ભારતને આઝાદી મળી એ પછીના દિવસે એટલે કે 1947ની 16 ઓગસ્ટે છાપાંઓમાં આગલા- 15 ઓગસ્ટના- દિવસના જે સમાચારો ચમક્યા તેમાં આ આ ચાર મુખ્ય હતા.
પહેલાં સ્વાભાવિક સમાચાર એ હતા કે આખા દેશમાં પ્રચંડ ઉત્સાહ સાથે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીઓ થઈ. સદીઓની ગુલામીના અંતને લોકોએ મન મૂકીને ઉજવ્યો.
બીજા મોટા સમાચાર એ હતા કે પંદરમી ઓગસ્ટે જવાહરલાલ નહેરુએ વાઈસરોયને કેબિનેટ મિનિસ્ટર્સની જે યાદી આપી તેમાં કાયદાપ્રધાન તરીકે બાબાસાહેબ આંબેડકરનું નામ હતું.
લાંબા સમયથી કોંગ્રેસનો આકરો વિરોધ કરતા આવેલા બાબાસાહેબ છેવટે કોંગ્રેસની આગેવાનીની સરકારમાં જોડાયા એ બહુ મોટી ઘટના હતી. આમ તો છેલ્લા કેટલાક મહિનાથી કોંગ્રેસ તથા બાબાસાહેબ વચ્ચે સાથ-સહકાર-સમાધાનના થોડાથોડા સંકેતો મળી રહ્યા હતા. 1947ના ફેબ્રુઆરી મહિનામાં બાબાસાહેબે મુંબઈમાં કાનજી દ્વારકાદાસને કહેલું કે કોંગ્રેસ સામે અનેક વાંધાઓ હોવા છતાં સર્વપ્રથમ તો એ રાષ્ટ્રવાદી છે અને એ ઝીણા જેવો (ભારતવિરોધી, ભાગલાવાદી) અભિગમ નહીં જ દાખવે.
આઝાદ ભારતની કોંગ્રેસની સરકારમાં જોડાવા બાબતે બાબાસાહેબની બે શરતો આ હતીઃ શેડ્યુલ્ડ કાસ્ટ્સ માટે સેપરેટ ઇલેક્ટોરેટ (મુસ્લિમ લીગની માફક અલગ મતદારમંડળ) અને ધારાસભાઓમાં અનામત બેઠકો. ગાંધીને અલગ મતદારમંડળની માગણી મંજૂર નહોતી. એ માગણી હિંદુઓ વચ્ચે ભાગલા પડાવનારી સાબિત થવાનો એમને ડર હતો. એમના મતે અલગ નહીં બલકે સંયુક્ત મતદારમંડળ અને ધારાસભોમાં અનામત બેઠકો એ શ્રેષ્ઠ વિકલ્પ હતો. કોંગ્રેસના નેતા જગજીવનદાસ સતત બાબાસાહેબના સંપર્કમાં હતા. એમણે ગાંધીજીને લખ્યું કે શેડ્યુલ્ડ કાસ્ટનો મામલો વકરીને, વરવો વળાંક લઈને મુસ્લિમ મુદ્દા જેટલો વિકરાળ બને એ પહેલાં જૂના વિરોધીઓ (કોંગ્રેસ-આંબેડકર) હાથ મિલાવી લે તો સારું પડશે. છેવટે સહમતી સધાઈ અને પંદરમી ઓગસ્ટે બાબાસાહેબનો કોંગ્રેસ સરકારમાં સમાવેશ થયાની સત્તાવાર જાહેરાત થઈ.
ત્રીજા સમાચાર. કલકત્તામાં અતિ વ્યથિત ગાંધી 15 ઓગસ્ટે થોડા સ્વસ્થ થયા. બંગાળમાં ભયાનક કોમી હિંસા વચ્ચે પહોંચેલા ગાંધીને પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી પી. સી. ઘોષે સ્વાતંત્ર્ય દિવસના પાંચ દિવસ અગાઉ પૂછેલું કે આઝાદીની ઉજવણી કઈ રીતે કરવી, ત્યારે નારાજ ગાંધીજીએ કહેલું, `કેમ? પ્રાર્થના કરવાની, ઉપવાસ કરવાના, ચરખો ચલાવવાનો. આખો દેશ જ્યારે ભડકે બળી રહ્યો હોય અને લોકો અન્ન-વસ્ત્રના અભાવે મરી રહ્યા હોય ત્યારે બીજું વળી શું કરવાનું?'
કલકત્તા ઠરી નહોતું રહ્યું એ વાતની નારાજગી સાથે 14 ઓગસ્ટની રાતે ગાંધી કલકત્તાના બેલિયાઘાટ વિસ્તારમાં હૈદરી મંઝિલ નામના મકાનમાં રાતે બાજુમાં ચોકઠું ભરેલો ગ્લાસ તથા ચશ્માં મૂકીને ઊંઘી ગયા હતા. રાતના બાર વાગ્યે એ આઝાદી ઊજવવા જાગ્યા નહોતા. પણ સવારે જાગ્યા પછી એમને જાણવા મળ્યું કે શહેરમાં રમખાણો ચમત્કારિક રીતે અટકી ગયાં હતાં અને હિન્દુઓ તથા મુસ્લિમો સાથે મળીને આઝાદીનું આગમન વધાવી રહ્યાં હતા, ત્યારે ગાંધીને સારું લાગ્યું.
પંદર ઓગસ્ટના ચોથા એક સમાચાર એ હતા કે આઝાદીના દિવસે દેશ રાજી હતો, પરંતુ લોર્ડ માઉન્ટબેટન નારાજ હતા. ભારત-પાકિસ્તાન બંને દેશના ગવર્નર જનરલ તરીકે માઉન્ટબેટન રહેશે. આ નિર્ણયને ભારતે તો અમલી બનાવ્યો, પરંતુ ઝીણા ફરી ગયા. એમણે માઉન્ટબેટનની ગવર્નર જનરલની ભૂમિકા રદ કરીને પોતે જ પાકિસ્તાનની સંપૂર્ણ સત્તા સંભાળવાનું નક્કી કર્યું. માઉન્ટબેટનને સત્તા ગુમાવ્યા ઉપરાંત ઝીણાનું ફરી જવું બહુ ખૂંચ્યું.
No comments:
Post a Comment