Pages

Showing posts with label Success Stories. Show all posts
Showing posts with label Success Stories. Show all posts

Friday, 26 April 2024

પોલિયોએ પગ છીનવી લીધો અને મોતે પિતા, ભરણપોષણ માટે માતાની સાથે વેચી બંગડીઓ, પછી કિસ્મતને મ્હાત આપી બન્યા IAS.


 કહેવાય છે કે, મહેનત કરનારની ક્યારેય હાર નથી થતી. આ કહેવતનું ઉત્તમ ઉદાહરણ IAS ઓફિસર રમેશ ઘોલપ છે. તેમના જીવનમાં એક સમય એવો પણ હતો, જ્યારે તેમની પાસે તેમના પિતાના અંતિમ સંસ્કારમાં પણ જવા માટે પૈસા ન હતા. એટલું જ નહીં તેમણે તેમની માતા સાથે રસ્તા પર બંગડીઓ પણ વેચી હતી. પરંતુ તેમણે મહેનત અને સમર્પણના કારણે UPSCની પરીક્ષા પાસ કરીને IAS બનવાના સપનાને સાકાર કર્યું.


પગમાં થઈ ગયો હતો પોલિયો

IAS ઓફિસર રમેશ ઘોલપ બાળપણમાં પોલિયોનો શિકાર બની ગયા હતા. જ્યારે તેઓ નાના હતા ત્યારે તેમના ડાબા પગમાં પોલિયો થઈ ગયો હતો. એટલું જ નહીં તેમના ઘરમાં આર્થિક સંકડામણ પણ હતી. જેના કારણે તેઓ તેમની માતાની સાથે રસ્તા પર બંગડીઓ પણ વેચતા હતા. તેમના પિતાની એક નાનકડી સાઈકલની દુકાન હતી. એક દિવસ તેમના પિતાની તબિયત બગડી અને ઘરનો તમામ બોજ તેમની માતા પર આવી ગયો.


ગામમાંથી જ મેળવ્યું છે શિક્ષણ

રમેશ ઘોલપે પોતાનું પ્રાથમિક શિક્ષણ તેમના ગામમાંથી જ મેળવ્યું છે. જે બાદ તેઓ આગળનો અભ્યાસ કરવા માટે તેમના કાકાના ઘરે ચાલ્યા ગયા હતા.


ઘરે જવાના નહોતા પૈસા

જ્યારે તેઓ ધોરણ 12માં ભણતા હતા, ત્યારે તેમના પિતાનું અવસાન થઈ ગયું હતું. તે સમયે તેમના કાકાના ઘરથી તેમના ઘર સુધીનું ભાડું માત્ર 7 રૂપિયા હતું, પરંતુ તેઓ વિકલાંગ હોવાથી તેમનું માત્ર 2 રૂપિયા ભાડું થતું હતું. પરંતુ સ્થિતિ એવી હતી કે તેમની પાસે 2 રૂપિયા પણ નહોતા. ધોરણ 12નો અભ્યાસ પૂરો થયા પછી તેમણે ડિપ્લોમામાં એડમિશન લીધું. આ પછી તેમણે શિક્ષક તરીકે ભણાવવાનું શરૂ કરી દીધું. ભણાવતી વખતે તેમણે બી.એ.ની ડિગ્રી પણ મેળવી.


પ્રથમ પ્રયાસમાં મળી નિષ્ફળતા

ત્યારબાદ તેમણે UPSC પરીક્ષાની તૈયારી કરવાનું નક્કી કર્યું અને તેમણે 6 મહિના માટે તેમની નોકરી પણ છોડી દીધી. વર્ષ 2010માં પહેલીવાર યુપીએસસીનો પ્રયાસ કર્યો પરંતુ તેમાં તેઓ નિષ્ફળ રહ્યા. પછી તેમની માતાએ ગામના લોકો પાસેથી થોડા પૈસા ઉધાર લીધા અને તેમને ભણવા માટે બહાર મોકલી દીધા. પુણે ગયા પછી તેઓએ કોચિંગ વગર યુપીએસસીની તૈયારી શરૂ કરી. છેલ્લે વર્ષ 2012માં સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી. આ પરીક્ષામાં તેમણે 287મોં રેન્ક મેળવ્યો હતો. વિકલાંગ ક્વોટા હેઠળ રમેશ ઘોલપ IAS કેટેગરી મળી ગઈ.

પતિ-પત્નીએ જૉબ છોડીને શરું કર્યું સ્ટાર્ટઅપ, માત્ર 4 વર્ષમાં જ બની ગયા કરોડપતિ...

