બ્રિટિશ કાળમાં ફેબ્રુઆરીના છેલ્લા દિવસે સાંજે 5 વાગ્યે બજેટ રજૂ કરવાની પરંપરા હતી. હકીકતમાં ભારતીય સમય બ્રિટિશ સમય કરતાં 4 કલાક 30 મિનિટ આગળ છે. તેથી તેમની સુવિધા માટે બ્રિટિશ અધિકારીઓએ બજેટ રજૂ કરવાનો સમય સાંજે 5 વાગ્યે નક્કી કર્યો હતો.
139 વર્ષ પછી 1999માં અટલ સરકારે આ પરંપરા તોડી અને બજેટ સવારે 11 વાગ્યે રજૂ થવા લાગ્યું. અટલ સરકારે આવું કેમ કર્યું?
🛑 સવાલ 1: શું બજેટ બનાવતી ટીમને ભોંયરામાં બંધ રાખવામાં આવે છે?
જવાબ: હા, આ સાચું છે. લોકસભામાં બજેટ રજૂ થાય તે પહેલાં તેને તૈયાર કરવામાં સામેલ લગભગ 100 અધિકારીઓ અને કર્મચારીઓને 7 દિવસ માટે નાણાં મંત્રાલયના ભોંયરામાં બંધ રાખવામાં આવે છે. બધાના મોબાઈલ ફોન છીનવી લેવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન તેઓ ન તો કોઈને મળી શકે છે અને ન તો ઘરે જઈ શકે છે. હેતુ બજેટના દિવસે એટલે કે 1 ફેબ્રુઆરીએ નાણામંત્રીનું ભાષણ પૂર્ણ થાય ત્યાં સુધી બજેટને ગુપ્ત રાખવાનો છે, જેથી કાળાબજાર અને નફાખોરીને રોકી શકાય.
જરા કલ્પના કરો, જો કોઈને ખબર પડે કે કોઈ ચોક્કસ ઉદ્યોગ પરનો ટેક્સ ઘટાડવાનો છે. તો તે, તે ઉદ્યોગ સાથે સંબંધિત કંપનીઓના શેર મોટી માત્રામાં ખરીદશે. બીજી બાજુ બજેટમાં આ જાહેરાત થતાં જ તે ઉદ્યોગના શેર ઝડપથી વધશે અને તે વ્યક્તિ મોટો નફો કમાશે. તે જ સમયે આ તક સામાન્ય રોકાણકારો પાસેથી છીનવાઈ જશે.
અધિકારીઓના આ લોક-ઇન દરમિયાન, બજેટની નકલો નાણાં મંત્રાલયના ભોંયરામાં સ્થિત પ્રિન્ટિંગ પ્રેસમાં છાપવામાં આવે છે. 1950 પહેલાં બજેટની નકલો રાષ્ટ્રપતિ ભવનમાં સ્થિત સરકારી પ્રેસમાં છાપવામાં આવતી હતી. 1950માં નાણામંત્રી જોન મથાઈના કાર્યકાળ દરમિયાન આ પ્રેસમાંથી કેટલાક દસ્તાવેજો લીક થયા હતા. મથાઈ પર કેટલાક મોટા ઉદ્યોગપતિઓને મદદ કરવાનો આરોપ હતો અને તેમને રાજીનામું આપવું પડ્યું. આ પછી દિલ્હીના મિન્ટો રોડ પર સ્થિત બીજા સરકારી પ્રેસમાં બજેટનું છાપકામ શરૂ થયું.
30 વર્ષ પછી 1980માં આ પ્રેસને નોર્થ બ્લોક એટલે કે નાણા મંત્રાલયના ભોંયરામાં ખસેડવામાં આવ્યો. તે જ વર્ષે બજેટને અંતિમ સ્વરૂપ આપવા અને છાપવામાં સામેલ કર્મચારીઓને બે અઠવાડિયા માટે ભોંયરામાં બંધ કરવામાં આવ્યા હતા. ત્યારથી આ પ્રક્રિયા ચાલુ છે.
2021-22થી, 'યુનિયન બજેટ મોબાઇલ એપ' પર ડિજિટલ બજેટ રિલીઝ થવાનું શરૂ થયું. આના કારણે બજેટની છાપેલી નકલોની જરૂરિયાત ઘણી ઓછી થઈ ગઈ. પરિણામે સ્ટાફનો લોક-ઇન સમયગાળો પણ 2ને બદલે 1 અઠવાડિયાનો થઈ ગયો.
🛑 સવાલ 2: હલવો સમારોહ શું છે, એ દર વર્ષે બજેટ પહેલાં કેમ થાય છે?
