Pages

Sunday, 8 December 2024

બશર અલ-અસદ : સુન્ની મુસ્લિમોના દેશ પર અડધી સદી સુધી રાજ કરનાર શિયા મુસ્લિમ પરિવારની કહાણી


સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદના જીવનમાં અનેક નિર્ણાયક મોડ આવ્યા છે, પરંતુ હજારો કિલોમીટર દૂર થયેલી એક કાર દુર્ઘટનાએ કદાચ તેમના જીવનને સૌથી વધુ પ્રભાવિત કર્યા.

શરૂઆતમાં બશર અલ-અસદને તેમના પિતાની વિરાસત સંભાળવા માટે તૈયાર કરવામાં આવ્યા ન હતા. પરંતુ મોટા ભાઈ બાસેલના મૃત્યુ પછી તેમની યાત્રા શરૂ થઈ.

આ વાત વર્ષ 1994ના શરૂઆતના દિવસોની છે જ્યારે બશર લંડનમાં ઑપ્થેલ્મોલૉજી એટલે કે આંખની દાક્તરીનું શિક્ષણ લઈ રહ્યા હતા અને દમિશ્ક પાસે એક કાર દુર્ઘટનામાં તેમના મોટા ભાઈનું મૃત્યુ થઈ ગયું હતું.

ત્યારપછી નાના ભાઈને સત્તા સોંપવાની તૈયારી શરૂ કરવામાં આવી. પછી તેમણે દેશનું સુકાન સંભાળ્યું અને તેમના કાર્યકાળમાં દેશે ખૂની જંગ પણ જોયો જેમાં લાખો લોકોનો જીવ ગયો. લાખો લોકો વિસ્થાપિત થઈ ગયા.

પરંતુ બશર અલ-અસદ એક ડૉક્ટરમાંથી નિરંકુશ નેતા કેવી રીતે બની ગયા કે જેમના પર યુદ્ધ કરવાના પણ આરોપો લાગ્યા?

👉 પિતાની વિરાસત :-
અસદના પિતા હાફિઝ લગભગ 30 વર્ષ સુધી સીરિયાના રાષ્ટ્રપતિ રહ્યા હતા.

બશર અલ-અસદનો જન્મ વર્ષ 1965માં થયો હતો. તેમના પિતાનું નામ હાફિઝ અલ-અસદ અને માતાનું નામ અનીસા મખલોફ હતું.

તેમના જન્મનો સમય એ જ હતો જ્યારે સીરિયા, મધ્ય પૂર્વ અને તેની આસપાસની પરિસ્થિતિમાં નાટકીય ફેરફારો થયા હતા.

તે સમયે, આરબ રાષ્ટ્રવાદ આ ક્ષેત્રના ઘણા દેશોમાં પ્રાદેશિક રાજકારણનો એક મહત્ત્વપૂર્ણ ભાગ હતો અને સીરિયા પણ તેનાથી છેટું રહી શક્યું ન હતું.

ઇજિપ્ત અને સીરિયા (1958-1961) વચ્ચે થોડા સમય માટે થયેલા એકીકરણની નિષ્ફળતા પછી, બાથ પાર્ટીએ સત્તા કબજે કરી લીધી અને આરબ રાષ્ટ્રવાદી ભાવનાને પ્રોત્સાહન આપ્યું.

તે સમયગાળાના મોટા ભાગના આરબ દેશોની જેમ, સીરિયામાં પણ લોકશાહી હતી અથવા તો બહુપક્ષીય ચૂંટણીની વ્યવસ્થા ન હતી.

અસદ પરિવાર એ અલાવાઇત સમુદાયનો છે, જે શિયા ઇસ્લામને અનુસરે છે અને તે સીરિયામાં સૌથી પછાત સમુદાય હતો.

આર્થિક મુશ્કેલીઓના કારણે આ સમુદાયના ઘણા લોકો સીરિયન સેનામાં જોડાયા હતા.

હાફિઝ અલ-અસદ બાથ પાર્ટીના કટ્ટર સમર્થક અને લશ્કરી અધિકારી તરીકે 1966માં સંરક્ષણ મંત્રી બન્યા હતા.

હાફિઝ અલ-અસદે સત્તા પર પોતાની પકડ મજબૂત કરી અને વર્ષ 1971માં રાષ્ટ્રપતિ બન્યા અને છેક 2000 સુધી તેઓ આ પદ પર રહ્યા.

