Pages

Saturday, 17 August 2024

આજના દિવસે જ ખેંચાઈ હતી ભારત-પાકિસ્તાનના વિભાજનની રેખા:કેવી રીતે નક્કી થયું- કોણ ક્યાં જશે? એક નાની વાતે ભારત પાસેથી છીનવી લીધું લાહોર.


17 ઓગસ્ટ 1947. આઝાદીને બે દિવસ વીતી ગયા હતા, પરંતુ કરોડો લોકો મૂંઝવણમાં હતા કે તેઓ ભારતમાં છે કે પાકિસ્તાનમાં. 17 ઓગસ્ટની બપોર બાદ પાર્ટિશન કમિશનના અધ્યક્ષ સર સિરિલ રેડક્લિફે બોર્ડર એટલે કે વિભાજનરેખાની જાહેરાત કરી.

વિભાજન દરમિયાન અમૃતસર, ફિરોઝપુર અને ગુરદાસપુર પર પાકિસ્તાનનો દાવો મજબૂત હતો, પરંતુ લોર્ડ માઉન્ટબેટનના એક લંચે બાજી પલટી નાખી. બીજી તરફ શીખ પ્રભુત્વ ધરાવતું લાહોર લગભગ ભારતનું જ હતું, પરંતુ રેડક્લિફના એક વિચારે તેને પાકિસ્તાનની ઝોળીમાં મૂકી દીધું.

ભારત-પાકિસ્તાન વિભાજનરેખાની જાહેરાતની આજે 78મી વર્ષગાંઠ છે. આ સ્ટોરીમાં જાણીશું કે રેડક્લિફે ભારતના બે ભાગલા કેવી રીતે પાડ્યા અને લાહોર ભારતના હાથમાંથી કેવી રીતે જતું રહ્યું.



માઉન્ટબેટને એવી વ્યક્તિને પસંદ કરી, જે ક્યારેય ભારત આવી ન હતી.
ભારતના છેલ્લા વાઇસરોય લોર્ડ માઉન્ટબેટનને ભારત-પાકિસ્તાનના ભાગલા પાડવાના હતા. તેમની સામે સમસ્યા એ હતી કે બોર્ડર કોણ બનાવશે? માઉન્ટબેટને ઘણા લોકોનાં નામ પર વિચાર કર્યો, પરંતુ તેમણે સર સિરિલ રેડક્લિફને પસંદ કર્યા.

રેડક્લિફ એ સમયે ઈંગ્લેન્ડના શ્રેષ્ઠ ન્યાયાધીશોમાંના એક હતા. આ કામ તેમણે પહેલાં ક્યારેય કર્યું ન હતું. તેમણે ક્યારેય કોઈ દેશની સીમાઓનું વિભાજન કરવાનું વિચાર્યું પણ નહોતું. આ પહેલાં તે ક્યારેય ભારત પણ આવ્યા નહોતા.

જ્યારે કેટલાક લોકોએ આરોપ લગાવ્યો કે જે વ્યક્તિ જેણે ક્યારેય ભારત જોયું પણ નથી, તે તેનું વિભાજન કેવી રીતે કરશે. ત્યારે બ્રિટિશ સરકારે જવાબ આપ્યો કે આ ખરાબ નથી, પણ સારું છે, જે ક્યારેય ભારતમાં આવ્યા નથી તે ન્યાયી અને ભેદભાવ વગર એનું વિભાજન કરશે.

રેડક્લિફે માઉન્ટબેટનને પહેલા ના પાડી.
રેડક્લિફે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જ્યારે હું માઉન્ટબેટનને મળ્યો ત્યારે મેં ડિકીને કહ્યું કે આ મૂર્ખ વિચાર ક્યાંથી લઇ આવ્યા છો? ન તો હું ઝીણાને મળી શકીશ કે ન નેહરુ પટેલને.

નેતાઓ સાથે વાત કર્યા વિના કોઇ ભાગલા કેવી રીતે પાડી શકે? એના ઉપર તમે ઇચ્છો છો કે 5 અઠવાડિયાંમાં 15 ઓગસ્ટ પહેલાં હું તમને ભારત-પાકિસ્તાનના ભાગલા પાડીને પણ આપી દઉં. આ કેવી રીતે શક્ય બનશે?

ડિકી, તમે જે ભાગલાની વાત કરી રહ્યા છો એ વ્યવહારિક રીતે શક્ય નથી. મને માફ કરશો કે હું એ કરી શકતો નથી અને ન તો એ કરવા માટે મારી પાસે સમય છે.

માઉન્ટબેટનને તેમના નજીકના મિત્રો અને પરિવારજનો 'ડિકી' કહેતા હતા. રેડક્લિફ માઉન્ટબેટનના જૂના મિત્રોમાંના એક હતા.

