સીરિયાના મુખ્ય શહેર અલેપ્પોને ઇસ્લામિક ઉગ્રવાદી જૂથ હયાત તહરિર અલ-શામ(HTAS) દ્વારા કબજે કરવામાં આવ્યું છે.
એચટીએસના નેતૃત્વમાં અન્ય ઉગ્રવાદીઓએ હમા શહેર પર પણ કબજો કરી લીધો છે.
એચટીએસના વડા અબુ મોહમ્મદ અલ-જુલાની સામે માનવાધિકારનો ભંગ કરવાના આરોપો લાગ્યા છે.
તાજેતરનાં વર્ષોમાં તેઓ દુનિયા સમક્ષ પોતાનો ઉદારવાદી ચહેરો રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ અમેરિકાએ તેમને પકડવા માટે એક કરોડ ડૉલરના ઇનામની જાહેરાત કરી છે.
અબુ મોહમ્મદ અલ-જુલાની કોણ છે?
ઇમેજ કૅપ્શન,ઇસ્લામિક ચરમપંથી જૂથોએ 27 નવેમ્બરના રોજ સીરિયા સરકાર સામે હુમલાની શરૂઆત કરી
અબુ મોહમ્મદ અલ-જુલાની એક ઉપનામ છે. તેમના સાચા નામ અને ઉંમર વિશે વિવાદ છે.
અમેરિકન બ્રૉડકાસ્ટર પીબીએસએ ફેબ્રુઆરી 2021માં અલ-જુલાનીનો ઇન્ટરવ્યૂ લીધો હતો.
તે વખતે જુલાનીએ જણાવ્યું હતું કે જન્મ સમયે તેમનું નામ અહેમદ અલ-શરા હતું અને તેઓ સીરિયન છે. તેમનો પરિવાર ગોલાન વિસ્તારમાંથી આવ્યો હતો.
તેમણે કહ્યું હતું કે તેમનો જન્મ સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં થયો હતો, જ્યાં તેમના પિતા કામ કરતા હતા. પરંતુ તેઓ પોતે સીરિયાની રાજધાની દમાસ્કસમાં ઉછર્યા છે.
જોકે, એવા પણ અહેવાલો છે કે તેમનો જન્મ પૂર્વ સીરિયાના દૈર એઝ-ઝોરમાં થયો હતો. એવી પણ અફવા છે કે તેમણે 'ઇસ્લામિક ઉગ્રવાદી' બનતા પહેલાં મેડિસિનનો અભ્યાસ કર્યો હતો.
યુનાઇટેડ નૅશન્સ અને યુરોપિયન યુનિયનના અહેવાલ અનુસાર તેમનો જન્મ 1975 અને 1979 વચ્ચે થયો હતો.
ઇન્ટરપોલનું કહેવું છે કે તેમનો જન્મ 1979માં થયો હતો. જ્યારે અસ-સફીરના રિપોર્ટમાં તેમની જન્મનું વર્ષ 1981 જણાવવામાં આવ્યું છે.
અલ-જુલાની ઇસ્લામિક જૂથના નેતા કેવી રીતે બન્યા?
અલ-જુલાનીએ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ બશર અલ-અસદને સીરિયાની સત્તા પરથી હઠાવવા છે.
2003માં અમેરિકા અને સાથી દળો દ્વારા ઇરાક પરના આક્રમણ પછી અલ-જુલાની ત્યાં હાજર જેહાદી જૂથ અલ-કાયદામાં જોડાયા હોવાનું માનવામાં આવે છે.
અમેરિકાની આગેવાની હેઠળનાં ગઠબંધનદળોએ રાષ્ટ્રપતિ સદ્દામ હુસૈનને સત્તા પરથી હાંકી કાઢ્યા, પરંતુ અમેરિકાએ વિવિધ ઉગ્રવાદી જૂથોના પ્રતિકારનો સામનો કરવો પડ્યો.
વર્ષ 2010માં અમેરિકનદળોએ ઇરાકમાંથી અલ-જુલાનીની ધરપકડ કરી અને તેમને કુવૈત નજીક જેલ કૅમ્પ બુકામાં બંદી બનાવી રાખ્યા.
એવું માનવામાં આવે છે કે અહીં તેમની મુલાકાત ઇસ્લામિક સ્ટેટ(આઈએસ) જૂથની રચના કરનારા જેહાદીઓ સાથે થઈ હશે. અહીં તેઓ અબુ-બકર અલ-બગદાદીને પણ મળ્યા હશે, જે પાછળથી ઇરાકમાં આઈએસના વડા બન્યા હતા.
અલ-જુલાનીએ મીડિયાને જણાવ્યું કે 2011માં જ્યારે સીરિયામાં રાષ્ટ્રપતિ બશર અલ-અસદ વિરુદ્ધ સશસ્ત્ર લડાઈ શરૂ થઈ, ત્યારે અલ-બગદાદીએ જૂથની એક શાખા સ્થાપવા માટે તેમને ત્યાં મોકલવાની વ્યવસ્થા કરી હતી.
