જે વાંસળી પણ વગાડી જાણે અને આંગળીએ સુદર્શન ચક્ર પણ ફેરવી જાણે, જે રણમેદાન વચ્ચે જગતની પહેલવહેલી મોટિવેશનલ સ્પીચ આપી શકે એ મલ્ટિપર્સનાલિટીના ધણી શ્રીકૃષ્ણ 'ચરૈવેતિ ચરૈવેતિ'ની જેમ ફરતા રહ્યા છે. વિરાટ ફલક પર પથરાયેલા બહુવિધ રંગી શ્રીકૃષ્ણના જીવનની એક આગવી ઓળખ એટલે ગુજરાતની દ્વારકા નગરી. આજે જન્માષ્ટમીના કૃષ્ણમય માહોલમાં દ્વારકા નગરીને આર્કિયોલોજીનાં ચશ્માંથી જોવાની છે. ભારતનાં સાત પવિત્ર યાત્રાધામમાં એક દ્વારકા છે. ધાર્મિક રીતે જ નહીં, પણ દ્વારકાનું પુરાતત્ત્વની દૃષ્ટિએ પણ મહત્ત્વ છે. મહાભારતમાં શ્રીકૃષ્ણની રાજધાની તરીકે દ્વારકાનું વર્ણન મળે છે. શ્રીકૃષ્ણના દેહાંત પછી દ્વારકા સમુદ્રનાં પાણીમાં ડૂબી ગઈ હોવાનું મનાય છે.
હાલ દ્વારકા આવેલું છે તેની આસપાસના વિસ્તારમાં ઉત્ખનન તથા દરિયામાં શોધખોળ કરાઈ હતી, જેથી પ્રાચીન દ્વારકાનું અસ્તિત્વ સાબિત કરી શકાય. દ્વારકાના સ્થાન અંગે ભિન્ન મતો પ્રવર્તે છે. દરિયામાં ડૂબેલી નગરી કે જે કૃષ્ણની દ્વારકા હોવાનો બહુ પ્રચલિત મત છે, એના ઉત્ખનનની રસપ્રદ વાતો જાણવા માટે ‘દિવ્ય ભાસ્કર’ એપે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના એડિશનલ ડિરેકટર જનરલ ડૉ. આલોક ત્રિપાઠી કે જેમણે દ્વારકામાં સમુદ્રમાં ઉત્ખનન કરનારી ટીમ લીડ કરી હતી, તેમજ એક રસપ્રદ પુસ્તક લખ્યું હતું એમની સાથે ખાસ વાતચીત કરી. આ સિવાય દુર્ગમ વિસ્તારમાં ધરબાયેલાં પુરાતત્ત્વીય સ્થળોના શોધક ‘ઇસરો’ના નિવૃત્ત સાયન્ટિસ્ટ ડૉ. પી.એસ. ઠક્કર કે જેઓ જૂનાગઢના બરવાળા પાસે શ્રીકૃષ્ણની દ્વારકા હોવાની સંભાવના રજૂ કરે છે.
દ્વારકા: સાહિત્યનાં પન્ને
સૌથી પહેલાં આપણે મળીએ ડૉ. આલોક ત્રિપાઠીને. ડૉ. આલોક ત્રિપાઠી દેશના ટોચના પુરાતત્ત્વવિદોમાં સ્થાન પામે છે. જ્ઞાનવાપી મસ્જિદનો જે સર્વે થયો એ ટીમ પણ એમણે લીડ કરી હતી. તેઓ 1987માં આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (ASI)માં આર્કિયોલોજિસ્ટ તરીકે જોડાયા હતા. એ જ વર્ષે ASIએ અંડર વોટર આર્કિયોલોજિકલ સર્વે કરવાનો નિર્ણય કર્યો હતો. આ માટે ડિપાર્ટમેન્ટને કેટલાક એવા આર્કિયોલોજિસ્ટની જરૂર હતી કે જેને મરીન આર્કિયોલોજીમાં રસ હોય. જે યંગ તરવરાટ વાળા હોય. વોટર એક્ટિવીટીનો થોડો ઘણો અનુભવ હોય. ડૉ. આલોક ત્રિપાઠી આ માપદંડોમાં ખરા ઉતર્યા અને એમની અંડરવોટર આર્કિયોલોજિસ્ટ તરીકે પસંદગી કરવામાં આવી. ASIના પહેલા અંડરવોટર આર્કિયોલોજિસ્ટ હોવાનું એમને સદભાગ્ય મળ્યું. એ સમયે દ્વારકામાં અંડરવોટર સર્વેનું કામ શરુ થયું હતું. દ્વારકામાં એમને તાલીમ આપવામાં આવી.
