Pages

Monday, 6 January 2025

ફરી ખતરાની ઘંટડી!:- Covid-19 હોય કે HMPV... ચીનથી જ કેમ પ્રવેશે ખતરનાક વાઇરસ..? જાણો 1500 વર્ષ જૂના વાઇરસની કહાની.


કોરોના ચીનથી ઉદ્ભવ્યા પછી ભારતમાં પહેલો કેસ કેરળમાં થયો. એના બે દિવસ પછી કોરોનાની એન્ટ્રી ગુજરાતમાં થઈ. રાજકોટના જંગલેશ્વરમાં ગુજરાતનો પહેલો કેસ આવ્યો. છેલ્લા 20 દિવસથી ચીનમાં નવો વાઇરસ ચર્ચામાં છે- HMPV એટલે હ્યુમન મેટાન્યુમોવાઇરસ. આ વાઇરસમાં પણ એવું જ થયું. ચીનમાં ઉત્પાત મચાવ્યો, હવે એની એન્ટ્રી કર્ણાટકમાં થઈ. કર્ણાટકમાં બે કેસ નોંધાયા ને ભારતનો ત્રીજો કેસ ગુજરાતના અમદાવાદમાં આવ્યો. અહીં પણ એવું જ થયું. ભારતનાં બીજાં રાજ્યોમાં વાઇરસ ફેલાય ત્યાં ગુજરાતમાં એન્ટ્રી થઈ જાય છે. શું ગુજરાત એ વાઇરસ માટે સોફ્ટ ટાર્ગેટ છે?

નમસ્કાર,
માણસ અને વાઇરસ વચ્ચે 'વેક્સિન વોર' આજકાલની નથી. માણસો વચ્ચે સદીઓથી અલગ અલગ વાઇરસ આવતા રહ્યા છે. વાઇરસ લાખો લોકોના જીવ લે છે, પણ માણસ વાઇરસ સામે લડવાનું ચૂકતો નથી. વાઇરસ તો આપણી વચ્ચે 1500 વર્ષથી છે. એનાં નામ અલગ અલગ હોઈ શકે, એનાં રૂપ અલગ અલગ હોઈ શકે, એની અસર અલગ અલગ હોઈ શકે, પણ વાઇરસ માણસોની વચ્ચે રહ્યો છે અને રહેવાનો છે. સૌથી મોટી અને ગંભીર વાત એ છે કે તમામ વાઇરસનું ઉદ્ભવ સ્થાન ચીન રહ્યું છે. દરેક વાઇરસનો જન્મદાતા ડ્રેગન છે.

ચીનમાં HMPV વાઇરસ ક્યારે આવ્યો?
ચીનમાં 16 ડિસેમ્બરથી એકાએક તાવ, શરદી, ઉધરસના કેસો વધી ગયા. 22 ડિસેમ્બર સુધીમાં ચીનનાં ઘણાં રાજ્યોમાં બાળકો અને મોટેરાંની હાલત કફોડી થઈ ગઈ. હોસ્પિટલોમાં ભીડ થવા લાગી. વેઇટિંગ એરિયામાં દર્દીઓને બેસાડીને ઓક્સિજન માસ્ક પહેરાવવા પડ્યાં. ચીનની દરેક હોસ્પિટલમાં એવી જ સ્થિતિ છે. આ બધું થયું કોરોના જેવા એક નવા વાઇરસ ફેલાવાને કારણે. આ વાઇરસનું નામ છે- HMPV. એનું આખું નામ છે- હ્યુમન મેટાન્યુમોવાઇરસ. આ વાઇરસનો ચેપ લાગવાથી એ જ બધું થાય, જે કોરોનાથી થતું હતું. આમ તો ચીનમાં આ વાઇરસનો પગપેસારો ઓક્ટોબર-2024થી થઈ ગયો છે. ચીની મીડિયાએ 23 નવેમ્બરે પહેલીવાર આ વાત જાહેર કરી દીધી હતી.