વિભાજન અંગેની બેઠક દરમિયાન ઝીણા અને નેહરુ સાથે રેડક્લિફ. ઝીણાને આખું પંજાબ જોઈતું હતું, પણ નેહરુ તેમને થોડાં જ શહેરો આપવા માગતા હતા, બાદમાં એ જ થયું.

આખરે વિભાજનરેખા દોરવા સહમત થયા રેડક્લિફ.
સિરિલ રેડક્લિફ અનુસાર, 'મેં ડિકી (માઉન્ટબેટન)ને કહ્યું કે હું જ કેમ? આ કામ તમે કોઈ બીજા પાસેથી કરાવી લો, લંડનમાં બીજા પણ લોકો છે. પછી મને ભૂગોળ પણ સમજાતું નથી. હું એક વકીલ છું. ન તો ક્યારેય ભારત ગયો છું. જોકે માઉન્ટબેટન અડગ રહ્યા અને હું સહમત થયો.

રેડક્લિફ કહે છે, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઈંગ્લેન્ડ લગભગ નાદાર થઈ ગયું હતું. લંડનનો બોજ વહન કરવામાં તે કણસી રહ્યું હતું, તેથી તે શક્ય એટલી ઝડપથી ભારતથી અલગ થવા માગતું હતું. મેં માત્ર મારા દેશ માટે મારું કામ કર્યું છે. જો ભાગલાને કારણે રમખાણો થયાં અને લોકો માર્યા ગયા તો એમાં મારો કોઇ વાંક નથી.

રેડક્લિફને વિભાજન માટે જે પણ સ્ટાફ આપ્યો હતો તેમને માઉન્ટબેટને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી કે કોઈપણ સ્થાનિક રેડક્લિફને મળશે નહીં, જેથી તેઓ તેમનું કામ યોગ્ય રીતે કરી શકે. માઉન્ટબેટન માનતા હતા કે જેટલા રેડક્લિફને સ્થાનિક લોકો વધુ મળશે તેઓ નિર્ણયોને વધુ પ્રભાવિત કરશે.

પાકિસ્તાનમાં બીબીસીના પત્રકાર ઓવેન બેનેટ જોન્સ તેમના પુસ્તક 'પાકિસ્તાન આઈ ઓન સ્ટોર્મ'માં લખે છે કે સર રેડક્લિફના બે નિર્ણયે ગુસ્સાવાળી ચર્ચાને જન્મ આપ્યો હતો. પ્રથમ ફિરોઝપુર અને બીજું ગુરદાસપુર ભારતને આપવું.

પાકિસ્તાનને મળવાનું હતું ફિરોઝપુર, માઉન્ટબેટને પલટી નાખ્યું.
ફિરોઝપુર પાકિસ્તાન માટે બે રીતે જરૂરી અને મહત્ત્વનું હતું. એક- અહીં સિંચાઈનું મુખ્ય મથક હતું, બીજું- અહીં એકમાત્ર શસ્ત્રાગાર પણ હતું. પાકિસ્તાને માની લીધું હતું કે નજીક હોવાના કારણે ફિરોઝપુર તેને જ મળશે. રેડક્લિફ પણ તૈયાર હતા, પરંતુ માઉન્ટબેટ વચ્ચે આવી ગયા.

રેડક્લિફના અંગત સચિવ રહેલા ક્રિસ્ટોફર બ્યુમોન્ટે 1989માં એક લેખમાં જણાવ્યું હતું કે જ્યારે માઉન્ટબેટનને ખબર પડી કે ફિરોઝપુર પાકિસ્તાનમાં જઈ રહ્યું છે ત્યારે તેમણે રેડક્લિફ સાથે લંચ નક્કી કર્યું. આ લંચ એ જ દિવસે રાખ્યું, જોકે આનો કોઈ રેકોર્ડ નથી.

માઉન્ટબેટને રેડક્લિફને વાતો વાતોમાં જ જણાવી દીધું કે ફિરોઝપુર ભારતનો ભાગ હોવો જોઈએ. જો તેઓ પાકિસ્તાનને આપવાનું વિચારી રહ્યા છે તો તેમણે તેમના નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ, પરંતુ બદલી નાખવો જોઈએ. લંચ ખતમ થયું અને માઉન્ટબેટન વાઇસરોય હાઉસમાં આવી ગયા.

રેડક્લિફને લાગ્યું કે માઉન્ટબેટન સાચા છે. સાંજ સુધીમાં રેડક્લિફે પોતાનો નિર્ણય બદલ્યો અને સંદેશ મોકલ્યો કે ફિરોઝપુર ભારતનો ભાગ હશે.