દ્વારકાના સાહિત્યમાં ઉલ્લેખ વાતથી શરુઆત કરતાં ડૉ. આલોક ત્રિપાઠી કહે છે, '1902માં પહેલીવાર ફ્રેડરિક એડેન પાર્જીટરે માર્કંડેય પુરાણનું ટ્રાન્સલેશન કર્યું ત્યારે એમાં દ્વારકા નગરી વિશે વાત કરી હતી. 1922માં પણ એણે દ્વારકા અંગે લખ્યું. 1925માં એ.એસ. અલટેકરે લખ્યું. આ કારણે લોકોનું ધ્યાન દ્વારકા નગરી તરફ ખેંચાયું. 1943માં એ.ડી. પુસાલકરે દ્વારકા અંગે નિબંધ લખ્યો જેમાં એમણે તારણ આપ્યું કે મહાભારતમાં જેનો ઉલ્લેખ થયો છે એ જ ગુજરાતમાં આવેલી વર્તમાન દ્વારકા છે. આ કારણે લોકો એમ માનતા થયા કે મહાભારત સહિતનાં પ્રાચીન સાહિત્યમાં જેનો ઉલ્લેખ છે એ જ ગુજરાતની દ્વારકા છે. સાહિત્યનાં વર્ણનના આધારે વિદ્વાનોએ દ્વારકા અંગે જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો હતો.’
પહેલી વાર થયું ઉત્ખનન: આ ગુજરાતીનો હતો કી-રોલ
દ્વારકાના પુરાત્ત્વીય સ્થળની રીતે મહત્ત્વ અંગે 1960ના દાયકામાં આર્કિયોલોજિસ્ટનું ધ્યાન ખેંચાયું. ડૉ.આલોક ત્રિપાઠી કહે છે, '1950 પછીની વાત કરીએ તો 1960ના દાયકામાં પુરાતત્ત્વવિદ્યાને એક વેગ મળી રહ્યો હતો. એ સમયે સાહિત્ય અને પરંપરાને પ્રમાણોને આધારે સિદ્ધ કરવાના પ્રયાસોને વેગ મળી રહ્યો હતો. 1963માં પૂણેની ડેક્કન કોલેજના પ્રાધ્યાપક હસમુખ સાંકળિયા અને ગુજરાત આર્કિયોલોજિકલ સર્વે સાથે મળીને એક ઉત્ખનન કર્યું. દ્વારકા એક ગીચ વિસ્તાર છે. ત્યાં કોઇ એવી ખુલ્લી જગ્યા નથી કે જ્યાં ઉત્ખનન થઇ શકે. એ સમયે ત્યાં એક મકાનનું નિર્માણ થઇ રહ્યું હતું. ત્યાં ઉત્ખનન કરવામાં આવતાં 2000 વર્ષ જૂના અવશેષો મળી આવ્યા હતા. આ પહેલો એવો પ્રયાસ હતો કે મટિરિયલ એવિડન્સને આધારે આ સ્થળની પ્રાચીનતા વિશે જાણવાનો પ્રયાસ થયો હોય.'
2000 વર્ષ જૂની પોટરી, માટીનાં વાસણ મળી આવ્યાં
દ્વારકામાં બીજું ઉત્ખનન થયું વર્ષ 1979માં. ડૉ. આલોક ત્રિપાઠી આગળ કહે છે, ‘દ્વારકા મંદિર એ ભારતની રાષ્ટ્રીય ધરોહર છે એટલે આ મંદિરની દેખભાળ ભારતીય પુરાતત્ત્વ ખાતું કરે છે. આ મંદિરની આસપાસ ઘણાં મકાનો બનેલાં હતાં. એક મકાનની નીચે નવમી સદીના કાર્યકાળમાં બનેલા એક મંદિરનો ભાગ મળ્યો હતો. ડૉ. એસ. આર. રાવે ઉત્ખન્ન કર્યું ત્યારે માટીનાં વાસણો મળી આવ્યાં હતાં. આ પોટરી ઇ.સ. પૂર્વેની બીજી સદી પહેલાંની હોવાનું તારણ નીકળ્યું હતું.
સમુદ્રમાં લીન થયેલી નગરીનો અંડરવોટર સર્વે
ડૉ. આલોક ત્રિપાઠી કહે છે, ડૉ. એસ. આર. રાવ ભારતીય આર્કિયોલોજિકલ વિભાગમાંથી સેવા નિવૃત્ત થયા બાદ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓશનોગ્રાફી કે જે ગોવા ખાતે આવેલી છે, એ વિભાગે ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડેમી અને CSIRએ મળીને દ્વારકા અંગે અંડરવોટર પ્રોજેક્ટ શરુ કર્યો. જેમાં ડૉ. આલોક ત્રિપાઠી જોડાઇ ગયા. તેઓ કહે છે, 'મેં પહેલી ડૂબકી દ્વારકામાં લગાવી હતી. આ પ્રોજેક્ટ બે તબક્કામાં થયો હતો. 2001માં આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયામાં અંડર વોટર આર્કિયોલોજિકલ વિંગની સ્થાપના થઇ હતી. 2005માં અમે લોકોએ દ્વારકામાં કાર્યનો પ્રારંભ કર્યો.'
જે સ્થળો દ્વારકા હોવાનું કહેવાય છે ત્યાં અભ્યાસ કર્યો.
