मैं भारत का PM (Episode - 01)
કેવી રીતે વડાપ્રધાન બન્યા નેહરુ: 80% કોંગ્રેસ કમિટીઓની પસંદ હતા પટેલ, છેલ્લી ક્ષણે ગાંધી મક્કમ બન્યા.
સ્વતંત્ર ભારતે એવી રાજકીય વ્યવસ્થા પસંદ કરી, જેમાં વડાપ્રધાનનું પદ સૌથી શક્તિશાળી હોય. છેલ્લાં 77 વર્ષમાં ઘણા લોકોએ પીએમની ખુરસી સુધી પહોંચવાનું સપનું જોયું છે, પરંતુ અત્યારસુધી માત્ર 14 લોકોને જ એના પર બેસવાનો મોકો મળ્યો છે. કેટલાકને જનતાનું ભરપૂર સમર્થન મળ્યું, જ્યારે કેટલાકને આ માટે યુક્તિઓનો આશરો લેવો પડ્યો.
પડદા પાછળના આવા કિસ્સાઓને દિવ્ય ભાસ્કર પોતાની ખાસ શ્રેણી 'મેં ભારત કા પીએમ'માં લઈને આવ્યું છે. 14 એપિસોડની આ શ્રેણી શરૂ થઈ ગઈ છે. આજે પ્રથમ એપિસોડમાં ભારતના પ્રથમ વડાપ્રધાન નેહરુની વાત...
શેર
આઝાદી પછી કોંગ્રેસ-અધ્યક્ષનું જ વડાપ્રધાન બનવાનું નક્કી થયું
15 ઓગસ્ટ 1947ના એક વર્ષ પહેલાં જ અંગ્રેજોએ આઝાદીની જાહેરાત કરી હતી. માત્ર ઔપચારિકતા બાકી હતી. આ સમયગાળા દરમિયાન દેશ ચલાવવા માટે વચગાળાની સરકાર પણ રચવાની હતી. વચગાળાની સરકાર કરતાં પણ મહત્ત્વનું એ હતું કે સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ બનશે.
એ નક્કી કરવામાં આવ્યું હતું કે જે કોંગ્રેસનો અધ્યક્ષ હશે તે જ વડાપ્રધાન બનશે. આઝાદી મળતાંની સાથે જ વચગાળાની સરકારની તૈયારીઓ થઈ ગઈ હતી. મૌલાના અબુલ કલામ આઝાદ 1940થી 1946 સુધી 6 વર્ષ કોંગ્રેસ-અધ્યક્ષ રહ્યા હતા. તેઓ ફરીથી ચૂંટાઈ શક્યા હોત, પરંતુ ગાંધીજીએ અબુલ કલામને પદ છોડવા કહ્યું. કલામે પણ એવું જ કર્યું.
આચાર્ય કૃપલાની તેમના પુસ્તક "ગાંધી હિઝ લાઇફ એન્ડ થોટ્સ"માં લખે છે કે 'જવાહરલાલ નેહરુને અધ્યક્ષ બનાવવા માટે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક 11 ડિસેમ્બર 1945ના રોજ હતી, જેને 29 એપ્રિલ 1946 સુધી લંબાવવામાં આવી હતી. આ દિવસે જ કોંગ્રેસ-અધ્યક્ષની ચૂંટણી થવાની હતી.
પટેલની સાથે હતી 80 ટકા કોંગ્રેસ કમિટી, કોઈએ નેહરુનું નામ સુધ્ધાં નહોતું લીધું.
પરંપરા મુજબ રાજ્યની 15 કોંગ્રેસ કમિટી જ અધ્યક્ષની પસંદગી કરતી હતી. 12 કમિટીએ સરદાર વલ્લભભાઈ પટેલના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, બાકીની 3 કમિટીએ પટ્ટાભી સીતારમૈયા અને આચાર્ય જે.બી. કૃપલાનીનાં નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. કોઈ કમિટીએ જવાહરલાલ નેહરુના નામનો પ્રસ્તાવ મૂક્યો નહોતો. એ સમયે આચાર્ય કૃપલાની પાર્ટીના મહાસચિવ હતા.
