દેશના જાણીતા ઇકોનોમિસ્ટ સુરજિત ભલ્લાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીનાં પરિણામોમાં ભાજપને સ્પષ્ટ બહુમતી ન આવી એની પાછળનું કારણ મિડલ ક્લાસની નારાજગી છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના ડાયરેક્ટર રહી ચૂકેલા ભલ્લાએ સ્પષ્ટ કહ્યું હતું કે મિડલ ક્લાસ ડગલે ને પગલે ટેક્સ ચૂકવે છે. તેમણે તો ત્યાં સુધી કહ્યું હતું કે આ વખતના બજેટમાં 1991 જેવા સુધારા લાવવાની જરૂર છે. તેમની વાત ખોટી નથી. મિડલ ક્લાસને મોંઘવારીએ અજગરભરડો લઈ લીધો છે. હવે આ વર્ગ એ આશા રાખીને બેઠો છે કે 2025ના બજેટમાં મિડલ ક્લાસ માટે રાહતનો પટારો ખૂલશે.
નમસ્કાર,
2014થી 2024 સુધી મોદી સરકારે જે જે બજેટ રજૂ કર્યાં ત્યારે ત્યારે ભાજપની બહુમતી હતી. આ વખતે ટેકાના બળે ઊભેલી મોદી સરકારને બજેટમાં રાહતની જાહેરાતો કરવી પડશે. યુવાવર્ગ હોય, ખેડૂત હોય, મહિલા હોય, ધંધાર્થી હોય કે લઘુ ઉદ્યોગો હોય, દરેક ક્ષેત્રમાં નવો સંચાર થાય એ જરૂરી છે. એક સમયના આર્થિક સલાહકાર અને રાજ્ય નાણામંત્રી જયંત સિન્હાએ બજેટ માટે ત્રણ સૂચનો કર્યાં છે. જયંત સિન્હા અત્યારે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં વિઝિટિંગ પ્રોફેસર છે. તેમણે જે ત્રણ સૂચન કર્યાં છે એમાં -
પહેલું સૂચન :- ફ્યુચરમાં હાઇ વેલ્યુ નોકરી પેદા કરવા માટે ફ્રંટિયર ટેક્નોલોજી પર ખર્ચ વધારવો જોઈએ. ફ્રંટિયર ટેક્નોલોજી એટલે AI, ક્વોન્ટમ કોમ્પ્યુટર, બ્લોક ચેઇન ટેક્નોલોજી વધી રહી છે. એમાં જો પ્રોત્સાહન આપવામાં આવે તો નવી નોકરીઓની તકો સર્જાશે.
બીજું સૂચન :- રોજગાર યોજનાઓ પર ખર્ચ વધારવો જોઈએ. કેન્દ્ર સરકારનું જુલાઈમાં વચગાળાનું બજેટ આવ્યું હતું એમાં નાણામંત્રીએ રોજગારીના સર્જનને પ્રાધાન્ય આપવાની વાત કરી હતી. સરકારી યોજનાઓ છે બહુ સારી, પણ બને એટલો જલદી એનો અમલ થાય એ પણ જરૂરી છે. આ વખતના બજેટમાં વધારેમાં વધારે રોજગાર સર્જનને પ્રાધાન્ય મળે એ જરૂરી છે.
ત્રીજું સૂચન :- 10 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવકને ટેક્સ ફ્રી કરવામાં આવે એ જરૂરી છે. દરેક વ્યક્તિને સૌથી વધારે રસ ઇન્કમટેક્સ સ્લેબમાં છે. આજના સમયે 8 લાખ સુધી કોઈ ટેક્સ ભરવાની જરૂર નથી, જો તમે સ્ટાન્ડર્ડ ડિડક્શન લઈ લો છો તો. જો આને 10 લાખ સુધી લઈ જવામાં આવશે તો સૌથી મોટો ફાયદો મધ્યમવર્ગને થશે. મિડલ ક્લાસ આમ પણ જીએસટી અને બીજા બધા ટેક્સ ઓલરેડી આપી રહ્યો છે. જો ઈન્કમટેક્સ સ્લેબ 10 લાખ કરવામાં આવે તો મધ્યમવર્ગના ખિસ્સામાં દર વર્ષે 30થી 50 હજાર રૂપિયા બચશે.