આ ઉત્ખનન કાર્યની સમગ્ર પ્રોસેસ અંગે જાણકારી આપતાં ડૉ. આલોક ત્રિપાઠી આગળ કહે છે, 'સૌથી પહેલાં તો અમે દ્વારકા પર જે સંશોધનાત્મક કામ થયું હતું એનો અભ્યાસ કર્યો. ગુજરાતમાં અન્ય જગ્યાએ પણ દ્વારકા હોવાનું કહેવાય છે. આ તમામ જગ્યાનો અમે અભ્યાસ કર્યો હતો. મૂળ દ્વારકા, પંચ દ્વારકા, માધવપુર, ગિરનારની પાસેની જગ્યા..આ તમામ સ્થળો કે જે કૃષ્ણ સાથે સંકળાયેલાં હતાં એ તમામ સ્થળો વિશે અભ્યાસ કર્યો. કચ્છમાં કેટલાંક સ્થળોનો અભ્યાસ કર્યો. આ પછી ત્યાંથી પ્રાપ્ત થયેલાં પ્રમાણો અને સાહિત્યમાં મળેલા એ સ્થળની પ્રાચીનતાના ઉલ્લેખોને ચકાસ્યા પછી આખરે અમે સમુદ્રમાં ડૂબેલી નગરી કે જે દ્વારકા કહેવાય છે એના પર સંશોધન કાર્ય શરુ કર્યું.’
સમુદ્રમાં હાઇડ્રોગ્રાફિકલ સર્વે
ડૉ. આલોક ત્રિપાઠી આગળ કહે છે, ‘વર્ષ 2006માં અમે ભારતીય નેવી સાથે મળીને દ્વારકા પાસે જે સમુદ્ર છે એમાં તપાસનો પ્રારંભ કર્યો. એ સમુદ્રમાં હાઇડ્રોગ્રાફિકલ સર્વે કર્યો. બે નોટિકલ માઇલ (3.7 કિમી) લંબાઇ અને એક નોટિકલ માઇલ (1.9 કિમી) વિસ્તારમાં સાઇડ સ્કેન સોનાર અને મલ્ટિબીમ સોનાર ટેક્નિકથી સમુદ્રના તળિયાનો સર્વે કર્યો અને એના આધારે સમુદ્રની ધરાતલનો થ્રીડી મોડેલ તૈયાર કર્યું કે જેનાથી વિશેષ અભ્યાસ મળે. (સોનાર ટેક્નોલોજી સામુદ્રિક ખડકો, ડૂબેલાં વહાણો, પ્રાચીન અવશેષો વગેરેનાં સ્થાન અંગે જાણવા માટે થાય છે. આ પદ્ધતિમાં અલ્ટ્રાસોનિક ધ્વનિતરંગોને ટ્રાન્સમીટર વડે સમુદ્રના તળિયે મોકલવામાં આવે છે. આ ધ્વનિતરંગો જેટલા સમયમાં પાછા ફરે છે, એ સમયના માપ ઉપરથી સમુદ્રની ઊંડાઈ જાણી શકાય છે અને આ અલ્ટ્રાસોનિક ધ્વનિતંરગો પરથી સમુદ્રમાં પડેલી વસ્તુ કેટલી મોટી છે એનો પણ અંદાજ મેળવી શકાય છે.) સાહિત્યમાં વર્ણન છે એ પ્રમાણે જ્યાં ગોમતી સમુદ્રને મળે છે ત્યાં દ્વારકા નગરી હતી. ગોમતી જ્યાં સમુદ્રમાં મળે છે એની ઉત્તર અને દક્ષિણમાં અમે બંને ભાગોમાં સર્વે કર્યો અને પછી અમે અંડરવોટર ઇન્વેસ્ટિગેશન અને ઉત્ખનનની વર્ષ 2007માં શરૂઆત કરી.’
ભારતીય નેવીનાં અત્યાધુનિક સાધનોથી થયો ફાયદો
સમુદ્રમાં ઉત્ખનન માટે ભારતીય નેવીનો સપોર્ટ ખૂબ મહત્ત્વનો હોય છે. ડૉ. આલોક ત્રિપાઠી કહે છે, 'અમે લોકો ભારતીય નેવીના સહયોગથી કામ કરતા આવ્યા છીએ. હિન્દ મહાસાગરમાં ભારતીય નૌસેના પાસે સૌથી આધુનિક સુવિધાઓ-ઉપકરણો યુક્ત જહાજ છે. નેવી પાસે સર્વે માટે અલગ પ્રકારનાં જહાજ છે. ડાઇવિંગ માટે અલગ જહાજ છે. નેવીની અત્યાધુનિક ટેક્નોલોજીનો અમે સર્વે માટે ઉપયોગ કર્યો હતો. આ જહાજની પાસે સર્વેની સૌથી અત્યાધુનિક ઉપકરણો હતાં. સૌથી સારી સર્વે બોટ્સ છે જે સોનાર સિસ્ટમથી સજ્જ છે. સમુદ્રની તળિયે પડેલી વસ્તુઓને લોકેટ કરી શકતાં હતાં અને એ વસ્તુનું મેપિંગ કરી શકતા હતા. આ કારણે અમારું કામ વધુ વ્યવસ્થિત અને સાયન્ટિફિક રહ્યું.'
સમુદ્રના પેટાળમાંથી શું મળી આવ્યું?
‘સમુદ્રમાં કામ કરતી વખતે સમયની એક સીમા હોય છે. કોઇ પણ ડાઇવર સમુદ્રમાં ત્રણ કલાક સુધી કામ કરી શકે છે. આ માટે સમુદ્રમાં અમે 200 બાય 200 મીટરનો એક એરિયા સર્વે માટે પસંદ કર્યો. અમને લોકોને 50 બાય 50 મીટરમાં સૌથી વધારે અવશેષો મળી આવ્યા. આ અવશેષો પ્રાચીન ભવનોના હતા. પથ્થરોના બ્લોક કાપીને કલાકૃતિઓ બનાવવામાં આવી હતી’, ડૉ. આલોક ત્રિપાઠી કહે છે.