 


આ કહાની છે એક એવા પતિ-પત્નીની જેમણે નોકરી છોડીને ખુદનો બિઝનેસ શરૂ કરવાનો નિર્ણય લીધો. ખૂબ જ ઓછા સમયમાં તેમણે આ બિઝનેસને ઊંચાઈ સુધી પહોંચાડી દીધો. તેમનું નામ છે આરતી લક્ષ્‍મણ અને સુમિત રસ્તોગી. બંને Artinci નામના સ્ટાર્ટઅપના સ્થાપક છે. આ એક ફૂડ સ્ટાર્ટઅપ છે જે સમગ્ર વિશ્વમાં ગ્લુટેન અને સુગર-ફ્રી મીઠાઈઓ સપ્લાય કરે છે.

ચાલો અહીં આરતી લક્ષ્‍મણ અને સુમિત રસ્તોગી સફર વિશે જાણીએ.

પરિવારમાં ડાયાબિટીસની હિસ્ટ્રી :-
આરતી લક્ષ્‍મણ અને સુમિત રસ્તોગી બંનેના પરિવારોમાં ડાયાબિટીસની હિસ્ટ્રી રહી છે. જોકે, બંને મીઠાઈ ખાવાના ખૂબ જ શોખીન હતા. જ્યારે તેમને જાણવા મળ્યું કે માર્કેટમાં સુગર ફ્રી મીઠાઈના વિકલ્પો ખૂબ જ મર્યાદિત છે, ત્યારે જાતે જ ડાયાબિટીસ-ફ્રેન્ડલી મીઠાઈઓ બનાવવાનું નક્કી કર્યું.

2015માં પોતાની રેસિપી વિકસાવી :-
રસોઈમાં ખૂબ જ રસ ધરાવતા HR પ્રોફેશનલ આરતી લક્ષ્‍મણે સુગર-ફ્રી ડેસર્ટની સાથે પ્રયોગ કરવાનું શરૂ કર્યું. 2012માં તેમણે એક કાઉન્ટરટોપ આઈસ્ક્રીમ મશીન ખરીદ્યું. પહેલેથી ઉપલબ્ધ રેસિપીની સાથે આરતી લક્ષ્‍મણે મીઠાઈઓ બનાવવાનું શરૂ કરી દીધું. 2015 સુધીમાં આરતી લક્ષ્‍મણે ખાંડનો ઉપયોગ કર્યા વિના પોતાની રેસિપી વિકસાવી. ત્યારબાદ તેમણે કેક અને કૂકીઝમાં પણ હાથ અજમાવ્યો.

નોકરી છોડવાનો નિર્ણય :-
2019માં સુમિત રસ્તોગીઅને આરતી લક્ષ્‍મણે તેમની નોકરી છોડવાનું નક્કી કર્યું. સુમિત રસ્તોગીએ આ પહેલા નીલ્સન, સિનોવેટ અને અન્ય ઘણી જાણીતી કંપનીઓની સાથે કામ કર્યું હતું. તેમજ આરતી લક્ષ્‍મણ એક્સેન્ચર અને સિટીગ્રુપ ગ્લોબલ સર્વિસીસ સાથે જોડાયેલા હતા. પછી બેંગલુરુના આ કપલે 25 લાખ રુપિયાની પોતાની બચતથી જાન્યુઆરી 2020માં Artinci શરૂઆત કરી.

શાર્ક ટેન્ક ઇન્ડિયાથી મળી ઓળખાણ :-
ફૂડ સ્ટાર્ટઅપના સ્થાપક શાર્ક ટેન્ક ઈન્ડિયા સીઝન 3માં પણ ગયા હતા. તેણે આર્ટિન્સીને રાષ્ટ્રીય સ્તરે ઓળખાણ અપાવી. માત્ર 24 કલાકમાં ઓર્ડરમાં 700 ટકાનો જંગી વધારો જોવા મળ્યો. બ્રિટન અને ઓસ્ટ્રેલિયામાં રહેતા અનેક ડાયાબિટીસના દર્દીઓએ પણ પૂછપરછ કરી. આર્ટિન્સીએ ત્રણ વર્ષમાં તેની ઉત્પાદન ક્ષમતાને ત્રણ ગણી કરી દીધી છે. 25 લાખ રુપિયાની બચતની સાથે શરૂ થયેલી આર્ટિન્સીની આવક નાણાકીય વર્ષ 2022-23માં વધીને 4.4 કરોડ રૂપિયા થઈ ગઈ.

