બેટદ્વારકાનું વધુ એક નામ શંખોદ્વાર પણ છે અને તેની પાછળ કહાણી પણ છે. ટાપુ સાથે ધાર્મિક, પૌરાણિક, પુરાતત્ત્વીય અને ઐતિહાસિક મહત્ત્વ પણ જોડાયેલું છે. જોકે, અહીંના પ્રકલ્પોની પાછળ રાજકીય ગણતરીઓ રહેલી હોવાનું પણ મનાય છે.
પ્રચલિત માન્યતા પ્રમાણે, મહાભારતના સમયમાં દ્વારકા તથા બેટદ્વારકાનો ઉલ્લેખ છે, પરંતુ એથી પણ જૂની દંતકથા આ વિસ્તાર સાથે જોડાયેલી છે. હિંદુ ઉપરાંત શીખ ધર્મનું મહત્ત્વપૂર્ણ ગુરુદ્વારા તથા મુસ્લિમોનાં આસ્થાકેન્દ્રો પણ અહીં આવેલાં છે.
વિવિધ ધર્મોનું આસ્થાકેન્દ્ર દ્વારકા
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, રૂ. 978 કરોડના ખર્ચે તૈયાર થયેલો લગભગ અઢી કિલોમીટરનો પુલ લોકાર્પણ માટે તૈયાર છે. જેમાં બંને બાજુ ફૂટપાથ પર સોલાર પૅનલ લગાડવામાં આવી છે, જે એક મૅગાવૉટ વીજળીનું ઉત્પાદન કરશે.
આ સિવાય બ્રિજની બંને બાજુએ શ્રીમદ્દ ભગવદ્દગીતાના ઉપદેશ તથા શ્રીકૃષ્ણની અલગ-અલગ તસવીરો ચિત્રિત કરવામાં આવી છે.
શીખોના દસમા ગુરુ ગોવિંદસિંહના 'પંજ પ્યારે'માંથી એક ભાઈ મોખમચંદ બેટદ્વારકાના હતા. તેમના નામથી અહીં ગુરુદ્વારા આવેલું છે, જે શીખો માટે પણ પવિત્ર યાત્રાધામ છે. આ સિવાય અહીં દંડી હનુમાન મંદિર આવેલું છે, જ્યાં તેમની સાથે તેમના પુત્ર મકરધ્વજ પણ બિરાજમાન છે.
ખુદા દોસ્ત મસ્જિદ મુસ્લિમો માટે આસ્થાનું કેન્દ્ર છે. હાજી કિરમાણીના ઉત્સવમાં ભાગ લેવા માટે પણ આજુબાજુમાંથી હજારોની સંખ્યામાં મુસ્લિમો અહીં આવે છે.
સમુદ્ર પર સેતુનિર્માણ પહેલાં શ્રદ્ધાળુઓ ગીચોગીચ ભરેલી બોટમાં જોખમી મુસાફરી ઊભાઊભા ખેડે છે, જે વૃદ્ધ અને ઉંમરલાયક માટે કષ્ટદાયક બની રહે છે. બોટમાં આવનજાવનની ટિકિટ રૂ. 10થી રૂ. 40ની રહેતી.
યાત્રાળુઓની સિઝન ન હોય ત્યારે એક બોટ ભરાવવામાં પણ સમય લાગતો, જેના કારણે સમય પણ વેડફાતો. હવે, તેઓ અંગત વાહનમાં બેટદ્વારકા સુધી જઈ શકે છે.
દ્વારકાના જગતમંદિર પર ધજા ચઢાવવાનો વિશેષાધિકાર ધરાવતા ગૂગળી બ્રાહ્મણ સમાજના સેક્રેટરી કપિલ વાયડાના કહેવા પ્રમાણે, "બેટદ્વારકા સુધીનો બ્રિજ બનવાને કારણે શ્રદ્ધાળુઓ માટે જાત્રા એકદમ સુગમ બની જશે. અગાઉ જેટીથી મંદિર સુધીનો પ્રવાસ ખેડવાની સમસ્યા હતી. હવે, મંદિરથી એકદમ નજીક જ પાર્કિંગ સ્થળ ઊભું કરવામાં આવ્યું છે, જ્યાં સુધી શ્રદ્ધાળુઓ કાર-બસમાં બેસીને પહોંચી શકે છે."