દ્વારકા ક્યારે સમુદ્રમાં લીન થઇ હતી?
ડૉ. આલોક ત્રિપાઠી કહે છે, ‘અમને જે અવશેષો મળ્યા એ પથ્થરોના હતા. પુરાતત્ત્વવિદ્યામાં કાર્બન ડેટિંગ કરવામાં આવે છે, જેના માટે ઓર્ગેનિક મટિરિયલની જરૂર પડે છે. પણ સમુદ્રમાંથી મળેલા અવશેષો ઇનઓર્ગેનિક હતા. આ અવશેષો સમુદ્રના તળિયે વિખરાયેલા પડ્યા હતા. અમે સમુદ્રના જે સીમિત વિસ્તારમાં કામ કર્યું એ વિસ્તારમાં કોઇ ઓર્ગેનિક મટિરીયલ ન મળ્યું કે જેના કારણે વૈજ્ઞાનિક રીતે એ જાણી શકાયું નથી શકાયું કે દ્વારકા ક્યારે સમુદ્રમાં લીન થઇ હશે.’
વર્તમાન દ્વારકા સૌથી મહત્ત્વપૂર્ણ સ્થાન
‘દ્વારકા તરીકે ઘણાં સ્થાનોની ઓળખ થઇ છે, પણ આ બધામાં જે વર્તમાન દ્વારકા છે એ સૌથી મહત્ત્વપૂર્ણ સ્થાન છે. ધાર્મિક રીતે આપણને ખ્યાલ છે કે એ ચાર ધામમાંથી એક છે. શંકારાચાર્યે અહીં પીઠની સ્થાપના કરી છે. માધવાચાર્ય અહીં આવ્યા છે. એ ક્ષેત્રમાં જે અવશેષો મળ્યા એમાં ગુપ્તોત્તર કાળની વિષ્ણુની પ્રાચીન પ્રતિમા પણ મળી આવી છે. એ નિર્વિવાદિત વાત છે કે લગભગ છઠ્ઠી શતાબ્દિ સુધી આ સ્થળ વૈષ્ણવ ધર્મનું એક કેન્દ્ર બની ચૂક્યું હતું. ઉત્ખનનમાં જે અવશેષો મળ્યા એના પરથી જાણવા મળ્યું કે ઐતિહાસિક રીતે ત્યાં સતત નિર્માણ કાર્ય થતું રહ્યું. ત્યાંથી પ્રાચીન મંદિરોના અવશેષો પણ મળ્યા છે. અત્યારે જે પ્રમાણ છે એના આધારે એમ કહી શકાય કે ગુપ્તકાળ કે જે પુરાણોનો કાળ માનવામાં આવે છે એ સમયથી દ્વારકાને કૃષ્ણનું સ્થાન અથવા વિષ્ણુ સાથે સંલગ્ન માનવામાં આવે છે’, ડૉ. આલોક ત્રિપાઠી કહે છે.
સમુદ્રમાં લીન એ નગરી કે જે દ્વારકા કહેવાય છે એના ડૂબવાનું કોઇ કારણ?
ડૉ. આલોક ત્રિપાઠી કહે છે, ‘આર્કિયોલોજિસ્ટ આધારભૂત પ્રમાણોને આધારે પોતાનો મત રાખે છે. જ્યાં સુધી દ્વારકાની જળમગ્ન થવાની વાત છે ત્યાં સુધી એની પાછળનાં ઘણાં કારણો જવાબદાર હોઇ શકે છે. જ્યાં સુધી એક સંપૂર્ણ અભ્યાસ ન થાય ત્યાં સુધી કોઇ એક ચોક્કસ કારણ કહેવું પ્રમાણિત અને વૈજ્ઞાનિક નહીં હોય. ઘણાં એવાં પરિબળો છે કે જેના કારણે સમુદ્રના તળમાં ફેરફાર આવે છે. સમુદ્રનું સ્તર વધવાથી, જમીનનું સ્તર નીચે જવાથી, ટેક્ટોનિક મુવમેન્ટ... જેવી ઘટનાઓ કોસ્ટલ સેટલમેન્ટને અસર કરે છે. જ્યાં સુધી આ દિશામાં વૈજ્ઞાનિક રીતે અભ્યાસ ન થાય ત્યાં સુધી કોઇ મત રાખવો ઉચિત નહીં ગણાય.’
દ્વારકામાં હજુ ઉત્ખનનની જરૂર છે.
