Pages

Thursday, 13 July 2023

chandrayan - 03 ની સફરે...

ભારતનું મહત્વાકાંક્ષી ચંદ્રયાન-૩ આજે ૨૦૨૩ની ૧૪, જુલાઇ, શુક્રવારે બપોરે ૨:૩૫ વાગ્યે અફાટ ગગનમાં ઉડીને ચંદ્રનો નવો, વિશિષ્ટ નકશો તૈયાર કરવા તમામ આધુનિક ટેકનોલોજી સાથે તૈયાર થઇ ગયું છે. ચંદ્ર વિશે અત્યારસુધીના અજાણ્યાં આશ્ચર્યો અને રહસ્યોનો તાગ મેળવવા સજ્જ થઇ ગયું છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)ના પ્રતિભાશાળી વિજ્ઞાનીઓએ અને એન્જિનિયરોએ ચંદ્રયાન-૩ની સોનેરી સફળતા માટે ૨૦૧૯ના ચંદ્રયાન-૨ની આછેરી નિરાશામાંથી- ભૂલમાંથી શીખોનો મંત્ર અપનાવ્યો છે.
 
ઇસરોના ચેરમેન એસ.સોમનાથે ભારોભાર આત્મવિશ્વાસ સાથે કહ્યું છે કે, અમે ચંદ્રયાન-૩માં ઘણાં ટેકનિકલ ફેરફાર કર્યા છે. અત્યાધુનિક ટેકનોલોજીનો સમાવેશ કર્યો છે. એટલે કે ચંદ્રયાન-૩ને ભલે ગમે તેટલા અવરોધ નડે તો પણ અમારું વિક્રમ લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવના નિશ્ચિત સ્થળ પર જરૂર સફળ રીતે ઉતરશે. ઇસરોએ ચંદ્રયાન-૩માં કયા કયા નવા ટેકનિકલ સુધારા કર્યા છે તેની રસપ્રદ વિગતોથી લઇને ચંદ્રયાન-૩ આજે ૨૦૨૩ની ૧૪, જુલાઇએ શ્રીહરિકોટાના સતીષ ધવન સ્પેસ સ્ટેશનથી ચંદ્રની ભ્રમણકક્ષા સુધી ક્યારે-કઇ રીતે પહોંચશે અને વિક્રમ લેન્ડરની તથા પ્રજ્ઞાન રોવરની સમગ્ર ગતવિધિની ટેકનિકલ છતાં રસપ્રદ વિગતો જાણવા જેવી છે.

ચંદ્રયાન-૩ના વિક્રમ લેન્ડરના અને પ્રજ્ઞાન રોવરના વૈજ્ઞાનિક ઉપકરણોની રચનામાં મહત્વનું યોગદાન આપનારા ઇસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટર (એસ.એ.સી.-સેક-અમદાવાદ)ના ડાયરેક્ટર નીલેશ કુમાર દેસાઇએ એક વિશેષ ઇન્ટર્વ્યુમાં આ તમામ માહિતી આપતાં કહ્યું હતું.


ચંદ્રયાનના હેતુઃ-
ચંદ્રની સપાટીનું તાપમાન, માટીનાં કુદરતી તત્ત્વોનું સંયોજન, રસાયણિક અને ખનિજ તત્ત્વો, ચંદ્રનું વાતાવરણ, પેટાળમાં ભૂકંપ વગેરેનો સંશોધનાત્મક અભ્યાસ કરવો.

ચંદ્રયાન-૩ કયા રોકેટ દ્વારા લોન્ચ થશે? 
ચંદ્રયાન-૩ લોન્ચ વ્હિકલ માર્ક-૩ (એલવીએમ -૩) દ્વારા અફાટ ગગનમાં ચંદ્ર યાત્રાએ જશે. એલવીએમ-૩ ઇસરોનું અત્યારસુધીનું સૌથી ભારેભરખમ રોકેટ છે, જેનું વજન છે ૬૪૦ ટન. ત્રણ સ્ટેજના આ રોકેટની લબાઇ ૪૩.૫ મીટર(૧૩૦ ફૂટ) છે જ્યારે તેનો વ્યાસ પાંચ(૫) મીટર(૧૫ ફૂટ) છે. આ મહાકાય રોકેટ કુલ આઠ(૮) ટન વજનનાં વૈજ્ઞાનિક ઉપકરણો લઇને ઉડી શકે છે.

ગૌરવની બાબત તો એ છે કે, ઇસરોના એલવીએમ માર્ક-૩ રોકેટની વજન વહન કરવાની ક્ષમતા યુરોપિયન સ્પેસ એજન્સી(ઇએસએ)ના એરિયાન-૫ની ક્ષમતા જેટલી જ છે.

