Pages

Monday, 5 February 2024

Paytm :- ગરીબ પરિવારમાં જન્મેલા વિજય શેખર શર્માની યુવા અબજપતિથી સંકટ સુધીની સફર...


રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના જાન્યુઆરી-2024ના નિર્દેશ પછી મોબાઇલ વૉલેટ પેટીએમના ભવિષ્ય ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે. આરબીઆઈના આ પગલાને વન 97 કૉમ્યુનિકેશન્સ કંપનીના શેરોમાં કડાકો બોલી ગયો હતો, જે પેટીએમની માલિક કંપની છે.

પહેલી પેઢીના વાણિજ્યસાહસિકના કિસ્સામાં બને છે તેમ કંપની અને તેના સ્થાપકની કહાણી એકબીજા સાથે વણાયેલી હોય છે અને વિજય શેખર શર્મા પણ તેમાંથી અપવાદ નથી.

જેમણે ઉત્તર પ્રદેશના અલીગઢમાં અંગ્રેજી બોલતા ખચકાતા હિંદીભાષી યુવાનથી લઈને દેશના સૌથી યુવાન અબજપતિ સુધીની સફર ખેડી છે. એક સમયે 'મોબાઇલ દ્વારા ચૂકવણું' અને 'પેટીએમ કરી દો' બંને સમાનાર્થી શબ્દ બની ગયા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે લીધેલા એક નિર્ણયને કારણે કંપનીને અસામાન્ય ફાયદો થયો હતો. એ પછી કંપનીએ લીધેલા એક પગલાને કારણે તેમની નાલેશી પણ થઈ હતી.

શર્મા અને પેટીએના સ્વરૂપે એ સમયનું દેશનું સૌથી મોટું જાહેરભરણું લઈ આવ્યા અને રોકાણકારોને નુકસાન પણ થયું હતું. જોકે, કંપની સાથે જોડાયેલો તે એકમાત્ર વિવાદ નથી.

શિક્ષણ, સંકટ, સંઘર્ષ :-

બૅન્કર અને લેખક વિનીત બંસલ તેમના પુસ્તક 'બિકોઝ સ્કાય ઇઝ ધી લિમિટ' લખ્યું છે, જેમાં તેમણે દિલ્હી ટેકનિકલ યુનિવર્સિટીના સફળ પૂર્વવિદ્યાર્થીઓની વાતોને સંકલિત કરી છે, જેના 'પેટીએમ કરો' પ્રકરણમાં કંપની અને શર્મા વિશે ચર્ચા કરી છે, તેઓ લખે છે:

વિજય શેખરનો જન્મ તા. સાતમી જૂન 1978ના દિવસે ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લાના પ્રકાશ અને આશા શર્માને ત્યાં થયો હતો. તેમનું પ્રાથમિક શિક્ષણ હરદુઆગંજમાં થયું. તેમના પિતા કડક સ્વભાવના નીતિવાન શાળાશિક્ષક હતા.

સરેરાશ કે નહિવત્ સુવિધા ધરાવતી શાળાઓમાં તેમનું શિક્ષણ થયું. જ્યાં કેટલાક વિદ્યાર્થીઓ પાસે પહેરવા માટે ચપ્પલ પણ ન હોય. છતાં શર્માને શિક્ષણના મહત્ત્વની ખબર હતી અને તેઓ હંમેશા તેના ઉપર જ ધ્યાન કેન્દ્રિત રાખતા.

શિક્ષકની સામાન્ય આવકમાંથી પતિ-પત્ની બે પુત્રો અને બે પુત્રીઓનો નિર્વાહ ચાલતો. પરિવારમાં કોઈ લગ્નપ્રસંગ હોય તો પણ શાળાનો ગણવેશ જ પહેરી જવાનો થતો.

જોકે, દીકરીના લગ્ન સમયે લીધેલી રૂ. બે લાખની લોનને કારણે પરિવારની આર્થિકસ્થિતિ કથળી જવાની હતી. શર્માએ જમવાના પૈસા બચાવવા માટે રોજ આઠથી 10 કિલોમીટર ચાલવું પડતું.