આ વાતનો ખુલાસો એક નકશા દ્વારા થયો, જે રેડક્લિફે 8 ઓગસ્ટ 1947એ પંજાબના છેલ્લા ગવર્નર સર ઇવાન જેનકિન્સને મોકલ્યો હતો. નકશામાં દર્શાવવામાં આવ્યું હતું કે ફિરોઝપુર પાકિસ્તાનનો એક ભાગ છે. આ નકશો 1948માં સામે આવ્યો જ્યારે સર ઇવાન જેનકિન્સની તિજોરી ખોલવામાં આવી.

મુસ્લિમ લીગે અમૃતસર, જલંધર અને બિકાનેરની પણ માગ કરી.
રેડક્લિફનો બીજો વિવાદાસ્પદ નિર્ણય ગુરુદાસપુરને ભારતને આપવાનો માનવામાં આવે છે. પાકિસ્તાની લેખક ચૌધરી મહમદ અલી તેમના પુસ્તક ધ ઇમર્જન્સ ઓફ પાકિસ્તાનમાં લખે છે કે મુસ્લિમ લીગે પાકિસ્તાનની સરહદને પૂર્વ તરફ લાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. તેમણે સમગ્ર લાહોર ડિવિઝન તેમજ જલંધર ડિવિઝનના અડધાથી વધુ ભાગનો દાવો કર્યો હતો.

મુસ્લિમ લીગે પંજાબ બાઉન્ડરી કમિશનને અરજી કરી હતી કે બહાવલપુર મુસ્લિમ શાસક હેઠળનું મુસ્લિમ બહુમતી રાજ્ય હોવાથી અને એનાં હિતો પશ્ચિમી પંજાબ જેવાં જ હતાં. બિકાનેરમાં ભલે હિંદુ રાજા હોઈ, પણ તેઓ સતલજનું પાણી એક નહેરમાંથી લે છે. આ કારણોસર તે પણ પાકિસ્તાનમાં હોવું જોઈએ.

પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે ગુરદાસપુર જિલ્લામાં ગુરદાસપુર અને બટાલા બે મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા તાલુકા હતા. ગુરદાસપુર પઠાણકોટ તાલુકાની સાથે ભારતને એટલા માટે આપવામાં આવ્યું જેથી તેની જમ્મુ-કાશ્મીર સાથે કનેક્ટિવિટી બનાવી શકાય. અમૃતસર જિલ્લામાં મુસ્લિમ પ્રભુત્વ ધરાવતું અજનાલા પણ ભારતને આપવામાં આવ્યું. જલંધર જિલ્લામાં નકોદર અને જલંધર મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા તાલુકા હતા, તે પાકિસ્તાનને આપવાના હતા, પરંતુ એને રેડક્લિફે ભારતને આપી દીધા.

દેશના વિભાજન માટે બે પાર્ટિશન કમિશનની રચના કરવામાં આવી હતી. ફોટામાં બંગાળ પાર્ટિશન કમિશન અને પંજાબ પાર્ટિશન કમિશનના સભ્યો સાથે બંને કમિશનના અધ્યક્ષ સર રેડક્લિફ.

ગુરદાસપુર પાકિસ્તાનમાં જાત, તો અલગ થઈ ગયું હોત કાશ્મીર
સૌથી મોટો વિવાદ ગુરદાસપુરને ભારતને આપવાનો હતો. હકીકતમાં અહીંની અડધી વસતિ મુસ્લિમ હતી. આ પછી પણ રેડક્લિફે એને ભારતને સોંપી દીધું. 'પાકિસ્તાન ધ આઈ ઓફ સ્ટોર્મ'માં લખ્યું છે કે માઉન્ટબેટને જૂનમાં જ કહ્યું હતું કે મુસ્લિમ વસતિ હોવા છતાં પણ ગુરદાસપુર ભારતમાં જઈ શકે છે.

11 મે 1947એ નેહરુ અને માઉન્ટબેટન શિમલામાં મળ્યા હતા. અહીં નેહરુએ ઈચ્છા વ્યક્ત કરી હતી કે તેઓ ફિરોઝપુર અને ગુરદાસપુરને ભારતના ભાગ તરીકે જોવા માગે છે. ગુરદાસપુર લેવા પાછળ કાશ્મીર હતું.

'ધ ઇમર્જન્સ ઓફ પાકિસ્તાન' અનુસાર મુસ્લિમ લીગ માની રહી હતી કે ફિરોઝપુરની જેમ ગુરદાસપુર પણ તેની પાસે જશે. એ સમયે તેના ચાર તાલુકા ગુરદાસપુર, બટાલા અને શકરગઢમાં મુસ્લિમ બહુમતી હતી. માત્ર પઠાણકોટમાં જ હિંદુ બહુમતી હતી.