દ્વારકામાં જે ઉત્ખનન થયું છે એ બહુ સીમિત ક્ષેત્રમાં અને એક જ સ્થાન પર થયું છે. જ્યાં સુધી દ્વારકામાં વ્યવસ્થિત રીતે ઉત્ખનન નહીં થાય ત્યાં સુધી એના સ્વરૂપ અંગે બહુ સ્પષ્ટ જાણકારી નહીં મળે અને વિના આધારભૂત રીતે કશું કહેવું પણ અયોગ્ય રહેશે. અત્યારે અમે જે નિષ્કર્ષ કાઢીએ છીએ એ સીમિત પ્રમાણોને આધારે કાઢીએ છીએ જે અત્યાર સુધી મળ્યાં છે, પણ ડો. સાંકળિયાએ લખ્યું છે એ પ્રમાણે હજુ આગળ જવાની જરૂરિયાત છે. આ જરૂરિયાત હજુ પણ એમ ને એમ ઊભી છે. દ્વારકામાં હજુ વ્યવસ્થિત ઉત્ખનનની, વ્યવસ્થિત અભ્યાસની જરૂર છે. એક વ્યવસ્થિત એનાલિસિસ અને ઇન્ટરપ્રિટેશનની જરૂરિયાત છે. દ્વારકાનો ઐતિહાસિક ઘટનાઓ સાથે જે સંબંધ છે, એની પ્રાચીનતા અંગે અમે વધુ પ્રમાણિત રીતે જાણી શકીશું. આર્કિયોલોજીમાં સર્વેનો ક્યારેય એન્ડ નથી હોતો. કોઇ એક ક્ષેત્રમાં થયેલા ભૂતકાળના સર્વેમાં એવાં પરિણામો મળી શકે છે કે જેની કોઇએ કલ્પના પણ ન કરી હોય.’
જમીન પરના ઉત્ખનનથી નથી મળ્યું એ દરિયાઇ ઉત્ખનનથી જાણવા મળશે!
દરિયાઇ ઉત્ખનનના મહત્ત્વ વિશે પૂછવામાં આવતા ડૉ. આલોક ત્રિપાઠી કહે છે, 'આપણો સમુદ્રી વિસ્તાર ખૂબ સમૃદ્ધ છે. સમુદ્રમાં ગરકાવ પ્રાચીન અવશેષો ઇતિહાસનાં એ પડળોને ખોલી શકે છે કે જે આપણે જમીન પર આજ સુધી સર્વે કરીને નથી જાણી શક્યા. એ દુર્ભાગ્ય ગણો કે સૌભાગ્ય, પણ આપણે ત્યાં ડાઇવિંગ હજુ પોપ્યુલર થયું નથી. એનો હકારાત્મક ફાયદો એ છે કે સમુદ્રના અવશેષો હજુ અનડિસ્ટર્બ છે. આપણી પ્રાચીનતમ સભ્યતાનાં પ્રમાણ જળક્ષેત્રોમાં મળવાની પૂરી સંભાવના છે. આપણી સિંધુ સંસ્કૃતિમાં જહાજો દ્વારા સમુદ્રી માર્ગે વેપાર થતો રહ્યો છે. સંભાવના છે કે સમુદ્રના તળિયે ઉત્ખનન કરતા આપણી પ્રાચીન સભ્યતા અંગે નવાં તથ્યો ઉજાગર કરશે.'
હવે આપણે મળીએ ડૉ. પી. એસ. ઠક્કરને. તેઓ દ્વારકા જૂનાગઢ પાસે બરવાળા ગામે અસ્તિત્ત્વ ધરાવતી હોવાનો મત ધરાવે છે.
આટઆટલી જગ્યા કૃષ્ણની દ્વારકા કહેવાય છે!
ડૉ. પી.એસ. ઠક્કરે હેમચંદ્રાચાર્યના ગ્રંથ ‘ત્રિષષ્ઠી શલાકા પુરુષ ચરિત્ર’ના વર્ણન પરથી તથા ઉપગ્રહોની તસવીરોના અભ્યાસની મદદથી જૂનાગઢ પાસેનું એક સ્થળ શોધી કાઢ્યું છે. જે શ્રી કૃષ્ણની દ્વારકા હોવાની નક્કર સંભાવના ડૉ. પી.એસ. ઠક્કર રજૂ કરે છે. ડૉ. પી.એસ. ઠક્કર કહે છે, ‘આજે ગુજરાતમાં પંદર જેટલાં સ્થળો એવાં છે કે જે શ્રી કૃષ્ણની મૂળ દ્વારકા હોવાનાં દાવેદાર છે. શ્રીકૃષ્ણની મૂળ દ્વારકા હોવાનાં અન્ય દાવેદાર સ્થળોમાં જૂનાગઢ જિલ્લાનું કોડીનાર પાસે આવેલું મૂળ દ્વારકા, જૂનાગઢ જિલ્લાનું જીર્ણ દૂર્ગ - જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લાનું સોમનાથ અથવા પ્રભાસ પાટણ, પોરબંદર જિલ્લામાં આવેલું માધવપુર અને વિસાવાડા એમ બે સ્થળો, સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું મૂળી, રાજકોટ જિલ્લામાં વાંકાનેર પાસે આવેલું પંચ દ્વારકા, દેવભૂમિ દ્વારકા જિલ્લાનું બેટ દ્વારકા, કચ્છ જિલ્લામાં રણમાં દટાઈ ગયેલું સ્થળ મરુડા ટક્કર, કચ્છ જિલ્લામાં આવેલું પુરાતત્ત્વીય નગર ધોળાવીરા, કચ્છ જિલ્લામાં નારાયણ સરોવર - કોટેશ્વરથી પશ્ચિમ દિશામાં સમુદ્રમાં આવેલ કાનાજી કો ડેરો. આમ ગુજરાતમાં આ અગિયાર સ્થળો ઉપરાંત ઉત્તરાખંડમાં આવેલું શ્રીનગર અને બ્રહ્મદેશ-મ્યાનમારમાં ઈરાવતી નદીના કાંઠે આવેલ શ્રી સ્થળો આ ઉપરાંત પાકિસ્તાનના સિંધ પ્રદેશમાં આવેલ પુરાતત્ત્વીય સ્થળ મોહેં જો ડેરોને પણ કેટલાક અભ્યાસુઓ ‘મોહન જો ડેરો’ તરીકે ઓળખાવે છે. આમ આ બધાં સ્થળો પણ શ્રી કૃષ્ણની મૂળ દ્વારકા હોવાનાં દાવેદાર છે. આમ કુલ ચૌદ જેટલાં સ્થળો આજની દ્વારકા ઉપરાંત કૃષ્ણની મૂળ દ્વારકા હોવાનાં દાવેદાર સ્થળો છે.’