માત્ર 14 વર્ષની ઉંમરે શર્માએ હાયર સેકન્ડરીની પરીક્ષા પાસ કરી દીધી, જોકે, કૉલેજમાં પ્રવેશ માટે તેમણે એક વર્ષ રાહ જોવી પડી, કારણ કે એંજિનિયરિંગ કૉલેજમાં પ્રવેશ માટે લઘુતમ વયમર્યાદા 15 વર્ષની હતી. અનેક સરકારી યુનિવર્સિટીમાં પ્રયાસ કરવા છતાં સફળતા ન મળી, એ પછી તેમણે જોઇન્ટ ઍન્ટ્રન્સ ઍક્ઝામની તૈયારીઓ શરૂ કરી.

અલગ-અલગ યુનિવર્સિટીઓના અધિકારીઓ અને ઉપ-કુલપતિઓ સાથે વાત કરતી વેળાએ વિજય શેખરને ઉચ્ચઅભ્યાસ માટે અંગ્રેજીનું મહત્ત્વ સમજાઈ ગયું હતું. મર્યાદિત આવક અને નાનકડા નગરમાં અન્ય કોઈ સંશાધન ઉપલબ્ધ ન હોવાથી તેઓ એક વિષયનાં અંગ્રેજી અને હિંદી પુસ્તક સાથે લાવતાં અને વાંચતા. તેઓ ગમે તેમ કરીને પોતાને તથા પરિવારને ગરીબીના કળણમાંથી બહાર કાઢવા માગતા હતા.

વિનીત બંસલે ઉપરોક્ત બૂક ઉપરાંત 'ફેસ ઑફ ઇન્ડિયન સ્ટાર્ટઅપ ઇન્ડસ્ટ્રી વિજય શેખર શર્મા' નામનું પુસ્તક પણ લખ્યું છે, જે શર્મા અને પેટીએમ ઉપર કેન્દ્રિત છે.

યુવા શર્મા'ળ'ની સમસ્યા :-

વિજય શેખર શર્માની સમસ્યા માત્ર શાળા પૂરતી મર્યાદિત નહોતી અને દિલ્હીમાં પણ તેમની સમસ્યાઓ ઘટવાને બદલે વધવાની હતી. બંસલ તેમના પુસ્તકમાં લખ્યું છે કે :

વર્ષ 1994માં શર્માને દિલ્હી કૉલેજ ઑફ ઍન્જિનિયરિંગમાં ઇલેક્ટ્રૉનિક્સ ઍન્ડ કમ્યૂનિકેશન્સમાં પ્રવેશ મળ્યો. 16 વર્ષની ઉંમર ન થઈ હોવા છતાં દિલ્હી યુનિવર્સિટીએ વિશેષ કિસ્સામાં વિજય શેખરને વર્ગો ભરવાની મંજૂરી આપી.

શર્માએ પ્રવેશ તો મેળવી લીધો, પરંતુ તેમના સામે બે મુશ્કેલી આવી. એક તો તેઓ સરેરાશ વિદ્યાર્થી કરતાં ઉંમરમાં નાના હતા તથા મોટાભાગના દિલ્હીસ્થિત વિદ્યાર્થીઓની બોલચાલની ભાષા અંગ્રેજી હતી અને શર્માને હિંદીનો મહાવરો હતો.

સાથી વિદ્યાર્થીઓ સાથે હળીમળી ન શકવાને કારણે તેઓ વધુ અને વધુ અભ્યાસમાં ઊતરતા ગયા અને પુસ્તકો સાથે સમય વિતાવતા. જ્યારે તેમને ખબર પડી કે દિલ્હીના દરિયાગંજ અને આસિફ અલી રોડ ઉપર સારી સ્થિતિમાં હોય તેવા શ્રેષ્ઠ અંગ્રેજી પુસ્તકો બહુસામાન્ય કિંમતે મળી રહે છે એટલે વિદ્યાર્થીજીવનની મર્યાદિત રકમમાં વધુ એક ખર્ચ થવા લાગ્યો. તેમણે કોડિંગ પણ શીખ્યું.

વિદ્યાર્થીકાળ દરમિયાન જ તેમણે ખાનગી ઍરલાઇન્સના દિલ્હી-મુંબઈ શિડ્યુલનો વેબ-પ્રૉગ્રામ લખ્યો. આના માટે તેમને રૂ. એક હજાર મળ્યા. શર્માને લાગતું હતું કે ઔપચારિક શૈક્ષણિક સર્ટિફિકેટ વગર પણ તેઓ આજીવિકા રળી શકે છે.