સીરિયાના આઝાદી પછીના ઇતિહાસમાં આટલો લાંબો કાર્યકાળ નોંધપાત્ર હતો, કારણ કે તે ત્યાં સુધીમાં સીરિયા અનેક લશ્કરી બળવાનું સાક્ષી બની ચૂક્યું હતું.

જોકે, હાફિઝ અલ-અસદે લોખંડી મુઠ્ઠીથી શાસન કર્યું હતું વિપક્ષને દબાવીને તથા લોકશાહી ચૂંટણીઓને નકારી કાઢીને તેમણે શાસન કર્યું હતું.

પરંતુ તેમણે વિદેશનીતિમાં કુનેહ દર્શાવી હતી અને સોવિયેત યુનિયન સાથેના જોડાણ છતાં, તેઓ 1991માં ગલ્ફ વૉર દરમિયાન અમેરિકાની આગેવાની હેઠળના ગઠબંધનમાં જોડાયા હતા.

👉 દાક્તરીનો અભ્યાસ અને લંડન :-
અસદનાં પત્ની આસમા અલ-અખરાસ
જોકે, શરૂઆતમાં બશર અલ-અસદે રાજકારણ અને સેનાથી અલગ પોતાનો રસ્તો અપનાવ્યો હતો. તેમણે મેડિસિનના ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું હતું.

દમાસ્કસ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા પછી, તેઓ 1992માં નેત્રરોગવિજ્ઞાનમાં વિશેષતા મેળવવા માટે લંડનની વૅસ્ટર્ન આઈ હૉસ્પિટલમાં અભ્યાસ કરવા બ્રિટન ગયા.

2018માં રિલીઝ થયેલી બીબીસીની ડૉક્યુમેન્ટરી 'એ ડેન્જરસ ડાયનેસ્ટીઃ ધ અસાદ્સ' અનુસાર, બશર લંડનમાં પોતાની જિંદગીમાં રચીપચી ગયા હતા.

તેમણે અંગ્રેજી ગાયક ફિલ કૉલિન્સની પ્રશંસા કરી હતી અને પશ્ચિમી સંસ્કૃતિનાં પાસાં અપનાવ્યાં હતાં.

તેઓ લંડનમાં જ તેમનાં ભાવિ પત્ની આસમા અલ-અખરાસને મળ્યા હતા.

આસમા કિંગ્સ કૉલેજ, લંડનમાં કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરતાં હતાં અને બાદમાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં એમબીએના અભ્યાસક્રમમાં તેમણે પ્રવેશ મેળવ્યો હતો.

જોકે, ટૂંક સમયમાં જ તેમના જીવનમાં એક અલગ વળાંક આવ્યો.

હાફિઝ અલ-અસદના બીજા પુત્ર તરીકે, બશરનું વ્યક્તિત્વ સામાન્ય રીતે તો તેમના મોટા ભાઈ બેસેલના પડછાયામાં ઢંકાયેલું રહેતું હતું.

એ સમયે બેસેલને જ હાફિઝ અલ-અસદના 'વારસદાર' માનવામાં આવતા હતા.

પરંતુ જાન્યુઆરી, 1994માં બેસેલના થયેલા મૃત્યુએ બશરનું જીવન સંપૂર્ણપણે બદલી નાખ્યું. તેમને તરત જ લંડનથી પાછા બોલાવવામાં આવ્યા હતા અને પછી સીરિયાના નવા નેતા તરીકે તેમની વરણી માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી.

બશર સેનામાં જોડાયા અને તેમની ભાવિ ભૂમિકા માટે તેમની સાર્વજનિક છબી બનાવવાનું શરૂ કર્યું.

👉 પરિવર્તનનું સ્વપ્ન :-
અસદના પરિવારે સીરિયા પર લગભગ અડધી સદી સુધી રાજ કર્યુ.
2000માં હાફિઝ અલ-અસદનું અવસાન થયું અને 34 વર્ષીય બશરને તરત જ દેશના રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા.

આ માટે સીરિયાના બંધારણમાં સુધારો કરીને 40 વર્ષની લઘુતમ વયમર્યાદાને પણ ઘટાડી દેવામાં આવી હતી.