Sunday, 18 February 2024

ગૂગલથી હેકિંગ શીખીને બે વર્ષમાં રૂ. 800 કરોડની કમાયા, આ છે દેશના 'હેકરોના દ્રોણાચાર્ય'


આનંદ પ્રકાશ દેશના જાણીતા એથિકલ હેકર (વ્હાઈટ હેકર) છે. એથિકલ હેકર્સ તે હોય છે જેઓ તેમની કુશળતાનો ઉપયોગ સાયબર સિક્યોરિટીમાં ખામીઓ શોધવા માટે કરે છે. એથિકલ હેકર આ સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવે છે. આનંદ પ્રકાશે વિશ્વની અનેક અગ્રણી કંપનીઓને તેમની સેવાઓ આપી છે. જેમાં ટ્વિટર, મેટાથી લઈને ઉબેરનો સમાવેશ થાય છે.

એવા ઘણા એથિકલ હેકર્સ છે જેઓ તેમને (આનંદ પ્રકાશ) પોતાના 'ગુરુ' માને છે. તાજેતરમાં તેમણે તેમની સ્ટાર્ટઅપ કંપની પિંગસેફને 10 કરોડ ડોલર (આશરે રૂ. 800 કરોડ)માં વેચીને હેડલાઇન્સ બનાવી હતી. આ ડીલના લગભગ બે વર્ષ પહેલા તેમણે નિશાંત મિત્તલ સાથે મળીને કંપનીનો પાયો નાખ્યો હતો. અમેરિકન શેરબજારમાં લિસ્ટેડ સેન્ટીનેલવને તેને ખરીદી હતી. ચાલો જાણીએ આનંદ પ્રકાશ વિશે…

IITમાં ભણવાનું સપનું અધૂરું રહી ગયું :-
આનંદ પ્રકાશનો જન્મ 1990માં થયો હતો. તેઓ રાજસ્થાનના રહેવાસી છે, તેમણે IIT માટે ઘણી તૈયારી કરી હતી. પરંતુ આનંદ પ્રકાશ આમાં સફળ થયા ન હતા. ત્યારબાદ તેમણે વેલ્લોર ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી. તેઓ તેમના પરિવારમાં પ્રથમ એન્જિનિયરિંગ ગ્રેજ્યએટ છે. IIT-JEEની તૈયારી કરવા માટે કોટા ગયા, ત્યાં સુધી તેમની પાસે કોમ્પ્યુટર નહોતું.

મિત્રએ ફેંક્યો હતો પડકાર :-
વર્ષ 2008-09ની વાત છે. આનંદ પ્રકાશ અવારનવાર નજીકના સાયબર સેન્ટરમાં 10 રૂપિયા આપીને ઈન્ટરનેટ પર બ્રાઉઝિંગ કરવા જતાં હતા. ત્યારે તેઓ કોટામાં કોચિંગ કરતા હતા. આ સમય દરમિયાન તેમના એક મિત્રએ તેનું ઓર્કુટ એકાઉન્ટ હેક કરવાનો પડકાર ફેંક્યો હતો. તેમને આ વાતની કોઈ જાણકારી નહોતી. આનંદ પ્રકાશે ગૂગલ પર 10 સ્ટેપ હેકિંગ ટ્યુટોરીયલ જોયું અને તેમને તેમાં સફળતા મળી. તે જ ક્ષણથી તેમણે હેકિંગમાં ગજબની રુચિ લાગી.

હરિયાણા પોલીસની સાથે કર્યું કામ :-
આનંદ પ્રકાશના કરિયરની શરૂઆત હરિયાણા પોલીસની સાથે સાયબર સિક્યોરિટી ઈન્ટર્ન તરીકે થઈ હતી. ત્યારબાદ તેમને ફ્લિપકાર્ટમાં સિક્યુરિટી એન્જિનિયર તરીકે પહેલી નોકરી મળી. ફ્લિપકાર્ટમાં થોડો સમય કામ કર્યા પછી તેમણે તેના ભાઈ સાથે મળીને AppSecure નામની સાયબર સિક્યુરિટી ફર્મની સ્થાપના કરી. તેમના ભાઈ હજુ પણ તે કંપની ચલાવે છે.

દિગ્ગજ કંપનીઓને આપી ચૂક્યા છે સર્વિસ :-
આનંદ પ્રકાશ આજે ભારતના પ્રખ્યાત એથિકલ હેકર્સમાંથી એક છે. તેમણે ઘણી મોટી કંપનીઓમાં સુરક્ષાની નબળાઈઓને ઓળખી છે. જેમાં ફેસબુક, ટ્વિટર, ઉબેર અને માઇક્રોસોફ્ટનો સમાવેશ થાય છે. 2017માં ફોર્બ્સ ઈન્ડિયા 30 અંડર 30ની યાદીમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 2020માં આનંદ પ્રકાશને ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય યુવા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

19 વર્ષની વયે લગ્ન, કેમેરાથી રહે છે દૂર; મહાદાની મહિલાએ દાનમાં આપી દીધા રૂ. 1,10,00,00,000

