બુધવારે સાંજે NDAનાં ઘટકદળોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાને બેઠક કરી અને નવી સરકારને માટે ટેકાના પત્ર પર સહી કરીને પોતાનું સમર્થન આપ્યું. એ પછી એકતા દેખાડવા માટે ગ્રૂપ ફૉટો ખેંચાવ્યો, ત્યારે મોદીની બરાબર ડાબી બાજુએ આંધ્ર પ્રદેશના પદનામિત મુખ્ય મંત્રી ચંદ્રબાબુ નાયડુ હતા.
આ સાથે જ નાયડુ એનડીએ છોડીને ઇન્ડિયા ગઠબંધનમાં જઈ શકે છે એવી લગભગ દોઢેક દિવસથી મીડિયામાં ચાલતી અટકળો ઉપર વિરામ લાગી ગયો હતો.
ચંદ્રબાબુ અને વડા પ્રધાન વચ્ચેની રાજકીય પ્રતિસ્પર્ધા અને એનડીએમાં અવરજવરના ભૂતકાળને જોતાં ઘણાંને આ વાતમાં વજન પણ જણાતું હતું. બંને વચ્ચેના વિવાદની શરૂઆત 2002થી થઈ હતી. એ સમયે મોદી ગુજરાતના, જ્યારે નાયડુ અવિભાજિત આંધ્રપ્રદેશના મુખ્ય મંત્રી હતા.
આ પહેલાં સોશિયલ મીડિયા ઉપર એક જૂનો વીડિયો પણ રમૂજીઢબે વ્યાપક રીતે શૅર થયો હતો, જે બહુમતી પૂર્ણ કરવા માટે નાયડુની જરૂરિયાત ઉપર વ્યંગ રજૂ કરી રહ્યો હતો.
નવમી જૂને નરેન્દ્ર મોદી વડા પ્રધાનપદનાં ત્રીજી વખત શપથ લેશે, આ કાર્યક્રમ રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાશે.
▶️ મોદી અને નાયડુ વચ્ચે સંબંધના સમીકરણ કેવાં છે?
આ ઘટનાના આઠેક વર્ષ પહેલાં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા તેના પાંચેક મહિનામાં જ ગોધરામાં સાબરમતી એક્સ્પ્રેસમાં લાગેલી આગમાં 60 જેટલા કારસેવકોનાં મૃત્યુ થયાં. ત્યાર પછી સમગ્ર ગુજરાતમાં કોમવાદી હુલ્લડો ફાટી નીકળ્યાં, જેમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની તત્કાલીન રાજ્ય સરકાર ઉપર મુસ્લિમવિરોધી વલણ અપનાવવાના આરોપ લાગ્યા હતા.
એ સમયે કેન્દ્રમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએની અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ હેઠળની સરકાર હતી. અમદાવાદની મુલાકાત બાદ વાજપેયીએ તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીને 'રાજધર્મ'નું પાલન કરવા કહ્યું હતું.
વાજપેયીના નેતૃત્વવાળી એ સરકારમાં ભાજપ પછી ટીડીપી સૌથી મોટો પક્ષ હતો. આંધ્ર પ્રદેશમાંથી તેના 29 સંસદસભ્યો હતા. તેઓ ત્રીજો મોરચો છોડીને એનડીએમાં આવ્યા હતા.
એ સમયે પાંચેક વર્ષ પહેલાં ટીડીપીમાં આંતરિક બળવો કરીને તેમના સસરા એનટી રામારાવને હઠાવીને નાયડુ આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી બન્યા હતા. તેમની છાપ 'સીઈઓ સીએમ'ની હતી, જે સરકારને કૉર્પોરેટ ઢબે ચલાવતા. તેઓ હૈદરાબાદને આઈટી સિટી સાયબરાબાદ તરીકે વિકસાવી રહ્યા હતા.
નાયડુને આશંકા હતી કે જો તેઓ ભાજપ સરકારને ટેકો આપવાનું ચાલુ રાખશે તો તેમની બિનસાંપ્રદાયિક છબિને નુકસાન થશે. તેમણે વાજપેયી સમક્ષ માગ કરી હતી કે મુખ્ય મંત્રીપદેથી નરેન્દ્ર મોદીને હઠાવવામાં આવે અને ત્યારબાદ તેમણે પછીના પાંચેક મહિના સુધી દિલ્હીમાં પગ પણ ન મૂક્યો, જોકે એનડીએ સરકારને ટેકો આપવાનું ચાલુ રાખ્યું.
જ્યારે એવી છાપ ઊભી થવા લાગી કે તેઓ એનડીએ સરકારને અસ્થિર કરવા માગે છે, ત્યારે નાયડુ દિલ્હી આવ્યા અને વડા પ્રધાન વાજપેયી સાથે બેઠક કરી અને એ પછી તેમનો રોષ શાંત પડ્યો.
