Pages

Monday, 9 October 2023

ઈઝરાયલ - હમાસની જંગને લઈને ઈસ્લામિક દેશોમાં તડાં, સાઉદી-યુએઈથી લઈને તુર્કી સુધી થઈ અસર...


યહુદી બહુમતી ધરાવતા દેશ ઈઝરાયેલ અને મુસ્લિમ બહુમતી ધરાવતા પેલેસ્ટાઈનમાં સ્થિત હમાસ આતંકીઓ વચ્ચે બે દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. આતંકી સંગઠન હમાસે અચાનક જ શનિવારે ઈઝરાયેલ પર હુમલો કરી દીધો હતો. ત્યાર પછી ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હમાસ વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કરી દીધી છે.

હમાસના આ હુમલાના વિરોધમાં પશ્ચિમી દેશો ઈઝરાયેલની સાથે ઊભા રહ્યા છે જ્યારે મોટાભાગના મુસ્લિમ દેશો પેલેસ્ટાઈનના સમર્થનમાં આગળ આવ્યા છે.

મુસ્લિમ દેશો હંમેશા પેલેસ્ટાઈનની સાથે ઊભા રહે છે. તેઓ ઈઝરાયેલ-પેલેસ્ટાઈન મુદ્દે સમાધાન માટે 'ટુ સ્ટેટ રિઝોલ્યુશન' એટેલે કે પેલેસ્ટાઈનવાસીઓ માટે એક અલગ રાષ્ટ્રની વકીલાત કરી રહ્યા છે. જોકે, ઈઝરાયેલ-પેલેસ્ટાઈનના તાજા યુદ્ધ અંગે કેટલાક મુસ્લિમ દેશોની પ્રતિક્રિયા જોઈને લાગી રહ્યું છે કે તેમણે ઈઝરાયેલ પ્રત્યે નરમ વલણ અપનાવ્યું છે. આ યુદ્ધ મુદ્દે ઈસ્લામિક દેશોના રિએક્શન પર એક નજર.:

ઈરાનનું પેલેસ્ટાઈનને સમર્થન : કહ્યું આત્મરક્ષા માટે આગળ આવ્યું.
ઈરાનના વિદેશ મંત્રાલયે ઈઝરાયેલ પર હુમલાને પેલેસ્ટાઈને આત્મરક્ષણ માટે ઉઠાવેલું પગલું ગણાવ્યું છે. આ સાથે જ વિદેશ મંત્રાલયે મુસ્લિમ દેશોને અપીલ કરી છે કે તે પેલેસ્ટાઈનનું સમર્થન કરવા આગળ આવે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નાસિ કનાનીએ કહ્યું કે, આ ઓપરેશન પોતાના અધિકારોના રક્ષણ અને ઈઝરાયેલના યુદ્ધોન્માદી અને ઉશ્કેરણીજનક નીતિઓ પ્રત્યે પેલેસ્ટાઈનવાસીઓની સ્વાભાવિક પ્રતિક્રિયા છે. ઈઝરાયેલ પર હમાસના હુમલા પછી ઈરાનમાં રાજધાની તેહરાનના રસ્તા પર લોકોએ ફટાકડા ફોડી ઊજવણી કરી હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

કતારે યુદ્ધ માટે ઈઝરાયેલને જવાબદાર ગણાવ્યું.
ઈસ્લામિક દેશ કતારે ઈઝરાયેલ-પેલેસ્ટાઈનના યુદ્ધ માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યું છે. કતારના વિદેશ મંત્રાલયે કહ્યું, વર્તમાન તણાવ માટે માત્ર અને માત્ર ઈઝરાયેલ જવાબદાર છે. કારણ કે તે પેલેસ્ટાઈનના લોકોના અધિકારોનું દમન કરતું રહે છે. સાથે જ ઈઝરાયેલી સુરક્ષા બળો સતત અલ-અક્સા મસ્જિદ પર દરોડા પાડે છે. પેલેસ્ટાઈનના લોકોના કાયદાકીય અધિકારોનું સન્માન કરતા પેલેસ્ટાઈન રાષ્ટ્રની સ્થાપના થવી જોઈએ, જેની રાજધાની પૂર્વી યરુસલેમને બનાવવી જોઈએ.

