ્વીકારું. મોદીને ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવવાનો નિર્ણય સૌની સહમતીથી લેવામાં આવ્યો હતો. આ બદલાશે નહીં.'
અડવાણીના ઘરે પહોંચેલા સુષ્મા સ્વરાજે કહ્યું, 'હું તેમના રાજીનામાથી આશ્ચર્યચકિત છું.' જોકે, તેમણે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો કે તે અડવાણીને મનાવી લેશે.
અડવાણીના નજીકના ગણાતા વેંકૈયા નાયડુ, પાર્ટીના તત્કાલીન મહાસચિવ અનંત કુમાર અને પ્રવક્તા મુખ્તાર અબ્બાસ નકવી પણ અડવાણીના ઘરે પહોંચ્યા હતા.
અડવાણીને મનાવવાનો પ્રયાસ સફળ રહ્યો હતો. 11 જૂનના રોજ સંઘના વડા મોહન ભાગવત સાથે ફોન પર વાત કર્યા બાદ અડવાણીએ પોતાનું રાજીનામું પાછું ખેંચી લીધું હતું.
ભાજપની આ ખેંચતાણ પર કોંગ્રેસ કટાક્ષ કરી રહી હતી. કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી હરીશ રાવતે કહ્યું કે જ્યારે રક્તબીજમાંથી બીજા રક્તબીજનો જન્મ થાય છે ત્યારે તે વધુ શક્તિશાળી હોય છે. ભાજપના તમામ નેતાઓ સમજી રહ્યા હતા કે જો આ કુસ્તીબાજ (મોદી) દિલ્હી આવશે તો આપણું શું થશે.
RSS ની જરૂરિયાતે મોદી માટે દિલ્હીનો રસ્તો ખોલ્યો
દિલ્હીના રાજકારણમાં પગ જમાવવામાં મોદીને સંઘનું સમર્થન મળ્યું. આના પોતાનાં કારણો હતાં.
વરિષ્ઠ પત્રકાર પીઆર રમેશના જણાવ્યા અનુસાર 15 માર્ચ, 2013ના રોજ જયપુરમાં આરએસએસની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે નરેન્દ્ર મોદી 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર હશે અને તે ઉત્તર પ્રદેશના એક મત વિસ્તારમાંથી ચૂંટણી લડશે.
રમેશે 31 માર્ચ 2014ના રોજ ઓપન મેગેઝિનમાં આ વિશે વિગતવાર લખ્યું છે. રમેશના કહેવા પ્રમાણે ભાજપમાં આંતરિક વિખવાદ હતો, સંઘને લાગ્યું કે તેનો હસ્તક્ષેપ જરૂરી છે. કોંગ્રેસની હાર સુનિશ્ચિત કરવા માટે નરેન્દ્ર મોદી જેવું ઊર્જાવાન વ્યક્તિત્વ સંઘ પરિવારની પ્રથમ પસંદગી હતી.
હરીશ ખરે કહે છે કે મોદી માટે સંઘનો આ પ્રેમ અચાનક ઊભો થયો નહોતો. 2010થી જ તેનું બેકગ્રાઉન્ડ તૈયાર થઇ ગયું હતું. મોદી અને સંઘ વચ્ચે પરસ્પર હિતોનો સુમેળ હતો. સંઘને ચિંતા હતી કે યુપીએ સરકાર સંઘ સામે પગલાં લેવા માંગે છે. જુલાઇ 2010માં સમાચાર આવવા લાગ્યા કે તપાસ એજન્સીઓ ઘણા મુસ્લિમ ધર્મસ્થાનો પર આતંકવાદી હુમલાઓમાં હિંદુઓની સંડોવણીના પુરાવા એકત્ર કરી રહી છે. 25 ઓગસ્ટ, 2010ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી પી ચિદમ્બરમે પ્રથમ વખત ભગવા આતંકવાદ શબ્દનો ઉપયોગ કર્યો હતો.
હરીશ ખરેના જણાવ્યા અનુસાર, 'જ્યારે ભગવા આતંકવાદ શબ્દ સંઘ સાથે જોડવામાં આવી રહ્યો હતો, તે જ સમયે મોદી ઈશરત જહાં એન્કાઉન્ટર જેવા કેસોમાં આરોપોનો સામનો કરી રહ્યા હતા. તેમના નજીકના અને વફાદાર સાથી અમિત શાહને રાજ્યમાં ગૃહપ્રધાન પદ છોડવું પડ્યું હતું. શાહની 25 જુલાઈ, 2010ના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને થોડા દિવસો સુધી તેમને જેલમાં રહેવું પડ્યું હતું.''
