ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો)નું મિશન ચંદ્રયાન-3 શુક્રવારે લૉન્ચિંગ માટે તૈયાર છે. ઇસરોના 'બાહુબલી રોકેટ' લૉન્ચ વ્હીકલ માર્ક-3 (એલવીએમ-3) દ્વારા લોન્ચ કરવામાં આવશે. ચંદ્રયાન-3 મિશનનો ઉદ્દેશ્ય ચંદ્રની સપાટી પર સુરક્ષિત રીતે લેન્ડિંગનો છે. ભારતનું આ ત્રીજું ચંદ્ર મિશન છે, જ્યારે ચંદ્રની સપાટી પર સુરક્ષિત લેન્ડિંગનો બીજો પ્રયાસ છે.
આ પહેલા માત્ર ત્રણ જ દેશ અમેરિકા, રશિયા અને ચીન ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરી શક્યા છે.
ભારતનું આ મિશન ચંદ્રયાન-2ની ક્રેશ લેન્ડિંગના ચાર વર્ષ બાદ મોકલવામાં આવી રહ્યું છે. જો ચંદ્રયાન-3 મિશન સફળ થાય છે તો અંતરિક્ષ ક્ષેત્રમાં ભારતની આ મોટી સફળતા હશે. આ વચ્ચે જાણવુ જરૂરી છે કે ચંદ્રયાન-3 મિશન શું છે? તેને ચંદ્રની સપાટી સુધી પહોચાડનાર રોકેટ એલવીએમ શું છે? ચંદ્રયાન-3ને એલવીએમ-3 સાથે કેમ જોડવામાં આવ્યું છે? અત્યાર સુધી કેટલી રીતના ચંદ્ર મિશન મોકલવામાં આવ્યા છે?
ચંદ્રયાન-3 શું છે?
ચંદ્રયાન-3 મિશન એ ચંદ્રયાન-2નો આગળનો તબક્કો છે, જે ચંદ્રની સપાટી પર ઉતરશે અને પરીક્ષણો કરશે. તેમાં પ્રોપલ્શન મોડ્યૂલ, લેન્ડર અને એક રોવર હશે. ચંદ્રયાન-3નું ફોકસ ચંદ્રમાની સપાટી પર સુરક્ષિત લેન્ડ કરવા પર છે. મિશનની સફળતા માટે નવા સાધનો બનાવવામાં આવ્યા છે. અલ્ગોરિધમમાં સુધારો કરવામાં આવ્યો છે. ચંદ્રયાન-2 મિશન ચંદ્રની સપાટી પર કયા કારણોસર ઉતરી શક્યું નહતું તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
આ દિવસે લેન્ડિંગ કરી શકે છે ચંદ્રયાન-3 :-
મિશન 14 જુલાઇએ બપોરના 2:35 વાગ્યે શ્રી હરિકોટા કેન્દ્રથી ઉડાન ભરશે અને જો બધુ યોજના અનુસાર થયુ તો 23 અથવા 24 ઓગસ્ટે ચંદ્ર પર ઉતરશે. મિશન ચંદ્રના તે ભાગ સુધી લૉન્ચ થશે, જેને ડાર્ક સાઇડ ઓફ મૂન કહે છે. આવુ એટલા માટે કારણ કે આ ભાગ પૃથ્વીની સામે આવતો નથી.
ચંદ્ર સુધી પહોચાડનાર રોકેટ એલવીએમ શું છે?
ભારતનું અદ્યતન 'બાહુબલી' રોકેટ LVM-3 ચંદ્રયાન-3 મિશન લોન્ચ કરશે. બુધવારે, શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે ચંદ્રયાન-3 ધરાવતી એન્કેપ્સ્યુલેટેડ એસેમ્બલી LVM3 સાથે જોડવામાં આવ્યું હતું.
130 હાથીઓનું વજન અને કુતુબ મીનાર કરતા અડધ ઉંચાઇ
ચંદ્રયાન-3 મિશનમાં 3921 કિલોગ્રામ વજનનો ઉપગ્રહ લગભગ 400,000 કિલોમીટરની સફર નક્કી કરશે. રોકેટનું વજન 642 ટન છે, જે લગભગ 130 એશિયન હાથીઓના વજનની બરાબર છે, તેની ઉંચાઇ 43.5 મીટર છે, જે કુતુબ મીનાર (72 મીટર) કરતા અડધાથી વધુ ઉંચાઇ છે.
ચંદ્રયાન-3ને LVM3 સાથે કેમ જોડવામાં આવ્યું?
રોકેટમાં શક્તિશાળી પ્રોપલ્શન સિસ્ટમ હોય છે જે પૃથ્વીના ગુરૂત્વાકર્ષણના ખેંચાણ પર કાબુ મેળવી અને ઉપગ્રહો જેવી ભારે વસ્તુઓને અવકાશમાં લઇ જવા માટે જરૂરી માત્રામાં ઊર્જા ઉત્પન્ન કરે છે. LVM3 ભારતનું સૌથી ભારે રોકેટ છે. આઠ ટન સુધીના પેલોડને પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષા (LEO) સુધી લઇ જઇ શકે છે, જે પૃથ્વીની સપાટીથી લગભગ 200 કિમી દૂર છે. જોકે, જ્યારે જીઓસ્ટેશનરી ટ્રાન્સફર ઓર્બિટ (GTO)ની વાત આવે છે, ત્યારે તે માત્ર ચાર ટન પેલોડ ભાર લઇ જઇ શકે છે. જીઓસ્ટેશનરી ટ્રાન્સફર ઓર્બિટ પૃથ્વીથી દૂર, લગભગ 35,000 કિમી સુધી સ્થિત છે.
LVM3એ 2014માં અવકાશમાં પોતાની પ્રથમ યાત્રા કરી હતી અને 2019માં ચંદ્રયાન-2 પણ લઇ ગયો હતો. આ વર્ષે માર્ચમાં તે LEOમાં લગભગ 6,000 કિલોગ્રામ વજન ધરાવતા 36 વનવેબ ઉપગ્રહોને લઇને ગયુ હતુ, જે કેટલાક ઉપગ્રહોને અવકાશમાં પહોચાડવાની પોતાની ક્ષમતાઓને દર્શાવે છે. આ બીજી વખત હતુ જ્યારે LVM3એ કોમર્શિયલ લોન્ચિંગ કર્યુ હતુ. પ્રથમ વખત ઓક્ટોબર 2022માં તેને વનવેબ ઇન્ડિયા-1 મિશનને લોન્ચ કર્યુ હતુ.
No comments:
Post a Comment