જવાબ: બજેટ રજૂ થાય તેના થોડા દિવસ પહેલાં જ સમાચારોમાં હલવાની ચર્ચા થવા લાગે છે. હલવાની કઢાઈ સાથે નાણામંત્રીના ફોટા પણ દેખાવા લાગે છે. હકીકતમાં ભારતમાં કોઈપણ શુભ કાર્યની શરૂઆત મીઠાઈથી કરવાની પરંપરા છે. દેશનું વાર્ષિક બજેટ તૈયાર કરવું પણ એક શુભ કાર્ય માનવામાં આવે છે. એટલા માટે નોર્થ બ્લોક પ્રેસમાં બજેટ છાપવાનું શરૂ થાય તે પહેલાં હલવો તૈયાર કરવામાં આવે છે.
નાણામંત્રી પોતાના હાથે સ્ટાફને કઢાઈમાંથી હલવો પીરસે છે. આ 'હલવા સેરેમની' પછી તરત જ સ્ટાફનો લોક-ઇન સમયગાળો શરૂ થાય છે. તેથી હલવા સેરેમનીને આ લોકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો એક માર્ગ પણ માનવામાં આવે છે. આ વખતે હલવો સેરેમની 24 જાન્યુઆરીએ યોજાયો હતો.
🖼️ જુલાઈ 2024માં બજેટ પહેલાં હલવો પીરસી રહેલાં નાણામંત્રી નિર્મલા સીતારમણ. આ વખતે હલવા સમારોહની તસવીરો જાહેર કરવામાં આવી નથી.
🛑 સવાલ 3: સામાન્ય બજેટ ફક્ત 1 ફેબ્રુઆરીએ જ કેમ રજૂ કરવામાં આવે છે?
જવાબ: બ્રિટિશ યુગથી લઈને 2016 સુધી બજેટ ફેબ્રુઆરીના છેલ્લા કાર્યકારી દિવસે એટલે કે 28 ફેબ્રુઆરીએ અથવા જો તે લીપ વર્ષ હોય તો 29 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવતું હતું. 21 જાન્યુઆરી, 2017ના રોજ મોદી સરકારે સામાન્ય બજેટ રજૂ કરવાની તારીખ 1 ફેબ્રુઆરી સુધી મુલતવી રાખી. તત્કાલીન નાણામંત્રી અરુણ જેટલીએ આ પાછળ બે કારણો આપ્યાં હતાં-
1. બજેટના અમલીકરણમાં સમયનો અભાવ: બજેટ રજૂ કરવાથી લઈને સંસદમાં પસાર થવા અને તેનો અમલ થવા સુધી મે મહિના સુધીનો સમય લાગે છે. જેટલીએ કહ્યું કે, 28 ફેબ્રુઆરીને બદલે 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવાથી નવા ફેરફારો અને નિયમો લાગુ કરવા માટે વધુ સમય મળશે.
2. રેલવે બજેટનું સામાન્ય બજેટ સાથે વિલીનીકરણ: 2017માં રેલવે બજેટને સામાન્ય બજેટ સાથે મર્જ કરવામાં આવ્યું. જેટલીના મતે આ કારણે સામાન્ય બજેટ લાગુ કરવા માટે વધુ સમયની જરૂર પડી.
🛑 સવાલ 4: હવે બજેટ સવારે 11 વાગ્યે રજૂ થાય છે, જ્યારે પહેલાં આ સમય સાંજે 5 વાગ્યે હતો, આવું કેમ?
જવાબ: બ્રિટિશ શાસન દરમિયાન ફેબ્રુઆરીના છેલ્લા દિવસે સાંજે 5 વાગ્યે બજેટ રજૂ કરવામાં આવતું હતું. જેમ આપણે શરૂઆતમાં કહ્યું હતું, તે સમયે બ્રિટનમાં બપોરના 12:30 વાગ્યા હતા. આ બ્રિટિશ અધિકારીઓ માટે અનુકૂળ હતું.
1999માં અટલ સરકારના નાણામંત્રી યશવંત સિંહાએ સવારે 11 વાગ્યે સામાન્ય બજેટ રજૂ કર્યું. ત્યારે સિંહાએ કહ્યું હતું કે- 'ભારત હવે બ્રિટિશ વસાહત નથી રહ્યું, તે પોતાનું સમયપત્રક જાતે નક્કી કરી શકે છે.' આનાથી સંસદમાં બજેટ પર ચર્ચા માટે આખો દિવસ મળશે.' ત્યારથી સામાન્ય બજેટ સવારે 11 વાગ્યે રજૂ કરવામાં આવે છે.
🛑 સવાલ 5: નવું વર્ષ 1 જાન્યુઆરીથી શરૂ થાય છે, પણ બજેટ 1 એપ્રિલથી 31 માર્ચ સુધી કેમ હોય છે?