‘સાહિત્ય અને આજના દ્વારકાનું સ્થાન બંધબેસતું નથી’
સાહિત્ય અને આજના દ્વારકાનું સ્થાન બંધબેસતું નથી એવો દાવો કરતાં પી. એસ. ઠક્કર કહે છે, ‘શ્રી કૃષ્ણની દ્વારકાનું જો આપણે શાસ્ત્રોમાં વર્ણન વાંચીએ તો આપણે જોઈ શકીએ છીએ કે દ્વારકાની આજુબાજુના વિસ્તારમાં વન - જંગલો, પર્વતો, નદીઓ, બાગ-બગીચા કે જેમાં વિવિધ રંગબેરંગી ફૂલ ઊગતાં હતાં તેવું વર્ણન વાંચવા મળે છે. આજના દ્વારકામાં આવા પર્વતો, નદીઓ, કે જંગલો કે વિવિધ રંગબેરંગી ફૂલોથી સુશોભિત બાગબગીચા જોવા મળતાં નથી. આમ સાહિત્યમાં જોવા મળતાં વર્ણન સાથે આજના દ્વારકાનું સ્થાન બંધબેસતું આવતું નથી.’
હરિવંશ પુરાણમાં દ્વારકા
ડૉ. પી. એસ. ઠક્કર ‘હરિવંશ પુરાણ’નું ઉદાહરણ આપતાં કહે છે, 'હરિવંશ પુરાણ માં લખ્યું છે કે દ્વારકા પ્રભાસ ક્ષેત્રમાં હતું. દ્વારકાની પૂર્વમાં તુલસીશ્યામ, પશ્ચિમમાં માધવપુર, ઉત્તરમાં ગોમતી નદી (ભાદર?), તથા દક્ષિણમાં તે સમુદ્રથી ઘેરાયેલું હતું. સાહિત્યમાંથી એવું પણ જાણવા મળે છે કે જ્યારે પાંડવો પ્રભાસથી પરત ફર્યા ત્યારે તેઓ રાત્રે રૈવતક પર્વત પર રોકાયા હતા અને બીજા દિવસે સવારે દ્વારકા પહોંચ્યા હતા. આ વર્ણન દર્શાવે છે કે દ્વારકા રૈવતક - ગિરનાર પર્વતની નજીકમાં હતું. આજના દ્વારકા સાથે આ વર્ણન કોઈ રીતે બંધબેસતું નથી.'
હેમચંદ્રાચાર્યના ગ્રંથમાં દ્વારકાનો ઉલ્લેખ
ડૉ. પી.એસ. ઠક્કર હેમચંદ્રાચાર્ય રચિત ગ્રંથનું ઉદાહરણ પણ ટાંકે છે, 'સાહિત્યમાં જુદા જુદા સમય માં બે અલગ દ્વારકા અસ્તિત્વમાં હોવાનું જાણવા મળે છે. એક દ્વારકા વાસુદેવની દ્વારકા હતી. ‘શત્રુંજય માહાત્મ્ય’માં દ્વારકાનું વર્ણન આપ્યું છે, પણ તેનું ભૌગોલિક સ્થાન દર્શાવ્યું નથી. હેમચંદ્રાચાર્ય રચિત ‘ત્રિષષ્ઠી શલાકા પુરુષ ચરિત્ર’માં શ્રી કૃષ્ણની દ્વારકાના ભૌગોલિક સ્થળ અંગે આપણને વર્ણન જોવા મળે છે. આ ગ્રંથ પ્રમાણે નગર બાર યોજન લાંબું હતું અને પહોળાઈમાં નવ યોજન હતું. એક યોજન એટલે આઠ કિલોમીટર અંતર થાય. નગરની ચારે બાજુ અઢાર હાથ જેટલી ઊંચી દીવાલ જમીન પર હતી અને નવ હાથ જેટલી દીવાલ જમીનમાં હતી. દીવાલની પહોળાઈ બાર હાથ જેટલી હતી. એક હાથ એટલે દોઢ ફૂટ જેટલું માપ થાય. શ્રી કૃષ્ણનું આ નગર ઇન્દ્રની સૂચના મુજબ કુબેરે વાસુદેવની પ્રાચીન નગરી કુશ સ્થળીના સ્થાન પર બનાવ્યું હતું. જે નગર સમુદ્રમાં ડૂબી ગયું હતું. નગરની બહારની દીવાલની ચારે બાજુ પાણીથી ભરેલી એક ખાઈ હતી, જે નગરના રક્ષણ માટે બનાવવામાં આવી હતી. આ નગરમાં એક માળથી શરુ કરી બહુમાળી મકાનો હતાં. આ મકાનો જુદી જુદી દિશામાં બાંધવામાં આવ્યાં હતાં. આ નગરની પૂર્વમાં રૈવતગિરિ અને દક્ષિણમાં માલ્યવાન શૈલ - શિખર હતું. પશ્ચિમમાં સૌમનસ પર્વત અને ઉત્તરમાં ગંધમાદન ગિરિ- પર્વત હતો.'
