Pages

Sunday, 21 January 2024

108 ફૂટ લાંબી અગરબત્તી, અજય બાણ, 1,100 કિલો સ્ટીલનો દીવો સહિત આ વસ્તુઓ વધારશે અયોધ્યાની શોભા, જાણો વિગતે...


ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરીના રોજ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. 16 જાન્યુઆરીથી પ્રાણ પ્રતિષ્ઠા અનુષ્ઠાનની શરૂઆત થઈ ગઈ છે. આ કાર્યક્રમને લઈને દેશ-વિદેશમાં હિંદુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યા છે. દેશ-વિદેશથી લોકો અયોધ્યા પહોંચી રહ્યા છે. આ સાથે જ દેશ-વિદેશથી વિવિધ વસ્તુઓ અયોધ્યા પહોંચાડવામાં આવી રહી છે.

ત્યારે ગુજરાતમાંથી પણ ઘણી બધી વસ્તુઓ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે મોકલવામાં આવી છે. ત્યારે જાણો તમામ વસ્તુઓ વિશે.

108 ફૂટ લાંબી અગરબત્તી :-
વડોદરામાંથી 108 ફૂટ લાંબી અગરબત્તી મોકલવામાં અયોધ્યા મોકલવામાં આવી છે. જેને 16 જાન્યુઆરીના રોજ પ્રગટાવવામાં આવી હતી. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસ મહારાજની હાજરીમાં આ અગરબત્તી પ્રગટાવવામાં આવી હતી. પર્યાવરણને અનુકૂળ આ અગરબત્તી લગભગ દોઢ મહિના સુધી ચાલશે અને તેની સુગંધ ઘણા કિલોમીટર સુધી ફેલાશે. આ અગરબત્તીની ઉંચાઈ દિલ્હીના કુતુબ મીનારની લગભગ અડધી છે.

આ અગરબત્તી વડોદરાના વિહા ભરવાડે તૈયાર કરી છે. તેમણે જણાવ્યું કે, આ અગરબત્તીનું વજન 3,610 કિલોગ્રામ છે અને તે લગભગ 3.5 ફૂટ પહોળી છે. તેને 376 કિલો ગુગ્ગુલુ (ગમ રેઝિન), 376 કિલો નારિયેળના છીપ, 190 કિલો ઘી, 1,470 કિલો ગાયનું છાણ અને 420 કિલો ધૂપની લાકડીઓ મિક્સ કરીને બનાવવામાં આવી છે.

 
1,100 કિલો સ્ટીલનો દીવો :-
વડોદરાના રામભક્તે 1100 કિલો વજન ધરાવતો વિશાળ દીવો બનાવડાવ્યો છે. રામ ભક્ત અરવિંદભાઈ મંગળભાઈ પટેલે 1100 કિલોનો સ્ટીલનો દીવો બનાવ્યો છે. જેની ઊંચાઈ 9.25 ફૂટ, પહોળાઇ 8 ફૂટ છે. દીવામાં ઘીની ક્ષમતા 501 કિલો છે અને દીવાની દિવેટ 15 કિલોના કોટનથી બનાવવામાં આવી છે.

રામ મંદિરની પ્રિન્ટવાળી ખાસ સાડીઓ :-
સુરતના કપડાં વેપારી લલિત શર્મા તથા રાકેશ જૈને એક વિશેષ સાડી તૈયાર કરી છે, જે ભારતના તમામ રામ મંદિરોમાં માગના આધારે નિઃશુલ્ક મોકલાશે તથા એક સાડી અયોધ્યા તથા જનકપુરીમાં માતા સીતા માટે મોકલવામાં આવશે.
 
અયોધ્યા શ્રી રામ મંદિરમાં સ્થાપિત થશે 44 ફૂટ લાંબો ધ્વજદંડ
અમદાવાદની શ્રી અંબિકા એન્જિનિયરિંગ વર્ક્સ દ્વારા અયોધ્યા શ્રી રામ મંદિરમાં સ્થાપિત કરવા માટે ધ્વજદંડ તૈયાર કરવામાં આવ્યો છે. એક મુખ્ય ધ્વજદંડની સાથે સાત ધ્વજદંડ બનાવવામાં આવ્યા છે. જેમાંથી મુખ્ય ધ્વજદંડનું વજન 5500 કિલો અને તેની લંબાઈ 44 ફૂટની છે.

અયોધ્યા શ્રી રામ મંદિર માટે ડબગર સમાજે બનાવ્યું 500 કિલોનું 56 ઈંચ મોટું નગારું :-
અમદાવાદમાં અખિલ ભારતીય ડબગર સમાજ દ્વારા ભવ્ય નગારું રામ મંદિરમાં ભેટમાં આપવામાં આવશે. આ નગારાનું વજન 500 કિલો છે અને તેની પહોળાઈ 56 ઈંચ છે. રામ મંદિર માટે તૈયાર કરવામાં આવેલા નગારામાં સોના અને ચાંદીનો ઢોળ પણ ચઢાવવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમાં નકશીકામ પણ કરાયું છે.