વાયડા ઉમેરે છે, "આ પહેલાં દિવસ આથમ્યે બેટદ્વારકાના રહેવાસીઓ માટે કોઈ મેડિકલ કે સામાજિક ઇમર્જન્સી ઊભી થતી તો તેમના માટે કપરી સ્થિતિ હતી અને ઘણી વખત સવાર સુધી રાહ જોવી પડતી. હવે, પુલ બની જવાથી એ ચિંતા નહીં રહે."
પુલ બની જતાં પર્યટકો શિવરાજપુર બીચ, નાગેશ્વર મહાદેવ મંદિર તથા આસપાસનાં જોવાલાયક સ્થળો માટે વધુ સમય ફાળવી શકશે, કારણ કે પહેલાં બોટના સમય અને અવરજવરનો સમય વગેરે ધ્યાને લેવા પડતા.
જમીન સાથે રાજકીય સેતુ?
દાયકાઓથી તીર્થધામ દ્વારકા તથા તેની આસપાસનો વિસ્તાર ધાર્મિક અને કેટલાંક પુરાતત્ત્વીય સ્થળો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે, પરંતુ દ્વારકાથી 27 કિલોમીટર દૂર આવેલા શિવરાજપુર બીચને 'બ્લૂ ફ્લૅગ બીચ' તરીકે વિશ્વના પર્યટન નકશા પર સ્થાન મળતા પ્રવસનક્ષેત્રે સંભાવનાઓ પણ વધી છે.
શિવરાજપુરમાં લગભગ 200 કરોડનાં કામ થઈ રહ્યાં છે અને દ્વારકાથી શિવરાજપુર પહોંચવાનું સુગમ બને તે માટે રસ્તાઓ વિકસાવાઈ રહ્યા છે.
પર્યટન વિભાગના અધિકારીના કહેવા પ્રમાણે, "પર્યટનક્ષેત્રે કોઈ પણ સર્કિટ કે કૉરિડૉરને વિકસાવતા પહેલાં 'ઍન્કર પ્લૅસ' પસંદ કરવામાં આવે છે. સ્વાભાવિક રીત 'દેવભૂમિ દ્વારકા કૉરિડૉર' માટે આ 'ઍન્કર પ્લૅસ' દ્વારકા છે."
"પુલનું કામ શરૂ થયું, તે પહેલાં બેટદ્વારકા ખાતે એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં જાણવા મળ્યું હતું કે જે લોકો બેટદ્વારકા આવે છે, તેમનો હેતુ ધાર્મિક જ હોય છે. મોટા ભાગના મુલાકાતીઓ ઉંમરલાયક હોય છે અને તેઓ બે-ત્રણ કલાક અહીં પસાર કરે છે અને તેઓ સરેરાશ કે ઓછી આવક ધરાવનારા હોય છે."
ઉપરોક્ત અધિકારી મીડિયા સાથે વાત કરવા માટે અધિકૃત ન હોઈ નામ ન છાપવાની શરતે માહિતી આપી છે. ઓખા નગરપાલિકા દ્વારા થોડા મહિના પહેલાં બેટદ્વારકામાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, તે આ પ્રકલ્પો માટે જરૂરી જમીન ખુલ્લી કરવા માટે કરાઈ હતી? એ સવાલનો જવાબ આપવાનું આ અધિકારીએ ટાળ્યું હતું.
બેટદ્વારકા અને ઓખાનું અંતર કેમ અને ક્યારે ઘટવા લાગ્યું હશે?
દ્વારકાવાસીઓનું માનવું છે કે હિંદુઓની પવિત્ર ભૂમિ છ વખત પાણીમાં ડૂબી છે અને અત્યારે તેનું સાતમું સ્વરૂપ છે.