બજેટમાં સૌથી વધારે ચર્ચા મિડલ ક્લાસની થાય છે. મિડલ ક્લાસમાં કોણ કોણ આવે? મિડલ ક્લાસની વ્યાખ્યા શું? તો ભારતની કુલ વસતિને ત્રણ વર્ગમાં વહેંચી શકાય.
🔸અમીર વર્ગ: જેની વાર્ષિક આવક 10 લાખથી વધુ છે તેવા 15 કરોડ લોકો.
🔸મધ્યમવર્ગ : જેની વાર્ષિક આવક 3 લાખથી 10 લાખ સુધીની છે તેવા 50 કરોડ લોકો.
🔸બાકીનો વર્ગ : જેની વાર્ષિક આવક 3 લાખથી ઓછી હોય તેવા 80 કરોડ લોકો, જેને પ્રધાનમંત્રી યોજના હેઠળ અનાજ મળે છે.
🛑 ભારતની કુલ વર્કફોર્સ કેટલી છે?
વર્કફોર્સ એટલે કામ કરનારા લોકો. પછી એ નોકરિયાત હોય, ધંધાર્થી હોય, નાનું-મોટું કામ કરનારા લોકો હોય કે મજૂર હોય. જે લોકો કામ કરે છે એને વર્કફોર્સ કહેવાય. અત્યારે સિચ્યુએશન એવી છે કે આ વર્કફોર્સમાં નવા નવા સ્ટુડન્ટ્સની સંખ્યા ઉમેરાતી જાય છે. ભારતમાં નોકરી અને કામ-ધંધા કરનારા 15થી 64 વર્ષના લોકોની વાત કરીએ તો આવનારાં પાંચ વર્ષમાં ભારત દુનિયાનો એકમાત્ર દેશ એવો હશે, જ્યાં વર્કફોર્સ સૌથી વધારે હશે.
2023-24ના આંકડા મુજબ 62.5 કરોડ લોકો કામ કરે છે.
2030 સુધીમાં કુલ વર્કફોર્સ 100 કરોડ થવાનું અનુમાન છે.
શ્રમ ભાગીદારી દર એટલે કે લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટનો ગ્રાફ શું રહ્યો છે?
શ્રમ ભાગીદારી દર મધ્યમવર્ગ માટે બહુ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે મધ્યમવર્ગનો વિસ્તાર કરીને સમજીએ તો જે લોકો રોજની કમાણી કરે છે, રોજનું કમાય ને રોજનું ખાય છે, જેમ કે ખેડૂત, મજૂર, છૂટક કામ કરનારા લોકોની કમાણી છે. આવા લોકોનો રેટ ઊંચો આવે, તેમને વધારે કામ મળે અને વધારે કમાણી થાય એવા પ્રયાસ કરવા જોઈએ. અત્યારે સમસ્યા એ છે કે લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ સતત ઘટતો જાય છે અને એને વધારવો બહુ જરૂરી છે. આ વધશે તો મિડલ ક્લાસની ઇન્કમ પણ સુધરશે.
છેલ્લાં 10 વર્ષમાં લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ આ રીતે રહ્યો છે.
2015 - 53.9%
2016 - 47%
2017 - 54.5%
2018 - 54.2%
2019 - 53.9%
2020 - 53.2%
2021 - 54.1%
2022 - 55.4%
2023 - 60.1%
2024 - 50.4%
બેરોજગારી દર છેલ્લા દાયકામાં ખૂબ વધ્યો છે. ચૂંટણી આવે ત્યારે બેરોજગારોને રોજગારી આપવાનાં વચનોની લહાણી થાય છે એ વાત અજાણી નથી. બેરોજગારીનો દર વધવાનું સૌથી મોટું કારણ કોરોનાને માનવામાં આવે છે. બેરોજગારીનો દર કોરોના પહેલાં ઘટતો જતો હતો. 2019-2020 સુધી બેરોજગારી ઘટાડા તરફ હતી. 2022-2023માં મોટા ભાગના લોકો કોરોનાના ભયથી શહેર છોડીને ગામડાંમાં ચાલ્યા ગયા. ખેતી કરવા લાગ્યા. આને કારણે બેરોજગારી ઘટી છે એવું આપણે માનવા લાગ્યા. હવે જ્યારે આ લોકો ફરી શહેરો તરફ આવી રહ્યા છે, ફરી વર્કફોર્સમાં જોડાઈ રહ્યા છે ત્યારે 2024નો આંકડો જ બતાવે છે કે બેરોજગારીનો દર કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. હવે એ સમય આવી ગયો છે કે આપણે એ સ્ટ્રેટેજી બનાવવી પડશે કે નવા લોકોને કામ કેવી રીતે મળે, તેમને વર્કફોર્સમાં કેવી રીતે સમાવી શકાય. આપણે ત્યાં સ્કિલ્ડ એમ્પ્લોયીઝ ઓછા છે અને અનસ્કિલ્ડ એમ્પ્લોયીઝ વધારે છે. જેમની પાસે આવડત નથી તેમને કામ કેવી રીતે મળે એ વિચારવાનું છે, એટલે જ સરકારે ગયા બજેટમાં ટ્રેનિંગની સ્કીમ લોન્ચ કરી હતી. ઇન્ટર્નશિપની યોજનાઓ મૂકી હતી, એટલે ટ્રેનિંગ અને સ્કિલ બિલ્ડિંગ પર સરકાર વધારે ફોક્સ કરે છે, પણ એનો અમલ સારી રીતે થાય એ પણ એટલું જ જરૂરી છે.
