હિંદુ માન્યતા પ્રમાણે, મૂળે આ શહેરની સ્થાપના શ્રીકૃષ્ણે કરી હતી અને તેમના દેહોત્સર્ગ પછી તે પાણીમાં ડૂબી ગઈ હતી. દ્વારકા નગરી એક કરતાં વધુ વખત કાળના પેટાળમાં સમાઈ ગઈ હતી. તેના ડૂબી જવાનો ચોક્કસ સમય નક્કી કરવાનું કાર્ય મુશ્કેલ છે, પરંતુ તેની આસપાસનું અનુમાન ચોક્કસથી મૂકી શકાય તેવા સાંયોગિક પુરાવા છે.
ભારત સરકારના પુરાતત્ત્વ વિભાગ દ્વારા દ્વારકાના દરિયામાં સંશોધન અને ઉત્ખનનનું કામ હાથ ધરવામાં આવ્યું છે, જેમાંથી કેટલીક રસપ્રદ ચીજો અને તથ્યો બહાર આવ્યા છે.
પશ્ચિમી દેશોમાં ઍટલાન્ટિસના ડૂબી જવાની માન્યતા છે. પ્લૅટોએ આ દંતકથાને રસાળ શૈલીમાં પ્રચલિત બનાવી છે.
ભારત સહિત વિશ્વભરમાં પ્રલય, જલપ્રલય, વિનાશ, જ્વાળામુખી જેવી ઘટનાઓમાં પૂર કે શહેર ડૂબી જવાની માન્યતાઓ કે ઘટનાઓની કોઈ કમી નથી.
આને પગલે 1966માં વિજ્ઞાની ડૉરથી વિટાલિયાનોએ ભૂસ્તરશાસ્ત્રની ઉપશાખા જિયોમાઇથૉલૉજીની સ્થાપના કરી, જેનો હેતુ કોઈ 'પૌરાણિક માન્યતા કે દંતકથા પાછળની ભૂસ્તરીય ઘટના' વિશે તપાસ કરવાનો હતો.
'શ્રીકૃષ્ણએ દ્વારકાની રચના માટે દરિયા પાસેથી જમીન મેળવી'
હિંદુઓની માન્યતા પ્રમાણે બ્રહ્યાએ 'સૃષ્ટિના સર્જનહાર', વિષ્ણુએ 'સૃષ્ટિના પાલનહાર' અને શિવ એ 'સૃષ્ટિના સંહારક' દેવ છે. કૃષ્ણએ ભગવાન વિષ્ણુનો આઠમો અવતાર છે અને તેમના જન્મપ્રસંગને જન્માષ્ટમી તરીકે દ્વારકા, મથુરા, ડાકોર, નાથદ્વારા સહિત દેશભરમાં ઊજવવામાં આવે છે.
હિંદુઓના પવિત્ર ધર્મગ્રંથ 'શ્રીમદ્ ભાગવત્ મહાપુરાણ'માં કૃષ્ણના જન્મ, ઉછેર, કંસવધ, મથુરામાં પુનરાગમન, પલાયન, દ્વારકાની સ્થાપના, યાદવોનાં પરાક્રમ અને પતનનો ઉલ્લેખ છે. આ સિવાય 'મહાભારત' અને 'વિષ્ણુપુરાણ' સહિતના ધર્મગ્રંથોમાં પણ તેમના વિશે ઉલ્લેખ મળે છે.
'શ્રીમદ્ ભાગવત્ મહાપુરાણ' તથા મહાકાવ્ય 'મહાભારત' અનુસાર કૃષ્ણ દ્વારા કંસનો વધ કરવાથી મગધના શાસક જરાસંઘને તેમના ઉપર ભારે કોપ ચડ્યો, કારણ કે કંસ તેમનાં બે પુત્રી અસ્તી અને પ્રાપ્તીના પતિ હતા. જરાસંઘે 17 વખત મથુરા ઉપર આક્રમણ કર્યા, દરેક વખતે કૃષ્ણ તથા બલરામે તેમના નગરની સુરક્ષા કરી. 18મી વખત મથુરાનું પતન નિશ્ચિત જણાતા તેઓ યોગબળથી નગરવાસીઓને દ્વારકા લાવ્યાં અને વસાવ્યાં.
સ્થાનિકોની માન્યતા છે કે નવું નગર વસાવવા માટે કૃષ્ણે દરિયા પાસેથી 12 યોજન જગ્યા મેળવી હતી. દેવોના સ્થપતિ (આર્કિટેક્ટ) મનાતા વિશ્વકર્માએ તેનું નિર્માણ કર્યું હતું. જેમાં કૃષ્ણનાં 16 હજાર 108 પત્નીઓ માટે મહેલો હતાં અને નગરજનો માટે રહેણાંક હતા.