કૃપલાની તેમના પુસ્તકમાં લખે છે, 'કમિટીના નિર્ણય બાદ મેં ગાંધીજીને સરદાર પટેલના નામનો પ્રસ્તાવ પત્ર રજૂ કર્યો હતો. ગાંધીજીએ જોયું તો નેહરુનું નામ નહોતું. આ પછી તેમણે કશું બોલ્યા વિના મને પ્રસ્તાવ પત્ર પરત કરી દીધો.
કૃપલાનીએ ગાંધીજી સાથે લાંબા સમય સુધી કામ કર્યું હતું. તેઓ ગાંધીની આંખોમાં જોઈને સમજી જતા હતા કે તેઓ શું ઇચ્છે છે. કૃપલાનીએ નવો પ્રસ્તાવ તૈયાર કરાવ્યો, જેમાં પટેલ સિવાય નેહરુને પણ કોંગ્રેસ-અધ્યક્ષ બનાવવાનો પ્રસ્તાવ હતો, જેના પર બધાએ સહી કરી હતી. બધાને ખબર હતી કે ગાંધીજી મનથી નેહરુને જ અધ્યક્ષ અને પીએમ તરીકે જોવા માંગતા હતા, પરંતુ પરંપરા અને આંકડા નેહરુના વિરુદ્ધમાં હતા. હવે સમસ્યા એ હતી કે હજુ પણ મેદાનમાં સરદાર પટેલ હતા. જો પટેલ અને કૃપલાની પોતાનાં નામ પરત ખેંચે તો જ નેહરુની રાહ આસાન થઈ શકતી હતી.
ગાંધીજીનું મન સમજીને પટેલે પોતાનું નામ પાછું ખેંચ્યું હતું
કૃપલાનીનું નામ પણ સામે એટલે આવ્યું હતું કે તેઓ બીજા ઉમેદવાર હતા, જેમને સૌથી વધુ બે મત મળ્યા હતા. કૃપલાનીએ કશું બોલ્યા વિના પોતાનું નામ પાછું ખેંચી લીધું. કૃપલાનીએ ગાંધીજીની ઈચ્છા મુજબનો નામ પરત લેવાનો પત્ર તૈયાર કર્યો. આ પટેલના નામ પરત લેવાની જાહેરાત હતી.
પટેલે નામ પરત લેવાના પત્ર પર સહી કરવાનો ઇનકાર કર્યો હતો. એક રીતે પટેલે નેહરુનો વિરોધ કર્યો હતો. ગાંધીએ એ જ નામ પરત લેવાનો પત્ર પટેલને પાછો આપ્યો. આ વખતે પટેલે સહી કરી દીધી હતી. આ પછી નેહરુ બિનહરીફ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ચૂંટાયા અને આ રીતે સ્વતંત્ર ભારતને જવાહર લાલ નેહરુના રૂપમાં પ્રથમ વડાપ્રધાન મળ્યા.
ગાંધીએ કહ્યું- નેહરુ વિદેશમાં ભણ્યા છે, તેમની પાસે સારી સમજ છે.
એ સમયે હિન્દુસ્તાન ટાઈમ્સ માટે કામ કરતા વરિષ્ઠ પત્રકાર દુર્ગા દાસે તેમના પુસ્તક 'ઈન્ડિયા ફ્રોમ કર્ઝન ટુ નેહરુ એન્ડ આફ્ટર'માં લખ્યું છે કે 'મેં ગાંધીજી સાથે વચગાળાની સરકારના નવા પીએમ તરીકે સરદાર વિશે વાત કરી હતી. ત્યારે ગાંધીજીએ કહ્યું હતું કે નેહરુ ક્યારેય બીજા નંબર પર કામ નહીં કરે. મારા કેમ્પમાં માત્ર નેહરુ જ અંગ્રેજ છે. તેઓ અંગ્રેજી રીતભાત જાણે છે. વિદેશમાં અભ્યાસ કર્યો છે. તેમને વિદેશી બાબતોની સારી સમજ છે. નેહરુ આંતરરાષ્ટ્રીય મામલાઓને સારી રીતે પાર પાડશે. પટેલ દેશ સારી રીતે ચલાવશે. આ બે દેશ ચલાવનારા બળદગાડાના બે બળદ હશે.