એ સમયે સ્ટૅનફૉર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરનારા સબીર ભાટિયાએ તેમની ઈમેલ કંપની 'હૉટમેલ' માઇક્રૉસૉફ્ટને 40 કરોડ ડૉલરમાં વેચી હતી. ડૉટકૉમના એ યુગમાં સિલિકૉન વૅલીની ભારે ચર્ચા થતી અને ભાટિયા એ ભારતના યુવા આઈટી ટેકનૉક્રૅટ્સમાં આઇકનનું સ્થાન લઈ લીધું હતું. શર્મા જાણતા હતા કે આર્થિકસ્થિતિને કારણે તેઓ અમેરિકાની યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરી શકે તેમ નથી.

છતાં ઇન્ટરનેટ અને સ્ટાર્ટ-અપનું મહત્ત્વ તેમને સમજાઈ ગયું હતું. કૉલેજકાળમાં જ વિજય તથા તેમના મિત્રે મળીને ઇન્ટરનેટ સ્ટાર્ટ-અપ શરૂ કર્યું. વિઝિટિંગકાર્ડ ઉપર હૉસ્ટેલનો રૂમનંબર તેમનું સરનામું હતું અને ડીસીઈનો ફોનનંબર તેમનો ટેલિફોનનંબર.

પેજરના એ સમયમાં તેમણે એક દુકાનદારને મિત્ર બનાવી લીધો હતો. જેણે અમુક પૈસાના બદલામાં વિઝિટિંગકાર્ડ પર પોતાનો નંબર લખવાની છૂટ આપી હતી અને જે કોઈ નંબર પરથી સંપર્ક થતો તેની યાદી તૈયાર કરી રાખતા. કૉલેજેથી આવ્યા પછી તેમનો સંપર્ક સાધતા.

વન97 કમ્યૂનિકેશન્સની સ્થાપના :-
 
ટેકનૉલૉજી રિપોર્ટર તથા લેખક વિજય મેનને તેમના પુસ્તક 'ઇનૉવેશન સ્ટોરીઝ ઇન ઇન્ડિયા ઇન્ક' નામના પુસ્તકમાં તાતા, એલ ઍન્ડ ટી, ગોદરેજ, એશિયન પેઇન્ટ્સ, ઇન્ફોસિસ, એચડીએફસી બૅન્ક સહિત દેશની 20થી વધુ કંપનીઓમાં હાથ ધરવામાં આવેલા નવતર પ્રયોગ અથવા વણખેડાયેલાક્ષેત્રોનો ઉલ્લેખ કર્યો છે. જેમાં એક પ્રકરણ પેટીએમ વિશે પણ છે. મેનન લખે છે :

કૉલેજકાળ દરમિયાન વિજય શેખરએ ભારતના પ્રવસનક્ષેત્ર ઉપર વેબસાઇટ બનાવી હતી. આગળ જતાં દિલ્હીના એક મીડિયાગૃહે આ વેબસાઇટ ખરીદી લીધી. વિજય શેખર શર્માને ત્યારે અમુક રકમની રોકડ તથા કંપનીમાં આઈટીના વડાનું પદ મળ્યું. આ પહેલાં એકાદ વર્ષ માટે તેમણે એક ખાનગી કંપનીમાં નોકરી કરી. ત્યારે માતા-પિતાને જાણીને ખૂબ જ ખુશી થઈ, કારણ કે હવે તેમની આર્થિકચિંતાઓ હળવી થઈ ગઈ હતી.

મીડિયા કંપનીમાં આઈટી વડા તરીકે એકાદ વર્ષ અને કુલ્લે બે વર્ષ નોકરી કરીને ફરી વૅન્ચર કરવાની તેમની ઇચ્છા પ્રબળ બની. તેમણે વન 97ની પ્રાઇવેટ લિમિટેડ તરીકે સ્થાપના કરી. આ કંપનીનું રજિસ્ટ્રેશન દિલ્હીમાં કરવામાં આવ્યું હતું, પરંતુ તેના કર્મચારીઓ નોઇડામાં બેસતા.