ચંદ્રયાન-૩માં કયા કયા નવા આધુનિક ટેકનિકલ સુધારા થયા છે? ઇસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડાયરેક્ટર નીલેશ કુમાર દેસાઇએ કહ્યું હતું કે અમે ૨૦૧૯ના ચંદ્રયાન-૨માં રહી ગયેલી અમુક ટેકનિકલ ખામીઓ અને ત્રુટીઓનો ગહન અભ્યાસ કરીને શોધી પણ છે. એટલે કે ૨૦૨૩ના ચંદ્રયાન-૩માં અમે કુલ ૨૧ નવા ટેકનિકલ ફેરફાર કર્યા છે. ઉદાહરણરૂપે પ્રોસેસિંગ અલ્ગોરિધમ, સેન્સર્સ, હાર્ડવેર, સોફ્વેર વગેરેમાં નવી આધુનિક ટેકનોલોજીનો સમાવેશ કર્યો છે.

આ તમામ ફેરફારથી ચંદ્રયાન-૩ ની કામગીરી ખરેખર વધુ સક્ષમતાથી કામગીરી કરી શકશે.

• ચંદ્રયાન -૩ માં અમે લેસર ડોપલર વેલોસીમીટર(એલડીવી) નામનું સેન્સર ગોઠવ્યું છે જે અવકાશયાનની ગતિ જુદી જુદી ત્રણ દિશામાં માપશે જેથી ગતિની ચોક્કસ અને સચોટ માહિતી મળશે. ઉપરાંત, લેસર અલ્ટીમીટરમાં અને રાડાર અલ્ટીમીટરમાં પણ નવા ફેરફાર કર્યા છે. સાથોસાથ અવકાશયાનના કેમેરાના રિઝોલ્યુશન (કેમેરાની ઇમેજીસ વધુ સ્પષ્ટ બને)માં પણ ઉપયોગી સુધારા કર્યા છે. આટલું જ નહીં, ચંદ્રયાન-૩ના વૈજ્ઞાનિક ઉપકરણોના ટેસ્ટિંગમાં રહેલી ખામીઓ પણ દૂર કરી છે.
• ચંદ્રયાન-૨માં પાંચ (૫) પ્રપલ્ઝન એન્જિન્સ હતાં અને તે દરેક એન્જિન્સમાં પાવર(ઉર્જા) ઉત્પન્ન કરવાની ક્ષમતા ૯૦૦ પીપીએસ હતી. જોકે ચંદ્રયાન-૩માં ચાર(૪) એન્જિન્સ રાખ્યાં છે અને તે દરેક એન્જિન્સની પાવર ક્ષમતા ૫૦૦ પીપીએસ છે.
• અવકાશયાનની બળતણ માટેની ટેન્ક(ટાંકી)ની ક્ષમતા પણ ૩૯૦ કિલોમાંથી વધારીને ૪૭૦ કિલો કરી છે. ટેન્કમાં લિક્વિડ હાઇડ્રોજન (પ્રવાહી હાઇડ્રોજન), અને લિક્વિડ ઓક્સિજન (પ્રવાહી ઓક્સિજન) ની વિશેષ વ્યવસ્થા કરી છે.

ચંદ્રયાન-૩નું ટેકનિકલ ટેસ્ટિંગ ક્યાં-કેવી રીતે થયું?
ખાસ કરીને ચંદ્રયાન-૩નું ટેકનિકલ પરીક્ષણ ખાસ પ્રકારની લેબોરેટરીમાં અને ઇન્ટિગ્રેટેડ ફિલ્ડમાં પણ થયું છે. ફિલ્ડ ટ્રાયલમાં ચંદ્રયાન-૩ ખરેખર ચંદ્રની ધરતી પર ઉતરતું હોય તેવો માહોલ-વાતાવરણ તૈયાર કરીને ૭૦થી ૧૦૦ મીટર ઉંચી ક્રેઇનથી અવકાશયાનને નીચે તરફ ઉતારવામાં આવ્યું હતું. આવાં પરીક્ષણો અમદાવાદ, બેંગલુરુ, શ્રીહરિકોટામાં થયા છે.

વિક્રમ લેન્ડર પ્રતિ સેકન્ડ ત્રણ(૩) મીટરની ગતિથી કદાચ પણ ચંદ્રની ધરતી પર પછડાય તો પણ તે તેના વધુ મજબૂત પાયા ઉપર ઉભું રહી શકશે.