ત્યાર પછી અલ-જુલાની એક હથિયારધારી જૂથ નુસરા ફ્રન્ટ (અથવા જબહત અલ-નુસરા)ના કમાન્ડર બન્યા, જેના ઇસ્લામિક સ્ટેટ સાથે ગુપ્ત સંબંધ હતા. તેમણે યુદ્ધના મેદાનમાં ઘણી 'સફળતાઓ' પ્રાપ્ત કરી.
વર્ષ 2013માં અલ-જુલાનીએ આઈએસ સાથે નુસરા ફ્રન્ટના સંબંધો તોડી નાખ્યા અને તેને અલ-કાયદાના નિયંત્રણમાં લાવી દીધું.
જોકે, વર્ષ 2016માં તેમણે એક રેકૉર્ડેડ સંદેશમાં અલ-કાયદાથી અલગ થવાની જાહેરાત કરી હતી.
2017માં અલ-જુલાનીએ કહ્યું કે તેમના લડવૈયા અન્ય સીરિયન બળવાખોર જૂથો સાથે ભળી ગયા અને હયાત તહરિર અલ-શામ (એચટીએસ)ની રચના કરી.
અલ-જુલાની આ સમગ્ર જૂથને નિયંત્રિત કરે છે.
અલ-જુલાની કેવા પ્રકારના નેતા છે?
વર્ષ 2023માં તુર્કી અને સીરિયામાં ભૂકંપ બાદ અલ-જુલાનીએ મીડિયા સાથે વાતચીત કરી હતી.
અલ-જુલાનીના નેતૃત્વ હેઠળ એચટીએસ ઉત્તર-પશ્ચિમ સીરિયામાં ઇદલિબ અને આસપાસના વિસ્તારોમાં કાર્યરત શક્તિશાળી બળવાખોર જૂથ બની ગયું.
યુદ્ધ પહેલાં આ શહેરમાં 27 લાખની વસતી હતી. કેટલાક અંદાજ મુજબ વિસ્થાપિત લોકોના આગમનને કારણે શહેરની વસતી એક સમયે 40 લાખ સુધી પહોંચી ગઈ હતી.
આ જૂથ ઇદલિબ પ્રાંતમાં 'સાલ્વેશન ગવર્નમેન્ટ'ને નિયંત્રિત કરે છે. તે આરોગ્ય, શિક્ષણ અને આંતરિક સુરક્ષા પૂરી પાડવામાં સ્થાનિક વહીવટીતંત્રની જેમ કામ કરે છે.
વર્ષ 2021માં જ અલ-જુલાનીએ પીબીએસને કહ્યું હતું કે તે વૈશ્વિક જેહાદની અલ-કાયદાની વ્યૂહરચનાનું પાલન કરતા નથી.
તેમણે કહ્યું હતું કે તેમનો મુખ્ય લક્ષ્ય સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદને સત્તા પરથી હટાવવાનો હતો. તેમણે કહ્યું કે 'અમેરિકા અને પશ્ચિમનું પણ આ જ લક્ષ્ય હતું.'
તેમણે કહ્યું, "આ પ્રદેશ યુરોપ અને અમેરિકાની સુરક્ષા માટે ખતરો નથી. આ પ્રદેશ વિદેશી જેહાદને અંજામ આપવાની જગ્યા નથી."
વર્ષ 2020માં એચટીએસે ઇદલિબમાં અલ-કાયદાના અડ્ડા બંધ કરી દીધા, હથિયારો જપ્ત કર્યાં અને તેના કેટલાક નેતાઓને જેલમાં ધકેલી દીધા હતા.
આઈએસના ચરમપંથી સંગઠનના નેતા અબુ-બક્ર અલ-બગદાદીએ જ અલ-જુલાનીને સીરિયામાં મોકલ્યા હતા.
તેમણે ઇદલિબમાં ઇસ્લામિક સ્ટેટની પ્રવૃત્તિ પર પણ અંકુશ લગાવ્યો હતો.
એચટીએસે તેના નિયંત્રણ હેઠળના વિસ્તારોમાં ઇસ્લામિક કાયદો લાગુ કર્યો છે, પરંતુ અન્ય જેહાદી જૂથો કરતાં તે ઓછો આકરો હોય છે.
તેઓ ખ્રિસ્તીઓ અને બિન-મુસ્લિમો સાથે જાહેરમાં સંપર્ક રાખે છે. તેમના 'વધુ પડતા' ઉદાર વલણના કારણે જેહાદી જૂથો તેમની આકરી ટીકા કરે છે.
જોકે, માનવાધિકાર સંગઠનોએ એચટીએસ પર જનતાનાં વિરોધપ્રદર્શનો દબાવવાનો અને માનવ અધિકારોના ઉલ્લંઘનનો આરોપ મૂક્યો છે.
અલ-જુલાનીએ આ આરોપોને નકારી કાઢ્યા છે.
પશ્ચિમ અને મધ્ય પૂર્વની સરકારો અને સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ દ્વારા એચટીએસને ઉગ્રવાદી સંગઠન તરીકે ગણાવવામાં આવ્યું છે.
તેનું કારણ છે કે અલ-જુલાનીનો ભૂતકાળ અલ-કાયદા સાથે સંકળાયેલો રહ્યો છે. અમેરિકાની સરકારે તેમની ધરપકડ કરવા માટે માહિતી બદલ એક કરોડ ડૉલરનું ઈનામ રાખ્યું છે.
No comments:
Post a Comment