એસએમએસના એ જમાનામાં શર્માની કંપની ટેલિકોમ ઑપરેટર્સના ગ્રાહકોને જોક્સ, સમાચાર, ક્રિકેટના અપડેટ્સ, જ્યોતિષ વગેરે જેવી મૂલ્યવર્ધિત સેવાઓ પૂરી પાડતી. દેશમાં ટેલિકોમક્ષેત્રનો વિકાસ થઈ રહ્યો હતો, એટલે શર્માની કંપનીનો પણ તેમની સાથે જ વિકાસ થઈ રહ્યો હતો.

વર્ષ 2007માં તત્કાલીન યુપીએ સરકારે ખાનગી કંપનીઓને 2-જી સ્પેક્ટ્રમ આપ્યા. બે-એક વર્ષમાં દેશમાં એકસાથે ડઝનેક કંપનીઓ આવી ગઈ હતી અને તેમની વચ્ચે ગ્રાહકો મેળવવા માટે ગળાકાપ સ્પર્ધા ચાલી રહી હતી. આ સાથે પ્રિપેડના ગ્રાહકો માટે રિચાર્જ કરાવવાની એક નવી સમસ્યા ઊભી થઈ હતી.

આવા સમયે વર્ષ 2009માં શર્માએ 'પેટીએમ' લૉન્ચ કર્યું, જે મોબાઇલ બૅલેન્સ ટૉપ-અપ કરી આપતું. આ સિવાય ગ્રાહક તેના બૅન્ક એકાઉન્ટ કે ક્રૅડિટકાર્ડ દ્વારા ખરીદી કરી શકતો. પેટીએમના શેરબજારના પ્રૉસ્પેકટસમાં આ સિવાયની કેટલીક સાલવારી વિગતો આપી છે. જે મુજબ :-

એ પછીનાં વર્ષો દરમિયાન પેમેન્ટ ગૅટવે (2012), સેમી-ક્લોઝ વૉલેટને આરબીઆઈની મંજૂરી (2013) મળી અને પછીના વર્ષે પેટીએમે તેની ઍન્ડ્રોઇડ અને આઈઓએસ ઍપ્સ લૉન્ચ કરી.

શર્માએ જોયું હતું કે રૂ. 100-200ના ઓછી રકમના આર્થિકવ્યવહારો માટે મોબાઇલના ઉપયોગમાં ન તો ટેલિકોમ ઑપરેટર્સને કે બૅન્કિંગ કંપનીઓને રસ ન હતો. આ જગ્યાને વૉલેટ લાઇસન્સ અને ઍપ દ્વારા શર્મા સુપેરે ભરી શક્યા હતા.

વર્ષ 2014 પછી દેશમાં 4-જીનું ચલણ વધ્યું હતું. રિલાયન્સ દ્વારા જિયોના લૉન્ચિંગને કારણે ટેલિકોમક્ષેત્રનો અસામાન્યદરે વિકાસ થઈ રહ્યો હતો. ઈમેલ, મૅસેજિંગ ઍપ્સ તથા સોશિયલ મીડિયા ઍપ્સને સરળતાથી એક્સેસ કરી શકાય તે માટે લોકોના હાથમાં સ્માર્ટફોન આવી રહ્યા હતા. આ સાથે મોબાઇલ વૉલેટનું ચલણ પણ વધી રહ્યું હતું.

પેમેન્ટ્સ બૅન્કનું લાઇસન્સ (2017), રોડ ટૉલ ઉઘરાવવા માટેના ફાસ્ટૅગને મંજૂરી (2017), સ્ટૉક બ્રૉકર (2019), લાઇફ અને જનરલ ઇન્સ્યોરન્સના બ્રૉકર (2020) તરીકે મંજૂરી મળી.

વર્ષ 2020માં ગૂગલે જ્યારે તેના પ્લે સ્ટૉર પરથી પેટીએમની ઍપને હઠાવી દીધી, ત્યારે ગૂગલે ગૅમ્બલિંગના નિયમોના ભંગનું કારણ આપ્યું, જ્યારે પેટીએમે અમેરિકન જાયન્ટની ઇજારાશાહીનો મુદ્દો ઉઠાવ્યો. પ્લે-સ્ટૉરને ટક્કર આપવા માટે ભારતીય સ્ટાર્ટ-અપ્સની ઍપ્સને હોસ્ટ કરવા એજ વર્ષે શર્માએ પેટીએમ મિનિ-ઍપ સ્ટોર શરૂ કર્યો.