દુર્ગા દાસ લખે છે કે 'મેં એકવાર ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સાથે આ અંગે ચર્ચા કરી હતી અને તેમણે કહ્યું હતું કે ગાંધીજીએ ફરી એકવાર ગ્લેમરસ માટે તેમના વિશ્વાસુ લેફ્ટનન્ટનું બલિદાન આપી દીધું.
વરિષ્ઠ પત્રકાર રશીદ કિડવાઈ કહે છે કે નેહરુ એક સ્વપ્નદ્રષ્ટા નેતા હતા. જ્યારે દેશ તેમના હાથમાં આવ્યો ત્યારે બધું નવું હતું. તેમણે જ સંજોગો અને લોકો સાથે કામ કરીને દેશનું નિર્માણ કરવાનું હતું. ગાંધીજી જાણતા હતા કે વલ્લભભાઈ પટેલ વૃદ્ધ થઈ ગયા છે. દેશને નવા યુગના નેતાની જરૂર છે. નેહરુ શિક્ષિત હતા. આઝાદી પછી આપણું એ ભારત હતું, જેના નેતાઓએ આખી દુનિયા સાથે એક મંચ પર બેસીને પોતાની રીતે આગળ વધવાનું હતું. થોડા સમય બાદ જ પટેલનું નિધન થઇ ગયું હતું. આ સાબિત કરે છે કે ગાંધીજીનો નિર્ણય સાચો હતો.
જવાહરલાલ નેહરુએ 14 ઓગસ્ટ 1947ના રોજ મધ્યરાત્રિએ તેમનું પ્રખ્યાત 'ટ્રીસ્ટ વિથ ડેસ્ટિની' ભાષણ આપ્યું હતું. તેઓ 16 વર્ષ અને 286 દિવસ સુધી પીએમ રહ્યા અને પદ પર કાર્યરત હતા ત્યારે તેમનું અવસાન થયું. તેમના કાર્યકાળ અને જીવનની કેટલીક જાણી-અજાણી વાતો...
જ્યારે ગાંધીજીએ નેહરુને લખ્યું- થોડા પૈસાની વ્યવસ્થા કરું?
જવાહર લાલ નેહરુ કાયદાનો અભ્યાસ કરીને કેમ્બ્રિજથી પાછા ફર્યા હતા. તેમણે કેટલાક દિવસો સુધી અલાહાબાદ હાઈકોર્ટમાં વકીલાત કરી, પરંતુ પછી તેમનો વ્યવસાય છોડીને ગાંધીજી સાથે સ્વતંત્રતા સંગ્રામમાં ઝંપલાવ્યું. તેમની પાસે કોઈ આવક ન હતી. પિતા મોતીલાલ નેહરુ તેમને દર મહિને પૈસા આપતા હતા. આ દરમિયાન બંને વચ્ચે કોઈ મુદ્દે મનદુ:ખ થયું હતું. ત્યારે નેહરુને રોજબરોજનો ખર્ચ કરવા માટે પૈસાની તંગી પડી હતી.
એ દિવસોમાં પ્રખ્યાત ઉર્દૂ કવિ ફિરાક ગોરખપુરી જવાહરલાલ સાથે કોંગ્રેસ કાર્યાલય આનંદ ભવનમાં કામ કરતા હતા. ફિરાક ગોરખપુરીએ તેમના એક સંસ્મરણમાં લખ્યું છે કે એકવાર ગાંધીજીએ નેહરુને એક પત્ર લખ્યો હતો, જે મેં ગુપ્ત રીતે વાંચ્યો હતો.