કર્ણાટક અને ગુજરાતમાં HMPV વાઇરસની એન્ટ્રી
કર્ણાટકમાં ત્રણ મહિનાના અને આઠ મહિનાનાં બે બાળકને આ વાઇરસનો ચેપ લાગ્યો હતો તો ગુજરાતમાં પણ એક કેસ આવ્યો છે. ગુજરાતનો કેસ છે તે પરિવાર મૂળ રાજસ્થાનના ડુંગરપુરનો છે અને 24 ડિસેમ્બરે અમદાવાદની ચાંદખેડાની ખાનગી હોસ્પિટલમાં બાળકને દાખલ કરાયું હતું. 26 ડિસેમ્બરે બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, પણ એ MPV વાઇરસ છે, એટલે કે મેટાન્યૂમોવાઇરસ છે. જે વાઇરસ ચીનમાંથી ફેલાયો છે એ HMPV- હ્યુમન મેટાન્યુમોવાઇરસ છે. અમદાવાદમાં જે બાળક દાખલ છે તેને HMPV નથી, પણ માત્ર MPV છે. છતાં HMPVનો રિપોર્ટ આવવાનો બાકી છે.

ગુજરાતમાં જ વાઇરસ વહેલા કેમ આવી જાય છે?
કોરોના હોય કે HMPV વાઇરસ, જ્યારે પણ મહામારીની વાત આવે ત્યારે ગુજરાત પહેલા સપડાઈ જાય છે. આવું કેમ થાય છે? ગુજરાતમાં વાઇરસના કેસ પહેલા આવવાનું કારણ માઈગ્રેશન છે. વિદેશથી અવરજવર કરનારા પ્રવાસીઓ વધારે છે. બીજું, ભારતનાં બીજાં રાજ્યોમાંથી સૌથી વધારે માઈગ્રેશન ગુજરાતમાં થાય છે, જેમ કે આ બાળક રાજસ્થાનનું છે, પણ તેને સારવાર માટે અમદાવાદ લાવવામાં આવ્યું. બીજું કારણ ઈમ્યુનિટી છે. ગુજરાતીઓનો ખોરાક, લાઈફસ્ટાઈલ, લેક ઓફ એક્સર્સાઈઝ, ઓછી નીંદર, આ બધાના કારણે ઈમ્યુનિટી ડાઉન રહે છે એટલે વાઇરસનો ચેપ તરત લાગી શકે છે. ત્રીજું કારણ છે હવામાન. ગુજરાતનું હવામાન બેવડી ઋતુનું છે. શિયાળામાં રાત્રે અને વહેલી સવારે ઠંડી હોય તો બપોરે ગરમી હોય. ડબલ સીઝનના કારણે પણ ઈન્ફેક્શન ઝડપથી ફેલાય છે.

તમામ વાઇરસનું હબ ચીન જ કેમ?
એમાં કોઈ શંકા નથી કે વિશ્વના ઘણા ખતરનાક વાઇરસ ચીનમાંથી ફેલાયા છે. ભલે આપણને લાગતું હોય કે ચીનથી ફેલાયેલી સૌથી ખતરનાક મહામારી કોરોના છે, પણ એવું નથી. ચીનમાંથી ઉદ્ભવેલી સૌથી વિનાશક મહામારી પ્લેગ, જેને બ્લેક ડેથ પણ કહેવાતી, તેણે 1346થી 1353ની સાલ સુધી આફ્રિકા, એશિયા અને યુરોપને તબાહ કરી નાખ્યા. એવો અંદાજ છે કે 7થી 20 કરોડ લોકોએ જીવ ગુમાવ્યા હતા. છઠ્ઠી, 14મી અને 19મી સદીમાં વિશ્વને તબાહ કરનાર પ્લેગની પહેલી વેવ ચીનમાંથી ઉદ્ભવી હતી. જ્યારે છેલ્લાં 100 વર્ષની વાત કરીએ તો ચીનમાંથી 1918, 1957, 2002 અને 2019માં જાતજાતની મહામારી ફેલાઈ ચૂકી છે.

🦠 એશિયન ફ્લૂ :- 1957-1959ની વચ્ચે વિશ્વમાં ભયંકર આફત આવી. એ મહામારીને 'એશિયન ફ્લૂ' નામ આપવામાં આવ્યું હતું. એ ચીનથી આખી દુનિયામાં ફેલાઈ હતી. આ મહામારીનો પ્રકોપ એટલો હતો કે એમાં માત્ર 2 વર્ષમાં જ આ ફ્લૂના કારણે દુનિયાભરમાં લગભગ 20 લાખ લોકોનાં મોત થયાં હતાં.