2000ના ઉનાળામાં બશરે રાષ્ટ્રપતિપદના શપથ લીધા અને એક નવો રાજકીય સૂર અપનાવ્યો.

તેમણે 'પારદર્શકતા, લોકશાહી, વિકાસ, આધુનિકીકરણ, ઉત્તરદાયિત્વ અને સંસ્થાગત વિચારસરણી' વિશે વાત કરી.

રાષ્ટ્રપતિ બન્યાના થોડા મહિના પછી બશરે આસમા અલ-અખરાસ સાથે લગ્ન કર્યાં. તેમને ત્રણ બાળક છે - હાફિઝ, ઝૈન અને કરીમ.

રાજકીય સુધારણા અને પ્રેસની સ્વતંત્રતા અંગે બશરનાં નિવેદનોએ શરૂઆતમાં સીરિયન લોકોમાં આશા જન્માવી હતી.

તેમની નેતૃત્વશૈલી અને આસમાના પશ્ચિમી શિક્ષણથી લોકોને લાગ્યું કે આ પરિવર્તનના નવા યુગની શરૂઆતનો સંકેત છે.

થોડા સમય માટે, સીરિયાએ નાગરિક ચર્ચાઓ અને અપેક્ષાકૃત અભિવ્યક્તિની આઝાદીનો સમય જોયા જેને 'દમિશ્ક સ્પ્રિંગ' તરીકે ઓળખવામાં આવે છે.

પરંતુ વર્ષ 2001માં સુરક્ષાદળોના દમનનું ચક્ર ફરીથી શરૂ થયું અને સત્તા સામેના બુલંદ વિરોધી અવાજોની ધરપકડ શરૂ થઈ.

બશરે ખાનગી ક્ષેત્રના વિકાસને પ્રોત્સાહન આપીને મર્યાદિત આર્થિક સુધારાનો પાયો નાખ્યો. તેમના પ્રમુખપદના શરૂઆતનાં વર્ષોમાં તેમના પિતરાઈ ભાઈ રામી મખલૂફનો પણ ઉદય થયો.

મખલૂફે એક વિશાળ આર્થિક સામ્રાજ્ય સ્થાપ્યું, જેના વિશે વિવેચકોનું કહેવું હતું કે તે સત્તા અને સંપત્તિના જોડાણનું પ્રતીક છે.

👉 ઇરાક અને લેબનોન :-
લેબનોનના પૂર્વ વડા પ્રધાન રફીક હરીરીની હત્યા પછી બશર અલ-અસદ પર દબાણ વધી ગયું હતું.
2003માં થયેલું ઇરાકનું યુદ્ધ એ એવી ઘટના હતી જે બશર અલ-અસદ અને પશ્ચિમી સરકારો વચ્ચેના સંબંધોમાં મુખ્ય અવરોધ બની હતી.

સીરિયાના રાષ્ટ્રપતિએ અમેરિકાના હુમલાનો વિરોધ કર્યો હતો. કેટલાક લોકો માને છે કે તેનું કારણ તેમનો ડર હતો કે અમેરિકન સૈન્ય કાર્યવાહીનું આગામી લક્ષ્ય સીરિયા હોઈ શકે છે.

બીજી તરફ, અમેરિકાએ સીરિયા પર આરોપ મૂક્યો હતો કે તેણે ઇરાકમાં અમેરિકન અતિક્રમણનો વિરોધ કરતાં બળવાખોર જૂથોની શસ્ત્રોની દાણચોરી તરફ આંખ આડા કાન કર્યા હતા અને ઉગ્રવાદીઓને બંને દેશો વચ્ચેની લાંબી સરહદમાંથી પ્રવેશવાની મંજૂરી આપી હતી.

ડિસેમ્બર 2003માં અમેરિકાએ સીરિયા પર ઘણાં કારણસર પ્રતિબંધો લાદ્યા હતા, જેમાંથી માત્ર ઇરાક જ નહીં, પરંતુ લેબનોનમાં સીરિયાની હાજરી પણ એક કારણ હતું.

ફેબ્રુઆરી 2005માં, લેબનોનના ભૂતપૂર્વ વડા પ્રધાન રફિક હરીરી મધ્ય બૈરુતમાં એક પ્રચંડ વિસ્ફોટમાં માર્યા ગયા હતા. હરીરી લેબનોનમાં સીરિયાના મુખ્ય વિરોધી હતા. સીરિયા અને તેમના સહયોગીઓ પર આ હત્યાનો આરોપ હતો.