જૂનાગઢ પાસેનું બરવાળા એ જ દ્વારકા?
હેમચંદ્રાચાર્યે જણાવેલા વર્ણન પ્રમાણે ડૉ. પી. એસ. ઠક્કરે જૂનાગઢની પાસે બરવાળા આગળ ઉપગ્રહની મદદથી અભ્યાસ કર્યો. ડૉ. પી. એસ. ઠક્કર કહે છે, 'જ્યારે ઉપગ્રહની તસવીરોનો અભ્યાસ કર્યો, તો આ સ્થળ પુરાતત્ત્વીય સ્થળ હોય તેવું સ્પષ્ટપણે જોઈ શકાતું હતું, જેનો આકાર લંબચોરસ હતો. ચારે ખૂણા પર ચાર જુદાં જુદાં ગામ આવેલાં છે. નૈઋત્ય દિશામાં સાંતલપુર પાસે ઝામ્પોદર, અગ્નિ દિશામાં નરેડી, ઈશાન દિશામાં તલિયાધાર અને રૂપાવટી વાયવ્ય દિશામાં જોઈ શકાય છે.
આ લંબચોરસ આકારની અંદરની બાજુએ એક બીજું ચોરસ જોઈ શકાય છે, જેની અગ્નિ દિશામાં બાલોટ છે. બંટીયા નૈઋત્યમાં છે, રાવણી વાયવ્યમાં છે, અને ધંધુસર ઈશાન દિશામાં છે. આ ચોરસની અંદર પણ બીજું એક નાનું ચોરસ જોઈ શકાય છે, જે બરવાળા ગામ છે. આ ગામ કદાચ શ્રી કૃષ્ણનો મહેલ અથવા કિલ્લા કે ગઢનું સ્થાન હોઈ શકે. ઉપગ્રહની તસવીરમાં સીધી રેખાઓ અને વાંકીચૂંકી રેખાથી બનતા આકાર હોઈ શકાય છે. સહુથી બહાર લંબચોરસ, અંદર લંબચોરસ, સહુથી અંદર ચોરસ અને ત્રિકોણાકાર જોઈ શકાય છે. જેની આસપાસ વનરાજી જોવા મળે છે.
જો સાહિત્યમાં જોવા મળતાં વર્ણન સાથે આ સ્થળની સરખામણી કરીએ તો પૂર્વમાં રૈવતક પર્વત એ આજનો ગિરનાર પર્વત ગણાવી શકાય. માલ્યવાન શૈલ એ જૂનાગઢ જિલ્લાના કેશોદ પાસે આવેલ જુથળ ગામ પાસે આવેલી 63 મીટર ઊંચી ટેકરી - શિખર ગણાવી શકાય. પશ્ચિમમાં આવેલ સૌમનસ પર્વત એ આજનો બરડો ડુંગર ગણાવી શકાય અને ગંધમાદન ગિરિ એ ઉત્તરમાં આવેલ ઓસમના ડુંગરને ગણાવી શકાય.’
જૂનાગઢ જિલ્લાનું બરવાળા ગામ શ્રીકૃષ્ણની દ્વારકા હોવાની સંભાવના આ સેટેલાઇટ તસવીર દ્વારા ડૉ. પી. એસ. ઠક્કરે વ્યક્ત કરી છે.
ગિરનારની બાજુમા સમુદ્ર
ડૉ. પી. એસ. ઠક્કર કહે છે, 'મૌર્ય અને ગુપ્તકાળ દરમ્યાન આશરે આઠસો વર્ષો સુધી સુદર્શન તળાવનું રખરખાવનું કાર્ય મૌર્ય અને ગુપ્ત વંશના રાજાઓએ કર્યું હતું. અશોકે ગિરનાર પર શિલાલેખ કોતરાવ્યો એ દર્શાવે છે કે આ વિસ્તારમાં કોઈ અતિ મહત્ત્વનું નગર અસ્તિત્વમાં હશે. બાજુમાં આવેલ નાવડા ગામ દર્શાવે છે કે બાજુમાં સમુદ્ર આવેલો હશે. ગિરનારની આસપાસ મિલીઓલાઈટ ચૂનાના પથ્થરો મળે છે તે પણ દર્શાવે છે કે ગિરનારની બાજુમાં જ સમુદ્ર આવેલો હશે.'
બરવાળા ગામેથી મળી આવેલી વસ્તુઓ
બરવાળા ગામમાંથી પ્રાચીનકાળની પોટરી, હાડકાં, પથ્થરની દીવાલ, જેવી નિશાનીઓ પણ મળી આવી હતી. અહીં દક્ષિણમાં આવેલી ખાઈને સ્થાનિક લોકો ઢંઢ કહે છે. જે ખાઈ ઉત્તરથી દક્ષિણ દિશામાં છે તેને લોકો વોંકળો તરીકે ઓળખે છે. લંબચોરસનો આ વિસ્તાર આશરે પંદર કિલોમીટર લંબાઈમાં છે તથા બાર કિલોમીટર જેટલો પહોળાઈમાં છે. ડૉ. પી. એસ. ઠક્કર કહે છે, આ સ્થળે ઉત્ખનન કરવાની જરૂર છે. ડૉ. હસમુખ સાંકળીયાના મતે આજની દ્વારકાનો સમય ગાળો ચોથી સદી પહેલાં નથી જતો. કૃષ્ણની દ્વારકા ઐતિહાસિક કાળની તો નથી જ. એ પાંચ હજાર વર્ષ જૂની છે.’