15 સપ્ટેમ્બર 1924નો આ પત્ર જવાહરલાલ નેહરુના પુસ્તક "કુછ પુરાની ચિઠ્ઠીયા" માં પ્રકાશિત થયો હતો. એમાં ગાંધીજીએ જવાહરને લખ્યું હતું કે હું જાણું છું કે તમે આ બાબતોનો બહાદુરીથી સામનો કરશો. અત્યારે પિતા (મોતીલાલ) ચીડાઈ ગયા છે. હું નથી ઈચ્છતો કે એમ કે હું તેમનો ગુસ્સો વધારવા માટે સહેજ પણ તક આપીએ. જો શક્ય હોય તો તેમની સાથે વાત કરો.
શું તમારા માટે થોડા પૈસાની વ્યવસ્થા કરું? તમે કોઈ કમાણીનું કામ હાથમાં લઈ લો. અમુક અખબારોના સંવાદદાતા બનશો કે શિક્ષક બનશો?
નેહરુએ ચર્ચિલને કહ્યું- તમે જાણો છો ને, અમે તમારાથી ડરતા નથી
સુભાષ કશ્યપે તેમના પુસ્તક 'જવાહરલાલ નેહરુઃ હિઝ લાઈફ, વર્ક એન્ડ લેગસી'માં બ્રિટિશ પીએમ સર વિન્સ્ટન ચર્ચિલ અને નેહરુ વચ્ચેની મુલાકાત વિશે લખ્યું છે. આ એ સમય હતો જ્યારે દેશ આઝાદ થઇ ગયો હતો અને નેહરુ પીએમ હતા. વિન્સ્ટન ચર્ચિલ નેહરુની ટીકા કરતા હતા. ટીકાકાર શું તે એક રીતે દુશ્મન હતા.
આ બંને 1950માં પહેલીવાર મળ્યા હતા અને એકબીજા સાથે ખૂલીને વાત કરતા હતા. ચર્ચિલે નેહરુને ગુલામીની યાદ અપાવી અને પૂછ્યું - તમે કેટલા દિવસ બ્રિટિશ જેલમાં સડતા રહ્યા? નેહરુએ કહ્યું- દસ વર્ષ સુધી. ચર્ચિલે કહ્યું તો પછી તમારા હૃદયમાં અમારા માટે ઘણી કડવાશ હોવી જોઇએ. તમારે હૃદયથી અમને નફરત કરવી જોઈએ.
પછી નેહરુએ કહ્યું, કોઈ વાંધો નથી. અમારા નેતા (ગાંધી)એ અમને બે બાબત શીખવી છે- ક્યારેય કોઈને નફરત ન કરો અને ક્યારેય કોઈથી ડરશો નહીં. તમે પણ જાણો છો કે અમે ન તો તમારાથી ડરીએ છીએ અને ન તો તમને નફરત કરીએ છીએ.
જ્યારે નેહરુએ પીએમ પદ પરથી રાજીનામું આપ્યું
લાલ બહાદુર શાસ્ત્રીની બાયોગ્રાફી લખનાર સીપી શ્રીવાસ્તવ પોતાના પુસ્તક "એ લાઇફ ઓફ ટ્રૂથ ઇન પોલિટિક્સ"માં લખે છે કે જ્યારે નેહરુ બીજી વખત વડાપ્રધાન તરીકે ચૂંટાયા ત્યારે તેઓ તેમના કામથી કંટાળી ગયા હતા. તેમણે વિચાર્યું કે હવે કોઈ બીજાને વડાપ્રધાન બનવાની તક આપવી જોઈએ. 29 એપ્રિલ 1958ના રોજ કોંગ્રેસ સંસદીય દળની બેઠક મળી હતી, જેમાં નેહરુએ કહ્યું કે તેઓ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપવા માગે છે.