લેબનોનમાં સામૂહિક વિરોધ શરૂ થયો, જ્યારે દમિશ્ક પર આંતરરાષ્ટ્રીય દબાણ પણ વધવા લાગ્યું. જેના કારણે સીરિયાએ 30 વર્ષની સૈન્ય હાજરી બાદ લેબનોનને ખાલી કરી દીધું હતું.

આ બધું થયું હોવા છતાં, અસદના મુખ્ય સાથી લેબનીઝ જૂથ હિઝબુલ્લાહે હરીરીની હત્યામાં સામેલ હોવાના અહેવાલોને નકારી કાઢ્યા હતા. જોકે, 2020માં હિઝબુલ્લાહના સભ્યને આંતરરાષ્ટ્રીય અદાલત દ્વારા હત્યામાં તેમની સંડોવણી બદલ સજા કરવામાં આવી હતી.

👉 આરબ સ્પ્રિંગ :-
બશર અલ-અસદના કાર્યકાળના પ્રથમ દાયકા દરમિયાન, સીરિયાના ઈરાન સાથેના સંબંધો વધુ ગાઢ બન્યા અને કતાર તથા તુર્કી સાથેના સંબંધોમાં સુધારો થયો, જોકે એ પણ પાછળથી બદલાઈ ગયું.

યુવા રાષ્ટ્રપતિને લઈને રિયાધના પ્રારંભિક સમર્થન છતાં, સાઉદી અરેબિયા સાથેના સંબંધો ઉતારચઢાવ ભર્યા રહ્યા હતા.

એકંદરે, બશર અલ-અસદ એ વિદેશનીતિમાં તેમના પિતાના પગલે ચાલ્યા છે અને સીધા લશ્કરી ટકરાવને ટાળીને સાવધાનીપૂર્વક કામ કર્યું છે.

પરંતુ એક દાયકા સુધી સત્તામાં રહ્યા પછી અસદના શાસનને 'નિરંકુશ' તરીકે વર્ણવી શકાય છે, કારણ કે આ સમયગાળા દરમિયાન વિરોધનો અવાજ દબાવવામાં આવ્યો હતો.

ડિસેમ્બર 2010માં તેમનાં પત્ની આસમા અલ-અસદે વૉગ મૅગેઝિનને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો, જેમાં તેમણે દાવો કર્યો હતો કે તેમનું ઘર 'લોકશાહી' રીતે ચલાવવામાં આવે છે.

તે જ દિવસે, ટ્યુનિશિયામાં એક શાકભાજી વિક્રેતાએ પોલીસ દ્વારા માર મારવાના વિરોધમાં પોતાની જાતને સળગાવી દીધી હતી, જેના કારણે ટ્યુનિશિયામાં ભારે વિરોધ થયો હતો અને રાષ્ટ્રપતિ જાઇન અલ આબિદીન બેન અલીએ સત્તા પરથી હઠી જવું પડ્યું હતું.

ટ્યુનિશિયામાં થયેલા બળવાએ સમગ્ર આરબ વિશ્વમાં ક્રાંતિકારી ચળવળોને પ્રેરણા આપી, જે ઇજિપ્ત, લીબિયા, યમન, બહેરીન અને સીરિયા સુધી પહોંચી.

માર્ચ 2011માં પ્રકાશિત 'અ રોઝ ઇન ધ ડેઝર્ટ' શીર્ષકથી છપાયેલા વોગના ઇન્ટરવ્યૂમાં સીરિયાને 'બૉમ્બધડાકા, તણાવ અને અપહરણથી મુક્ત' દેશ તરીકે વર્ણવવામાં આવ્યું હતું.

પરંતુ ત્યારપછીના સમયમાં આ તસવીર નાટકીય રીતે બદલાઈ ગઈ.

માર્ચના મધ્ય સુધીમાં, દમાસ્કસમાં દેખાવો શરૂ થયા અને થોડા દિવસો પછી દક્ષિણી શહેર દર્રામાં પણ પ્રદર્શન શરૂ થયાં. ત્યાં બાળકોની દીવાલ પર અસદ વિરોધી સૂત્રો લખવા બદલ ધરપકડ કરવામાં આવી.

