આજે જન્માષ્ટમી ઊજવવામાં આવી રહી છે. દેશભરમાં અનેક એવી જગ્યા છે, જ્યાં શ્રીકૃષ્ણના પ્રાચીન અને પ્રસિદ્ધ મંદિર આવેલાં છે. આ જગ્યાએ મથુરા, વૃંદાવન, ગોકુળ, દ્વારકા, ઉજ્જૈન વગેરે સામેલ છે. આ જગ્યાનો સીધો સંબંધ શ્રીકૃષ્ણ સાથે છે. અહીં જાણો શ્રીકૃષ્ણના મંદિરો માટે પ્રસિદ્ધ આ જગ્યાઓ વિશે....
ઉત્તર પ્રદેશ સ્થિત મથુરા નગરીને શ્રીકૃષ્ણની જન્મભૂમિ તરીકે ઊજવવામાં આવે છે. અહીં મુખ્ય મંદિર શ્રીકૃષ્ણ જન્મભૂમિ જ છે. આ સિવાય યમુના તટ અને દ્વારકાધીશ મંદિર પણ ભક્તોની વચ્ચે ખૂબ જ પ્રસિદ્ધ છે. જન્માષ્ટમીએ લાખો ભક્ત મથુરા પહોંચે છે.
મથુરાથી લગભગ 10 કિમી દૂર વૃંદાવન આવેલું છે. આ ક્ષેત્રનો સંબંધ શ્રીકૃષ્ણના બાળપણ સાથે છે. પ્રાચીન સમયમાં અહીં વૃંદા એટલે તુલસીનું વન હતું, એટલે આ જગ્યાને વૃંદાવન કહેવામાં આવે છે. આજે પણ વૃંદાવનના નિધિવનમાં તુલસીના છોડ જોડમાં જોવા મળી શકે છે. માન્યતા છે કે નિધિવનમાં આજે પણ શ્રીકૃષ્ણ ગોપીઓ સાથે રાસ રમે છે. વૃંદાવનનું શ્રી બાંકે બિહારી મંદિર પણ વિશ્વ પ્રસિદ્ધ છે. જન્માષ્ટમીએ વૃંદાવન અને બાંકે બિહારી મંદિરમાં ભક્તોની ભીડ ખૂબ વધારે રહે છે.
મથુરાથી ગોકુળનું અંતર લગભગ 10 કિમી છે અને વૃંદાવનથી લગભગ 25 કિમી દૂર છે. ગોકુળમાં શ્રીકૃષ્ણના બાળપણનો મોટાભાગનો સમય પસાર થયો. અહીં સ્થિત નંદમહેલ પ્રત્યે ભક્તોની ઊંડી આસ્થા છે. અહીં પાસે રમણરેતી છે. કહેવાય છે કે શ્રીકૃષ્ણ અહીં રમતા હતાં.
મથુરાથી ગોવર્ધન પર્વતનું અંતર લગભગ 30 કિમી છે. આ જગ્યા શ્રીકૃષ્ણ અને દેવરાજ ઇન્દ્રને સંબંધિત છે. માન્યતા છે કે આ જગ્યાએ શ્રીકૃષ્ણએ ગોવર્ધન પર્વતને પોતાની નાની આંગણીમાં ઉપાડી લીધો હતો અને દેવરાજ ઇન્દ્રના કોપથી થઈ રહેલાં વરસાદથી ક્ષેત્રના લોકોને બચાવ્યાં હતાં. ગોવર્ધન પર્વતની પરિક્રમા કરવાની પરંપરા આજે પણ પ્રચલિત છે.
આ બંને ગામ મથુરાથી લગભગ 50-55 કિમી દૂર સ્થિત છે. બરસાનાનો સંબંધ રાધાજી સાથે છે અને નંદગામમાં શ્રીકૃષ્ણનું બાળપણ વિત્યું હતું. આ બંને ગામની વચ્ચેનું અંતર લગભગ 11 કિમી છે. બરસાનાની લઠ્ઠમાર હોળી દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. માન્યતા છે કે ગોકુળ મથુરાની ખૂબ જ નજીક હોવાથી કંસ સતત શ્રીકૃષ્ણને મારવાની કોશિશ કરી રહ્યા હતાં, તે સમયે કંસથી બચાવવા માટે નંદબાબાએ મથુરાથી દૂર નંદગામ વસાવ્યું હતું.
ગુજરાતના સમુદ્ર કિનારે દ્વારકા આવેલું છે. માન્યતા છે કે શ્રીકૃષ્ણએ આ નગરી વસાવી હતી. આ જગ્યા દેશના મુખ્ય ચાર ધામમાંથી એક છે. અહીં શ્રીકૃષ્ણએ રાજ કર્યું હતું. શ્રીકૃષ્ણના દુશ્મન સતત મથુરા ઉપર આક્રમણ કરી રહ્યા હતાં. તે સમયે મથુરાની સુરક્ષા માટે શ્રીકૃષ્ણએ મથુરાથી દ્વારકા નગરી વસાવી હતી અને તે પછી તેઓ અહીં રહેવા લાગ્યાં હતાં.
ઉજ્જૈન
મધ્ય પ્રદેશમાં ઇન્દોર પાસે ઉજ્જૈન આવેલું છે. માન્યતા છે કે શ્રીકૃષ્ણ, બલરામ અને સુદામાએ આ ક્ષેત્રમાં ગુરુ સાંદીપનિ પાસેથી અભ્યાસ ગ્રહણ કર્યો હતો. શ્રીકૃષ્ણ અહીં 64 દિવસ રહ્યા હતાં. ઉજ્જૈનમાં જ શ્રીકૃષ્ણનું સાસરું માનવામાં આવે છે. શ્રીકૃષ્ણની એક પટરાણી, જેમનું નામ મિત્રવૃંદા હતું, તે ઉજ્જૈનના હતાં.
No comments:
Post a Comment