જવાબ: 1867થી ભારતમાં નાણાકીય વર્ષ 1 એપ્રિલથી 31 માર્ચ સુધીનું છે. તેથી બજેટમાં પણ નાણાકીય વર્ષ મુજબ 1 એપ્રિલથી 31 માર્ચ સુધીના હિસાબો જાળવવામાં આવે છે. નાણાકીય વર્ષ 1 એપ્રિલથી શરૂ થવાનાં બે કારણો છે-
🔸લણણીનું ચક્ર એપ્રિલની આસપાસ શરૂ થાય છે: ભારતના અર્થતંત્રનો 18% થી 20% હિસ્સો હજુ પણ ખેતીમાંથી આવે છે. તે જ સમયે ઘઉં જેવા મુખ્ય રવી પાકોની લણણી ફેબ્રુઆરી-માર્ચથી શરૂ થાય છે. આવી સ્થિતિમાં માર્ચથી ખેતી સાથે સંકળાયેલા લોકો પાસે પૈસા આવવાનું શરૂ થાય છે. આ મુજબ અર્થતંત્રનું એક મોટું ચક્ર પણ માર્ચથી શરૂ થાય છે. આ જ કારણ છે કે ભારતમાં નાણાકીય વર્ષ 1 માર્ચથી શરૂ થાય છે.
🔸બ્રિટિશ નાણાકીય વર્ષ પણ એપ્રિલમાં શરૂ થાય છે: યુકેમાં નવું નાણાકીય વર્ષ 6 એપ્રિલથી શરૂ થાય છે અને 5 એપ્રિલના રોજ સમાપ્ત થાય છે. અંગ્રેજોએ આ વ્યવસ્થા ભારતમાં સ્વતંત્રતા સુધી ચાલુ રાખી.
2016માં ભૂતપૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર શંકર આચાર્યની આગેવાની હેઠળની સમિતિએ પણ ભારતનું નાણાકીય વર્ષ 1 જાન્યુઆરીથી શરૂ કરવાનું સૂચન કર્યું હતું. જાન્યુઆરી 2019માં પણ ચર્ચા થઈ હતી કે હવે નાણાકીય વર્ષ બદલી શકાય છે, પરંતુ સરકારે અત્યાર સુધી આ અંગે કોઈ નિર્ણય લીધો નથી.
🛑 સવાલ 6: નાણામંત્રી બજેટ ભાષણ માટે લાલ રંગના કવર (ખાતાવહી)માં જ બજેટના દસ્તાવેજ કેમ લાવે છે?
જવાબ: સ્વતંત્ર ભારતનું પહેલું બજેટ 26 નવેમ્બર, 1947ના રોજ ભારતના પ્રથમ નાણામંત્રી આર.કે. શનમુખમ ચેટ્ટી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. અંગ્રેજોની જેમ તેઓ ભૂરા ચામડાની બ્રીફકેસમાં બજેટ લઈને સંસદ પહોંચ્યા હતા. 'ચામડાની બ્રીફકેસની પરંપરા' 2018 સુધી ચાલુ રહી.
આ પરંપરા નાણામંત્રી નિર્મલા સીતારમણે તોડી હતી. 5 જુલાઈ, 2019ના રોજ નિર્મલા પહેલીવાર બજેટને બ્રીફકેસને બદલે લાલ કાપડના કવરમાં લઈને સંસદ પહોંચી હતી.
આ કવર પર રાષ્ટ્રીય પ્રતીક 'અશોક સ્તંભ' છાપવામાં આવ્યું હતું. તત્કાલીન મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમે આ પરિવર્તનને 'પશ્ચિમી ગુલામીમાંથી મુક્તિ'નું પ્રતીક ગણાવ્યું હતું.
ભારતીય બહુમતી હિન્દુઓની ધાર્મિક વિધિઓમાં પણ લાલ કાપડનો ઉપયોગ થાય છે. કૃષ્ણમૂર્તિએ કહ્યું, 'આ ભારતીય પરંપરામાં છે. આ બજેટ નથી, ખાતાવહી છે.'
1 ફેબ્રુઆરી, 2021ના રોજ નાણામંત્રી સીતારમણે 'પેપરલેસ બજેટ' રજૂ કર્યું હતું. તે લાલ રંગના કાપડના કવરમાં ટેબ્લેટ રાખીને સંસદ પહોંચી હતી.
🖼️ નાણામંત્રી નિર્મલા સીતારમણ 5 જુલાઈ, 2019ના રોજ લાલ કપડામાં લપેટાયેલ બજેટ સાથે પહેલીવાર સંસદ પહોંચ્યાં હતાં.
