કહેવાય છે કે, મહેનત કરનારની ક્યારેય હાર નથી થતી. આ કહેવતનું ઉત્તમ ઉદાહરણ IAS ઓફિસર રમેશ ઘોલપ છે. તેમના જીવનમાં એક સમય એવો પણ હતો, જ્યારે તેમની પાસે તેમના પિતાના અંતિમ સંસ્કારમાં પણ જવા માટે પૈસા ન હતા. એટલું જ નહીં તેમણે તેમની માતા સાથે રસ્તા પર બંગડીઓ પણ વેચી હતી. પરંતુ તેમણે મહેનત અને સમર્પણના કારણે UPSCની પરીક્ષા પાસ કરીને IAS બનવાના સપનાને સાકાર કર્યું.
પગમાં થઈ ગયો હતો પોલિયો
IAS ઓફિસર રમેશ ઘોલપ બાળપણમાં પોલિયોનો શિકાર બની ગયા હતા. જ્યારે તેઓ નાના હતા ત્યારે તેમના ડાબા પગમાં પોલિયો થઈ ગયો હતો. એટલું જ નહીં તેમના ઘરમાં આર્થિક સંકડામણ પણ હતી. જેના કારણે તેઓ તેમની માતાની સાથે રસ્તા પર બંગડીઓ પણ વેચતા હતા. તેમના પિતાની એક નાનકડી સાઈકલની દુકાન હતી. એક દિવસ તેમના પિતાની તબિયત બગડી અને ઘરનો તમામ બોજ તેમની માતા પર આવી ગયો.
ગામમાંથી જ મેળવ્યું છે શિક્ષણ
રમેશ ઘોલપે પોતાનું પ્રાથમિક શિક્ષણ તેમના ગામમાંથી જ મેળવ્યું છે. જે બાદ તેઓ આગળનો અભ્યાસ કરવા માટે તેમના કાકાના ઘરે ચાલ્યા ગયા હતા.
ઘરે જવાના નહોતા પૈસા
જ્યારે તેઓ ધોરણ 12માં ભણતા હતા, ત્યારે તેમના પિતાનું અવસાન થઈ ગયું હતું. તે સમયે તેમના કાકાના ઘરથી તેમના ઘર સુધીનું ભાડું માત્ર 7 રૂપિયા હતું, પરંતુ તેઓ વિકલાંગ હોવાથી તેમનું માત્ર 2 રૂપિયા ભાડું થતું હતું. પરંતુ સ્થિતિ એવી હતી કે તેમની પાસે 2 રૂપિયા પણ નહોતા. ધોરણ 12નો અભ્યાસ પૂરો થયા પછી તેમણે ડિપ્લોમામાં એડમિશન લીધું. આ પછી તેમણે શિક્ષક તરીકે ભણાવવાનું શરૂ કરી દીધું. ભણાવતી વખતે તેમણે બી.એ.ની ડિગ્રી પણ મેળવી.
પ્રથમ પ્રયાસમાં મળી નિષ્ફળતા
ત્યારબાદ તેમણે UPSC પરીક્ષાની તૈયારી કરવાનું નક્કી કર્યું અને તેમણે 6 મહિના માટે તેમની નોકરી પણ છોડી દીધી. વર્ષ 2010માં પહેલીવાર યુપીએસસીનો પ્રયાસ કર્યો પરંતુ તેમાં તેઓ નિષ્ફળ રહ્યા. પછી તેમની માતાએ ગામના લોકો પાસેથી થોડા પૈસા ઉધાર લીધા અને તેમને ભણવા માટે બહાર મોકલી દીધા. પુણે ગયા પછી તેઓએ કોચિંગ વગર યુપીએસસીની તૈયારી શરૂ કરી. છેલ્લે વર્ષ 2012માં સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી. આ પરીક્ષામાં તેમણે 287મોં રેન્ક મેળવ્યો હતો. વિકલાંગ ક્વોટા હેઠળ રમેશ ઘોલપ IAS કેટેગરી મળી ગઈ.
No comments:
Post a Comment