સીરિયન લોકોને સંબોધતા પહેલાં વિરોધપ્રદર્શન શરૂ થયાનાં બે અઠવાડિયાં પછી સુધી અસદે રાહ જોઈ. સંસદમાં તેમણે સ્વીકાર્યું કે મોટા ભાગના લોકોની જરૂરિયાતો પૂરી થઈ રહી નથી. પરંતુ સીરિયામાં તેમણે 'ષડયંત્ર' નિષ્ફળ બનાવવાનું વચન આપ્યું હતું.

તે દરમિયાન જ સુરક્ષાદળોએ દર્રામાં વિરોધીઓ પર ગોળીબાર કર્યો, જેણે વિરોધને વેગ આપ્યો અને ઘણાં શહેરોમાં તેમના રાજીનામાની માગણીઓ થઈ. વહીવટીતંત્રે વધુ હિંસા સાથે તેની પ્રતિક્રિયા આપી, અને તેમને 'વિદેશી શક્તિઓના ઇશારે તોડફોડ કરનારા અને ઘૂસણખોરો' તરીકે ઓળખાવ્યા.

તેના થોડા મહિનાઓ પછી જ પરિસ્થિતિ એટલી બધી વણસી ગઈ કે સરકારી સુરક્ષાદળો અને હથિયાર ઉઠાવનારા વિરોધીઓ વચ્ચે સમગ્ર દેશમાં સંઘર્ષ શરૂ થઈ ગયો.

👉 આંતરરાષ્ટ્રીય દખલ, જિહાદી અને યુદ્ધ અપરાધો:-
2011માં આરબ સ્પ્રિંગની અસર સીરિયામાં પણ થઈ અને દેશભરમાં પ્રદર્શનો થયા હતા.
જેમ જેમ સંઘર્ષ તીવ્ર બન્યો અને આંતરરાષ્ટ્રીય શક્તિઓની દખલગીરી વધી, સંયુક્ત રાષ્ટ્રના અંદાજ મુજબ, જાનહાનિની સંખ્યા હજારોથી વધીને લાખો થઈ ગઈ.

રશિયા, ઈરાન અને ઈરાન સમર્થિત સશસ્ત્ર જૂથો, તથા અસદનાં સુરક્ષાદળોએ દખલ કરી, જ્યારે તુર્કી અને અન્ય ખાડી દેશોએ સશસ્ત્ર વિપક્ષી દળોને ટેકો આપ્યો.

જોકે, અસદ વિરોધીપ્રદર્શનોમાં શરૂઆતમાં લોકશાહી અને બધા માટે સ્વતંત્રતાની માગ કરવામાં આવતી હતી પરંતુ તેમાં ટૂંક સમયમાં જ જૂથવાદ સામે આવ્યો.

વિપક્ષી જૂથોએ આક્ષેપ કર્યો હતો કે સરકાર સુન્ની બહુમતીને બદલે અલાવાઇતોને પ્રાધાન્ય આપી રહી છે.

પ્રાદેશિક સત્તાઓની દખલગીરીએ સાંપ્રદાયિક વિભાજનને વધુ ઊંડું બનાવ્યું.

ઇસ્લામી જૂથોએ અલાવાઇતો સામે પ્રતિકૂળ વલણ અપનાવ્યું હતું, જ્યારે હિઝબુલ્લાહની આગેવાની હેઠળના શિયા મિલિશિયા ઈરાન પ્રત્યે વફાદાર હતા અને અસદ સરકારને ટેકો આપવા માટે સીરિયા આવ્યા હતા.

એ જ સમયગાળામાં પાડોશી ઇરાકમાં ઇસ્લામિક કાયદાના વધુ કડક અમલીકરણની હિમાયત કરતું એક ઇસ્લામિક ઉગ્રવાદી જૂથ ઊભરી આવ્યું – જેનું નામ હતું ઇસ્લામિક સ્ટેટ (IS).

આ ગૃહયુદ્ધનો ફાયદો ઉઠાવીને, ISએ સીરિયાના કેટલાક વિસ્તારો પર કબજો કરી લીધો અને અગાઉના શહેર રક્કાને તેની રાજધાની જાહેર કરી.