અગાઉ ડેક્કન કૉલેજ અને એએસઆઈ (આર્કિયૉલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયા) દ્વારા દ્વારકાના જગતમંદિર પાસે કરવામાં આવેલા ખોદકામમાં મળી આવેલાં અવશેષોએ આ માન્યતાને દૃઢ કરી છે.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઑશનોગ્રાફીના ભૂતપૂર્વ મુખ્ય વિજ્ઞાની ડૉ. રાજીવ નિગમે આ પહેલાં બીબીસીને જણાવ્યું હતું, "લગભગ 15000 હજાર વર્ષ પહેલાં દરિયાની સપાટી અત્યારે છે, તેના કરતાં 100 મીટર નીચી હતી. તે પછી દરિયાની સપાટી ફરી થોડી ઊંચે ગઈ હતી અને 7000 વર્ષ પહેલાં અત્યારે છે, તેના કરતાં પણ એ ઉપર પહોંચી ગઈ હતી."
"તે પછી 3500 વર્ષ પહેલાં જળપાટી ફરીથી નીચે આવી હતી અને લગભગ તે ગાળામાં દ્વારકા નગરીની સ્થાપના થઈ હતી. પરંતુ તે પછી ફરી દરિયાની સપાટી વધવા લાગી એટલે નગર તેમાં ડૂબવા લાગ્યું."
સ્વાભાવિક છે કે તેની અસર માત્ર 35 કિલોમીટર દૂર આવેલા ટાપુપ્રદેશ એવા બેટદ્વારકા પર પણ વધતાં-ઘટતાં જળસ્તરની અસરે થઈ હોય. તાજેતરનાં વર્ષોમાં દરિયાના વધતા-જતા જળસ્તર માટે જળવાયુ પરિવર્તનને જવાબદાર માનવામાં આવે છે, ત્યારે અગાઉ થયેલી આ વધ-ઘટ માટે કુદરતી પરિબળો જવાબદાર રહ્યાં હશે.
કપિલ વાયડાના કહેવા પ્રમાણે, "જો દ્વારકા એ ભગવાન શ્રીકૃષ્ણની કચેરી હતી, તો શંખોદ્વાર તરીકે ઓળખાતું બેટદ્વારકા એ તેમનું નિવાસસ્થાન હતું, જ્યાં તેઓ તેમનાં રાણીઓ, પરિવારો અને 56 કોટિ યાદવ સાથે રહેતાં. બોટથી તેઓ અવરજવર કરતા હોવાના ઉલ્લેખ પણ પુરણોમાં મળે છે."
વાયડા ઉમેરે છે કે સંસ્કૃતમાં 'કોટિ' એટલે એક કરોડનો આંક થાય, પરંતુ તે સમયના સંદર્ભમાં આ આંકડો કેટલો હતો તે વાદનો વિષય છે.
આઇલૅન્ડનો ઇતિહાસ
ભારતીય પુરાતત્ત્વીય વિભાગના વિખ્યાત આર્કિયૉલૉજિસ્ટ એસ.આર. રાવે દ્વારકા તથા તેની આસપાસના વિસ્તારોમાં જમીન પર તથા દરિયામાં પુરાતત્ત્વીય શોધમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. તેમના પ્રયાસો થકી જ ગોવાસ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઑશનોગ્રાફી ખાતે મરીન આર્કિયૉલૉજીની શરૂઆત થઈ હતી.
રાવ પોતાના ઇન્ટરવ્યૂ અને ભાષણોમાં કહેતા કે 'કૃષ્ણ અને દ્વારકાની ઐતિહાસિક તથ્યતા પર સવાલ ઊભા કરવામાં આવી રહ્યા હતા, જેણે મને ત્યાં અને આસપાસના વિસ્તારોમાં પુરાતત્ત્વીય ઉત્ખનન અને શોધ કરવા માટે પ્રેરણા આપી.'
રાવ માનતા કે મહાભારત અને પુરાણોમાં જે 'વારિદૂર્ગ' એટલે કે પાણીની વચ્ચે કિલ્લાનો જે ઉલ્લેખ મળે છે તે બેટદ્વારકા વિશે જ છે.
એનઆઈઓના મરીન આર્કિયૉલૉજિસ્ટ અને વિભાગના ચીફ ટેકનિકલ ઑફિસર અનિરુદ્ધસિંહ ગોરે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું, "બેટદ્વારકા એ કચ્છના અખાતનું પ્રવેશદ્વાર છે તે વ્યૂહાત્મક દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે. બેટદ્વારકા વહાણવટા, માછીમારી તથા શંખના કારણે અહીં ઓછા-વધુ પ્રમાણમાં માનવવસતિ રહેવા પામી છે. વચ્ચેની લગભગ ત્રણેક સદીઓને બાદ કરતાં છેલ્લા લગભગ ત્રણ હજાર 900 વર્ષ દરમિયાન અહીં માનવવસતિ રહી હોવાના પુરાવા આપણને મળે છે."