તેમણે કહ્યું હતું કે મારી જાહેર રાજકીય કારકિર્દીનાં 40 વર્ષ બેજોડ રહ્યાં છે. મારે હવે આ જવાબદારીઓમાંથી મુક્ત થવું છે. હું ઈચ્છું છું કે હવે કોઈ બીજાને વડાપ્રધાન બનવાની તક મળવી જોઈએ. મારે હવે હિમાલય જવું છે. તેમણે આ માટેની ટિકિટ પણ બુક કરાવી દીધી હતી. કોંગ્રેસ નેતાઓને જણાવતાં પહેલાં તેમણે રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદને પોતાનું રાજીનામું પણ મોકલી દીધું હતું. નેહરુએ તેમના રાજીનામા અંગે રાષ્ટ્રપતિને પહેલેથી જ જણાવી દીધું હતું.
કોંગ્રેસના સાંસદ અને લેખક શશિ થરૂરે પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે. એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે નેહરુ છ મહિના માટે તેમના પ્રિય સ્થળ હિમાલયમાં જવાના હતા, પરંતુ કોંગ્રેસ વર્કિંગ કમિટીએ તેમનું રાજીનામું અસ્વીકાર કર્યું હતું. કોંગ્રેસનેતાઓએ કહ્યું હતું કે તમારે જ દેશ ચલાવવો પડશે.
આ પછી નેહરુએ રાજીનામું પાછું ખેંચી લીધું હતું. ત્યાં સુધીમાં રાજીનામાના સમાચાર આખી દુનિયામાં ફેલાઈ ગયા હતા. એ આજનો યુગ નહોતો. બે-ત્રણ દિવસ પછી જ્યારે નેહરુના રાજીનામું પાછું ખેંચવાના સમાચાર અન્ય દેશોમાં પહોંચ્યા ત્યારે હજારો ટેલિગ્રામ આવ્યા હતા. એમાં રાજીનામું પાછું ખેંચવા બદલ નેહરુને અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં.
વસિયતમાં લખ્યું હતું- મારી રાખ ખેતરોમાં ઉડાવી દેજો
નેહરુએ મૃત્યુ પહેલાં જ તેમની વસિયત લખી હતી. તેમણે સ્પષ્ટ લખ્યું હતું કે કોઈપણ ધાર્મિક વિધિ એટલે કે તેરમું વગેરે ન કરવું.
તેમણે લખ્યું હતું કે 'હું સંપૂર્ણ ગંભીરતા સાથે જાહેર કરવા માગું છું કે મારા મૃત્યુ પછી મારા માટે કોઈ ધાર્મિક વિધિ કરવામાં ન આવે. મને આવા સંસ્કારોમાં વિશ્વાસ નથી. હું ઈચ્છું છું કે મારા મૃત્યુ પછી અગ્નિસંસ્કાર કરવામાં આવે. જો હું વિદેશમાં મરી જાઉં તો ત્યાં મારો અગ્નિસંસ્કાર કરવામાં આવે, પણ મારાં અસ્થિઓ અલાહાબાદ લાવવામાં આવે. આમાંથી થોડાં ગંગામાં વહાવવાં. હું ઈચ્છું છું કે બાકીનાને આકાશમાં ઊંચા વિમાનમાં લઈ જવામાં આવે. ત્યાંથી એને ખેતરોમાં ઉડાવી દેવામાં આવે, જ્યાં આપણા ખેડૂતો સખત મહેનત કરે છે.
'મૈં ભારત કા પીએમ' શ્રેણીના બીજા એપિસોડમાં જાણો લાલ બહાદુર શાસ્ત્રીના વડાપ્રધાન બનવાની કહાની. નેહરુના અવસાન પછી પીએમ પદ માટે મોરારજી દેસાઈનું નામ ટોચ પર હતું, પરંતુ કામરાજની યોજનાએ શાસ્ત્રીને કેવી રીતે ખુરસી સુધી પહોંચાડ્યા.
No comments:
Post a Comment