અર્થશાસ્ત્રી ભલ્લાએ કહ્યું, મિડલ ક્લાસની નારાજગીને કારણે ભાજપને ઓછી સીટો આવી.
મધ્યમવર્ગ આમ પણ ઘણા પ્રકારનો ટેક્સ ચૂકવે છે, ઠીક છે. મિડલ ક્લાસનો જે માણસ વર્ષે 15થી 20 લાખ કમાતો હોય તેની આવકના 40થી 45 ટકા રકમ તો ટેક્સમાં જાય છે. આજે મિડલ ક્લાસની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. એક સમયે લક્ઝુરિયસ ગણાતી વસ્તુઓ જરૂરિયાત બની ગઈ છે. કોઈ વ્યક્તિ ફ્રિજ ખરીદે તો ટેક્સ આપવાનો, કોઈ કાર ખરીદે તો ટેક્સ આપવાનો, કોઈ એસી ખરીદે તો ટેક્સ આપવાનો, કોઈ હોટલમાં જમવા જાય તો ટેક્સ આપવાનો. આજનો મિડલ ક્લાસ બધું ખરીદે છે. બધું માણે છે. તો પછી દરેક વસ્તુ પર ટેક્સ લાદી-લાદીને મધ્યમવર્ગને પરેશાન કેમ કરવાનો? આ બધાને કારણે મિડલ ક્લાસમાં ગુસ્સો છે. તે સતત અપસેટ રહે છે. સુરજિત ભલ્લાએ એવું પણ સ્પષ્ટ રીતે કહ્યું કે લોકસભાની ચૂંટણી પહેલાં મેં અને મારા જેવા બીજા એક્સપર્ટે ભાજપની સીટનાં અનુમાન કર્યાં હતાં, પણ એ બધાં ખોટાં પડ્યાં. અમે ભાજપને ઓછી સીટ આવી, એનું એનાલિસિસ કર્યું ત્યારે સમજાયું કે ભાજપને ઓછી સીટ મળી એ માત્ર ને માત્ર મિડલ ક્લાસની નારાજગીને કારણે મળી. સરકારે એ સમજવું પડશે કે જો તમે મિડલ ક્લાસ સાથે રમી રહ્યા છો તો સમજજો કે તમે જોખમ સાથે રમી રહ્યા છો.
🛑 છેલ્લાં 10 વર્ષનો બેરોજગારીનો દર
2015 - 7.89%
2016 - 7.80%
2017 - 7.72%
2018 - 7.65%
2019 - 6.51%
2020 - 7.86%
2021 - 6.38%
2022 - 4.82%
2023 - 4.17%
2024 - 8.3%
(2023 કરતાં 2024માં બેરોજગારીનો દર સીધો ડબલ થઈ ગયો છે)
કરકસરથી રહેવું એ મિડલ ક્લાસની મજબૂરી.