ગોરના મતે ઓખામંડળને 'સંયુક્ત એકમ' તરીકે જોવામાં આવે તો નાગેશ્વરનો ઇતિહાસ લગભગ ચાર હજાર 500 વર્ષ જૂનો છે અને તે હડપ્પા સંસ્કૃતિની 'મૅચ્યોર સાઇટ' છે, જ્યારે બેટદ્વારકા એ 'લૅટ હડપ્પન સાઇટ' છે.
હિંદુઓની માન્યતા છે કે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ પાંચ હજાર 250 વર્ષ પહેલાં હાલના ઉત્તર પ્રદેશના મથુરામાં આવેલા કારાગૃહમાં થયો હતો, ત્યારે બેટદ્વારકામાં મળેલા જૂનામાં જૂના પુરાવા લગભગ ત્રણ હજાર 900 વર્ષ પુરાણા છે. ત્યારે આ તફાવત કેમ ? એવા સવાલના જવાબમાં ગોરનું કહેવું છે :
"દ્વારકા જ નહીં, પરંતુ અન્યત્ર પણ લોકોમાં પ્રચલિત માન્યતા કે કિંવદંતીઓમાં ઘણી વખત તથ્ય રહેલું હોય છે અને પુરાતત્ત્વીય ખોજ કરતા આપણને અમુક અવશેષો પણ મળે છે. જોકે, પુરાતત્ત્વવિદનું કામ મળેલા પુરાવાના આધારે અભિપ્રાય આપવાનું હોય છે."
ગોર તથા સહ-લેખકોએ બેટદ્વારકામાં થયેલી પુરાતત્ત્વીય શોધખોળ વિશે દેશ-વિદેશના અનેક જર્નલોમાં શોધપત્ર લખ્યા છે. તેઓ કહે છે કે અલગ-અલગ સ્થળોએ અંડરવૉટર આર્કિયૉલૉજીમાં ભિન્ન-ભિન્ન પ્રકારના પડકારો જોવા મળે છે. એટલે સુધી કે બેટદ્વારકા અને દ્વારકાનો દરિયો પણ સરખો નથી.
બેટદ્વારકા બન્યું યાત્રાધામ
300થી એક હજાર 800 મીટર પહોળો બેટદ્વારકાનો વિસ્તાર લગભગ બાર કિલોમીટરનો છે. તેની જમીનનો આકાર શંખ જેવો હોવાથી તે શંખોદ્વાર તરીકે ઓળખાય છે.
આ સિવાય અહીં પુષ્કળ પ્રમાણમાં સારી ગુણવતાવાળા શંખ મળી આવતાં હોવાથી પણ તેને આ નામ મળ્યું હોવાનું માનવામાં આવે છે.
જોકે, તે પહેલાં પણ દ્વારકામાં વસતિ હોવાનો પુરાણોમાં ઉલ્લેખ મળે છે. વિષ્ણુ પુરાણમાં પણ આનો એક ઉલ્લેખ છે.
મહાભારતના 'મૌસલપર્વ', હિંદુઓના સર્જનના દેવ વિષ્ણુના અવતારો પર આધારિત ધાર્મિકગ્રંથ 'વિષ્ણુ પુરાણ' તથા 'શ્રીમદ્ ભાગવત્ મહાપુરાણ'માં આપવામાં આવેલા વિવરણ પ્રમાણે, કૃષ્ણે દરિયાદેવ પાસેથી 12 યોજન જમીનની માગણી કરી. જે તેમણે આપી.
આઠમી સદી દરમિયાન આદિ શંકરાચાર્યે ઉત્તરમાં બદરિકાશ્રમ જ્યોર્તિપીઠ (બદરીનાથ, ઉત્તરાખંડ), પશ્ચિમમાં શારદાપીઠ (દ્વારકા, ગુજરાત), પૂર્વમાં ગોવર્ધનપીઠ (પુરી, ઓડિશા) અને દક્ષિણમાં શ્રૃંગેરી શારદાપીઠમ્ (ચિકમંગલૂર, કર્ણાટક) સ્થાપ્યાં.