આ બધાની વચ્ચે ભાજપે મોદીના નેતૃત્વમાં 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી. ભાજપે 182માંથી 115 બેઠકો જીતી હતી. આ ચૂંટણીથી સ્પષ્ટ થઈ ગયું કે માત્ર મોદી જ કોંગ્રેસનો સામનો કરી શકે છે.
હરીશ લખે છે, '2014ની ચૂંટણીમાં સંઘનો સીધો હસ્તક્ષેપ દેખાતો હતો. સંઘે મોદીના વડાપ્રધાન પદના ઉમેદવાર બનવાનો રસ્તો તો સાફ કર્યો જ, પરંતુ કાર્યકર્તાઓને ભાજપ માટે સખત મહેનત કરવાની સૂચના પણ આપી. સંઘ પ્રમુખ મોહન ભાગવતે તેમના વિજયા દશમીના ભાષણમાં 100 ટકા મતદાનની અપીલ કરી હતી. કટોકટી પછી આ પ્રથમ વખત હતું જ્યારે સંઘ યુદ્ધના ધોરણે ચૂંટણી પ્રચારમાં જોડાયું હતું.
ગડકરીએ ફોન પર અડવાણીને કહ્યું- મોદી જ પીએમ પદના ઉમેદવાર હશે.
લગભગ ત્રણ મહિના પછી 13 સપ્ટેમ્બર 2013ના રોજ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી. વરિષ્ઠ પત્રકાર પીઆર રમેશના જણાવ્યા અનુસાર અડવાણી બપોરે 3 વાગે બોર્ડ મિટિંગ માટે તેમના નિવાસસ્થાનથી નીકળવાના હતા ત્યારે ગડકરીનો ફોન આવ્યો. તેમણે કહ્યું કે બેઠકમાં નરેન્દ્ર મોદીને પીએમ પદના ઉમેદવાર બનાવવા અંગે નિર્ણય લેવાનો છે.
અડવાણીએ રાજનાથ સિંહને એક પત્રમાં લખ્યું, 'મેં તમને પહેલેથી જ કહ્યું હતું કે હું પરેશાન છું. હવે તે સારું રહેશે કે હું બેઠકમાં હાજરી ન આપું
લાલકૃષ્ણ અડવાણી સિવાય 12 સભ્યોના બોર્ડના દરેક સભ્યોએ બેઠકમાં હાજરી આપી હતી. જેમાં નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા.
ગૌતમ ચિંતામણિના જણાવ્યા અનુસાર, 'સંઘ અને બીજેપીના નેતાઓ ઈચ્છતા હતા કે મોદીના નામની જાહેરાત સમયે અડવાણી બેઠકમાં હાજર રહે, પરંતુ એવું થયું નહીં. અડવાણીનું કહેવું હતું કે, મોદીને ઉમેદવાર બનાવવાથી કોંગ્રેસ સામે મોંઘવારી અને ભ્રષ્ટાચાર જેવા મોટા મુદ્દાઓ સાઇડલાઇન થઇ જશે અને ગુજરાતના વિવાદાસ્પદ મુખ્યમંત્રીનો મુદ્દો ઉઠાવવામાં આવશે.
અડવાણીના શિષ્યા સુષ્મા સ્વરાજે પણ બોર્ડ સમક્ષ તેમના વાંધાઓ રજૂ કર્યા હતા, પરંતુ અરુણ જેટલી અને વેંકૈયા નાયડુ જેવા નેતાઓએ તેમને સમજાવી લીધા. બાદમાં થયેલી પ્રેસ કોન્ફરન્સમાં સુષ્મા એકતા દેખાડતા મોદીની બાજુમાં બેઠેલા જોવા મળ્યાં હતાં.
મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ અને છત્તીસગઢના તેમના સમકક્ષ રમણ સિંહે મોદીની ઉમેદવારીના સમર્થનમાં ટ્વીટ કર્યું હતું. મોદીના નામની જાહેરાત બાદ JDUએ ગઠબંધન તોડી નાખ્યું હતું. અને અન્ય સહયોગી શિવસેના અને અકાલી દળે આ નિર્ણયને આવકાર્યો હતો.
મોદી માટે વારાણસી બેઠક છોડવા માંગતા નહોતા મુરલી મનોહર જોશી
27 ફેબ્રુઆરી 2014ના રોજ ભાજપે લોકસભા બેઠક માટે ઉમેદવારોની જાહેરાત કરવાનું શરૂ કર્યું. ભાજપના નેતાઓએ કહ્યું કે મોદી વારાણસી અને વડોદરા એમ બે બેઠકો પરથી ચૂંટણી લડશે. વારાણસીના વર્તમાન સાંસદ મુરલી મનોહર જોશીને આ અંગે આરએસએસના ભૈયાજી જોશીએ પહેલાંથી જ જાણ કરી દીધી હતી, પરંતુ જોશી મક્કમ હતા કે પાર્ટીએ તેમને આ અંગે અંગત રીતે જાણ કરી ન હતી.