કૃષ્ણે યુદ્ધનું (રણ) મેદાન છોડ્યું હોવાથી તેઓ 'રણછોડ' તરીકે ઓળખાયા અને દ્વારકાના સ્થાપક હોવાથી તેઓ 'દ્વારકાધીશ' એવું નામ મળ્યું.
ક્યારે દરિયામાં ડૂબી દ્વારકા?
હિંદુ માન્યતા મુજબ, વિષ્ણુના સાતમા અવતાર ભગવાન રામ હતા અને 'રામાયણ' તેમનું જીવનવૃત્તાંત જેવું છે. તેઓ 'મર્યાદા પુરુષોત્તમ' હતા તો કૃષ્ણ 'પૂર્ણ પુરુષોત્તમ' હતા. તેમના અવસાન પછી દ્વારકામાં જલપ્રલય થયો.
આર્કિયૉલૉજિકલ સરવે ઑફ ઇન્ડિયાના (એએસઆઈ) પૂર્વ પુરાતત્ત્વજ્ઞ કે. કે. મહોમ્મદનું કહેવું છે કે, મહાભારતનો કાળ ઈસુ પૂર્વે 1400 કે 1500નો હતો. પુરાતત્ત્વવિદો આ સમય હોવાનું અનુમાન મૂકે છે.
ભારતમાં પુરાતત્ત્વીય સંશોધનનું કામ અંગ્રેજોના સમયથી ચાલી રહ્યું છે. જ્યારે એએસઆઈનું કામ સંશોધન, ઉત્ખનન અને સંરક્ષણનું છે.
'શ્રીમદ્ ભાગવત્ મહાપુરાણ'ના ઉલ્લેખ પ્રમાણે, 'પૃથ્વી પર 125 વર્ષ શાસન કર્યા બાદ કૃષ્ણ વૈકુંઠવાસી થયા. એ પછી શ્રીકૃષ્ણના મહેલને છોડીને દરિયાએ તમામ જમીન પરત લઈ લીધી.'
જોકે, હિંદુઓની ધાર્મિક માન્યતા અને પુરાતત્ત્વવિદોના સમયના આકલન વચ્ચે લગભગ એક હજાર 500 વર્ષનો તફાવત જોવા મળે છે.
પુરાણો અને આખ્યાનોનાં અભ્યાસુ દેવદત્ત પટનાયક (ધ કિંગ્ડમ ઑફ દ્વારકા, ડિસ્કવરી ચેનલ) જણાવે છે કે 'કુરુક્ષેત્રનું યુદ્ધ પૂર્ણ થયું, તે પછી જ્યારે શ્રીકૃષ્ણ કૌરવોનાં માતા ગાંધારીને મળવા માટે ગયાં, ત્યારે તેમણે શ્રાપ આપ્યો હતો કે જેવી રીતે મારા વંશનો નાશ થયો એવી રીતે તારા વંશનો પણ તારી નજરની સામે જ નાશ થશે. 36 વર્ષ પછી ગાંધારીનો શ્રાપ ખરો થયો અને કૃષ્ણ કશું નહોતા કરી શક્યા.'
હિંદુઓની માન્યતા પ્રમાણે, કુરુક્ષેત્રની રણભૂમિમાં કૌરવો અને પાંડવો આમનેસામને હતા. પાંડવોનો મોટો મદાર ધનુર્ધર અર્જુન ઉપર હતો. જોકે, સામે પોતાના નજીકના પરિવારજનો, ગુરૂજનો અને સન્માનીયોને જોઈને અર્જુનને આ યુદ્ધ લડવાની હિંમત નથી થતી.
આવા સમયે કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં કૃષ્ણ ધર્મની રક્ષાને કાજે અને ક્ષાત્રધર્મને માટે યુદ્ધ કરવા અર્જુનને ઉપદેશ આપે છે. ત્યારબાદ 18 દિવસ સુધી યુદ્ધ ચાલે છે, જેમાં અંતે પાંડવો વિજયી થાય છે. જે દિવસે ગીતા પૂર્ણ થઈ તેને પેઢી દર પેઢી હિંદુઓ 'ગીતા જયંતી' તરીકે ઉજવે છે.
સંશોધન, ઉત્ખનન, સંરક્ષણ
1960ના દાયકાના શરૂઆતના ભાગમાં દ્વારકાના જગત મંદિર પાસે એક ઘરને તોડતી વખતે ત્યાં મંદિરની ટોચ જોવા મળી હતી. એ પછી પુનાની ડેક્કન કૉલેજ દ્વારા ખોદકામ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં નવમી સદીના વિષ્ણુ મંદિરના અવશેષ મળ્યા.