મિડલ ક્લાસ માટે સૌથી અગત્યનો છે મોંઘવારી દર. દિવસે દિવસે મોંઘવારી દર વધતો જાય છે અને એની સૌથી મોટી અસર મિડલ ક્લાસ પર પડે છે, કારણ કે આવક તો જે હતી એ જ છે, પણ મોંઘવારી વધતી જાય છે. મિડલ ક્લાસ કરકસરથી રહે છે એ એની મજબૂરી છે. ફ્રિજનો ઉપયોગ શું? ખાવા-પીવાની વસ્તુઓ લાંબા સમય સુધી બગડે નહીં એટલે. બરાબર? પણ મિડલ ક્લાસની વાત જુદી છે. સવારે રોટલી કે ભાત વધ્યા હોય તો રાત્રે ચાલશે એટલે ફ્રિજમાં મૂકી દેવાનાં. સેલ ક્યાં ચાલે છે, ફાયદો ક્યાં થાય એમ છે, એ જગ્યાએથી ખરીદી કરવાની. નજીકમાં ચાલીને જવાતું હોય તો સ્કૂટર લઈને નથી જવું. આ મિડલ ક્લાસનો મિજાજ નથી, મજબૂરી છે. સવારે ઊઠવાનું. નોકરીએ જવાનું. ઘરે પત્ની રસોઈ કરે. અઠવાડિયે એક રજા આવે ને જો ભૂલથીય ફરવા જવાઈ ગયું તો હજાર-બે હજારનો ખર્ચો સહેજ થઈ જાય. આ બધું મિડલ ક્લાસને પરવડે નહીં છતાં આજે હાલત એવી છે કે મહિનો પૂરો થવામાં હોય તો બેન્ક એકાઉન્ટમાં હજાર, બે હજાર રૂપિયાય માંડ હોય.
🛑 છેલ્લાં 10 વર્ષનો મોંઘવારી દર
2015 - 4.91%
2016 - 4.95%
2017 - 3.33%
2018 - 3.94%
2019 - 3.73%
2020 - 6.62%
2021 - 5.13%
2022 - 6.7%
2023 - 5.49%
2024 - 5.22%
1990માં ઉદારીકરણે મિડલ ક્લાસની વ્યાખ્યા બદલી નાખી.
1990ના દાયકામાં ભારતમાં મંદીનો દોર ચાલતો હતો. મધ્યમવર્ગની હાલત પણ ગરીબ જેવી થઈ ગઈ હતી. ત્યારે નરસિમ્હારાવની સરકારે ઉદારીકરણની નીતિ અપનાવી. તેમણે ભારતનું માર્કેટ મલ્ટીનેશનલ કંપનીઓ માટે ખોલી દીધું. એના કારણે મિડલ ક્લાસને નોકરીઓ મળવાની શરૂ થઈ. એ સમયે મધ્યમવર્ગનું માળખું જ બદલાઈ ગયું. ફાઇનાન્સ અને આઇટી જેવાં સેક્ટરમાં નવી નોકરીની તક ઊભી થઈ. એ સમય એવો હતો કે મિડલ ક્લાસ માણસ સરકારી નોકરીની રાહ જોતો બેઠો હોય, પણ સમય હાથમાંથી સરકતો જતો હોય. એ સમયે પ્રાઈવેટ સેક્ટર જોબનું માર્કેટ ઓપન થયું ને નવી ઘણી નોકરીની તક ઊભી થઈ. પછી તો સિક્યોરિટી ગાર્ડ, ઘરનું કામ કરનારા, નાના વેપારીઓ, નાનકડી દુકાન ચલાવનારા ધંધાર્થીઓ કમાતા થયા. મિડલ ક્લાસનું અર્થતંત્ર ચેતનવંતુ બન્યું. મિડલ ક્લાસ માટે મોંઘવારી દર ઘટવો એ મોટી વાત છે, પણ મોંઘવારી દરને કાબૂમાં તો રાખવો પડશે, પણ રોજગારમાં વેજ ગ્રોથ છે, એટલે કે પગારમાં પણ સારોએવો વધારો થતો જાય તો જ મોંઘવારી સામે ફાઇટ આપી શકાય, પણ આજે સમસ્યા એ છે કે લોકોની આવક સ્ટેબલ છે ને મોંઘવારી વધતી જાય છે.
છેલ્લે,
2014માં ફ્રેશર આઇટી એન્જિનિયરનો પગાર 3.5 લાખ હતો. દસ વર્ષ પછી 2024માં પણ એટલો જ 3.5લાખ પગાર જ છે. આજની મોંઘવારીના હિસાબે ફ્રેશર આઇટી એન્જિનિયરની સેલરી વર્ષે 6 લાખ હોવી જોઈએ.
No comments:
Post a Comment