ગુરદાસપુર જિલ્લો જમ્મુ અને કાશ્મીર રાજ્યને અડીને આવેલો હતો. અહીંથી રેલ અને રોડ કોમ્યુનિકેશન ખૂબ જ સરળ હતું. જો રેડક્લિફે ગુરુદાસપુર ભારતને ન આપ્યું હોત તો ભારત ક્યારેય જમ્મુ-કાશ્મીર સુધી પહોંચી શક્યું ન હોત. પાકિસ્તાન બટાલા અને ગુરદાસપુર તાલુકામાં જ રોકી દેત.

આ બે મુસ્લિમ બહુમતી ધરાવતા તાલુકાઓને પણ ભારતને સોંપીને, રેડક્લિફે ભારતને જમ્મુ-કાશ્મીર સાથે જોડી દીધું અને ભારત અને પાકિસ્તાન વચ્ચેના સૌથી મોટા વિવાદને રસ્તો આપ્યો.

જ્યારે માઉન્ટબેટનને એક પ્રેસ- કોન્ફરન્સમાં ગુરદાસપુર વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે પંજાબના ગુરદાસપુર જિલ્લામાં 50.4% વસતિ મુસ્લિમ છે. 49.6% વસતિ હિન્દુ છે. 0.8%નો તફાવત છે. ગુરદાસપુરના ઘણા મુસ્લિમો ભારતમાં રહેવા માગે છે. જરૂરી નથી કે દરેક મુસ્લિમ શહેર તમને આપવામાં આવે.

સર રેડક્લિફ વ્યવસાયે એક ન્યાયાધીશ હતા. આ પહેલાં ન તો કોઈ દેશનું વિભાજન કર્યું હતું ન તો તે ક્યારેય ભારત આવ્યા હતા.

'મેં લાહોર ભારતને આપી જ દીધું હતું, પણ...'
વરિષ્ઠ પત્રકાર કુલદીપ નય્યર તેમના પુસ્તક 'સ્કૂપ ઇનસાઇડ સ્ટોરીઝ ફ્રોમ ધ પાર્ટિશન ટુ ધ પ્રેઝન્ટ'માં લખે છે કે હું 1971માં સર સિરિલ રેડક્લિફને મળ્યો હતો. તેમણે મારું સ્વાગત તેમના ફ્લેટમાં કર્યું હતું.

જ્યારે મેં તેમને પૂછ્યું કે તેમણે ભાગલા કેવી રીતે પાડ્યા, તો તેમણે કહ્યું કે મારી પાસે આ માટે કોઈ વ્યવહારિક જ્ઞાન નહોતું. અમે ઉપલબ્ધ ડેટાના આધારે વિભાજનરેખા દોરી રહ્યા હતા. કુલદીપે પૂછ્યું કે લાહોરની કહાની શું છે?

ત્યારે રેડક્લિફે કહ્યું હતું કે મેં તમને (ભારત) લગભગ લાહોર આપી દીધું હતું. ત્યારે મને સમજાયું કે પાકિસ્તાન પાસે કોઈ મોટું શહેર તો છે નહીં. મેં પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે હું કોલકાતા ભારતને આપીશ.

લાહોરમાં હિંદુઓ અને શીખોની સારી વસિત હતી. તેની પાસે ત્યાં ઘણી મિલકતો પણ હતી. મારી પાસે કોઈ વિકલ્પ નહોતો. મારે પાકિસ્તાનને એક મોટું શહેર આપવાનું જ હતું, તેથી મેં તેમને લાહોર આપી દીધું.

'સર, દાર્જિલિંગને પાકિસ્તાનમાં સામેલ કરી દો'
બાઉન્ડરી કમિશનના અધ્યક્ષ સર સિરિલ રેડક્લિફ હતા. તેમના સિવાય અન્ય ચાર સભ્ય હતા. એમાં ભારતના મેહરચંદ મહાજન અને તેજા સિંહ હતા. દીન મોહમ્મદ અને મોહમ્મદ મુનીર પાકિસ્તાનના હતા. વિભાજનની આખી પ્રક્રિયા ઘણી બાબતોમાં તદ્દન કેઝ્યુઅલ હતી. તેની ઓળખ એક ઘટનામાં મળે છે.

પાકિસ્તાનના સભ્યે એક વખત રેડક્લિફને એકલા જોઈને કહ્યું, 'સર, તમને એક વિનંતી છે. તમે દાર્જીલિંગનો પાકિસ્તાનમાં સમાવેશ કરી લો, કારણ કે મારો પરિવાર દર ઉનાળામાં દાર્જીલિંગ જાય છે.

No comments:

Post a Comment