અન્ય સ્થળોએ સંશોધન દરમિયાન ચીજવસ્તુઓ મળી એ પછી ખોદકામ ચાલુ રાખતા લગભગ ત્રણેક મીટર પછી ફરી ચીજવસ્તુઓ મળી અને સંશોધન ચાલુ રખાતા ફરી ચીજવસ્તુઓ મળી.
આના આધારે વિજ્ઞાનીઓ એવું અનુમાન લગાવે છે કે દ્વારકાનો એક કરતાં વધુ વખત નાશ થયો છે. સ્થાનિકોમાં માન્યતા છે કે દ્વારકા છ વખત ડૂબી છે અને અત્યારે જે દ્વારકા છે, તે સાતમી દ્વારકા છે.
મૂળ કર્ણાટકના પરંતુ ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી ચુકેલા પુરાતત્ત્વવિદ શિકારીપુરા રંગનાથ રાવે ત્યાં અને દરિયામાં વધુ સંશોધન હાથ ધરવાનું નક્કી કર્યું. તેમણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઑશનોગ્રાફીમાં અંડરવૉટર આર્કિયૉલૉજીની શરૂઆત કરાવડાવી.
વર્ષ 1989 આસપાસ દરિયાના પાણીમાં તપાસ હાથ ધરવામાં આવતા દરિયાઈ વનસ્પતિ અને રેતીની નીચે લંબચોરસ પથ્થર મળી આવ્યા હતા, જે કોઈ ઢાંચાના ભાગરૂપ હોવાનું સંશોધકો માને છે. આ સિવાય અર્ધવર્તુળાકાર પથ્થર મળી આવ્યા છે, જે સ્વાભાવિક રીતે જ માનવસર્જિત છે.
આ સિવાય પથ્થરના લંગર મળી આવ્યા હતા, જેમાં છીણીટાંકણાથી કાણાં પાડવામાં આવ્યા હતાં. જે લગભગ સમાન આકારના જ છે. આ પથ્થર લાઇમસ્ટૉન છે, જે આસપાસના વિસ્તારમાં સદીઓથી પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જે ઇન્ટરલૉકિંગ માટે કામ આવતા હશે અથવા તો તેમાં લાકડાં ભરાવવામાં આવતા હશે. આ સિવાય માટીના વાસણ, ઘરેણાં, મુદ્રા પણ મળી આવ્યાં હતાં. ઓમાન, બહેરીન તથા મૅસોપોટામિયામાં પણ આ પ્રકારની મુદ્રાઓ મળી આવી છે.
2007ના સંશોધન પહેલાં દરિયામાં 2*1 નૉટિકલ માઇલ વિસ્તારમાં હાઇડ્રોગ્રાફિક સરવે કરવામાં આવ્યો હતો. જેના આધારે પાણીના બદલાતાં વહેણનું અનુમાન મૂકવામાં આવ્યું હતું. તેના આધારે 200 વર્ગમીટરના વિસ્તારને ગ્રિડિંગ (આલેખની જેમ ઊભી અને આડી રેખાઓ દ્વારા નિર્ધારણ) દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યો હતો. છેવટે માર્કિંગના આધારે 50 વર્ગ મીટરના વિસ્તારમાં સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું.
આર્કિયોલૉજિકલ સરવે ઑફ ઇન્ડિયાના ઍડિશનલ ડિરેક્ટર જનરલ ડૉ. આલોક ત્રિપાઠીએ આ પહેલાં બીબીસીને જણાવ્યું હતું, "એ બાદ 1979માં આર્કિયોલૉજી સર્વે ઑફ ઇન્ડિયાએ બીજું ઉત્ખનન કર્યું હતું, જેમાં કેટલાંક વાસણોના અવશેષો મળી આવ્યા હતા. તે ઈ.સ. પૂર્વ 2000 વર્ષના હોવાનું માનવામાં આવ્યું હતું. દ્વારકા અને આસપાસમાં ઉત્ખનન અને શોધ ચાલતી રહી અને તે દરમિયાન ઘણા પુરાતત્ત્વીય અવશેષો મળતા રહ્યા."
તેમણે ઉમેર્યું, "ખૂબ સારી રીતે રંગ કરેલાં વાસણો મળી આવ્યાં છે. પોલિક્રોમ કરેલી વસ્તુઓ મળેલી છે, જેમાં ઘણા બધા રંગોનો ઉપયોગ છે. બાયક્રોમ પણ મળ્યા છે, જેમાં લાલ સપાટી પર કાળા રંગે ચીતરામણ કરેલું છે."
"500 કરતાં વધારે અવશેષો મળ્યા છે. આ રીતે મળેલા પદાર્થોનું કાર્બન ડેબિંગ કરાયું તેના પરથી સાબિત થાય છે કે કઈ રીતે અહીં સંસ્કૃતિ તબક્કાવાર વિકસી હશે અને પૉટરી મળી છે તે ઈસુ પૂર્વે 2000 વર્ષ જૂની છે. દરિયાની અંદરથી પણ પથ્થર બનેલી વસ્તુઓ મળી છે. જોકે તેની સાથે પૉટરી વગેરે નથી મળ્યા, કેમ કે તે ભાગમાં દરિયાનો પ્રવાહ બહુ તેજ રહ્યો છે."