જોકે, આ બધાની વચ્ચે દેશના આર્થિક ઇતિહાસમાં એક ઘટના એવી બની હતી, જેનો ઉલ્લેખ કંપની તેના સત્તાવાર દસ્તાવેજોમાં કરી શકે તેમ નથી, પરંતુ તેનાથી પેટીએમને અસામાન્ય દરે વધવામાં ખૂબ જ લાભ થયો હતો.

નમો અને ડીમો

ઑનલાઇન સર્ચ એટલે ગૂગલ તથા ફોટોકૉપી એટલે ઝેરોક્સ, જેમ સમાનાર્થી બની ગયા હતા એવી જ રીતે શર્મા મોબાઇલના આર્થિકવ્યવહારોને પેટીએમ સાથે જોડવા માગતા હતા અને એક સરકારી પગલાને કારણે તેમનું આ સપનું સાકાર પણ થયું.

તા. આઠ નવેમ્બર 2016ની સાંજે 'નમો' તરીકે ઓળખાતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે રૂ. 500 તથા રૂ. એક હજારની ચલણી નોટોને મધ્યરાત્રિથી ગેરમાન્ય જાહેર કરી દીધી. જે અંગ્રેજીમાં ડિમૉનિટાઇઝેશન કે 'ડીમો' તરીકે પ્રચલિત થઈ.

રાતોરાત દેશના ચલણમાંથી લગભગ 85% કરતાં વધુની નોટો બહાર નીકળી ગઈ હતી. આ પ્રક્રિયા બે મહિના સુધી ચાલવાની હતી અને તેની અસર મહિનાઓ સુધી વર્તાવાની હતી. મોટાભાગે રોકડના વ્યવહારો ઉપર ચાલતા દેશના અર્થતંત્રમાં લોકોએ ક્રૅડિટકાર્ડ, નેટબૅન્કિંગ, ઑનલાઇન શોપિંગ વગેરે જેવા વિકલ્પ અજમાવ્યા.

જોકે, નાના-નાના આર્થિકવ્યવહારો માટે જે વિકલ્પ સૌથી વધુ સફળ અને પ્રચલિત બન્યો, તે હતો ઈ-વૉલેટ ટ્રાન્ઝેક્શન્સનો. ફ્રિચાર્જ, મોબિક્વિક વગેરે જેવા અનેક ઈ-વૉલેટ હોવા છતાં પેટીએમ તેમાં સ્પષ્ટ વિજેતા થયું. મોબાઇલથી થતાં આર્થિક ચૂકવણાં અને 'પેટીએમ કરી દો' સમાનાર્થી શબ્દ બની ગયા હતા.

પેટીએમે દેશભરના અખબારોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરો સાથે આખા પન્નાની જાહેરાતો આપીને તેમનો આભાર માન્યો હતો અને તેમના આ પગલાંની તથા વડા પ્રધાનની ભારે ટીકા થઈ હતી.

નોટબંધીની જાહેરાત પછી ત્રણ મહિનામાં પેટીએમના વપરાશકર્તાઓની સંખ્યામાં 50% નો ઉછાળો આવ્યો. ઓછી અને મધ્યમ આવક ધરાવતા લગભગ 19,00,00,000 એકાઉન્ટ્સ પેટીએમના નેટવર્ક ઉપર આવી ગયા. અંગ્રેજી ઉપરાંત હિંદી અને દેશની પ્રાદેશિકભાષાઓમાં પણ ઍપના ઇન્ટરફેસને કારણે ઓછા શિક્ષિત કે અંગ્રેજી નહીં જાણતા લોકો પણ તેનો સરળતાથી ઉપયોગ કરી શકતા.

વર્ષ 2015માં કંપનીની આવક રૂ. 3,36,00,00,000 હતી, જે માર્ચ-2017માં વધીને 828.6 કરોડ ઉપર પહોંચી ગયું. 30,00,00,000 વપરાશકર્તા દૈનિક સરેરાશ 70,00,000 લેણદેણના વ્યવહાર કરતા હતા, જેની કિંમત નવ અબજ 40,00,00,000 ડૉલરની હતી.