પેલેસ્ટાઈન માટે અલગ રાષ્ટ્ર જરૂરી : સાઉદી અરબ
મધ્ય-પૂર્વના સૌથી પ્રભાવશાળી દેશોમાંના એક સાઉદી અરબે તાજેતરમાં જ ઈઝરાયેલ સાથે તેના સંબંધો સુધારવા પ્રયત્ન કર્યો છે. અમેરિકાના પ્રયત્નથી બંને દેશ રાજદ્વારી સંબંધ સ્થાપિત કરવા માટે શાંતિ વાટાઘાટો પણ કરી રહ્યા છે, પરંતુ આ જ સમયમાં પેલેસ્ટાઈન સાથે ઈઝરાયેલના યુદ્ધે આ પ્રયત્નોને મોટો ફટકો પહોંચાડ્યો છે. બંને પક્ષો વચ્ચે સંઘર્ષ અંગે સાઉદી અરબે પેલેસ્ટાઈનવાસીઓના અધિકારોની ભલામણ કરી છે.

સાઉદી વિદેશ મંત્રાલયે કહ્યું, સાઉદી અરબ પેલેસ્ટાઈનના અનેક જૂથો અને ઈઝરાયેલના કબજાવાળી તાકતો વચ્ચે અભૂતપૂર્વ સ્થિતિના કારણે થયેલી હિંસા પર નજર રાખી રહ્યું છે. સાઉદી વારંવાર ચેતવણી આપતું હતું કે ઈઝરાયેલ કબજો ચાલુ રાખશે અને પેલેસ્ટાઈનને તેમના અધિકારોથી વંચિત રાખશે તો તેઓ હિંસા કરશે. સાઉદી અરબ પોતાની જવાબદારી સંભાળતા એક વિશ્વસનીય શાંતિ પ્રક્રિયા સ્થાપિત કરવાનું આહ્વાન કરે છે. આ ક્ષેત્રમાં શાંતિ અને નાગરિકોની સુરક્ષા માટે ટુ સ્ટેટ સમાધાન જરૂરી છે.

સંયુક્ત આરબ અમિરાતે હમાસને દોષિત ઠેરવ્યું.
ઈસ્લામિક દેશ યુએઈ મધ્ય પૂર્વનો પહેલો એવો મોટો દેશ છે જેણે અમેરિકાના પ્રયત્નો પછી ઈઝરાયેલ સાથે રાજદ્વારી સંબંધ સ્થાપિત કર્યા છે. વર્ષ 2020માં યુએઈએ ઈઝરાયેલ સાથે અબ્રાહમ સમજૂતી પ હસ્તાક્ષર કર્યા હતા. હવે ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનની લડાઈ અંગે યુએઈનું વલણ એકદમ બદલાયું છે. યુએઈએ કહ્યું કે તાજા તણાવ માટે હમાસ જવાબદાર છે. મંત્રાલયે કહ્યું, ગાઝા પટ્ટી પાસે ઈઝરાયેલના શહેરો અને ગામો વિરુદ્ધ હમાસના હુમલા અત્યંત ગંભીર છે અને તેનાથી ભારે તણાવ પેદા થયો છે.

તુર્કીયેએ મધ્યસ્થતાની દરખાસ્ત કરી.
ઈસ્લામિક દેશ તુર્કીયે અગાઉ ઈઝરાયેલ વિરુદ્ધ પેલેસ્ટાઈનનું સમર્થન કરતું રહ્યું છે. પરંતુ શનિવારે બંને પક્ષોમાં યુદ્ધ શરૂ થયા પછી તુર્કીએ અત્યંત નરમાઈથી આ મુદ્દે ટુ સ્ટેટ રિઝોલ્યુશનની વાત કરતા કહ્યું છે કે તેઓ બંને પક્ષો વચ્ચે તણાવ ઘટાડવા માટે મધ્યસ્થતા માટે તૈયાર છે. તુર્કીયેના પ્રમુખ રેચેપ તૈય્યપ એર્દોગને કહ્યું કે તુર્કી ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ ઘટાડવા માટે રાજકીય પ્રયત્નો માટે કટિબદ્ધ છે. જોકે, તેમણે પ્રદેશમાં શાંતિ માટે ટુ-સ્ટેટ રિઝોલ્યુશન એકમાત્ર પદ્ધતિ હોવા પર ભાર મૂક્યો છે.

No comments:

Post a Comment