ઑગસ્ટ 2013માં દમાસ્કસ નજીક પૂર્વી ઘુટા શહેરમાં વિરોધીઓ દ્વારા કરવામાં આવેલા રાસાયણિક હુમલામાં સેંકડો લોકો માર્યા ગયા હતા.

પશ્ચિમી સત્તાઓ અને સીરિયન વિપક્ષોએ આ હુમલા માટે અસદ સરકારને જવાબદાર ગણાવી હતી.

જોકે, સીરિયાની સરકારે આમાં કોઈ પણ સંડોવણીનો ઇનકાર કર્યો હતો. પરંતુ આંતરરાષ્ટ્રીય દબાણ અને ધમકીઓને કારણે તે તેનાં રાસાયણિક શસ્ત્રોના ભંડારને નષ્ટ કરવા માટે સહમત થયું હતું.

જોકે, આનાથી સીરિયન યુદ્ધમાં અત્યાચારનો અંત આવ્યો ન હતો અને રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરીને વધુ હુમલાઓ થયા હતા.

યુએન કમિશને તમામ પક્ષો પર હત્યા, ત્રાસ અને બળાત્કાર સહિત યુદ્ધ અપરાધોનો આરોપ મૂક્યો હતો.

2015માં ફરી એક વાર એવું લાગતું હતું કે અસદ સરકાર પડી જશે, કારણ કે તેણે દેશના મોટા વિસ્તાર પર નિયંત્રણ ગુમાવી દીધું હતું. જોકે, રશિયાના સૈન્ય હસ્તક્ષેપ અને અસદે તેના ઘણા મુખ્ય વિસ્તારો પર ફરીથી કબજો કર્યા પછી આ પરિસ્થિતિ બદલાઈ ગઈ.

👉 ગાઝા યુદ્ધ :-
2018 અને 2020માં પ્રાદેશિક તથા આંતરરાષ્ટ્રીય કરારો એવી પરિસ્થિતિ તરફ દોરી ગયા કે જ્યાં સરકારી દળોએ મોટા ભાગના સીરિયાને નિયંત્રિત કર્યું, જ્યારે ઉત્તર અને ઉત્તરપૂર્વમાં સંયુક્ત રીતે ઇસ્લામિક વિરોધી જૂથો અને કુર્દીશ સેના દ્વારા નિયંત્રણ હતું.

આ સમજૂતીઓએ અસદની સ્થિતિને વધુ મજબૂત બનાવી અને તેણે આરબ રાજદ્વારી મંચ પર ધીમેધીમે મહત્ત્વ પાછું મેળવ્યું.

વર્ષ 2023માં સીરિયાને આરબ લીગમાં સામેલ કરવામાં આવ્યું અને આરબ દેશોએ દમિશ્કમાં તેમના દૂતાવાસોને પુનઃસ્થાપિત કર્યા.

અસદના શાસનના ત્રીજા દાયકામાં સીરિયાએ ગંભીર આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ એવું પ્રતીત થાય છે કે તે તેમાંથી બચીને નીકળી ગયું.

ઑક્ટોબર 2023માં જ્યારે હમાસે અચાનક ઇઝરાયલ પર હુમલો કર્યો, જેના પછી ગાઝા યુદ્ધ શરૂ થયું, તેની અસર લેબનોન સુધી પહોંચી, જ્યાં અસદના સાથી હિઝબુલ્લાહ પર તેની ખાસ અસર પડી.

હિઝબુલ્લાહને આ સંઘર્ષમાં ભારે નુકસાન થયું હતું, જેમાં તેના નેતા હસન નસરલ્લાહનું થયેલું મૃત્યુ પણ સામેલ હતું.

જે દિવસે લેબનોનમાં યુદ્ધવિરામ થયું હતું, તે દિવસે હયાત તહરિર અલ-શામ (HTS)ની આગેવાની હેઠળના સીરિયન વિપક્ષી જૂથોએ સીરિયામાં અચાનક હુમલો કર્યો અને દેશના બીજા સૌથી મોટા શહેર અલેપ્પોને કબજે કર્યું.

વિરોધી જૂથો ઝડપથી આગળ વધ્યા, હમા અને અન્ય શહેરો પર કબજો મેળવ્યો, જ્યારે દેશનો દક્ષિણ ભાગ પણ સરકારી નિયંત્રણમાંથી ધીમેધીમે સરકતો ગયો.


📝 More Articles:-

No comments:

Post a Comment