ડિસેમ્બર-2002માં ગુજરાતમાં ભાજપનો વિજય થયો અને નરેન્દ્ર મોદી બીજી વખત મુખ્ય મંત્રી બન્યા. પાર્ટીમાં તેમની સ્વીકૃતિ વધી હતી.
⏩ 2004ની લોકસભા ચૂંટણીઓમાં NDAને આંચકો
ભાજપે વર્ષ 2004ની લોકસભા ચૂંટણીમાં 'ઇન્ડિયા શાઇનિંગ'નું નિષ્ફળ અભિયાન ચલાવ્યું. એ ચૂંટણીમાં કૉંગ્રેસને 145 અને ભાજપને 138 બેઠક મળી. એનડીએમાં ભંગાણ પડ્યું અને કેટલાંક ઘટકદળોએ કૉંગ્રેસના નેતૃત્વવાળા યુનાઇટેડ પ્રૉગ્રેસિવ એલાયન્સ (યૂપીએ)ને ટેકો જાહેર કર્યો.
ત્રીજા મોરચાએ પણ યુપીએને ટેકો આપ્યો અને મનમોહનસિંહ વડા પ્રધાન બન્યા. આંધ્ર પ્રદેશમાં કૉંગ્રેસની સરકાર બની. ટીડીપીના માત્ર પાંચ સંસદસભ્યો ચૂંટાઈ આવ્યા હતા અને બહુમતી માટે તેમની જરૂર નહોતી રહી, પરિણામે તેઓ હાંસિયામાં ધકેલાઈ ગયા.
ત્રીજા મોરચાના ઘટકદળ ટીડીપીને છ બેઠકો મળી હતી અને વધુ પાંચ વર્ષ માટે રાજકીય પરિદૃશ્યમાં તેમની હાજરી અપ્રસ્તુત બની ગઈ. જ્યારે ગૃહરાજ્યમાં વાયએસ રાજશેખરરેડ્ડીના નેતૃત્વમાં કૉંગ્રેસે બીજી વખત સરકાર બનાવી હતી.
રેડ્ડી મુખ્ય મંત્રી બન્યાને ચારેક મહિના થયા હશે ત્યારે એક હૅલિકૉપ્ટર દુર્ઘટનામાં તેમનું અવસાન થયું. ત્યારબાદ પાર્ટીએ બે મુખ્ય મંત્રી બદલવા પડ્યા. યુપીએ સરકારના બીજા કાર્યકાળ દરમિયાન આંધ્ર પ્રદેશમાંથી તેલંગણાને અલગ કરવાનો નિર્ણય થયો, જેના કારણે જેના કારણે કૉંગ્રેસમાં આંતરિક બળવો થયો.
▶️ 'ચંદ્ર'બાબુનો ફરી સૂર્યોદય
આ બાજુ 2007 અને 2012ની વિધાનસભા ચૂંટણીઓ જીતીને નરેન્દ્ર મોદીએ પક્ષમાં પોતાનું સ્થાન મજબૂત કરી દીધું હતું. ગુજરાતીમાં ભાષણ આપવા ટેવાયેલા મોદીએ વર્ષ 2012નું વિજયભાષણ હિંદીમાં આપીને પોતાની રાજકીય મહત્ત્વકાંક્ષા સ્પષ્ટ કરી દીધી.
2013માં ભાજપે તેમને ચૂંટણીપ્રચાર અભિયાનના અધ્યક્ષ અને પછી વડા પ્રધાનપદના ઉમેદવાર પણ જાહેર કર્યા. રાજ્યના વિભાજનનો વિરોધ કર્યો હોવાથી નાયડુએ તેલંગણા વગરના આંધ્ર પ્રદેશમાં પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા પ્રયાસ કર્યો.
પ્રચારઅભિયાન દરમિયાન નરેન્દ્ર મોદી અવિભાજિત આંધ્ર પ્રદેશના મહેબુબનગર પહોંચ્યા હતા. ત્યારે મંચ પર નાયડુ પણ હાજર હતા. મોદી માટે સફેદ કપડું પાથરેલી વિશેષ ખુરશી અનામત રાખવામાં આવી હતી, જ્યારે નાયડુ સહિતના અન્ય નેતાઓ માટે એકજેવી સમાન પ્રકારની ખુરશીઓ પાથરવામાં આવી હતી.
મોદી મંચ ઉપર આવ્યા અને નાયડુ સાથે જનમેદનીનું અભિવાદન ઝીલ્યું. નાયડુએ મોદીનું સન્માન કર્યું સફેદ કપડું પાથરેલી ખુરશી મોદી માટે ખાલી રાખીને પોતાની ખુરશી તરફ આગળ વધવા લાગ્યા. ત્યારે મોદીએ એ ખુરશી ઉપર બેસવાના બદલે હાથ ઝાલીને પરાણે નાયડુને ત્યાં બેસાડ્યા. 10 વર્ષ બાદ આ વીડિયો હવે હાલના બદલાયેલા રાજકીય સમીકરણોને કારણે મીમ મટિરિયલ બની ગયો છે.