બેંગલુરુથી ૨૦૦ કિલોમીટર દૂર આવેલા ચિત્રદુર્ગ નામના સ્થળે પણ હેલિકોપ્ટરની ફ્લાઇટની મદદથી ચંદ્રયાન-૩ને બે(૨) કિલોમીટરની ઉંચાઇએથી ૧૫૦ મીટર નીચે આવવાનો લેન્ડિંગ ટેસ્ટ પણ થયો છે. સાથોસાથ ચંદ્રના વાતાવરણ જેવું કૃત્રિમ વાતાવરણ તૈયાર કરીને અવકાશયાનનાં સેન્સર્સના રિઝોલ્યુશન અને લાઇટિંગનું પણ પરીક્ષણ થયું છે.

ચંદ્રયાન-૩ની ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ પ્રક્રિયા કેવી હશે? ચંદ્રયાન-૩ ૧૪,જુલાઇએ પૃથ્વી પરથી રવાના થયા બાદ ૨૩ કે ૨૪ ઓગસ્ટે એટલે કે ૪૫થી ૪૮ દિવસે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે. ત્યારબાદ વિક્રમ લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરે તેના આઠ કલાક પહેલાં ઓર્બિટર દ્વારા ૧૫૦ કિલોમીટરની ઉંચાઇએથી ચંદ્રનો પહેલો ફોટોગ્રાફ લેવાશે. તે ફોટોગ્રાફમાં લેન્ડરની ચોક્કસ સાઇટ(સ્થળ) જોઇ શકાશે.

આ પ્રક્રિયા બાદ અવકાશયાન બે કલાક સુધી ચંદ્રની ભ્રમણકક્ષામાં હશે ત્યારે એટલે કે ૨૩, ઓગસ્ટે કોઇ અવરોધ કે વિપરીત પરિસ્થિતિ નહીં હોય તો વિક્રમ લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પરના નિશ્ચિત કરાયેલા સ્થળે ઉતરશે. આમ છતાં ઉતરવા માટેની પરિસ્થિતિ અનુકુળ નહીં હોય અને કોઇ ચેતવણી(વોર્નિંગ) મળશે તો લેન્ડર ૨૩ ઓગસ્ટને બદલે ૨૭, ઓગસ્ટેઉતરશે. લેન્ડર પૃથ્વીપુત્રની સપાટી પર ઉતરશે તે પહેલાં ૧૫૦ મીટર(૩૦૦ ફૂટ)ની ઉંચાઇએ ગોળ ગોળ ફરતું રહેશે. આ દરમિયાન લેન્ડર ઉતરવાના સ્થળનું બરાબર નિરીક્ષણ કરશે. તે સ્થળ સંપૂર્ણ યોગ્ય હશે તો જ લેન્ડર ત્યાં ઉતરશે, નહીં તો નહીં ઉતરે. તે સ્થળને બદલે અગાઉથી નક્કી કરાયેલા સ્થળે પણ ઉતરશે અને તે પ્રક્રિયા માટે તે ૨૧ સેકન્ડ્ઝ વધુ લેશે.

આમ છતાં લેન્ડર નક્કી કરાયેલા બંને સ્થળે નહીં ઉતરી શકે તો તે પોતે જ નજીકના અન્ય સ્થળની પસંદગી કરીને ત્યાં સફળ રીતે ઉતરશે. મહત્ત્વનો ટેકનિક મુદ્દો એ છે કે વિક્રમ લેન્ડર તેના ઉતરવાના નક્કી સ્થળથી ૬.૮ કિલોમીટર દૂર હશે ત્યારે લેન્ડરનાં ચારમાંથી બે એન્જિન્સ બંધ કરી દેવાશે.