તાજેતરનાં વર્ષોમાં સંશોધન માટે સોનારનો ઉપયોગ કરવામાં આવે છે. જે દરિયાના પેટાળમાં ધ્વનિતરંગ છોડે છે અને તેના પડઘાંના આધારે નીચે નક્કર વસ્તુ હોવા વિશે અનુમાન મૂકે છે. આ સિવાય ચોક્કસ વિસ્તાર નક્કી કરવા માટે જીપીએસ (ગ્લૉબલ પૉઝિશનિંગ સિસ્ટમ), મોશન સેન્સર તથા અન્ય સેન્સરની મદદથી દરિયાના પેટાળનો સરવે હાથ ધરવામાં આવે છે, જેના આધારે વધુ ચોક્કસ સ્થળની માહિતી મળે છે.
કાળક્રમે ઊંચી-નીંચી થયેલી દરિયાની સપાટી અંગે વાત કરતાં સીએસઆઈઆર-એનઆઈઓના ભૂતપૂર્વ મુખ્ય વિજ્ઞાની ડૉ. રાજીવ નિગમ કહે છે, "લગભગ 15 હજાર વર્ષ પહેલાં દરિયાની સપાટી અત્યારે છે, તેના કરતાં 100 મીટર નીચી હતી. તે પછી દરિયાની સપાટી ફરી થોડી ઊંચી ગઈ હતી અને 7000 વર્ષ પહેલાં અત્યારે છે તેના કરતાં પણ એ ઉપર થઈ ગઈ હતી."
"તે પછી 3500 વર્ષ પહેલાં તે ફરીથી નીચે આવી હતી અને લગભગ તે ગાળામાં દ્વારકા નગરીની સ્થાપના થઈ હતી. પરંતુ તે પછી ફરી દરિયાની સપાટી વધવા લાગી એટલે નગર તેમાં ડૂબવા લાગ્યું."
સંશોધનસ્થળે ભરતી-ઓટના અંડરકરંટને કારણે માત્ર ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં દરિયાની અંદર ડૂબકી મારવા માટે સાનુકૂળતા મળે છે. દેશમાં બહુ થોડાં અંડરવૉટર આર્કિયૉલૉજિસ્ટ હોવાને કારણે આ સંશોધન મંથરગતિએ આગળ વધે છે. પુરાતત્ત્વવિદ (એએસઆઈમાંથી નિવૃત) કે. કે. મોહમ્મદનું કહેવું છે કે સરકાર સંશોધન માટે પૂરતા સંસાધનો ઉપલબ્ધ નથી કરાવી રહી.
પશ્ચિમમાં સોલોમન દ્વીપ સમૂહ, સૅન્ટોરિની ટાપુ (ગ્રીસ), ઑસ્ટ્રેલિયામાં પણ 'નગર ડૂબી ગયું'ની માન્યતા પ્રવર્તમાન છે. ઑસ્ટ્રેલિયાના મૂળનિવાસીઓ માને છે કે દરિયાનું જળસ્તર વધવાથી ત્યાંનો બહોળો વિસ્તાર દરિયામાં ડૂબી ગયો હતો. આ પ્રકારની 21 જેટલી કિંવદંતીઓ તેમની વચ્ચે પ્રવર્તમાન છે.
ભારતના તામિલનાડુ પાસે મહાબલિપુરમ્ ખાતે પણ આવી માન્યતા પ્રવર્તમાન છે. વર્ષ 2004ની સુનામી દરમિયાન કેટલોક હિસ્સો દરિયામાંથી બહાર દેખાયો હોવાની વાત બહાર આવી હતી.
દ્વારકા ગુજરાતના એકદમ પશ્ચિમના છેડે અરબ સાગરના કિનારે આવેલું છે. નૅચર કૉમ્યુનિકેશન્સ જર્નલમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે, સુરત, કચ્છ, ભાવનગર અને ભરૂચને તેની અસર થઈ શકે છે. દહેજ, હઝીરા અને કંડલાને તેની વ્યાપક અસર થઈ શકે છે.
જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, નવસારી, વલસાડ અને ગીરસોમનાથને તેની પ્રમાણમાં મધ્યમથી ઓછી અસર થશે. આ સિવાય કચ્છ ફરી એક વખત દ્વીપ બની જશે તેવી આશંકા પણ દરિયાઈ જળસ્તર અંગેના રિપોર્ટમાં વ્યક્ત કરવામાં આવી છે.
No comments:
Post a Comment