અવિભાજિત આંધ્ર પ્રદેશમાં છેલ્લી ચૂંટણી યોજાઈ અને 294માંથી એનડીએને 125 જેટલી બેઠક મળી. અલગ તેલંગણા માટે આંદોલન ચલાવનારા કે ચંદ્રશેખરરાવ નવગઠિત રાજ્યના તથા નાયડુ આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી બન્યા. નાયડુનો 10 વર્ષનો રાજકીય સંન્યાસ પૂર્ણ થયો અને આંધ્ર પ્રદેશમાંથી કૉંગ્રેસનું ધોવાણ થઈ ગયું હતું.
કેન્દ્રમાં ત્રણ દાયકા બાદ કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી મળી અને 282 બેઠક પરથી ભાજપ ચૂંટાઈ આવ્યો. લોકસભામાં ટીડીપીને 16 બેઠક મળી તથા તેમના એક સંસદસભ્યને પહેલી મોદી સરકારમાં કૅબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા.
જોકે, લોકસભા અને વિધાનસભાની ચૂંટણીના એક વર્ષ પહેલાં ચંદ્રબાબુ એનડીએથી અલગ થઈ ગયા. તેમણે મોદીને 'આતંકવાદી' અને 'વચન નહીં પાળનારા' નેતા કહ્યા. ચૂંટણીપ્રચાર દરમિયાન મોદીએ પણ ચંદ્રબાબુએ સસરા સામે કરેલા રાજકીય બળવાની યાદ અપાવીને તેમને 'પીઠમાં છૂરો ખોંપનારા કહ્યા.'
વાય એસ રાજશેખર રેડ્ડીના દીકરા જગનમોહન રેડ્ડીની વાયએસઆર કૉંગ્રેસ જંગી બહુમતી સાથે સત્તા ઉપર આવી. ટીડીપીનું ધોવાણ થયું અને લોકસભામાં પણ તેમને આંગળીના વેઢે ગણી શકાય એટલી બેઠકો મળી. જ્યારે વાયએસઆર કૉંગ્રેસ પાસે 12 સંસદસભ્યો હતા.
2019માં ભાજપને મળેલી 303 બેઠક સાથે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ફરી એક વખત એનડીએની સરકાર બની. તેને કોઈ પક્ષના ટેકાની જરૂર ન હતી. છતાં અનેક મહત્ત્વપૂર્ણ બીલને પસાર કરાવવા માટે વાયએસઆર કૉંગ્રેસે એનડીએ સરકારને વ્યૂહાત્મક મદદ કરી.
▶️ ફરી કિંગ અને કિંગમૅકર બન્યા ચંદ્રબાબુ નાયડુ
ગત વર્ષે જગનમોહન રેડ્ડીએ નાયડુની ધરપકડ કરી. એ પછી તેઓ એનડીએમાં પરત ફર્યા. ફિલ્મ અભિનેતા પવન કલ્યાણની જનસેના પાર્ટી, ટીડીપી અને ભાજપે મળીને 2024ની લોકસભાની તથા વિધાનસભાની ચૂંટણીઓ લડી. વિધાનસભામાં ટીડીપીને આપબળે બહુમતી મળી. વાયએસઆર કૉંગ્રેસને એનડીએના બીજા ક્રમાંકના ઘટકદળ જનસેના કરતાં પણ ઓછી બેઠકો મળી.
આ સિવાય ટીડીપીના 16 અને જનસેનાના બે તથા ભાજપના ત્રણ સંસદસભ્યો ચૂંટાઈ આવ્યા છે. કેન્દ્રમાં ભાજપને બહુમતી નથી મળી અને 240 બેઠક ઉપર વિજય મળ્યો છે. સરકારને સુપેરે ચલાવવા માટે નરેન્દ્ર મોદીને ટીડીપી તથા નીતીશ કુમારના જેડીયુના ટેકાની જરૂર રહેશે.
જ્યારે-જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રાજકીય કારકિર્દીની ચર્ચા થાય ત્યારે-ત્યારે ગોધરાકાંડ અને તેના પછી ફાટી નીકળેલાં હુલ્લડોની ચર્ચા થાય છે. યોગાનુયોગ એ ઘટનાક્રમના અન્ય એક મહત્ત્વપૂર્ણ પાત્ર નીતિશ કુમાર હતા. જેઓ એ સમયે કેન્દ્ર સરકારમાં રેલવેમંત્રી હતા.
જેઓ પોતે એનડીએમાં અવરજવરનો ઇતિહાસ ધરાવે છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમનો વિવાદ અને સંવાદનો સંબંધ 15 વર્ષ પુરાણો છે.
No comments:
Post a Comment