🦠 સ્પેનિશ ફ્લૂ :- 1918માં એક મહામારી આવી હતી, એ 'સ્પેનિશ ફ્લૂ' તરીકે ઓળખાતી હતી, જોકે આ મહામારી એવા સમયે આવી હતી, જ્યારે પહેલા વિશ્વયુદ્ધની ચર્ચા ચાલી રહી હતી. આવી સ્થિતિમાં તમામ સેન્સરશિપને કારણે એ સ્પષ્ટ નથી કે આ મહામારી વિશ્વમાં કેવી રીતે ફેલાઈ, પરંતુ ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે એની ઉત્પત્તિ પણ ચીનમાં થઈ હતી. 1918ની મહામારીને સદીની સૌથી ઘાતક મહામારી ગણવામાં આવી છે. વિશ્વના 50 કરોડ લોકો, વિશ્વની 30 ટકા વસતિ આ મહામારીની ચપેટમાં આવી ગઈ હતી.

🦠 સાર્સ પેન્ડેમિક :- 2002માં ફેલાયેલો સાર્સ નામનો વાઇરસ ફેલાયો હતો. ચીનમાંથી ઉત્પન્ન થયેલા આ વાઇરસનું સંક્રમણ 30 દેશમાં ફેલાયું હતું. જૂન-2023 સુધી આ વાઇરસ ફેલાતો રહ્યો પછી ગાયબ થઈ ગયો. 21મી સદીની આ પહેલી મહામારી હતી. આ મહામારીએ બહુ મોટી તબાહી નહોતી મચાવી, પણ એક વર્ષમાં 800 લોકોનો ભોગ લીધો હતો.

🦠 કોવિડ-19 :- ડિસેમ્બર 2019માં ચીનના વુહાન શહેરમાંથી ખતરનાક વાઇરસ આખી દુનિયામાં ફેલાઈ ગયો. આ વાઇરસને મહામારી જાહેર કરવામાં આવી. મહામારી કોવિડ-19થી ઓળખાઈ પણ વાઇરસનું નામ કોરોના હતું. આ વાઇરસે લોકોનું જનજીવન ઠપ કરી નાખ્યું હતું. વિશ્વમાં આ વાઇરસે 70 લાખ લોકોનો ભોગ લીધો હતો.

વાઇરસ ફક્ત ચીનથી જ કેમ ફેલાય છે?
વિશ્વના ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીનથી વાઇરસના ફેલાવા પાછળનું કારણ એની ગીચ વસતિ છે. ત્યાંના લોકો ખુલ્લેઆમ કપાયેલાં પ્રાણીઓ વેચે છે અને ખાય છે. સ્વચ્છતાની પણ ઘણી સમસ્યા છે. આ સૌથી મોટું કારણ છે કે કોઈપણ વાઇરસ ઉદ્ભવે તો એ ચીનમાં ઉદ્ભવે છે. ઇકોહેલ્થ એલાયન્સના પ્રમુખ ડૉ. પીટર દાસઝેકે એક ઇન્ટરવ્યૂમાં દાવો કર્યો હતો કે દક્ષિણ-મધ્ય ચીન વાઇરસ માટે 'મિક્સિંગ વેસલ' છે. ગંદકી અને બેદરકારી વચ્ચે મોટેપાયે પ્રાણીઓની હેરાફેરી થાય છે. પશુપાલકો વારંવાર તેમનાં પ્રાણીઓને 'વેટ માર્કેટ'માં લાવે છે, જ્યાં તેઓ તમામ પ્રકારનાં વિદેશી પ્રાણીઓના સંપર્કમાં આવી શકે છે.