ગૌતમ ચિંતામણિ કહે છે કે જોશી ડ્રામા ક્વીનની ભૂમિકામાં હતા. ભાજપના નેતાઓ તેમને સમજાવતા રહ્યા, પરંતુ તેઓ અડગ રહ્યા. આખરે, 13 માર્ચ, 2014ના રોજ અમિત શાહે જોશીને સ્પષ્ટ કહ્યું કે તેમણે કાનપુરથી ચૂંટણી લડવી પડશે. ઉમેદવારોની આગામી યાદી 15 માર્ચે આવી હતી. જેમાં વારાણસીની કોલમ આગળ લખવામાં આવ્યું હતું- નરેન્દ્ર મોદી.
2014ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે 282 સીટો જીતીને સંપૂર્ણ બહુમતી મેળવી હતી.
26 મે 2014ની સાંજે 6 વાગ્યે રાષ્ટ્રપતિ ભવન કમ્પાઉન્ડ ખાતે નરેન્દ્ર મોદીએ ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા.
છેલ્લે 3 કિસ્સા, જે મોદીને મોદી બનાવે છે…
01. ગુજરાત રમખાણો પછી સવાલો ઊઠ્યા, મોદીને લોકપ્રિયતા અને ક્લીન-ચીટ બંને મળી.
7 ઓક્ટોબર, 2001ના રોજ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. 24 ફેબ્રુઆરી 2002ના રોજ તેઓ રાજકોટ-2 વિધાનસભા બેઠક પરથી તેમના જીવનની પ્રથમ ચૂંટણી લડ્યા અને લગભગ 14 હજાર મતોથી જીત્યા. 27 ફેબ્રુઆરી 2002એ ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના S-6 કોચમાં આગ લાગી અને 59 કારસેવકો મૃત્યુ પામ્યા. આ પછી ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે તોફાનો ફેલાયા હતાં.
ગુજરાત રમખાણોની તપાસ માટે સુપ્રીમ કોર્ટે 5 સભ્યોની વિશેષ તપાસ ટીમની રચના કરી હતી. જે રમખાણો સંબંધિત 9 કેસોની તપાસ કરવાની હતી. સુપ્રીમ કોર્ટે ગુજરાત રમખાણોમાં નરેન્દ્ર મોદીની ભૂમિકાની તપાસની વધારાની જવાબદારી SITને આપી હતી. આ આદેશ કોંગ્રેસના પૂર્વ સાંસદ એહસાન જાફરીની પત્ની ઝાકિયા જાફરીની ફરિયાદ પર આપવામાં આવ્યો હતો.
SITએ 11 માર્ચ 2010ના રોજ મોદીને નોટિસ આપીને આરોપોનો જવાબ આપવા માટે સમન્સ પાઠવ્યું હતું. તપાસ બાદ SITએ ફેબ્રુઆરી 2011માં પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. આ રિપોર્ટમાં મોદીને ક્લીનચીટ આપવામાં આવી હતી. ઝાકિયા જાફરીએ મોદીને ક્લીનચીટ આપવા સામે અરજી દાખલ કરી હતી. 27 ડિસેમ્બર 2013ના રોજ કોર્ટે ઝાકિયાની અરજી ફગાવી દીધી હતી અને SITએ મોદીને ક્લીનચીટ આપતા તેનો ક્લોઝર રિપોર્ટ રજૂ કર્યો હતો.
બીજી તરફ રમખાણો બાદ ડિસેમ્બર 2002માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી અને આ વખતે મોદી રાજકોટ-2ની જગ્યાએ અમદાવાદની મણિનગર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા. આ વખતે જીતનું માર્જીન 75 હજારથી વધુ હતું. ભાજપે પણ જંગી બહુમતી સાથે જીત મેળવી હતી. આ પછી મોદી મણિનગર બેઠક પરથી લગભગ 1 લાખ મતોથી જીતતા રહ્યા.
02. PM અટલે રાજધર્મની યાદ અપાવી, મોદીએ વચ્ચેથી જ અટકાવ્યા.
2002નાં ગુજરાત રમખાણો પછી વડાપ્રધાન અટલ બિહારી ગુજરાતના પ્રવાસે ગયા હતા. જ્યારે પત્રકારોએ અટલને પ્રશ્ન પૂછ્યો ત્યારે તેમણે તેમની પરિચિત શૈલીમાં કહ્યું, 'મારો મુખ્યમંત્રી માટે એક જ સંદેશ છે કે તેઓ રાજધર્મનું પાલન કરે...રાજધર્મ...આ શબ્દ ખૂબ અર્થપૂર્ણ છે. હું તે જ અનુસરું છું. અનુસરવાનો પ્રયાસ કરું છું. રાજા અને શાસક માટે, પ્રજા-પ્રજામાં કોઈ ભેદભાવ ન હોઈ શકે. ન તો જન્મના આધારે, ન જાતિના આધારે, ન સંપ્રદાયના આધારે.’
ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ તેમની બાજુમાં બેઠા હતા. વચ્ચેથી જ નરેન્દ્ર મોદીએ કહ્યું, 'સાહેબ અમે પણ એ જ કરી રહ્યા છીએ.' આ પછી વાજપેયીજીએ આગળ કહ્યું, 'હું માનું છું કે નરેન્દ્રભાઈ એ જ કરી રહ્યા છે.'
બીજી ઘટના 12 એપ્રિલ 2002ની છે. ગોવામાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજાવાની હતી. અડવાણીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે તેઓ ગોવાની મુલાકાત દરમિયાન વડાપ્રધાન અટલ સાથે હતા. તેમના સિવાય વિદેશ મંત્રી જસવંત સિંહ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અરુણ શૌરી પણ જહાજમાં બેઠા હતા.
જ્યારે ગુજરાતની ચર્ચા થઈ ત્યારે જસવંત સિંહે અટલને પૂછ્યું કે તેઓ શું ઈચ્છે છે. અટલે કહ્યું કે ઓછામાં ઓછું રાજીનામું તો ઓફર કરતા. (મોદીએ ઓછામાં ઓછું રાજીનામું આપવાની ઓફર તો કરવી જોઈતી હતી)
ગોવા પહોંચ્યા પછી અડવાણીએ મોદીને કહ્યું કે તેમણે રાજીનામું આપવાની ઓફર કરવી જોઈતી હતી. મિટિંગમાં મોદીએ ગોધરા અને ત્યારપછીની ઘટનાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમના ભાષણના અંતે તેમણે કહ્યું, 'તેમ છતાં સરકારના વડા તરીકે, હું મારા રાજ્યમાં જે કંઈ બન્યું છે તેની જવાબદારી લઉં છું. હું મારું રાજીનામું આપવા તૈયાર છું.’
મોદીએ આટલું બોલતાની સાથે જ સભાખંડ ‘રાજીનામું ન આપો-રાજીનામું ન આપો’ના નાદથી ગુંજી ઊઠ્યું હતું. વાજપેયી પરિસ્થિતિને સમજી ગયા અને કહ્યું કે તેઓ આ અંગે પછીથી નિર્ણય લેશે.
આ બંને કિસ્સાઓ દર્શાવે છે કે નરેન્દ્ર મોદી શરૂઆતના દિવસોથી જ પૂરી તાકાત અને નિયંત્રણ સાથે જ સરકાર ચલાવી રહ્યા હતા.
03. મોદી યુગમાં ભાજપનું અભૂતપૂર્વ વિસ્તરણ, વિશ્વની સૌથી મોટી પાર્ટી બની
મોદી યુગમાં ભાજપે સંખ્યાબળ, રાજ્યોમાં સરકાર અને વોટ શેરની દૃષ્ટિએ અભૂતપૂર્વ વૃદ્ધિ હાંસલ કરી છે.
મોદી યુગ પહેલાં ભાજપે 1999ની લોકસભા ચૂંટણીમાં મહત્તમ 182 બેઠકો જીતી હતી. 2014માં નરેન્દ્ર મોદીએ કમાન સંભાળ્યા બાદ 282 બેઠકો સાથે પહેલીવાર એકલા પૂર્ણ બહુમતી મેળવી હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં બેઠકો વધીને 303 થઈ ગઈ.
2014ની લોકસભા ચૂંટણી પછી ભાજપે તમામ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં પણ રેકોર્ડ જીત નોંધાવી. 2018 સુધીમાં ભાજપ 21 રાજ્યોમાં સત્તા પર આવી ગયું હતું. ભાજપે 2014 પછી તેની કેડરમાં પણ વધારો કર્યો હતો. બીજેપી અનુસાર 2015માં પાર્ટીના 11 કરોડ રજિસ્ટર્ડ સભ્યો હતા. 2019માં જ્યારે ભાજપનું સભ્યપદ અભિયાન સમાપ્ત થયું ત્યારે આ સંખ્યા 7 કરોડ વધીને કુલ 18 કરોડ થઈ ગઈ હતી. ભાજપ પોતાને કાર્યકરોની દૃષ્ટિએ વિશ્વની સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો કરે છે.
'मैं भारत का PM' સીરિઝનો આ છેલ્લો એપિસોડ હતો. આ શ્રેણીમાં અમે ભારતના તમામ 14 વડાપ્રધાનોના કિસ્સાઓ રજૂ કર્યા હતા. તમે તેને ખૂબ પસંદ કર્યા. આ શ્રેણી તમારા મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરો.
No comments:
Post a Comment