• વિક્રમ લેન્ડરની ઉતરવાની સમગ્ર પ્રક્રિયા ફક્ત ૧૭.૧૮ થી ૧૭.૫૧ મિનિટની હશે.
• ચંદ્રના દક્ષિણ ધ્રુવની જોખમી પસંદગી શા માટે? અત્યારસુધીમાં અમેરિકા, રશિયા, ચીન વગેરે દેશનાં અવકાશયાન ચંદ્રના વિષુવવૃત્ત પર જ ઉતાર્યાં છે કારણ તે વિસ્તારની જમીન સમતલ છે. જોકે ઇસરોએ નિશિથ(ચંદ્રનું સંસ્કૃત નામ)ના દક્ષિણ ધ્રુવ પરના સૌથી જોખમી સ્થળે સંપૂર્ણ સલામત કહી શકાય તેવું સ્થળ શોધ્યું છે. આમ વિક્રમ લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવના ૭૦ ડિગ્રી અક્ષાંશ પર ઉતરશે. આ સ્થળે વિશ્વના કોઇ દેશનું લેન્ડર ઉતર્યું નથી.
• વિક્રમ લેન્ડરમાંથી પ્રજ્ઞાન રોવર ક્યારે-કઇ રીતે બહાર આવશે? કઇ કામગીરી કરશે? વિક્રમ લેન્ડર ઉતર્યા બાદ લગભગ ચાર કલાક પછી તેમાંથી ખાસ ટેકનોલોજીવાળી સીડી(નિસરણી) બહાર આવશે. પ્રજ્ઞાન રોવર તે સીડીની મદદથી ચંદ્રમાની સપાટી પર ઉતરશે. ત્યારબાદ રોવર નજીકના પરિસરમાં ફરીને ઇન સીટુ પ્રયોગ કરશે. સરળ રીતે સમજીએ રોવર ચંદ્રના વાતાવરણનો, તેની માટીમાંનાં કુદરતી તત્ત્વોનું સંયોજન, રસાયણિક અને ખનિજ તત્ત્વોનો અભ્યાસ કરીને તે બધી માહિતી ચંદ્રના આકાશમાં ફરતા આોર્બિટરને મોકલશે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ થયા બાદ વિક્રમ લેન્ડરના ચાર સેન્સર્સ(પેલોડ) કાર્ય શરૂ કરશે. મહત્વનો ટેકનિકલ મુદ્દો તો એ છે કે, લેન્ડરે મેળવેલી માહિતીનું અને પોતાની પરિસ્થિતિ કેવી છે તેનું પણ નિરીક્ષણ કરશે. લેન્ડરની અને રોવરની તમામ માહિતી ઓર્બિટર દ્વારા ભારતના બેંગલુરુ નજીકના બાયલાલુના ડીપ સ્પેસ નેટવર્ક દ્વારા મળશે. ઉપરાંત, વિક્રમ લેન્ડરની માહિતી ઓસ્ટ્રેલિયા, અમેરિકા, યુરોપિયન સ્પેસ એજન્સીના ડીપ સ્પેસ નેટવર્ક દ્વારા પણ ભારતને મળશે.
• ચંદ્રયાન-૩ પ્રોજેક્ટમાં ઇસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટર(સેક-અમદાવાદ)નું ઉજળું યોગદાનઃ ચંદ્રયાન-૩ પ્રોજેક્ટમાં સેકના કુલ ૭૦ વિજ્ઞાનીઓનું અને એન્જિનિયરોનું ઉજળું યોગદાન રહ્યું છે. આમ તો ઇસરોની સમગ્ર ટીમના કુલ ૧,૦૦૦ વિજ્ઞાનીઓએ અને એન્જિનિયરોએ સતત ચાર વર્ષ સુધી કાર્ય કર્યું છે.
• વિક્રમ લેન્ડરમાંના ચાર(૪) એલઆઇ અને પ્રજ્ઞાન રોવરમાંના આરઆઇ કેમેરા સેક દ્વારા બનાવવામાં આવ્યા છે. આરઆઇ કેમેરા લેન્ડર સામે નજર રાખીને જુદા જુદા એન્ગલથી ફોટોગ્રાફ્સ લેશે. ઉપરાંત, રોવરના વ્હિલ(પૈડાં)માં ઇસરોનો લોગો(પ્રતીક) છે જેની છાપ ચંદ્રની જમીન પર પડશે તેના ફોટો પણ લેવાશે. વળી, લેન્ડરમાં ગોઠવેલા રાડાર અલ્ટિમેટર, હેઝાર્ડ ડિટેક્શન એન્ડ એવોઇડન્સ (SDA) સિસ્ટમ તથા એલએચડીએસી કેમેરા પર સેકમાં જ બનેલા છે. આ બધાં સેન્સર્સ લેન્ડરના સ્થળેથી આઠ(૮) કિલોમીટર દૂર હશે ત્યારે તેની કામગીરી શરૂ કરશે અને લેન્ડર ચંદ્રની ધરતી નજીક પહોંચે ત્યાં સુધી તેનો ઉપયોગ કરી શકાશે.
• ચંદ્રયાન-૩માંના કેએ-બેન્ડ રાડાર અલ્ટિમીટર અને હેઝાર્ડ ડિટેક્શન એન્ડ એવોઇડન્સ સિસ્ટમનું કાર્ય પણ સેકમાં જ થયું છે. હા, લોન્ચ વેહિકલ બનાવવામાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ(એચએએલ), લાર્સન એન્ડ ટુબ્રો, ગોદરેજ વગેરે કંપનીઓનો પણ ટેકનિકલ સહયોગ મળ્યો છે.

Read More:-








Facebook :- @Vats Asodariya 
Instagram :- @vats_asodariya
YouTube :- @va_digital


〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
Ignore Tags 🤫
#vats_asodariya #va_blog #va_digital #chandrayan #isro #space #mission #india  #કટ્ટારની_કલમે

No comments:

Post a Comment