ચીનના સાંસ્કૃતિક કારણો પણ જવાબદાર છે.
ચીનમાં સાંસ્કૃતિક કારણો પણ ત્યાં વાઇરસના ફેલાવા માટે જવાબદાર છે. ચીનમાં તાજા માંસનો વપરાશ ઘણો વધારે છે. ચાઈનીઝ લોકો માને છે કે તાજું માંસ ફ્રોઝનની તુલનામાં વધુ સ્વાદિષ્ટ હોય છે. અહીં ખુલ્લામાં માંસ કાપવું એ સામાન્ય બાબત છે, જેના કારણે હંમેશાં વાઇરસ ફેલાવાનો ખતરો રહે છે. ચીની લોકોની બીજી સામાન્ય આદત છે કે જ્યારે કોઈ વ્યક્તિ બીમાર પડે છે ત્યારે મોટા ભાગના લોકો પહેલા ટ્રેડિશનલ ચાઈનીઝ મેડિસિન (TCM) લે છે. જ્યાં લોકોને સારવારના નામે એક્યુપંક્ચર અથવા બોગસ હર્બલનો ઉપાય કરે છે અથવા પ્રાણીઓ સાથે જોડાયેલો ઉપયાર કરે છે. આના કારણે ઘણાં પ્રાણીઓની કતલ થાય છે અને લોકોમાં વાઇરસ ફેલાવવાનું જોખમ પણ વધી જાય છે. ચીન માહિતી છુપાવવા અને ખોટી માહિતી આપવા માટે કુખ્યાત દેશ છે. ખાસ કરીને મહામારીની બાબતમાં તો ચીન ખોટું જ હોય છે. કોરોના રોગચાળા દરમિયાન પણ જોવા મળ્યું હતું. ચીની વૈજ્ઞાનિકોના જાનવરો પરના પ્રયોગો હંમેશાં શંકામાં રહ્યા છે.

નવા HMPV વાઇરસ વિશે જામનગરના ડોક્ટરે દોઢ મિનિટના વીડિયોમાં શું કહ્યું?
જામનગરના ડો. મૌલિક શાહે પોતાના ટ્વિટર હેન્ડલ પર વીડિયો પોસ્ટ કરીને જાણકારી આપી છે. તેઓ કહે છે કે હ્યુમન મેટાન્યુમોવાઇરસ એ નવો ઉદ્ભવેલો કે કોરોના જેવો ખતરનાક વાઇરસ નથી. આ વાઇરસની જાણ સૌથી પહેલા 2001માં નેધરલેન્ડ્સમાં થઈ હતી. એ પછી આ વાઇરસના જિનોમ અને એની લાક્ષણિકતાઓ પર ખૂબ કામ થયેલું છે. આ વાઇરસથી શરદી, ઉધરસ, તાવ, કળતર, શ્વાસમાં તકલીફ, ન્યુમોનિયા, છાતીમાં દુ:ખાવો થાય છે. આ વાઇરસ કોરોનાની જેમ છીંક, ઉધરસ, હાથ મિલાવવાથી નાક અને મોઢામાંથી પ્રવેશે છે.

આ વાઇરસ 5 વર્ષથી નાનાં બાળકો, હૃદયરોગથી પીડિત બાળકો, ડીએનએ ડેમેજ હોય તેને, ઓછી રોગ પ્રતિકારક શક્તિ હોય, કિડનીના રોગ હોય, કેન્સરગ્રસ્ત બાળકોને થઈ શકે. એમાં પણ 1 વર્ષથી નાનાં બાળકોને ન્યુમોનિયા જેવી બીમારી થઈ શકે છે. કોરોનાની જેમ RT-PCR ટેસ્ટ કરીને આ વાઇરસ વિશે જાણી શકાય છે. હાલમાં એની કોઈ વેક્સિન કે એન્ટીવાઇરસ દવાઓ નથી. સવાલ એ થાય કે વાઇરસનો ઉપદ્રવ આપણા માટે ખતરનાક છે? 

ચીનમાં અત્યારે હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે, એની પાછળ માત્ર HMPV વાઇરસ જ જવાબદાર નથી. અત્યારે ચીનમાં HMPV સિવાય બીજા વાઇરસ, જેવા કે કોવિડ-19, RSV વાઇરસ, એડિનો વાઇરસ તેમજ કેટલાક બેક્ટેરિયા, જેમ કે માઈક્રોપ્લાઝમા ન્યુમોનિયા જોવા મળી રહ્યા છે, એટલે કોરોનાની જેમ એક જ વાઈરસથી ખરાબ પરિસ્થિતિ થઈ હતી એવું હાલમાં નથી. આમાં ડર અને અફવા ફેલાવવી નહીં અને એવી કોઈ વાતમાં ભરમાવું પણ નહીં.

No comments:

Post a Comment