આ નગારું અયોધ્યા રામ મંદિરમાં પ્રવેશ કરતા સિંહદ્વાર પર મૂકવામાં આવશે. આ નગારું તૈયાર કરવામાં 8 લાખનો ખર્ચ થયો છે. આ નગારાને તૈયાર કરવામાં માટે 25થી વધુ કારીગરો દ્વારા 24 કલાક કામ કરવામાં આવી રહ્યું હતું. આ નગારાને ઉત્તરપ્રદેશના 10 કારીગરો દ્વારા કલાકૃતિ કામ કરાશે.

નગારાની વિશેષતા :-
• 500 કિલો વજન
• 56 ઇંચ ઊંચું
• 56 ઇંચ પહોળું
• સોના-ચાંદીના વરખની પ્રતિકૃતિથી તૈયાર કરાશે
• 1 હજાર વર્ષ નગારાનું આયુષ્ય
• નગારાની આગળ એક રથ તૈયાર કરવામાં આવશે. જેમાં રામ-સીતા માતા અને લક્ષ્‍મજી બિરાજશે.
• રામ મંદિરમાં કુલ 4 નગારા મૂકાશે.
• 25 કરીગરોએ 3 મહિના અલગ-અલગ શિફ્ટમાં 24 કલાક કામ કરી તૈયાર કર્યું.

અજયબાણ :-
અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા પૌરાણિક ધર્મગ્રંથોમાં વર્ણવેલ શક્તિબાણ - અજયબાણની પ્રતિકૃતિનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે અયોધ્યા ખાતે નિર્માણધીન રામ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે. આ અજયબાણના નિર્માણમાં 5 દિવસનો સમય લાગ્યો છે. 15 કારીગરોએ દિવસ રાત 24 કલાકની મહેનતને અંતે અજયબાણનું નિર્માણ કર્યું છે. 5 ફૂટ ની લંબાઈ અને 11.5 કિલોગ્રામ વજન ધરાવતું પંચધાતુમાંથી નિર્મિત આ અજયબાણ બનાવવામાં અંદાજીત 5 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. આ અજયબાણને અંબાજી ખાતે લાવવામાં આવ્યું હતું. જે અજયબાણને ગબ્બર ઉપર લઇ જઈને તેની પૂજા અર્ચના કરી આરતી ઉતારવામાં આવી હતી.

પાઈનવુડમાંથી બનાવ્યું સૌથી મોટું રામ મંદિર :-
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલ એસ્ટેટ ઈન્ડસ્ટ્રીઝમાં પાઈનવુડ પર કામ કરતાં 3 યુવાનોએ અયોધ્યામાં નિર્માણ પામી રહેલા ભવ્ય રામ મંદિરની 3D ઈમેજ જોયા બાદ આવી જ આબેહુબ પ્રતિકૃતિ બનાવવાનો વિચાર આવ્યો હતો. આથી તેમણે મંદિરની સમગ્ર ડિઝાઈનનો બારીકાઈથી અભ્યાસ કર્યા બાદ સતત 4 દિવસ સુધી 24 કલાક કામ કરીને આ મંદિર તૈયાર કર્યું છે.

640 સ્ક્વેર ફૂટ પાઈનવુડની મદદથી બનેલા આ મંદિરનું વજન 200 કિલો છે. જેની લંબાઈ 7 ફૂટ, પહોળાઈ 4 ફૂટ અને ઊંચાઈ 5 ફૂટ છે. પૂણેના એક વ્યક્તિ દ્વારા આ મંદિરને ખરીદવામાં આવ્યું છે. જેઓ અયોધ્યા ખાતે આ મંદિરને સમર્પિત કરશે.

રામ મંદિરની થીમ પર નેકલેસ :-
સુરતના જ્વેલર્સે 5 હજાર હીરાથી રામ મંદિરની થીમ પર નેકલેસ બનાવ્યો સુરતના રશેસ જ્વેલર્સના કૌશિક કાકડિયાએ 5000 હીરા અને 2 કિલો ચાંદીની મદદથી રામ મંદિરની થીમ પર નેકલેસ બનાવ્યો છે. 40 કારીગરોએ 35 દિવસની અંદર બનાવેલો આ હાર અયોધ્યામાં રામ મંદિરને ભેટમાં આપવામાં આવશે.

વડોદરામાં રામ મંદિર માટે બની છે તકતીઓ :-
વડોદરામાં મકરપુરા જીઆઈડીસીમાં બરોડા મેટલ લેબલ વર્કર્સમાં અયોધ્યા શ્રી રામ મંદિર માટે ભગવાન રામની મહિમાઓનું વર્ણન કરતી પિત્તળની તકતીઓ બનાવવામાં આવી છે. 43.54 ઇંચ અને 6 એમએમ જાડી તેમજ બીજી 15.36 ઇંચ બાય 6 એમએમ જાડી એવી રીતે કુલ 8 પિત્તળની તકતીઓ પર રામાયણની ગાથા લખેલી છે.

✒️ Vats Asodariya (કટ્ટારની કલમે)

Follow Us On Over Social Media Platforms:-
Facebook :- @Vats Asodariya 
Instagram :- @vats_asodariya
YouTube :- VA Digital

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
Ignore Tags 🤫
#vats_asodariya #va_blog #va_digital #india #કટ્ટારની_કલમે

No comments:

Post a Comment