અસામાન્ય વૃદ્ધિ માટે જરૂરી કર્મચારીઓ મેળવવા, આઈટી અને માળખાકીય સુવિધાઓ વિસ્તારવા, જાહેરાત અને માર્કેટિંગ માટે વધુ ફંડની જરૂર હતી. જાપાનની બહુપ્રતિષ્ઠિત સૉફ્ટબૅન્ક તથા ચીનના અબજપતિ જેક માની કંપની ઍન્ટ ફાયનાન્સિયલના રોકાણ પછી ડિસેમ્બર-2016માં પેટીએમનું વૅલ્યૂએશન 4.86 અબજ ડૉલર ઉપર પહોંચી ગયું.

કંપનીમાં પોતાના હિસ્સાને કારણે વ્યક્તિગત રીતે શર્મા 38 વર્ષની ઉંમરે દેશના સૌથી યુવા સ્વનિર્મિત વાણિજ્યસાહસિક બની ગયા હતા. એ સમયે તેમની નેટવર્થ એક અબજ 30,00,00,000 ડૉલર આંકવામાં આવી હતી. પોતાનો એક ટકા હિસ્સો વેંચીને તેને શર્માએ પેટીએમની પેમેન્ટ્સ બૅન્કમાં વ્યક્તિગત હિતધારક તરીકે રોક્યો હતો.

એ પછી વિજય શેખરના ભાઈ તથા પેટીએમના ઉપાધ્યક્ષ અજય શેખર શર્માના સ્ટિંગ ઑપરેશનનો વીડિયો પણ આવ્યો હતો. જેમાં તેઓ ભાજપની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથેની નિકટતા અને ભારત પ્રશાસિત કાશ્મીરમાં પથ્થરબાજો વિશેનો ડૅટા વડા પ્રધાન કાર્યાલયને આપ્યો હોવાનો દાવો કર્યો હતો.

આ સિવાય વડા પ્રધાનના પુસ્તકને પેટીએમે તેની ઍપ અને વેબમાં અગ્રતાથી સ્થાન આપ્યું હોવાની વાત પણ અજય શેખરે કહી હતી. તેમના સ્ટિંગ પછી પેટીએમના વપરાશકર્તાઓના ડૅટાની પ્રાઇવસી વિશે સવાલ ઊભા થયા હતા.

જાહેરભરણાનું રોણું :-

કંપનીએ શૉપિંગ, બસ, ટ્રેન, વિમાન અને સિનેમાની ટિકિટો ; ગૅસ, વીજળી, પાણી, મોબાઇલ, ક્રૅડિટકાર્ડ, લૅન્ડલાઇન અને ઇન્ટરનેટના બીલચૂકવણા ; ડીટીએચ તથા મોબાઇલ રિચાર્જ, ફાસ્ટટૅગ જેવી સેવાઓ આપીને પોતાની ઍપને 'વન-સ્ટૉપ સૉલ્યુશન' બનાવવાનો પ્રયાસ કર્યો. આ સિવાય મ્યુચ્યુઅલફંડ, ડિજિટલ ગૉલ્ડ, જનરલ અને લાઇફ ઇન્સ્યોરન્સ ; પર્સનલ, મર્ચન્ટ, હોમ અને કારલૉન જેવા ધિરાણો પણ પોતાના થકી ઉપલબ્ધ કરાવ્યા.

એક તબક્કે કંપનીની ઈ-કૉમર્સ સાઇટ સિવાય 40,00,00,000 વપરાશકર્તા દૈનિક અઢી કરોડ આર્થિકવ્યવહારો થઈ રહ્યા હતા. કોઈપણ કંપનીમાં બને છે તેમ હવે શરૂઆતી રોકાણકારો પોતાનો અમુક હિસ્સો વેંચવા માગતા હતા તથા આ માટે બહુપ્રચિલત આઈપીઓ (ઇનિશિયલ પબ્લિક ઑફર) કે જાહેરભરણાનો માર્ગ લેવામાં આવ્યો.

