આનંદ પ્રકાશ દેશના જાણીતા એથિકલ હેકર (વ્હાઈટ હેકર) છે. એથિકલ હેકર્સ તે હોય છે જેઓ તેમની કુશળતાનો ઉપયોગ સાયબર સિક્યોરિટીમાં ખામીઓ શોધવા માટે કરે છે. એથિકલ હેકર આ સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવે છે. આનંદ પ્રકાશે વિશ્વની અનેક અગ્રણી કંપનીઓને તેમની સેવાઓ આપી છે. જેમાં ટ્વિટર, મેટાથી લઈને ઉબેરનો સમાવેશ થાય છે.
એવા ઘણા એથિકલ હેકર્સ છે જેઓ તેમને (આનંદ પ્રકાશ) પોતાના 'ગુરુ' માને છે. તાજેતરમાં તેમણે તેમની સ્ટાર્ટઅપ કંપની પિંગસેફને 10 કરોડ ડોલર (આશરે રૂ. 800 કરોડ)માં વેચીને હેડલાઇન્સ બનાવી હતી. આ ડીલના લગભગ બે વર્ષ પહેલા તેમણે નિશાંત મિત્તલ સાથે મળીને કંપનીનો પાયો નાખ્યો હતો. અમેરિકન શેરબજારમાં લિસ્ટેડ સેન્ટીનેલવને તેને ખરીદી હતી. ચાલો જાણીએ આનંદ પ્રકાશ વિશે…
IITમાં ભણવાનું સપનું અધૂરું રહી ગયું :-
આનંદ પ્રકાશનો જન્મ 1990માં થયો હતો. તેઓ રાજસ્થાનના રહેવાસી છે, તેમણે IIT માટે ઘણી તૈયારી કરી હતી. પરંતુ આનંદ પ્રકાશ આમાં સફળ થયા ન હતા. ત્યારબાદ તેમણે વેલ્લોર ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી. તેઓ તેમના પરિવારમાં પ્રથમ એન્જિનિયરિંગ ગ્રેજ્યએટ છે. IIT-JEEની તૈયારી કરવા માટે કોટા ગયા, ત્યાં સુધી તેમની પાસે કોમ્પ્યુટર નહોતું.
મિત્રએ ફેંક્યો હતો પડકાર :-
વર્ષ 2008-09ની વાત છે. આનંદ પ્રકાશ અવારનવાર નજીકના સાયબર સેન્ટરમાં 10 રૂપિયા આપીને ઈન્ટરનેટ પર બ્રાઉઝિંગ કરવા જતાં હતા. ત્યારે તેઓ કોટામાં કોચિંગ કરતા હતા. આ સમય દરમિયાન તેમના એક મિત્રએ તેનું ઓર્કુટ એકાઉન્ટ હેક કરવાનો પડકાર ફેંક્યો હતો. તેમને આ વાતની કોઈ જાણકારી નહોતી. આનંદ પ્રકાશે ગૂગલ પર 10 સ્ટેપ હેકિંગ ટ્યુટોરીયલ જોયું અને તેમને તેમાં સફળતા મળી. તે જ ક્ષણથી તેમણે હેકિંગમાં ગજબની રુચિ લાગી.
હરિયાણા પોલીસની સાથે કર્યું કામ :-
આનંદ પ્રકાશના કરિયરની શરૂઆત હરિયાણા પોલીસની સાથે સાયબર સિક્યોરિટી ઈન્ટર્ન તરીકે થઈ હતી. ત્યારબાદ તેમને ફ્લિપકાર્ટમાં સિક્યુરિટી એન્જિનિયર તરીકે પહેલી નોકરી મળી. ફ્લિપકાર્ટમાં થોડો સમય કામ કર્યા પછી તેમણે તેના ભાઈ સાથે મળીને AppSecure નામની સાયબર સિક્યુરિટી ફર્મની સ્થાપના કરી. તેમના ભાઈ હજુ પણ તે કંપની ચલાવે છે.
દિગ્ગજ કંપનીઓને આપી ચૂક્યા છે સર્વિસ :-
આનંદ પ્રકાશ આજે ભારતના પ્રખ્યાત એથિકલ હેકર્સમાંથી એક છે. તેમણે ઘણી મોટી કંપનીઓમાં સુરક્ષાની નબળાઈઓને ઓળખી છે. જેમાં ફેસબુક, ટ્વિટર, ઉબેર અને માઇક્રોસોફ્ટનો સમાવેશ થાય છે. 2017માં ફોર્બ્સ ઈન્ડિયા 30 અંડર 30ની યાદીમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 2020માં આનંદ પ્રકાશને ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય યુવા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
No comments:
Post a Comment