શિવ નાદર, અઝીમ પ્રેમજી અને મુકેશ અંબાણી ભારતમાં જાણીતા નામ છે. તેમની ગણના દેશના સૌથી મોટા પરોપકારીઓમાં પણ થાય છે. તેમાંથી, એક દંપતી છે જે હુરુન ભારતના પરોપકારીઓની યાદીમાં સતત સ્થાન બનાવી રહ્યું છે. તે કપલ છે સુષ્મિતા અને સુબ્રતો બાગચી. એડલગિવ હુરુન ઈન્ડિયા ફિલાન્થ્રોપિસ્ટ લિસ્ટ 2023 અનુસાર સુષ્મિતા અને સુબ્રતો બાગચી ભારતના સૌથી મોટા પરોપકારીઓમાં છઠ્ઠા ક્રમે હતા.

તેણે ગયા વર્ષે 1,10,00,00,000 રૂપિયાથી વધુનું દાન કર્યું હતું. જો કે આ રકમ મોટી છે, પરંતુ તે ગયા વર્ષે એકલા સુષ્મિતા બાગચી દ્વારા આપવામાં આવેલા 2,13,00,00,000 રૂપિયાના દાન કરતા ઓછી છે. તેના યોગદાન છતાં સુષ્મિતા બાગચી લોકોની નજરથી દૂર રહેવાનું પસંદ કરે છે.

કટકમાં જન્મ :-
કટકમાં જન્મેલી સુષ્મિતા બાગચી પ્રખ્યાત ઉડિયા લેખિકા શકુંતલા પાંડાની પુત્રી છે. તેણીની માતાના પગલે ચાલીને સુષ્મિતા બાગચી માત્ર એક જાણીતી ઓડિયા લેખિકા બની ન હતી પરંતુ તે માસિક મહિલા પ્રકાશન સુચરિતાની નિર્માતા પણ છે. પોલિટિકલ સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી, તેમણે દિલ્હી યુનિવર્સિટીમાં લેક્ચરર તરીકે કામ કર્યું. સુષ્મિતા બાગચી માત્ર પંદર વર્ષની હતી ત્યારે તેમના પતિ સુબ્રતો બાગચીને મળી હતી. ચાર વર્ષ પછી બંનેએ લગ્ન કરી લીધા.

માઇન્ડટ્રીના સહ-સ્થાપક :-
સુષ્મિતાના લેખન કૌશલ્યને તેની માતાની જેમ પહેલીવાર મેગેઝિનમાં સ્થાન મળ્યું. તેમણે તેમની માતાના પગલે પગલે સાહિત્ય જગતમાં પ્રવેશ કર્યો. માઇન્ડટ્રીના સહ-સ્થાપક અને સમાજ સુધારક તરીકેની ભૂમિકા સાથે સુષ્મિતા બાગચીએ લેખક તરીકે પણ પોતાની ઓળખ બનાવી. તેમણે પ્રવાસવર્ણન, ટૂંકી વાર્તાઓના અનેક સંગ્રહો અને અંગ્રેજી અને ઉડિયામાં પાંચ નવલકથાઓ લખી છે.

આ કપલે 2013માં 110 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું.
2022 માં સુષ્મિતા અને સુબ્રતો બાગચી અન્ય માઇન્ડટ્રીના સહ-સ્થાપક અને રાધા અને એનએસ પાર્થસારથી જેવા પરોપકારીઓ સાથે હેલ્થકેર ક્ષેત્રને આગળ વધારવા માટે કુલ રૂ. 213 કરોડનું યોગદાન આપ્યું. દંપતીએ 2023માં 110 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું.

ફોર્બ્સની યાદીમાં સ્થાન મેળવ્યું :-
સુષ્મિતા બાગચી દાવો કરે છે કે માનસિક સ્વાસ્થ્યના પડકારોનો સામનો કરી રહેલા કોઈપણ વ્યક્તિ અથવા કુટુંબને તેની પ્રથમ અંગ્રેજી નવલકથાનું મુખ્ય પાત્ર, મનોચિકિત્સક, સંબંધિત અને ઓળખી શકાય તેવું મળશે. તેમના વાચકો તેમના લેખનની પ્રશંસા કરે છે. બાગચીને તેમના કામ માટે ઘણા પુરસ્કારો અને સન્માન મળ્યા છે. તેણીને 2010 માં અર્ન્સ્ટ એન્ડ યંગ એન્ટરપ્રેન્યોર ઓફ ધ યર એવોર્ડ પણ મળ્યો હતો અને 2013 માં ફોર્બ્સ એશિયાની 50 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.