ઇસરોના અધ્યક્ષ અને અન્ય વૈજ્ઞાનિકોએ લીધી નોંધ
બૅંગલોરમાં ઇસરોના અધ્યક્ષ ડૉ. કે. કસ્તુરીરંગને એક બેઠક બોલાવી હતી જેમાં ઇતિહાસકારો, વિદ્વાનો, ધર્મવેત્તા, પુરાતત્ત્વવિદો અને વૈજ્ઞાનિકો હાજર હતા. જેમાં ડૉ. પી. એસ. ઠક્કરના રિપોર્ટની મહત્ત્વની નોંધ લેવામાં આવી હતી. 2015માં આચાર્ય શ્રી વિજય વિજ્ઞાન સૂરિ એવોર્ડ 2015માં મુંબઈમાં બોરિવલી ખાતે આપવામાં આવ્યો હતો.
જો જૂનાગઢનું બરવાળા ગામ શ્રી કૃષ્ણની દ્વારકા છે તો પછી અરબી સમુદ્રમાં ડૂબી ગયેલી નગરી કઇ?
ડૉ. એસ. આર. રાવ જે સમુદ્રમાં ડૂબી ગયેલી પ્રાચીન દ્વારકાના શોધક ગણાય છે, એમના મત અનુસંધાને પૂછવામાં આવતાં ડૉ. પી. એસ. ઠક્કર એક ચોંકાવનારો દાવો કરતાં કહે છે, ‘એસ. આર. રાવે સમુદ્રમાં જે નગરી શોધી એ શ્રી કૃષ્ણની દ્વારકા હશે એવું હું નથી માનતો. મારે ડૉ. એસ.આર. રાવને રૂબરૂ મળવાનું થયું હતું. દ્વારકાની ચર્ચા દરમ્યાન મેં તેમને ડૉ. સાંકળિયાના મત વિષે જણાવ્યું હતું. અને ગુજરાતમાં અન્ય દ્વારકાનાં સ્થળોની વાત કરી હતી. ઉપરાંત મારા આ નવા સ્થળ અંગે ચર્ચા કરી હતી. ત્યારે તેમણે મને નિખાલસપણે જણાવ્યું હતું કે લોકોને પુરાતત્ત્વમાં રસ લેતા કરવા માટે તેમણે દ્વારકાને શ્રી કૃષ્ણની દ્વારકા કહી હતી. ત્યારે મેં તે સમયે તેમને વિનંતી કરી હતી કે હવે તો સાચું કહો, તો તે અંગે તેમણે પોતાની અસમર્થતા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે તેમના માટે તે સારું ન કહેવાય!’
'ગિરનારના ક્ષેત્રમાં સર્વે કરવાની જરૂર છે'
ડૉ. આલોક ત્રિપાઠીને ડૉ. પી. એસ. ઠક્કરના મત અંગે પૂછવામાં આવતાં તેઓ કહે છે, ગિરનાર ઐતિહાસિક અને ધાર્મિક રીતે મહત્ત્વપૂર્ણ સ્થાન છે. સેટેલાઇટ ઇમેજમાં તમે જોશો તો જણાશે કે ગુજરાતનું ચિત્ર ગરુડ જેવું દેખાશે જેમાં ગિરનાર ગરુડની આંખ જેવો લાગે છે. ગિરનારનો ઇતિહાસ જોઇએ તો સમ્રાટ અશોકે અહીં શિલાલેખ કોતરાવ્યો છે. અહીં સુદર્શન તળાવ હતું. મૌર્યકાળથી ગિરનારનું મહત્ત્વ રહ્યું છે. સાહિત્યમાં જોઇએ તો દ્વારકાનું ભિન્ન ભિન્ન વર્ણન મળે છે. મહાભારતમાં વર્ણન મળે છે કે દ્વારકા રૈવતક પર્વત પાસે આવેલી હતી. મહાભારતમાં પાછું એવું પણ વર્ણન છે કે દ્વારકા સમુદ્ર પાસે આવેલી હતી. અન્ય વર્ણનમાં જોઇએ તો હરિવંશ પુરાણમાં દ્વારકા જળમગ્ન થઇ હોવાની નોંધ છે. પુરાણોમાં, મહાભારતમાં દ્વારકાની સ્થિતિ અંગે વર્ણન મળે છે. આ પુરાણોના લેખકો અને સમય અલગ અલગ રહ્યા છે એટલે ભિન્નતા મળવી સ્વભાવિક છે. ગિરનારની આસપાસનું ક્ષેત્ર પણ ઐતિહાસિક અને ધાર્મિક રીતે મહત્ત્વપૂર્ણ છે. મહાભારત અને શ્રી કૃષ્ણ સાથે પણ એનો સંબંધ રહ્યો હશે એની નક્કર સંભાવના છે. આ ક્ષેત્રમાં સર્વે કરવાની જરૂર છે.’
No comments:
Post a Comment