🛑 સવાલ 7: સામાન્ય બિલ રાજ્યસભામાં પણ રજૂ કરી શકાય છે, પરંતુ બજેટ ફક્ત લોકસભામાં જ કેમ રજૂ કરવામાં આવે છે?
જવાબ: રાજ્યસભામાં પણ કોઈપણ સામાન્ય બિલ રજૂ કરી શકાય છે, પરંતુ બજેટમાં આવું નથી. હકીકતમાં ભારત એક લોકશાહી દેશ છે, જેની લોકસભામાં દેશના લોકો દ્વારા સીધા ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય છે. જાહેર જનતાના પૈસા સરકારી તિજોરીમાં હોવાથી, જો સરકાર કરવેરા વગેરે દ્વારા તિજોરીમાં પૈસા જમા કરવા માંગતી હોય અથવા એક પૈસો પણ ઉપાડવા માંગતી હોય, તો લોકસભાની મંજૂરી જરૂરી છે.
આ માટે સરકારે લોકસભામાંથી બે બિલ પસાર કરાવવા પડશે- તિજોરીમાં પૈસા જમા કરાવવા માટે નાણા બિલ અને તેને ઉપાડવા માટે વિનિયોગ બિલ. આ બંને બિલ પૈસા સાથે સંબંધિત છે અને બજેટમાં સમાવિષ્ટ છે, તેથી જ બજેટને 'મની બિલ' કહેવામાં આવે છે. એટલા માટે નાણાં બિલ ફક્ત લોકસભામાં જ રજૂ કરી શકાય છે.
જોકે બજેટ લોકસભા દ્વારા પસાર થાય છે અને રાજ્યસભામાં પણ જાય છે, પરંતુ જો રાજ્યસભા કોઈ ફેરફાર સૂચવે છે તો લોકસભા તેને સ્વીકારવા માટે બંધાયેલી નથી. એનો અર્થ એ થયો કે જો રાજ્યસભામાં સરકાર પાસે બહુમતી ન હોય તો પણ તેને બજેટ પસાર કરવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં.
🛑 સવાલ 8: સામાન્ય રીતે રાષ્ટ્રપતિ બિલ પસાર થયા પછી મંજૂરી આપે છે, પરંતુ બજેટના કિસ્સામાં તે પહેલાથી શા માટે જરૂરી છે?
જવાબ: માત્ર સરકાર જ નાણાં બિલ રજૂ કરે તે માટે રાષ્ટ્રપતિની અગાઉથી પરવાનગી લેવી જરૂરી છે. આનો અર્થ એ થયો કે સંસદનો કોઈપણ સાંસદ જે સરકારનો ભાગ નથી તે નાણાં બિલ કે બજેટ રજૂ કરી શકતો નથી.
જોકે, રાષ્ટ્રપતિ પાસે બજેટમાં કોઈ ફેરફાર કરવાની સત્તા નથી. તેમની ભૂમિકા ફક્ત બજેટ રિસીવ કરવા અને સ્વીકારવા સુધી મર્યાદિત છે.
🛑 સવાલ 9: પહેલાં રેલવે બજેટ અલગથી રજૂ કરવામાં આવતું હતું, હવે એને સામાન્ય બજેટમાં કેમ સમાવવામાં આવ્યું છે?
જવાબ: 1924થી 2016 સુધી રેલવે બજેટ સામાન્ય બજેટ કરતાં અલગ હતું. આ પાછળ સરકારોની બે મુખ્ય દલીલો હતી-
01) રેલવે દેશનું સૌથી મોટું મંત્રાલય છે. આમાં મોટાભાગના સામાન્ય લોકો અને કર્મચારીઓ સામેલ છે.
02) દેશની પ્રગતિ, સુરક્ષા અને એકતા માટે રેલવે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તેથી આના પર અલગથી ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
1924માં પહેલીવાર અંગ્રેજોએ રેલવે બજેટને સામાન્ય બજેટથી અલગ કર્યું. ત્યાર બાદ એકવર્થ નામની રેલવે સમિતિએ ભારતમાં રેલવેનું રાષ્ટ્રીયકરણ અને વિવિધ ખાનગી કંપનીઓના વિલીનીકરણની ભલામણ કરી હતી.
સપ્ટેમ્બર 2016માં મોદી સરકારે આ 92 વર્ષ જૂની પરંપરા તોડી. તત્કાલીન નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું હતું કે, 'રેલવે બજેટ સામાન્ય બજેટ કરતાં ઘણું નાનું છે. તેથી તેને અલગથી રજૂ કરવું એ માત્ર એક ઔપચારિકતા છે.'