આ પછી દ્વારકાના ધાર્મિક મહત્ત્વમાં વધારો થયો હતો. તેમણે જ દ્વારકાના મુખ્ય મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હોવાનું માનવામાં આવે છે.
મધ્યકાલીન યુગમાં દ્વારકા અને બેટદ્વારકા સહિત અનેક મંદિર ખંડિત થયાં. એ પછી 16મી સદી દરમિયાન પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના વિઠ્ઠલ ગુસાંઈજીએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવડાવ્યો હોવાનું સ્થાનિકોનું કહેવું છે.
1857માં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની સામે દેશભરમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો, ત્યારે ઓખામંડળ વિસ્તાર પણ તેમાંથી બાકાત ન હતો. અહીંના વાઘેરોએ ઓખામંડળ વિસ્તારામાં કંપની સરકારના સૈનિકોને ટક્કર આપી હતી. તે દરમિયાન બેટદ્વારકાનું મંદિર અને કિલ્લો ખંડિત થયાં હતાં.
કંપની સરકારના પતન પછી બ્રિટનનાં મહારાણીએ ભારતનું શાસન સંભાળ્યું. અંગ્રેજ સેનાએ અને બરોડાના ગાયકવાડની મદદથી વાઘેરોની ચળવળને ડામી દીધી અને આ વિસ્તાર વડોદરાના મરાઠા શાસકો હેઠળ આવ્યો.
ભૌગોલિક દૃષ્ટિએ દૂર હોવાથી અને ખારાશવાળી જમીન હોવાને કારણે ઓખામંડળ વિસ્તારમાં ખાસ ઉદ્યોગધંધા કે ખેતી નહોતા. દેશભરમાંથી દ્વારકાના દર્શને આવતાં શ્રદ્ધાળુઓ નગરના અર્થતંત્રનો આધાર હતા. કચ્છથી તત્કાલીન બૉમ્બે (હાલનું મુંબઈ) જતી આગબોટો ઓખા-દ્વારકાના દરિયામાં ઊભી રહેતી.
વર્ષ 1887માં તત્કાલીન અંગ્રેજ સરકાર સાથેના કરારને કારણે અહીંનો મીઠા ઉદ્યોગ પણ પડી ભાંગ્યો હતો. વર્ષ 1922માં અંગ્રેજ અને ગાયકવાડ સરકારો વચ્ચે નવેસરથી કરાર થયા, જેમાં મીઠા ઉદ્યોગને ફરી શરૂ કરવાની છૂટ આપવામાં આવી.
વર્ષ 1926માં ઓખા બંદર ધમધમતું થયું. વર્ષ 1927માં મીઠાપુર ખાતે મીઠા ઉદ્યોગ શરૂ થયો, જે આગળ જતાં ટાટા કેમિકલ્સે હસ્તગત કર્યો. આ સિવાય પણ કેટલાક કેમિકલ ઉદ્યોગ સ્થપાયા. 1940ના દાયકાના અંતભાગમાં ઓખા ખાતે બિરલા જૂથનો કાર ઍસેમ્બલી પ્લાન્ટ શરૂ થયો હતો, જે 1948 સુધી ચાલ્યો.
સ્વતંત્રતા પછી 1965 અને 1971ના પાકિસ્તાન સાથેના યુદ્ધ સમયે ઓખા, દ્વારકા તથા આસપાસના દરિયાનું વ્યૂહાત્મક મહત્ત્વ રહ્યું હતું અને તેના પર હુમલા પણ થયા હતા.
દ્વારકાના જગતમંદિરને નિશાન બનાવીને બૉમ્બ ફેંકવામાં આવ્યા હોવા છતાં મંદિરને ક્ષતિ નહોતી પહોંચી અને હિંદુઓ તેને 'ઇશ્વરીય ચમત્કાર' માને છે, જ્યારે સૈન્ય નિષ્ણાતોના અલગ અભિપ્રાય છે.
No comments:
Post a Comment