નફો હાથવેંતમાં ન હોવાથી નિષ્ણાતોએ 'ટાળવો' કે 'છોડવો' જેવા રેટિંગ આપ્યા હતા. આમ છતાં જંગીભરણામાંથી સંભવિત કમાણીની તક છૂટી ન જાય તેવા વિચારથી લોકોએ જાહેરભરણા માટે અરજીઓ આપી. કંપનીએ બજારમાંથી રૂ. 18,300 કરોડ ઊભા કર્યા.

રૂ. 2,150ના ભાવે ફાળવવામાં આવેલા શેર પહેલા જ દિવસે નવથી લઈને 27% સુધી ગગડી ગયા હતા. લિસ્ટિંગના જ દિવસે કંપનીની માર્કેટ કૅપિટલમાં 39,000 કરોડનો ઘટાડો નોંધાયો.

અમેરિકાના કિવદંતીરૂપ રોકાણકાર વૉરન બફેટની કંપની બર્કશાયર હેથવેએ પણ શર્માની કંપનીમાં રોકાણ કર્યું હતું. આઈપીઓ દરમિયાન ચીન અને જાપાનના રોકાણકારો ઉપરાંત તેમનો હિસ્સો પણ જાહેરભરણામાં આપવામાં આવ્યો હતો, પરંતુ માર્ચ-2023ના આરબીઆઈના આદેશ પછીના મહિનાઓમાં તેમણે પોતાનો હિસ્સો વેંચી દીધો હોવાના અહેવાલ છે.

વર્ષ 2013માં કંપનીનો વિસ્તાર થાય તે માટે વિજય શેખર શર્મા અલગ-અલગ વૅન્ચર કૅપિટલિસ્ટ વગેરેનો સંપર્ક કરી રહ્યા હતા. ત્યારે અમેરિકન ઍક્સપ્રેસે પણ શર્માની કંપનીમાં રસ દાખવ્યો હતો અને તેમના પ્રતિનિધિ હતા અશનીર ગ્રોવર. જેઓ આગળ જતાં પોતે ભારત-પે નામની મોબાઇલ વૉલેટ કંપની લૉન્ચ કરવાના હતા.

શર્માની કંપનીના લિસ્ટિંગ સમયે ગ્રોવરે ટિપ્પણી કરી હતી કે ભારતીય રોકાણકારોના ભોગે ચીનના ઇન્વેસ્ટર્સના પૈસા છૂટા કરવામાં આવ્યા. આ પછીના મહિનાઓ દરમિયાન ગ્રોવરનું તેમની પોતાની કંપનીમાંથી પણ પતન થવાનું હતું.

આરબીઆઈના નિર્દેશ પછી સોશિયલ મીડિયા પરના નિવેદન દ્વારા શર્મા કહી ચૂક્યા છે કે નિર્ધારિત સમયમર્યાદા પછી પણ તમારી ઍપ ચાલતી રહેશે. તેમની ખાતરી છતાં શૅરબજારોમાં પેટીએમના ભાવોમાં કડાકો ચાલુ જ છે, જે ક્યારે અને કેવી રીતે અટકશે તેના કોઈ નક્કર અણસાર નથી.

આ સંકટોમાંથી બહાર નીકળી જાય તો પણ અમેરિકન જાયન્ટ આલ્ફાબૅટના 'તેજ', ઍમેઝોનની પેમેન્ટ ઍપ, મેટા દ્વારા મૅસેજિંગ ઍપ વૉટ્સઍપમાં જ આર્થિક લેવડદેવડનો વિકલ્પ, વૉલમાર્ટ સમર્થિક ફોનપે સામે ટકી રહેવાનો અને વૃદ્ધિ પામવાનો પડકાર તેમની સામે હશે.

આગળ જતાં દેશની મધ્યસ્થ બૅન્ક પેટીએમ પેમેન્ટ્સ બૅન્ક સામે જે કોઈ કાર્યવાહી કરે, પરંતુ દેશના નાગરિકોના નાની-નાની રકમના આર્થિકવ્યવહારોમાં મોબાઇલના ઉપયોગ માટે તેમણે આપેલા પ્રદાનને કદાચ જ કોઈ નકારી શકે.

✍🏻 Vats Asodariya ( કટ્ટારની કલમે)


Follow Us On Over Social Media Platforms:-
Facebook :- @Vats Asodariya 
Instagram :- @vats_asodariya
YouTube :- VA Digital

No comments:

Post a Comment